બૅટરીથી ચાર્જ થતાં વેહિકલ્સ ચાલતાં-ચાલતાં જ પ્લગ-ઇન કર્યા વગર રીચાર્જ થતાં રહે એવા રોડ બનાવવાની કોશિશ વિશ્વભરમાં થઈ રહી છે.
સ્વીડનનો આ પાઇલટ ઈ-રોડ કાર અને ટ્રક બન્ને માટે છે. આનું નેટવર્ક ૨૦૩૫ સુધીમાં લગભગ ૩૦૦૦ કિલોમીટર સુધી ફેલાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.
બૅટરીથી ચાર્જ થતાં વેહિકલ્સ ચાલતાં-ચાલતાં જ પ્લગ-ઇન કર્યા વગર રીચાર્જ થતાં રહે એવા રોડ બનાવવાની કોશિશ વિશ્વભરમાં થઈ રહી છે. સ્વીડનમાં ઑલરેડી આ પ્રોજેક્ટ નાના પાયે સફળ થયો છે અને હવે વિશ્વના વિવિધ દેશો પર્યાવરણ બચાવવા માટે આવા પ્રયત્નો કરી રહ્યા છે. ભારતમાં પણ દિલ્હીમાં આવો પ્રોજેક્ટ ચર્ચાઈ રહ્યો છે ત્યારે જાણીએ કે આ ઇલેક્ટ્રિક રોડ શું છે?
પર્યાવરણ-ફ્રેન્ડ્લી ટ્રાન્સપોર્ટેશન વિકસે એ માટે વિશ્વભરમાં તૈયાર થઈ રહ્યા છે વાયરલેસ ઈ-રોડ
ADVERTISEMENT
તમને પર્યાવરણની ચિંતા છે એટલે તમે પેટ્રોલમાંથી બૅટરીવાળી સ્કૂટી લીધી, પરંતુ એની સાથે જ તમારે રોજ એમાંથી બૅટરી કાઢીને ચાર્જ કરવાની. એવી જ રીતે કારમાં પણ તમારે ચાર્જિંગ પૉઇન્ટ શોધીને કારને ચાર્જ કરવી પડે. હવે વિચારો કે તમે રસ્તા પર જ સ્કૂટી કે કાર ચલાવી રહ્યા છો અને કોઈ પણ ચાર્જિંગ પૉઇન્ટ વગર કે બૅટરી બહાર કાઢ્યા વગર રોડ પર તમારું વાહન ચાલતાં-ચાલતાં જ ચાર્જ થઈ રહ્યું છે. આ વિચાર જ એક હાઇ-ફાઇ ફિલ્મનો પ્લૉટ લાગે, બરાબરને? સ્વીડન આ કલ્પનાને વાસ્તવિક બનાવવાની કોશિશ કરી રહ્યું છે. વિશ્વનો સૌથી પહેલો દેશ જે પોતાના હાઇવેને ઇલેક્ટ્રિફાઇડ બનાવી રહ્યો છે એટલે કે બૅટરી દ્વારા ચાલતાં વાહનો આપોઆપ ચાર્જ થઈ જાય. જોકે એવું નથી કે સ્વીડન એકમાત્ર દેશ છે જ્યાં ઇલેક્ટ્રિક રોડ બની રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં નાના પાયે આ કાર્ય થઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં મોટા પાયે થવાની શક્યતા છે ત્યારે જાણો કે શું છે ઇલેક્ટ્રિક રોડ અને શા માટે વિશ્વ આ દિશામાં દોટ મૂકી રહ્યું છે.
ઇલેક્ટ્રિફાઇડ રોડ શું છે અને કેવી રીતે કામ કરે છે?
