દિલ્હીના એક કાર્યક્રમમાં આૅર્થોપેડિક ડૉક્ટર્સે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બલ્કી બૉડી બનાવવાની લાયમાં સ્ટેરૉઇડ અને પ્રોટીન પાઉડરનો આડેધડ વપરાશ ભરયુવાનીમાં હિપ ડૅમેજ કરી શકે છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ફિટનેસ-ફ્રીક ઇન્ફ્લુઅન્સર્સના ફિઝિકને જોઈને તેમના જેવી હેવી બૉડી બનાવવાની ઘેલછા યુવાનોને થાય છે. બલ્કી અને હેવી બૉડી બનાવવા માટે મસલ્સ ગેઇન કરવા પડે અને એના માટે સમય લાગે, કારણ કે મસલ્સ ગેઇન કરવાની પ્રક્રિયા સ્લો અને સ્ટેડી હોય છે પણ અત્યારના યુવાનોમાં ધીરજ ન હોવાથી સ્ટેરૉઇડના ડોઝ લઈને અને અનવેરિફાઇડ પ્રોટીન પાઉડરને આડેધડ પીવાને લીધે બૉડી બનવાને બદલે એમાં નવી સમસ્યાઓ ઊભી થાય છે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમાં ઑર્થોપેડિક ડૉક્ટર્સે આ મામલે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સ્ટેરૉઇડના ઓવરડોઝ અને અનરેગ્યુલેટેડ પ્રોટીન પાઉડરના વપરાશથી ૨૦થી ૩૦ વર્ષના જિમ જતા યુવાનોમાં હિપ ડૅમેજ થવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ આવા કેસ વૃદ્ધોમાં જોવા મળતા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં આ બીમારી વધી રહી છે. મેડિકલની ભાષામાં આ બીમારીને અવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે AVN કહેવાય. હાડકાને લગતી આ સમસ્યા કઈ રીતે શરીરમાં ઘર કરે છે અને એનાથી બચવા શું કરવું જોઈએ એ વિશે પરેલની ગ્લેનીગલ્સ હૉસ્પિટલના સિનિયર ઑર્થોપેડિક કન્સલ્ટન્ટ ડૉ. અનુપ ખત્રી પાસેથી જાણીએ...
અવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે શું?
ADVERTISEMENT
AVN એટલે કે અવાસ્ક્યુલર નેક્રોસિસ એક પ્રકારનો હાડકાનો રોગ છે. આ બીમારીમાં હાડકાંને પૂરતો રક્તપ્રવાહ મળતો નથી, જેને લીધે હાડકાંની કોશિકાઓ સુકાઈ જાય છે અને
ધીરે-ધીરે એ મરી જાય છે. કોષ મરે એને નેક્રોસિસ કહેવાય. આવું થાય ત્યારે હાડકું ધીરે-ધીરે નબળું પડે અને જો ધ્યાન આપવામાં ન આવે તો જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સુધી વાત પહોંચી શકે છે. સામાન્યપણે આ બીમારી સૌથી વધુ હિપ જૉઇન્ટમાં જ જોવા મળે છે. હિપ એક સૉકેટ અને બૉલને જૉઇન્ટ કરીને બનેલો હોય છે. ત્યાં બ્લડ-સપ્લાય ઓછી થાય તો AVN થાય. એવું નથી કે આ ફક્ત હિપ જૉઇન્ટ્સમાં જ થાય, ઍન્કલ અને કાંડા ઉપરાંત ખભા અને ઘૂંટણમાં પણ આ સમસ્યા સર્જાઈ શકે છે, પણ શક્યતાઓ ઓછી હોય છે.
