એક સમયે તેઓ પંકજ ઉધાસથી પ્રભાવિત હતા અને તેમને ગઝલગાયક બનવું હતું. ૮ વર્ષની નાની ઉંમરથી લોકસંગીત ગાવાનું શરૂ કરનાર અને છેલ્લાં ૪૦ કરતાંય વધુ વર્ષથી પ્રોફેશનલ ગાયક તરીકે નામના મેળવનારા આ કલાકારને કોણે સાચા માર્ગે વાળ્યા એ જાણો
વીરપુરમાં ગાવા માટે મળેલું 2 રૂપિયાનું ઇનામ દિશાસૂચક બન્યું ચેતન ગઢવી માટે
ચેતન ગઢવી લોકકલાકાર તરીકે ઘણું જાણીતું નામ છે. એક સમયે તેઓ પંકજ ઉધાસથી પ્રભાવિત હતા અને તેમને ગઝલગાયક બનવું હતું. ૮ વર્ષની નાની ઉંમરથી લોકસંગીત ગાવાનું શરૂ કરનાર અને છેલ્લાં ૪૦ કરતાંય વધુ વર્ષથી પ્રોફેશનલ ગાયક તરીકે નામના મેળવનારા આ કલાકારને કોણે સાચા માર્ગે વાળ્યા એ જાણો
૧૯૮૭ આસપાસનો સમય. ગુજરાતથી મુંબઈ આવેલો ચેતન ગઢવી નામનો એક યુવાન ગાયક મુંબઈના કાલબાદેવીથી લઈને કલ્યાણ સુધીના વિસ્તારમાં નાના-મોટા કાર્યક્રમો કરીને પોતાના સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સંગીતમાં ઘણું આગળ વધવા માગતા ઊગતા કલાકારની જેમ તે બધા જ પ્રકારની ગાયકી પર હાથ અજમાવતો હતો. એક દિવસ સંગીતકાર કલ્યાણજીભાઈને મળવાનો મોકો મળ્યો. તેમના મ્યુઝિક-રૂમમાં તેઓ બેઠા હતા. કહ્યું, કશુંક સંભળાવ. એ છોકરાએ જાત-જાતની જે પણ ગાયકી આવડતી હતી બધી સંભળાવી. એકાદ કલાક ગાયા પછી આ છોકરાએ પૂછ્યું કે મારે સંગીતમાં આગળ શું કરવું? તો કલ્યાણજીભાઈએ સામે પૂછ્યું કે તારે શું કરવું છે? એ સમયે પંકજ ઉધાસ ખાસ્સા પ્રચલિત હતા. તેમને જોઈ-જોઈને આ છોકરો પણ શાલ ઓઢીને ગઝલ ગાતો થઈ ગયો હતો. કલ્યાણજીભાઈના પ્રશ્નનો જવાબ આપતાં છોકરાએ કહ્યું, ‘મને ગઝલ ગાવી છે.’ કલ્યાણજીભાઈની સાથે એ સમયે સાધના સરગમ અને સોનાલી બાજપાઈ જેવાં શીખેલા કલાકારો બેઠેલા હતાં. કલ્યાણજીભાઈએ સાધના સરગમને કહ્યું કે તું ગાઈને બતાવ. સાધના સરગમે એક ગઝલ ગાઈ અને પેલો છોકરો સાંભળતો જ રહી ગયો : આટલું અદ્ભુત ગાયન. કલ્યાણજીભાઈ તેના હાવભાવ જોઈને સમજી ગયા. તેમણે સીધું જ કહ્યું, ‘હું તને ગઝલ પ્રૅક્ટિસ કરાવું, તને શીખવું તો તને આ લોકો જેવું ગાતાં ૧૮-૨૦ વર્ષ નીકળી જશે.’ આ સાંભળીને આ છોકરાનું મોઢું પડી ગયું. તેની આંખનો ખૂણો ભીનો થઈ ગયો પણ આંસુ ટપકે એ પહેલાં કલ્યાણજીભાઈએ કહ્યું, ‘પણ તેં જે ગાયું છે, જે તને આવડે છે એ શીખતાં આ લોકોને ૧૮-૨૦ વર્ષ લાગી જશે. લોકસંગીત તારા લોહીમાં છે ગઢવી. એ તું ખૂબ સારું કરી શકીશ. એટલે ગઝલનાં સપનાં મૂકી દે. જે વસ્તુ તારી પાસે છે એને વધુ નિખાર. એના પર મહેનત કર. લોકોના હૃદયમાં સ્થાન તને તારું લોકસંગીત અપાવશે.’