જેવી રીતે આપણે કલ્પના કરીએ છીએ કે મોબાઇલ હાથમાંથી નીચે નથી મૂકવો અને પ્લગ-ઇન પણ નથી કરવો છતાં આપોઆપ ચાર્જ થઈ જાય. એવી રીતે કાર, બસ, ટ્રક કે સ્કૂટી જેવાં EV એટલે કે ઇલેક્ટ્રિકલ વેહિકલને ક્યાંય પણ પ્લગ-ઇન કે ચાર્જર વગર રોડ પર ચાલતાં-ચાલતાં ચાર્જ કરી શકે એવા રોડને ઇલેક્ટ્રિફાઇડ રોડ કહેવાય છે. આ એવો ખાસ રસ્તો હોય છે જેના પર ચાલતી ઇલેક્ટ્રિક ગાડીઓને ક્યાંય સ્ટૉપ લઈને કેબલ વડે ચાર્જ કરવાની જરૂર નથી, પણ ચાલતી-ચાલતી ચાર્જ કરી થઈ જાય છે. આ ટેક્નૉલૉજી મુખ્ય બે રીતે કામ કરે છે : એક કન્ડક્ટિવ સિસ્ટમ અને બીજી વાયરલેસ ઇન્ડક્ટિવ સિસ્ટમ. કન્ડક્ટિવ ટેક્નૉલૉજીમાં રસ્તાની વચ્ચે પાતળા રેલ જેવી લાઇનો બનાવવામાં આવે છે. આ રોડ માટે બનેલી ખાસ ટ્રક કે કાર એ રસ્તા પર ચાલે છે ત્યારે વાહનની નીચે લગાવેલું પાવર કનેક્ટર એ રેલ સાથે જોડાય છે અને વીજળી ગાડી સુધી પહોંચે છે. બીજી તરફ વાયરલેસ ઇન્ડક્ટિવ ટેક્નૉલૉજી વધુ આધુનિક છે. એમાં રસ્તાની અંદર કૉઇલ (તારનું ગૂંચળું કરીને બનાવેલા ચક્રાકાર ભાગ) લગાડવામાં આવે છે. ગાડી એ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે એ કૉઇલ ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડ બનાવે છે જેને ગાડીમાં લાગેલું રિસીવર પકડી લે છે અને બૅટરી ચાર્જ થવા લાગે છે. જ્યારે ઇલેક્ટ્રિક કરન્ટ એટલે કે વીજપ્રવાહ વહે છે ત્યારે એની આસપાસ નજરે ન દેખાતું પણ અસરકારક ક્ષેત્ર ઊભું થાય છે, જેને ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડ (EM Field) કહેવાય છે. આ ફીલ્ડમાં વીજળી અને ચુંબકીય શક્તિ બન્ને જોડાયેલી હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વાયરમાં કરન્ટ વહે છે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બને છે. એ જ સિદ્ધાંત વાયરલેસ મોબાઇલ ચાર્જર, ઇન્ડક્શન કુકર અને વાયરલેસ ઇલેક્ટ્રિક રોડ જેવી ટેક્નૉલૉજીમાં ઉપયોગ થાય છે. આ ક્ષેત્રનો ઉપયોગ કરીને ઊર્જા એક જગ્યાથી બીજી જગ્યાએ તાર વગર મોકલી શકાય છે. જેમ કે ઇલેક્ટ્રિક રોડ ગાડી સુધી ઊર્જા પહોંચાડે છે. આવા રસ્તાઓ ફ્યુચરમાં લાંબી મુસાફરીઓમાં ચાર્જિંગ-સ્ટેશન પર રોકાવાની જરૂરિયાત ઘટાડશે અને ઇલેક્ટ્રિક વાહનોને વધુ લોકપ્રિય બનાવશે.
સ્વીડન વિશ્વ માટે પ્રેરણા
સ્વીડન દુનિયાનો સૌપ્રથમ સ્થાયી ઇલેક્ટ્રિક રોડ બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે, જે સ્વીડનનાં બે મહત્ત્વનાં શહેરો હૉલ્સબર્ગ અને ઑરેબ્રો વચ્ચેનો ૨૦ કિલોમીટરનો E20 હાઇવે છે. સ્વીડનના ટ્રાન્સપોર્ટ વિભાગ (Trafikverket) દ્વારા ત્રણ પ્રકારની ટેક્નૉલૉજી માટે વિચાર કરવામાં આવ્યો હતો : કન્ડક્ટિવ રેલ સિસ્ટમ, વાયરલેસ ઇન્ડક્ટિવ ચાર્જિંગ અને ઓવરહેડ વાયર સિસ્ટમ. આ પ્રોજેક્ટ માટે લગભગ ૫૦૦થી ૬૦૦ મિલ્યન SEK (Swedish kronor) એટલે કે ૩૯૦ કરોડથી ૪૬૮ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થવાનું માનવામાં આવતું હતું. શરૂઆતમાં ધ્યેય હતું કે આ રોડ ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઈ જાય, પરંતુ ૨૦૨૩માં ટેન્ડર દરમ્યાન મળેલા ખર્ચનો અંદાજ ખૂબ ઊંચો આવ્યો એટલે ૨૦૨૪માં સ્વીડન સરકારે આ પ્રોજેક્ટને થોડા સમય માટે રોકી દીધો છે અને હજી સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી. જે રોડ ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઈ જવો જોઈએ એ અટકી ગયો છે. જોકે આ ઇલેક્ટ્રિક રોડ પ્રોજેક્ટ આજે પણ સ્વીડનનો ગર્વ છે. જો સફળ થાય તો આ ઇલેક્ટ્રિક રોડ ભવિષ્યમાં યુરોપ અને દુનિયાના અન્ય દેશોમાં પણ ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ માટે એક મૉડલ બની શકે છે.
