Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

લગ્ન કરવાથી આઝાદી છીનવાઈ જાય?

Published : 10 November, 2025 12:01 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

એક સમયે અભિનેત્રી વિદ્યા બાલનને એવું લાગતું હતું, પણ જીવનમાં પતિ સિદ્ધાર્થ રૉય કપૂરની એન્ટ્રી બાદ તેનો આ દૃષ્ટિકોણ બદલાઈ ગયો. આજની ઘણી આધુનિક યુવતીઓ આવું માને છે જે ઘણાખરા અંશે સાચી વાત છે. જોકે બદલાતા સમય સાથે ઘણુંબઘું બદલાયું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. સમાજમાં એવા પુરુષો પણ છે જેઓ લગ્નજીવનમાં ઓનરશિપ નહીં પણ પાર્ટનરશિપમાં માને છે
  2. ચાલો મળીએ એવા પુરષોને
  3. જાણીએ એક્સપર્ટ્સ શું કહે છે

વિદ્યા બાલને એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે તેને લગ્ન જ નહોતાં કરવાં, કારણ કે તેને લાગતું હતું કે લગ્ન પછી છોકરીઓની આઝાદી છીનવાઈ જાય છે. તેને લાગતું હતું કે લગ્ન પછી સ્ત્રીઓ એ નથી કરી શકતી જે તે કરવા ઇચ્છે છે. આવું વિચારવાનું કારણ એ હતું કે તેણે તેની આસપાસ આવું બધું જ જોયું હતું. તેની બહેનપણીઓ લગ્ન કરવાની અને હનીમૂન પર જવાની વાતો કરતી. એ વખતે તે ફક્ત તેમને સાંભળ્યા કરતી. તે ક્યારેય આ બધી વસ્તુમાં રસ લેતી નહોતી. જોકે જ્યારે ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર તેના જીવનમાં આવ્યા ત્યારે લગ્નને લઈને તેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. સિદ્ધાર્થે તેને અનુભવ કરાવ્યો કે લગ્નનો મતલબ આઝાદી છીનવાઈ જવી એવો નથી હોતો, પણ એક એવા સાથીના મળવું હોય છે જે તમને સમજે, સપોર્ટ કરે અને તમારી ઓળખને જાળવીને રાખે. વિદ્યાના કહેવા અનુસાર આપણા પર આપણાં માતા-પિતાના વિચારોનો ખૂબ પ્રભાવ હોય છે. આપણા સંસ્કાર, વિચાર અને આદતો તેમનાથી જ આવે છે. જોકે આપણા જીવનમાં જે પછીથી આવે છે જેમ કે આપણો જીવનસાથી તે પણ આપણને ખૂબ ઊંડાણપૂર્વક બદલી શકે છે. વિદ્યા માને છે કે આજે તે જેવી છે, જેવું વિચારે છે એમાં તેના પતિ સિદ્ધાર્થનું ખૂબ મોટું યોગદાન છે.

સિંગલ રહેવાનું કારણ



આજની મૉડર્ન યુવતીઓમાં લગ્ન કરીશ તો મારી સ્વતંત્રતા અને ઓળખ છીનવાઈ જશે એવો ડર શા માટે હોય છે? એ વિશે વાત કરતાં રિલેશનશિપ કોચ પૂર્વી દલાલ કહે છે, ‘મહિલાઓના મનમાં જે ભય બેસેલો છે એ અચાનક નથી આવતો; સદીઓથી ચાલી રહેલી પરંપરાઓ, સામાજિક અપેક્ષાઓ અને અનુભવમાંથી જન્મ લે છે. ઘણી એવી મહિલાઓ છે જે સિંગલ રહેવાનું પસંદ કરે છે. એનું એક કારણ આ પણ છે. આજની મહિલાઓ આર્થિક રૂપથી સ્વતંત્ર છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. તેમને જીવન જીવવા માટે કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી લાગતી. તેમણે પોતાની આસપાસ ઘણી એવી મહિલાઓ જોઈ છે જેઓ કરીઅરમાં સફળ અને આત્મનિર્ભર હોવા છતાં લગ્ન પછી ઘણી બાબતોમાં બાંધછોડ કરવી પડી હોય. આજે પણ મહિલાઓ પાસેથી એ આશા રાખવામાં આવે છે કે તેઓ ઑફિસના કામની સાથે ઘરનું કામ પણ કરે, પણ પુરુષો પાસેથી ઘરના કામની અપેક્ષા રાખવામાં આવતી નથી.’


