ઠંડીની સીઝનમાં સરળતાથી ઉપલબ્ધ એવું લીલું લસણ, લીલા કાંદા અને કાચી હળદરનું સેવન શરીર માટે અમૃતની જેમ કામ કરે છે.
લીલું લસણ, લીલા કાંદા અને કાચી હળદરનું સેવન કરજો
ઠંડીની સીઝનમાં સરળતાથી ઉપલબ્ધ એવું લીલું લસણ, લીલા કાંદા અને કાચી હળદરનું સેવન શરીર માટે અમૃતની જેમ કામ કરે છે. આ ત્રણેય વસ્તુઓ વાનગીનો સ્વાદ તો વધારે જ છે અને સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચન સુધારવાનું તેમ જ શિયાળામાં થતી શરદી-ખાંસી અને સાંધાના દુખાવાની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે
આપણા ગુજરાતીઓનાં ઘરોમાં ઠંડીમાં કાચી હળદરનું શાક બહુ પ્રચલિત છે. કાચી હળદર અને આંબા હળદરને છીણીને એમાં લીંબુ અને મીઠું નાખીને બનાવેલું અથાણું પણ ખવાય છે. ઘણા લોકો કાચી હળદરને દૂધમાં ઉકાળીને પણ પીતા હોય છે. ખાસ કરીને શરદી-ખાંસી થઈ ગઈ હોય આ દૂધ પીવાથી રાહત મળે છે. એવી જ રીતે લીલા લસણની તીખી ચટણી બાજરીના રોટલા સાથે ઘણા લોકો ખાતા હોય છે. ઊંધિયું પણ લીલા લસણ વગર અધૂરું છે. લીલા કાંદા અને બટાટાનું શાક ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે ખાવાની એક અલગ મજા છે. બાજરીના રોટલા સાથે લીલા કાંદા અને લસણનો વઘાર કરેલી ચટણી પણ ઘણાં ઘરોમાં ખવાય. સુરતી સેવખમણી અને લોચામાં પણ લીલું લસણ અને લીલા કાંદા નાખીને ખાવાનો રિવાજ છે. આ ત્રણેય વસ્તુ એવી છે કે એનો તમે શાક, પરાઠા, સૅલડ બધી જ વસ્તુમાં ઉપયોગ કરી શકો. આમ તો લસણ, કાંદા અને હળદર આપણે બારેમાસ ખાતા હોઈએ, પણ એને લીલા અને તાજા સ્વરૂપે ખાવામાં આવે ત્યારે સ્વાસ્થ્યને એનો વધુ લાભ થાય છે. એ વિશે આપણે ન્યુટ્રિશનિસ્ટ ચાંદની સંઘવી સાથે વાત કરીને તેમના જ શબ્દોમાં આના ફાયદાઓ વિશે વાત કરીએ.
ADVERTISEMENT
લીલી-તાજી કેમ વધુ ગુણકારી?
આ ત્રણેય વસ્તુઓ જ્યારે લીલી અને તાજી હોય છે ત્યારે એ બાયોઍક્ટિવ સ્વરૂપમાં હોય છે.
બાયોઍક્ટિવ એટલે કે એ શરીરમાં ગયા પછી ઝડપથી અને અસરકારક રીતે કામ કરે છે. લીલું લસણ, લીલા કાંદા અને કાચી હળદરમાં પોષક તત્ત્વો જીવંત હોય છે. પાકેલા કાંદા, લસણ કે હળદર પાઉડરની સરખામણીમાં આ બધી વસ્તુઓ ફ્રેશ ખાઈએ તો આપણું શરીર એને વધુ ઝડપથી અને સરળતાથી શોષી શકે છે. કોઈ પણ વનસ્પતિ જ્યારે એના ગ્રોઇંગ સ્ટેજ એટલે કે વિકાસના તબક્કા પર હોય ત્યારે એમાં ઍક્ટિવ કમ્પાઉન્ડ્સનું સ્તર સૌથી વધુ હોય છે. ઍક્ટિવ કમ્પાઉન્ડ્સ એટલે એવાં કુદરતી રાસાયણિક તત્ત્વો જે વનસ્પતિની અંદર રહેલાં હોય છે. દરેક છોડમાં અમુક ખાસ દવા જેવા ગુણો ધરાવતાં તત્ત્વો હોય છે જે રોગ સામે લડવામાં મદદ કરે છે. ઍક્ટિવ કમ્પાઉન્ડ્સ એટલે છોડની એ કુદરતી શક્તિ જે આપણા શરીર માટે દવાનું કામ કરે છે. આ શક્તિ લીલી અને તાજી વસ્તુઓમાં સૌથી વધુ હોય છે.