ADVERTISEMENT
અને લોકસંગીતે ચેતન ગઢવીને લોકોના હૃદયમાં જે સ્થાન અપાવ્યું એને પગલે તેઓ છેલ્લાં ૪૦ વર્ષથી લોકસંગીતના કાર્યક્રમ ફક્ત ભારતમાં જ નહીં; લંડન, અમેરિકા, ઓમાન, આફ્રિકા, પોર્ટુગલ, ગલ્ફ દેશોમાં પણ કરી ચૂક્યા છે. ‘મહારાષ્ટ્ર ગૌરવ’, ‘ગુજરાત ગૌરવ’, ‘કચ્છ શક્તિ’, ‘મેઘાણી રત્ન અવૉર્ડ’ જેવા અઢળક અવૉર્ડ્સ અને ઉપાધિઓ તેઓ મેળવી ચૂક્યા છે. છેલ્લાં ત્રણ વર્ષથી વિરારમાં યોજાતી તેમની નવરાત્રિમાં એકસાથે દસેક હજાર લોકો માના ગરબે ઝૂમે છે.
બાળપણ
ચેતનભાઈ મૂળ રાજકોટના પણ તેમનું બાળપણ પોરબંદર, વીરપુર અને રાજકોટ આ ત્રણેય જગ્યાએ વહેંચાયેલું રહ્યું. તેમના પિતા પેઇન્ટર અને મા ગૃહિણી. ઘરમાં કોઈ ગાયક નહોતું, પરંતુ કહેવાય છેને કે ગઢવીનું બાળક જન્મ પછી જ્યારે રડે તો પણ તે સૂરમાં જ રડે. એમ નાનપણથી તેમને ગીત-સંગીતનું ઘેલું હતું. એ વિશે વાત કરતાં ચેતનભાઈ કહે છે, ‘મને યાદ નથી કે હું બીજાં બાળકોની જેમ રમતો રમ્યો હોઉં. રેડિયો ખૂબ સાંભળતો. ડાયરાઓ જોતો. વીરપુરમાં જલારામબાપાના મંદિરે દરરોજ સાંજે ભક્તિમાં જોડાઈ જાઉં. મંજીરાં પકડીને વગાડવા લાગું. એમ કરતાં-કરતાં વચ્ચે એકાદ વખત કોઈ ગાવા દે. આમ કોઈ ફૉર્મલ ટ્રેઇનિંગ નહીં. બસ, ભગવાનની ભક્તિ કરતાં-કરતાં ગાતા થઈ ગયા. મને ગાયન પ્રત્યે ગજબનું આકર્ષણ હતું. મારે એ જ કરવું હતું.’