મુખ્ય કારણો
મુખ્યત્વે AVN થવાનાં એક કરતાં વધુ કારણ હોઈ શકે છે, પણ એમાં પ્રમુખ કારણ તો સ્ટેરૉઇડનો ઇન્ટેક જ છે. જિમ જતા લોકો મસલ્સ ગેઇન કરવા માટે લાંબા સમય માટે સ્ટેરૉઇડ લેતા હોય છે. વર્કઆઉટ દરમિયાન લેવાતા સ્ટેરૉઇડને કારણે મસલ્સ ગેઇન થાય છે, પોસ્ટ-એક્સરસાઇઝ શરીરને વધુ તકલીફ થતી નથી અને સ્ટૅમિના જળવાઈ રહે છે. આવા લોકોમાં AVNની સમસ્યા સર્જાવાના ચાન્સિસ બહુ હાઈ હોય છે. એવું નથી કે જિમમાં જતા લોકો જ સ્ટેરૉઇડ લે છે. અસ્થમાની બીમારી ધરાવતા લોકોને પણ સ્ટેરૉઇડ આપવામાં આવે છે. સ્કિન સંબંધિત ઍલર્જીને લીધે ગંભીર સમસ્યા સર્જાય ત્યારે એને કન્ટ્રોલમાં લાવવા માટે સ્ટેરૉઇડ અપાય છે. જો એ ડૉક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ લેવામાં આવે તો ઠીક છે, પણ પ્રિસ્ક્રાઇબ કર્યા વગર આ ડ્રગને લેવાથી આડઅસર થવી સ્વાભાવિક છે. એ રક્તવાહિની પર અસર કરે છે અને હિપ જૉઇન્ટને લોહી પહોંચાડતી નસો સુકાવા લાગે છે. ત્યાં લોહી ન મળવાથી હિપ જૉઇન્ટ્સ પર એની અસર થાય છે અને અવાસ્ક્યુલર નેક્રોસિસ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત ફ્રૅક્ચર આવવાથી રક્તપ્રવાહ પ્રભાવિત થવાથી આવું થવાના ચાન્સ વધુ રહેલા હોય છે. ઘણી વાર આ બીમારી થવાનું કારણ ફક્ત સ્ટેરૉઇડ જ નથી હોતું, દારૂના અતિસેવનથી પણ રક્તવાહિનીઓ પર અસર થાય છે અને AVNની સમસ્યા સર્જાય છે. ઘણી વાર અનરેગ્યુલેટેડ પ્રોટીન પાઉડર એટલે કે FDA દ્વારા અપ્રૂવ્ડ ન હોય એવી બ્રૅન્ડના પ્રોટીન પાઉડરમાં સ્ટેરૉઇડની ભેળસેળ કરેલી હોય છે. આવા સમયે શરીરમાં કેટલા પ્રમાણમાં સ્ટેરૉઇડ જાય છે અને પ્રોટીન કેટલું જવું જોઈએ એનું નિયંત્રણ કોઈ કરતું નથી, એને કારણે હાડકાંને અસર થાય છે.
પ્રારંભિક લક્ષણો
AVNના ચાર તબક્કા હોય છે. પહેલા બે સ્ટેજમાં તો ખબર જ નહીં પડે કે બૉડીમાં કંઈ પ્રૉબ્લેમ છે. આરંભમાં કોઈ લક્ષણ દેખાશે નહીં. એક્સરે કરશો તો પણ ખબર નહીં પડે અને આ બીમારી ડિટેક્ટ નહીં થાય. થોડા સમય બાદ સાંધામાં કડાકાનો અવાજ આવવો, ચાલવામાં તકલીફ થવી, પગ કે હિપમાં દુખાવો થવો જેવાં લક્ષણો દેખાય તો તરત જ ઑર્થોપેડિક ડૉક્ટર્સને કન્સલ્ટ કરવા. શરીરમાં આવતા નાના ચેન્જિસને નોટિસ કરવા જેથી સમયસર સારવાર થઈ શકે. MRIના રિપોર્ટમાં બીજા સ્ટેજમાં ખબર પડે તો તાત્કાલિક અને સમયસર સારવાર શક્ય છે. જેમ સમય લેશો એમ હાડકું નબળુ પડતું જશે અને રિપ્લેસમેન્ટ સર્જરી સુધી પહોંચી શકે છે.
શું છે ઉપાય?
બૉડી બનાવવા માટે સ્ટેરૉઇડ અને અનરેગ્યુલેટેડ પ્રોટીન પાઉડર જે લોકો લે છે તેઓ
જાણતાં- અજાણતાં શૉર્ટકટ અપનાવી રહ્યા છે. સ્ટેરૉઇડમાં પણ ઍનાબોલિક સ્ટેરૉઇડ મસલ્સ ગેઇન કરવાનું કામ કરે છે. ઘણા મૉડલ્સ અને દરેક સ્તરે યોજાતી બૉડી-બિલ્ડિંગ કૉમ્પિટિશિનમાં ભાગ લેતા લોકો આ સ્ટેરૉઇડ લે છે, પણ ડૉક્ટર્સ કે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં કોઈ સ્ટેરૉઇડ ખાવાની સલાહ આપે નહીં કારણ કે બધા જ જાણે છે કે એ નુકસાનકર્તા છે. મસલ્સ ગેઇન કરવા હોય તો એનો રસ્તો એક જ છે - હેલ્ધી અને બૅલૅન્સ્ડ ડાયટ ખાઓ, પૂરતી ઊંઘ લો, વ્યસન છોડો, હેલ્ધી લાઇફસ્ટાઇલને ફૉલો કરો અને થોડી એક્સરસાઇઝ કરો.

