દિંડોશી પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે
રાજીવ ગાંધી નગરમાં રહેતી આકૃતિ યાદવ નામની બાળકીની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી
ગોરેગામ-ઈસ્ટમાં રહેતી ૪ વર્ષની બાળકી પાણી ભરેલા ડ્રમમાં ઊંધી પડીને ડૂબી ગઈ હતી. રાજીવ ગાંધી નગરમાં રહેતી આકૃતિ યાદવ નામની બાળકીની માનસિક સ્થિતિ યોગ્ય નહોતી. તે બોલી
પણ નહોતી શકતી અને ઘૂંટણિયે જ ચાલતી હતી.
રાજીવ ગાંધી નગરમાં થોડા સમય માટે જ પાણી આવતું હોવાથી રોજની જેમ ૧૯ ઑગસ્ટે સવારે પણ આકૃતિની મમ્મીએ બાલદીઓ, ટબ અને ડ્રમ ભરીને પાણીનું સ્ટોરેજ કર્યું હતું. આગલા દિવસે પૂજા હોવાથી અનેક મહેમાનો તેમના ઘરે આવ્યા હતા. એ દરમ્યાન આકૃતિ ઊઠીને રમતી હતી ત્યારે ડ્રમમાં ભટકાઈને એમાં માથાભેર ઊંધી પડી ગઈ હતી. પાણીમાં પહેલાં માથું જવાને કારણે તેનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. તેના પગ ઉપર હતા ત્યારે પૂજા યાદવ નામની મહિલા જે તેમના ઘરે મહેમાન બનીને આવી હતી તેની નજર પડી હતી. પરિવારજનોએ તેને બહાર કાઢીને તાત્કાલિક નજીકની એમ. વી. દેસાઈ હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. ત્યાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. દિંડોશી પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.