પોષક તત્ત્વો વિશે
હળદરનું મુખ્ય તત્ત્વ કર્ક્યુમિન હોય છે. હળદરના પાઉડર કરતાં કાચી હળદરમાં રહેલું કર્ક્યુમિન આપણું શરીર વધુ સારી રીતે અને ઝડપથી ઍબ્સૉર્બ કરી શકે છે. કાચી હળદરમાં એસેન્શિયલ ઑઇલ્સ એટલે કે કુદરતી તેલ ભરપૂર માત્રામાં હોય છે. આ કુદરતી તેલ જ ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિવાઇરલ તરીકે કામ કરે છે, જે ઇન્ફેક્શન ફેલાવતા બૅક્ટેરિયાનો જડમૂળથી નાશ કરે છે. કાચી હળદરમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને ફાયટોએસ્ટ્રોજન જીવંત સ્વરૂપમાં હોય છે. હળદર સુકાઈને પાઉડર બને છે ત્યારે એ સંપૂર્ણપણે નાશ પામે છે. આ તત્ત્વો હૉર્મોનલ બૅલૅન્સ અને કોષોના નવા સર્જન માટે અત્યંત ઉપયોગી છે.
એવી જ રીતે લીલા કાંદાની વાત કરીએ તો એમાં વિટામિન C હોય છે. વિટામિન C ગરમી અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોવાથી પાકેલા કાંદામાં એનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય છે. લીલા કાંદાનાં પાનમાં વિટામિન K હોય છે જે હાડકાંની મજબૂતી અને હૃદયની નળીઓમાં કૅલ્શિયમને જામતું અટકાવવા માટે અનિવાર્ય છે. લીલા કાંદાનાં પાન જે ઘેરા લીલા રંગનાં હોય છે એ ક્લોરોફિલને કારણે હોય છે. મૅચ્યોર કાંદામાં ક્લોરોફિલ હોતું જ નથી. ક્લોરોફિલ શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું અને લિવરને ડીટૉક્સ કરવાનું કામ કરે છે. બન્ને પ્રકારના કાંદામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે પણ લીલા કાંદામાં ફ્લેવનૉઇડ્સ અને ખાસ કરીને ક્વેરસેટિનનું લેવલ ખૂબ જ ઊંચું હોય છે. એ શિયાળામાં થતી ઍલર્જી, અસ્થમા અને શ્વાસની તકલીફોમાં કુદરતી ઔષધ જેવું કામ કરે છે. લીલા કાંદામાં સલ્ફરનું પ્રમાણ મૅચ્યોર કાંદા કરતાં અલગ પ્રકારનું હોય છે, એ વધુ તીવ્ર અને સક્રિય હોય છે. એ શરીરમાં ઇન્સ્યુલિનના લેવલને મેઇન્ટેન કરવામાં મદદ કરે છે, જે બ્લડશુગરને કન્ટ્રોલ કરવા માટે મૅચ્યોર કાંદા કરતાં વધુ અસરકારક સાબિત થાય છે.
લીલા લસણમાં રહેલું એલિસિન એક શક્તિશાળી નૅચરલ ઍન્ટિબાયોટિક જેવું કામ કરે છે. એમાં રહેલી ઍન્ટિમાઇક્રોબ્યલ અને ઍન્ટિવાઇરલ પ્રૉપર્ટીઝ શિયાળામાં થતાં ઇન્ફેક્શન, બૅક્ટેરિયા અને વાઇરસ સામે લડવામાં શરીરને તાકાત આપે છે. લીલું લસણ આપણાં લિવર એન્ઝાઇમ્સને સક્રિય કરે છે. આ એન્ઝાઇમ્સ શરીરમાં જમા થયેલાં ઝેરી તત્ત્વોને બહાર કાઢીને લિવરને કુદરતી રીતે ડીટૉક્સ કરવામાં મદદ કરે છે. લીલા લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ બ્લડ-સર્ક્યુલેશન સુધારે છે અને હૃદયની નળીઓને સાફ કરવામાં મદદ કરે છે જે ઠંડીની ઋતુમાં બ્લડપ્રેશર જાળવી રાખવા માટે અનિવાર્ય છે.