બે રૂપિયાની બક્ષિશ
નાનપણનો એક યાદગાર કિસ્સો જણાવતાં ૬૧ વર્ષના ચેતનભાઈ કહે છે, ‘લગભગ ૮ વર્ષની ઉંમરે તો મેં પર્ફોર્મ કરવાનું શરૂ જ કરી દીધેલું, પણ એ પ્રોફેશનલ પ્રોગ્રામ ન કહી શકાય. ડાયરામાં કે ભક્તિમાં વચ્ચે-વચ્ચે એકાદ ગીત કોઈ ગાવા આપે, એમ શરૂઆત થઈ. ૮ વર્ષની ઉંમરે એક સ્કૂલમાં વિજ્ઞાનમેળો હતો. એ જગ્યાએ મારે ગીત ગાવાનું હતું. હું ખૂબ ડરતો હતો. આટલા લોકો સામે ગાવાનું ફાવશે કે નહીં એની ચિંતામાં હતો. માએ ત્યારે કહ્યું કે બેટા, તારી આગળ ચોપડી રાખ. આંખો એમાં લખેલા શબ્દો પર રાખ. કોઈને જોતો નહીં, બસ ગાઈ નાખ. મેં એવું જ કર્યું. ત્યારે પ્રેક્ષકોમાંથી એક ભાઈ ઊભા થયા અને મને તેમણે બે રૂપિયાનું ઇનામ આપ્યું. ૧૯૭૫માં વીરપુરમાં આ ઘટના બનેલી. ત્યારના બે રૂપિયા એટલે આજના ૫૦૦ રૂપિયા થયા. હું રાજીનો રેડ થઈ ગયો હતો. એ બે રૂપિયાએ મને કહ્યું હતું કે બેટા, તું ગાઈ શકે છે; આ રીતે કમાઈ પણ શકે છે અને બસ, તું આમાં જ આગળ વધ. એક બાળક જેને બસ, સંગીત ગમતું હતું તેના માટે સંગીત જ તારી સાચી દિશા છે એવું આ બે રૂપિયાએ કન્ફર્મ કર્યું હતું. હું આટલાં વર્ષો પછી ફરી જ્યારે વીરપુર ગયો ત્યારે મેં એ ભાઈને શોધ્યા હતા. લગભગ ૪૦-૫૦ વર્ષ પછી મને તે મળ્યા. ૭૫-૮૦ વર્ષના ડોસા થઈ ગયા હતા. તેમને મેં કહ્યું દાદા, હું એ જ બે રૂપિયાની કિંમતનો કલાકાર, હજી પણ હું એ જ છું. અમે એકબીજાને મળીને ગદ્ગદ થઈ ગયા. જો એ દિવસે તેમણે મને એ બે રૂપિયા ન આપ્યા હોત તો આજે હું અહીં સુધી ન પહોંચી શક્યો હોત એવું હું માનું છું.’
મુંબઈમાં સ્થાયી
ચેતનભાઈએ ગ્રૅજ્યુએશન કર્યું અને સાથે-સાથે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં તેમને જૉબ મળી ગઈ. એ સમયે પોરબંદરના લોકગાયક કનુ બારોટે ચેતન ગઢવીને કહ્યું કે તું સારું ગાય છે, તારે મુંબઈ જવું જોઈએ. તેમણે મુંબઈમાં છૂટાછવાયા પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું. મુંબઈમાં કાલબાદેવીમાં રહેતા સંસદસભ્ય રતનસિંહ રાજડાનાં પત્ની હંસાબહેને ચેતનભાઈને સાંભળ્યા. તેઓ ટ્રેનમાં સાથે મુંબઈ આવી રહ્યાં હતાં. ટ્રેનમાં તેઓ હાર્મોનિયમ અને તબલાં લઈને ગયેલા એટલે રંગત જામેલી. એ સમયે હંસાબહેને પૂછ્યું કે તમે ક્યાં પ્રોગ્રામ કરો છો? તેમણે કહ્યું કે કલ્યાણ. હંસાબહેને કહ્યું, અરે, ખરું મુંબઈ તો તમે જોયું જ નથી. ટૂંક સમયમાં જ તેમણે ચેતનભાઈનો કાલબાદેવીમાં કાર્યક્રમ કરાવડાવ્યો. બધાને કહ્યું કે આ કલાકારનું ધ્યાન આપણે રાખવાનું છે. કોઈએ રહેવાની તો કોઈએ જમવાની વ્યવસ્થા કરી આપી. સાઉથ મુંબઈમાં પૈસા ભેગા કરી-કરીને મંડળી શોઝ કરવા લાગેલી. ૧૯૮૬થી ૧૯૮૮ સુધી તેમણે જ્યાં પ્રોગ્રામ મળે ત્યાં બધે જ કામ કર્યું. ૧૯૮૮માં મીરા રોડમાં ઘર લઈ લીધું અને મુંબઈમાં સ્થાયી થઈ ગયા. હાલમાં તેઓ કાંદિવલી રહે છે.