સંબંધ બરાબરીનો

સમય સાથે પરિસ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો છે? એ વિશે વાત કરતાં પૂર્વી દલાલ કહે છે, ‘આજના યુવકો હવે એ સમજે છે કે સંબંધ બરાબરી પર ટકે છે, અધિકાર અને જવાબદારીઓ બન્નેની સમાન છે. તેઓ માને છે કે પત્નીની કરીઅર, તેનાં સપનાં, તેની વ્યક્તિગત આઝાદી એટલી જ મહત્ત્વની છે. ઘણા પુરુષો હવે ઘરના કામકાજમાં મદદ કરે છે, બાળકોના ઉછેરમાં બરાબરનો ભાગ લે છે અને પત્નીની કરીઅરને પૂરો સપોર્ટ આપે છે. તેઓ લગ્નને ઓનરશિપ નહીં પણ પાર્ટનરશિપ માને છે. અગાઉના સમયમાં મહિલાઓ તેમના જીવનસાથીના રૂપમાં એક પ્રોવાઇડર શોધતી હતી જે તેમને આર્થિક સુરક્ષા આપે, ઘર ચલાવે અને તેમનો સહારો બને. આજની મહિલાઓને પ્રોવાઇડર નહીં, પાર્ટનર જોઈએ છે. આજની મહિલાઓને પાર્ટનર પાસેથી આર્થિક સુરક્ષા નહીં પણ ભાવનાત્મક સુરક્ષા અને સમાનતાનો ભરોસો જોઈએ છે. તેમને એવો સાથી જોઈએ છે જે તેની ભાવનાઓની કદર કરે અને તેનાં સપનાંને એ જ સન્માનથી જુએ જેવી રીતે તે પોતાનાં સપનાંઓને જુએ છે. નવી પેઢીના સંબંધોની સુંદરતા એ જ છે કે અહીં પ્રેમનો અર્થ એકબીજા પર નિર્ભર હોવું નહીં પણ એકબીજાને સપોર્ટ કરવાનો છે. ઘણી વાર એવું હોય કે યુવક સમજદાર, સંવેદનશીલ અને બરાબરીમાં માનનારો હોય પણ પરિવારની માનસિકતા પરંપરાગત હોય. એવા સમયે પણ પરિવારની કોઈ અપેક્ષાને કારણે પત્ની દુખી થઈ રહી હોય ત્યારે કઈ રીતે સ્ટૅન્ડ લેવું, બાઉન્ડરી કઈ રીતે સેટ કરવી એટલે કે કઈ વસ્તુમાં પરિવારની દખલઅંદાજી ચલાવી લેવી અને ક્યાંથી પત્નીની પોતાની સ્પેસ ચાલુ થાય છે એ બધી બાબતોને લઈને પણ પુરુષો સમજદારીપૂર્વક કામ લેતાં શીખ્યા છે.’


લગ્ન એટલે એક જાતનું બંધન નહીં પણ સંબંધ છે. તમને જો જીવનમાં એવો સાથી મળી જાય જે સમજદાર, ભાવનાત્મકરૂપે સપોર્ટિવ અને બરાબરીમાં માનનારો હોય તો તે તમને જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરે છે.