બીજા કયા દેશોમાં ચાલી રહ્યા છે ઈ-રોડ પ્રોજેક્ટ?
સ્વીડને ૨૦૧૮માં વિશ્વનો પહેલો ઇલેક્ટ્રિક રોડ બનાવ્યો હતો. એમાં સ્ટૉકહોમ નજીક આર્લાન્ડા ઍરપોર્ટ અને રોઝર્સબર્ગ વચ્ચે કન્ડક્ટિવ ટ્રૅક વડે ટ્રકને મુસાફરી દરમ્યાન ચાર્જ કરવાની સુવિધા મળી હતી. આ પ્રોજેક્ટને eRoadArlanda નામ આપવામાં આવ્યું હતું. આ પછી વિશ્વના ઘણા દેશોએ આવી ટેક્નૉલૉજી પર કામ શરૂ કર્યું હતું.
જર્મનીએ ૨૦૧૯માં ફ્રૅન્કફર્ટ નજીક ઈહાઇવે પ્રોજેક્ટ શરૂ કર્યો, જ્યાં હાઇબ્રિડ ટ્રકો માટે ઓવરહેડ વાયર (મોટી ટ્રક માટે રસ્તા પર વાયર, જેમ ટ્રેનમાં હોય છે) દ્વારા વીજળી આપી હતી.
ઇઝરાયલે ૨૦૨૦માં તેલ અવિવમાં પહેલા વાયરલેસ ઇન્ડક્ટિવ ચાર્જિંગ રોડ શરૂ કર્યા જેમાં બસ રસ્તા પર ચાલતાં-ચાલતાં ચાર્જ થઈ શકે એવી ટેક્નૉલૉજી અપનાવવામાં આવી છે.
આ બધા દેશો આવી ટેક્નૉલૉજી વાપરીને પર્યાવરણને બચાવવા મથી રહ્યા હોય ત્યારે અમેરિકા કેમ પાછળ રહી જાય. ૨૦૨૩માં અમેરિકાના ડેટ્રોઇટમાં પહેલો વાયરલેસ ઇલેક્ટ્રિક રોડ શરૂ થયો અને ઇન્ડિયાના પેરડ્યુ યુનિવર્સિટીએ પણ ચાર્જિંગ રોડના પ્રયોગો શરૂ કર્યા.
ઇટલીએ મોડેના ખાતે ‘ટેસ્ટ ટ્રૅક’ બનાવ્યો અને ફ્રાન્સે પણ ઇન્ડક્ટિવ રોડ માટે પ્રારંભિક પ્રયત્નો કર્યા. સ્વીડન સિવાય આ બધા પ્રોજેક્ટ પાછળ ઇઝરાયલની કંપની ElectReon હતી. આજે વિશ્વના અનેક દેશો ઇલેક્ટ્રિક રોડ ટેક્નૉલૉજી દ્વારા પરિવહનને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાના પ્રયત્નોમાં લાગેલા છે. જોકે આ બધા જ પ્રયત્નો હજી પણ પ્રારંભિક તબક્કામાં જ છે.
પર્યાવરણને ફાયદો અને પૉકેટને પણ
પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવા માટેના પ્રયત્નમાં જો ઇલેક્ટ્રિક રોડ સિસ્ટમ સફળતાપૂર્વક વિશ્વભરમાં લાગુ થાય તો ૨૦૩૦થી ૨૦૬૦ વચ્ચે માત્ર યુરોપમાં જ ૧૨થી ૨૪ મિલ્યન ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થાય એવી શક્યતા છે. સાથે-સાથે રસ્તા પર વીજળી દ્વારા સતત ચાર્જ થતી ગાડીઓમાં મોટી બૅટરીની જરૂર નહીં પડે અને મોટા ભાગના મુસાફરો માટે ૭૦ ટકા સુધી ઈંધણખર્ચ બચાવી શકશે. સ્વીડન ૨૦૩૫થી ૨૦૪૫ સુધીમાં ૩૦૦૦ કિલોમીટરથી વધુ ઇલેક્ટ્રિક રોડનું નેટવર્ક વિકસાવવા માગે છે જેમાં યુરોપના દેશોને પણ જોડવા માગે છે.