અનુભવ
એક વખત લોકગાયક તરીકે તેમના પ્રોગ્રામ્સ ચાલવા લાગ્યા એ પછી ખ્યાતિ વધતી ચાલી. ગુજરાતથી મુંબઈ અને મુંબઈથી આખી દુનિયામાં પહોંચતાં તેમને વાર ન લાગી. ૧૯૮૯માં પહેલી વાર ઓમાનથી ઑફર આવી હતી નવરાત્રિ કરવા માટેની. એ પછી તેમણે લગભગ ઘણાં વર્ષો નવરાત્રિ ભારતની બહાર જ કરી. ત્યાંના અઢળક અનુભવોમાંથી એક હૃદયસ્પર્શી અનુભવ વર્ણવતાં ચેતનભાઈ કહે છે, ‘એક વખત હું ન્યુ જર્સીના એડિસન ખાતે ગયેલો. ત્યાં બહાર અમે રખડતા હતા. આમ અમે કાઠિયાવાડી એટલે ઇચ્છીએ તો પણ ધીમું ન બોલી શકાય. અવાજ અમારો પહાડી. જાત-જાતની વસ્તુઓ જોઈ રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા ત્યારે અમને લાગ્યું કે એક માણસ અમારો પીછો કરી રહ્યો છે. થોડે આગળ જઈને અમે તેને પકડી પાડ્યો. દેખાતો હતો ઇન્ડિયન એટલે અમે પૂછ્યું કે શું થયું, કેમ પાછળ-પાછળ ફરે છે? તેણે કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. એટલે મેં પૂછ્યું કે શું વાત છે? તે બોલ્યો, ‘આ ભાષા...તમે જે રીતે વાત કરો છો એમ મારે કરવી છે. હું ગુજરાતી છું. કાઠિયાવાડનો જ. તરસી ગ્યો આ બોલી સાંભળવા ને બોલવા માટે.’ અમે તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા. પહેલાં લાગ્યું કે આ કેવી વાત કરે છે, પણ તેનો ચહેરો જોવા જેવો હતો. એ માણસ અમારી સાથે રહેવા માગતો, હતો કારણ કે તેને પોતાની ભાષામાં વાત કરવી હતી જે તે ત્યાં કરી શકતો નહોતો.’
ભાષા અને સંસ્કૃતિ
આવો જ એક બીજો કિસ્સો સંભળાવતાં ચેતનભાઈ કહે છે, ‘હું અમેરિકામાં એક ડૉક્ટરના ઘરે ગયેલો. ખૂબ જ વિશાળ ઘર. તેમના ઘરના સોફા પર એક વૃદ્ધ માણસ સૂટ પહેરીને સૂનમૂન બેઠેલો. અમે આવ્યા તો પણ તે કંઈ રીઍક્શન જ ન આપે. અમે ત્યાં જ બેસી ગયા અને બધા વાતો કરવા લાગ્યા. એ વાતો સાંભળીને પેલો જેન્ટલમૅન અમારી તરફ વળ્યો. એકદમ તેમની આંખો ચમકી. તેમના હાવભાવ પરથી અમને લાગ્યું કે કંઈક તો બોલવા માગે છે, પણ બોલી શકતા નથી. એટલે અમે અમારા અંદાજમાં પૂછ્યું કે બોલો બાપા. આ સાંભળીને વધુ રાજી થઈ ગયા તે. તેમણે અમને કહ્યું કે હું તો ગામમાં ચોયણી પહેરતો, આ મારો દીકરો અમેરિકાનો મોટો ડૉક્ટર થયો તો હવે તે મને પાટલૂન પહેરાવે છે, પરાણે એ પહેરીને આ સોફા પર બેસી રહું છું, તમે તેને સમજાવોને કે મને જવા દે, મારો જીવ ત્યાં જ છે. તે રોવા જેવા થઈ ગયા હતા. અમે તેમની સાથે ખૂબ વાતો કરી. તેમને સમજાવ્યા પણ. સાચું કહું તો આવા ઘણા અનુભવ અમને થયા છે અને એનાથી જ અમે સમજી શકીએ છીએ કે ભાષા અને સંસ્કૃતિ કેટલી મોટી બાબત છે એનાથી લોકો અજાણ છે. જ્યારે એ તમારાથી દૂર થાય ત્યારે માણસ જડથી ઊખડેલા વૃક્ષ જેવો થઈ જાય છે.’