મૅરેજ એક પાર્ટનરશિપ

નાલાસોપારામાં રહેતી અને રિસર્ચ-ઍનલિસ્ટ તરીકે કામ કરતી ૨૪ વર્ષની અપૂર્વા સિન્હા વીરાનાં લગ્ન હજી આ વર્ષે જ  વીરા થયાં છે. પોતાનો અનુભવ જણાવતાં તે કહે છે, ‘હું પણ એવું વિચારતી હતી કે લગ્ન કરવાથી આઝાદી છીનવાઈ જશે. મેં મારી મમ્મીને જોઈ છે. તે ભણેલી-ગણેલી હતી, માસ્ટર્સ કર્યું હતું, જૉબ કરતી હતી; પણ લગ્ન પછી તેને બધું છોડીને ઘર સંભાળવું પડ્યું. જો તેણે લગ્ન કર્યાં ન હોત અથવા તો તેને લગ્ન પછી જૉબ કરવાની સ્વતંત્રતા મળી હોત તો તે કારકિર્દીમાં ઘણી આગળ વધી હોત, એક નવી ઓળખ બનાવી શકી હોત. છોકરીઓનો ઉછેર પણ એ જ રીતે કરવામાં આવે છે. તેમને હંમેશાં જીવનમાં ઍડ્જસ્ટમેન્ટ કરવાનું શીખવવામાં આવે છે. એટલે મારા મનમાં એવી જ ધારણા હતી કે લગ્ન કરીશ તો કરીઅર સાઇડમાં રહી જશે, પતિના ઘરે જઈને તેનું ઘર જ સંભાળવું પડશે. જોકે અત્યારે પરિસ્થિતિ બહુ જુદી છે. હું લગ્ન પહેલાં જે રીતે મારું જીવન જીવતી હતી અત્યારે પણ એ જ રીતે જીવું છું. ઊલટાનું લગ્ન પછી મારું જીવન વધારે બહેતર થયું છે. હું મૂળ પટનાની છું, પણ સ્ટડી અને જૉબ માટે મુંબઈમાં હૉસ્ટેલમાં રહેતી હતી. લગ્ન પછી તો મને મારું પોતાનું ઘર મળ્યું હોય એવું લાગે છે. અહીં મારી સાથે રહેવાવાળા, મને સમજવાવાળા, મારી કાળજી લેવાવાળા લોકો છે. મારાં સાસુ નથી, પણ સસરા અને હસબન્ડ બન્ને એવો પ્રયત્ન કરે છે કે મને ઘરમાં કોઈ અગવડ ન પડે. અમારું બન્નેનું કલ્ચર પણ ઘણું જુદું છે. એમ છતાં તેમનું હંમેશાં એમ જ કહેવું હોય કે જે રીતે અત્યાર સુધી તું બધું કરતી આવી છે એ રીતે જ આગળ કર, તારે ઍડ્જસ્ટમેન્ટ કરવાની જરૂર નથી.’

મને  ગમવા પાછળનું કારણ એ હતું કે તે મારી ભાવનાઓને ખૂબ સારી રીતે સમજી શકે છે એમ જણાવીને અપૂર્વા કહે છે, ‘તેમનામાં વિવેક પણ ઘણો છે. હું અને મારા હસબન્ડ અમે બન્ને સાથે જ વેલ્થ મૅનેજમેન્ટ બિઝનેસ કરીએ છીએ. બિઝનેસમાં પણ ઘણાં એવાં ડિસિઝન્સ હોય જેમાં અમારા મતો જુદા હોય. એ વખતે પણ માનપૂર્વક કઈ રીતે વર્તવું એ તેમને આવડે છે. બાકી ઘણા પુરુષો હોય જેમને ન ગમે કે કોઈ તેમને ટોકે, તેમની વાત ન માને. હર્ષનું એવું નથી. તે કોઈ દિવસ પોતાની જાતને મારાથી ઉપર દેખાડવાનો પણ પ્રયત્ન ન કરે. એ મને ઇક્વલી ટ્રીટ કરે છે. એટલે તેની આ બધી વસ્તુ જોઈને મને લાગે છે કે મૅરેજ એક પાર્ટનરશિપ છે જે તમને લાઇફમાં ગ્રો થવામાં મદદ કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2025 12:01 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK