વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ જાન્યુઆરીએ સામેલ થશે : ૧૦૮ અશ્વો સાથે નીકળશે શૌર્યયાત્રા, ૧૫ જિલ્લાના પોલીસ અશ્વદળના અશ્વો અને સવારો થશે સામેલ
ઓમકાર નાદ અને શંખનાદ સાથે સોમનાથમાં સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો હતો. ગુજરાત પોલીસે શૌર્યયાત્રાનું રિહર્સલ કર્યું હતું.
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ગઈ કાલથી આધ્યાત્મિકતાની અલખ જગાવતા સોમનાથ સ્વાભિમાન પર્વની શ્રદ્ધાપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ હતી. સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે.
૧૦ જાન્યુઆરીએ સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે. ૧૧ જાન્યુઆરીએ તેઓ ભગવાન સોમનાથનાં દર્શન કરીને પર્વમાં સહભાગી બનશે. તેઓ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત રોડ-શો અને શૌર્યયાત્રામાં જોડાશે તથા જનસભાને સંબોધશે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં યોજાનારી શૌર્યયાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના ૧૦૮ ઘોડેસવારો ભાગ લેશે. એ માટે ગુજરાત પોલીસ અશ્વદળના ૧૫ જિલ્લાના અશ્વો અને સવારો ગઈ કાલે સોમનાથ આવી પહોંચ્યા હતા અને રિહર્સલ કર્યું હતું.
ADVERTISEMENT
આધ્યાત્મિકતાનો માહોલ રચાયો
ગુજરાતભરમાંથી સોમનાથ આવેલા ૨૫૦૦ જેટલા ઋષિકુમારો દ્વારા ૭૨ કલાકના અખંડ ઓમકારના મંત્રજાપ શરૂ થયા હતા. શંખનાદ અને ડમરુના નાદ સાથે ઋષિકુમારો દ્વારા
ઉચ્ચારાયેલા ઓમકારના નાદથી આધ્યાત્મિકતાનો માહોલ રચાયો હતો અને દર્શનાર્થીઓને વાતાવરણમાં પવિત્રતાનો અહેસાસ થયો હતો. યાત્રાળુઓએ પણ ઓમકાર નાદ કરીને સોમનાથ મહાદેવની ભક્તિ કરી હતી.
શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે સોમનાથ
ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચી રહ્યા છે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતનાં સ્થળેથી વિશેષ ટ્રેન દ્વારા શ્રદ્ધાળુઓ સોમનાથ પર્વમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. સોમનાથ રેલવે-સ્ટેશન પર ટ્રેન આવતાં જય સોમનાથના નારા ગુંજ્યા હતા.
ઇતિહાસ દર્શાવતો ડ્રોન-શો
સ્વાભિમાન પર્વ દરમ્યાન ૩૦૦૦ ડ્રોન દ્વારા સોમનાથનો ઇતિહાસ દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમ્યાન મંદિરની રક્ષા માટે પ્રાણ
ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત કરતી શૌર્યયાત્રા યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.