પરિવાર
ચેતનભાઈનાં બે સંતાનો છે. તેમનાં પત્ની સરલાદેવી થોડાંક વર્ષ પહેલાં કાર્ડિઍક અરેસ્ટને કારણે ગુજરી ગયાં. તેમની દીકરી મિત્સુ પરણીને ઓમાન ગઈ હતી અને પાછળથી તે દુબઈ શિફ્ટ થઈ. એ પછી તેમનો દીકરો નિનાદ પણ બહેન પાસે દુબઈ જતો રહ્યો. દીકરીનો દીકરો છે શિવાંશ, જે સહજ રીતે ચેતનભાઈને ખૂબ વહાલો છે પણ મિત્સુ કે નિનાદ બન્નેમાંથી કોઈએ સંગીત અપનાવ્યું નહીં. નિનાદ સારું ડ્રમ વગાડતો હતો, પરંતુ પિતાની નામના તેને પોતાની રીતે આગળ વધવામાં નડતરરૂપ ન બને એટલે તેણે સંગીતને કરીઅર તરીકે લીધું નથી. ચેતનભાઈ વર્ષમાં બે મહિના દુબઈ રહે છે. પોતાની વાત કરતાં તેઓ કહે છે, ‘બાળકો ખૂબ કહે છે કે હું ત્યાં જ જતો રહું પણ મારું સંગીત અહીં છે એટલે હંમેશ માટે ત્યાં જવાનું શક્ય નથી. બે મહિના કોઈ પ્રોગ્રામ કરતો નથી અને ત્યાં તેમની સાથે રહું છું. મજા આવે છે. શિવાંશને સંગીત શીખવું છું.’
અહીં એકલા રહેવાનું ગમે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘૬-૮ મહિના પહેલાં મેં સંગીત શીખવવાનું શરૂ કર્યું. હાલમાં થોડા વ્યવસ્થિત ગાતા હોય એવા ૧૮-૨૦ છોકરાઓ છે મારી પાસે જેમને હું મ્યુઝિક શીખવું છું. જે મને ભગવાને આપ્યું છે એ તેમને આપવાની કોશિશ કરું છું. તેમને શીખવીને જઈશ તો આટલાં વર્ષોની સમજ અને જાણકારી ફળશે. જે પામ્યા છીએ એટલું આપીને જઈએ એટલે બસ.’
જલદી ફાઇવ
સંગીત સિવાયનો રસ - ઓશોને હું ખૂબ માનું છું. એટલે સમય મળે તો તેમને વાંચ્યા કરું, સાંભળ્યા કરું. કોરોનામાં રસોઈ શીખવાનું શરૂ કર્યું પણ દાળ-ખીચડીથી આગળ વધી શક્યો નથી.
અફસોસ - જેટલાને લાયક હતા એના કરતાં ઘણું વધુ મળ્યું છે એટલે કોઈ અફસોસ નથી પરંતુ ગાયક તરીકે લાગે કે શાસ્ત્રીય સંગીત શીખ્યો હોત તો સારું હતું.
પ્રથમ પ્રેમ - લોકસંગીત. સંગીતની મા લોકસંગીત છે કારણ કે પહેલાં એ આવ્યું અને પછી શાસ્ત્ર બન્યાં, જેમાંથી શાસ્ત્રીય સંગીત આવ્યું.
જીવનનું સૌથી મોટું સુખ અને દુઃખ - એક કલાકાર તરીકે જીવી શક્યો, લોકોના હૃદયમાં સ્થાન પામી શક્યો, આ માન અને સમ્માન મેળવી શક્યો, બસ, એ જ જીવનનું સુખ. બાકી દુઃખ જેવું તો કંઈ નથી. ભગવાને ઘણું-ઘણું આપ્યું છે એનો મને ભરપૂર સંતોષ છે.
જીવનનો સિદ્ધાંત - મેં ગાવાનું શરૂ કર્યું ત્યારે કનુ બારોટે મને શીખવેલું કે શ્રોતા તરીકે બે જણ હોય કે બે હજાર, સાચો કલાકાર એ જે હંમેશાં પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપે; શ્રોતા પર તેનું ગાયન ટકેલું નથી, તેના ખુદ પર એ ટકેલું છે. આગળ જતાં આ જ મારા જીવનની ફિલોસૉફી બની ગઈ.