શિયાળામાં કેમ સારાં?
લીલું લસણ, લીલા કાંદા અને કાચી હળદરને શિયાળામાં ખાવાના અઢળક ફાયદા છે. શિયાળામાં શરીરને બહારની ઠંડી સામે લડવા ઊર્જાની જરૂર હોય છે. આ વસ્તુઓ શરીરમાં આંતરિક ગરમાવો પેદા કરે છે. એ ઠંડી સામે રક્ષણ આપીને શરીરને અંદરથી હૂંફાળું રાખે છે. ઠંડીમાં આપણી પાચનશક્તિ મંદ પડે છે. આ વસ્તુઓમાં રહેતાં એન્ઝાઇમ્સ અને ફાઇબર ગટ-હેલ્થને સુધારે છે. એ ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે જેનાથી શિયાળામાં થતી પેટની સમસ્યાઓમાંથી રાહત મળે છે. ઠંડીમાં લોહીની નળીઓ સંકોચાય છે, જેનાથી બ્લડપ્રેશર વધી શકે છે. આ વસ્તુઓ લોહીને પાતળું રાખવામાં અને બ્લડ-સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે જે હૃદય માટે ખૂબ જ સારું છે. શિયાળામાં શરદી, ઉધરસ, છાતીમાં કફ અને વાઇરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે ત્યારે આ વસ્તુઓ આપણી ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. ઠંડીમાં ઘણા લોકોને સાંધામાં દુખાવો વધી જતો હોય છે. આ વસ્તુઓ શરીરમાં રહેતા ઇન્ફ્લમેશન એટલે કે સોજાને ઘટાડે છે, જેથી ઘૂંટણ અને સ્નાયુઓના દુખાવામાં રાહત મળે છે.
ખાવાની સાચી રીત?
લીલું લસણ, લીલા કાંદા અને કાચી હળદરમાં રહેલા બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ્સ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો એને ખોટી રીતે રાંધવામાં આવે તો એના ઔષધીય ગુણો નાશ પામે છે. લસણને તેલમાં લાંબો સમય સુધી સાંતળવામાં આવે તો એમાં રહેલું એલિસિન નષ્ટ થઈ જાય છે. શાક કે દાળ બની જાય પછી ગૅસ બંધ કરીને છેલ્લે ઉપરથી ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરો. વરાળમાં એ પાકવા દેવાથી એના ગુણો અકબંધ રહે છે. લીલા લસણની ચટણી બનાવીને એને કાચા સ્વરૂપમાં ખાવી સૌથી વધુ ફાયદાકારક છે. લીલા કાંદાનો સફેદ ભાગ અને પાન અલગ રીતે વાપરો. સફેદ ભાગને તમે શાક બનાવતી વખતે વઘારમાં વાપરી શકો, પરંતુ લીલાં પાનને ક્યારેય તેલમાં ચડવા ન દો. લીલાં પાનને હંમેશાં પીરસતી વખતે ગાર્નિશ તરીકે અથવા સૅલડમાં વાપરો. લીલા કાંદાનો ઉપયોગ કાચો કરવાથી વિટામિન C પૂરેપૂરું મળે છે. એવી જ રીતે હળદરમાં રહેલું કર્ક્યુમિન ફૅટ સાથે ભળે તો જ શરીર એને ઍબ્સૉર્બ કરી શકે છે. જો તમે હળદરનું શાક બનાવતા હો તો એમાં થોડા ઘીનો ઉપયોગ કરો. ઘી હળદરનાં પોષક તત્ત્વોને શરીરમાં ઍબ્સૉર્બ થવામાં મદદ કરશે. હળદરની સાથે હંમેશાં ચપટી કાળાં મરીનો ઉપયોગ કરો. મરીમાં રહેલું પિપરીન પણ કર્ક્યુમિનનું શોષણ વધારી દે છે.


