સિંહણનો દેહ સરખામણીમાં થોડો પાતળો તેથી એ તો સડસડાટ ટેકરી ચડી ગઈ. ઉપર જઈને તેણે ફરીને જોયું તો સિંહ થોડો હાંફતો હળવે-હળવે ચડતો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
ગીરના જંગલની આ સત્યઘટના છે. એક સિંહ અને સિંહણ આમ જ આંટો મારવા નીકળ્યાં. ચાલતાં-ચાલતાં બન્ને એક ટેકરી પાસે પહોંચ્યાં. મન થયું તો ટેકરી પર ચડ્યાં. સિંહનું શારીરિક બંધારણ થોડું વધારે સ્થૂળ એટલે ટેકરીનો સીધો ઢાળ ચડવો મુશ્કેલ હતો. જેમ-જેમ ચડવાની કોશિશ કરે એમ-એમ લસરીને નીચે આવે.
સિંહણનો દેહ સરખામણીમાં થોડો પાતળો તેથી એ તો સડસડાટ ટેકરી ચડી ગઈ. ઉપર જઈને તેણે ફરીને જોયું તો સિંહ થોડો હાંફતો હળવે-હળવે ચડતો હતો. સિંહણની એ નજરમાં પ્રેમ કરતાં વધુ તો ‘વિજેતાપણું’ ડોકાતું લાગ્યું એટલે સિંહનો અહં ઘવાયો. આમ પણ થાકેલાને ટોણો ન મરાય. નિષ્ફળતાના અહેસાસીને સફળતા સામે પારો ચડે. સિંહનો ઘવાયેલો અહં તીવ્ર ગુસ્સામાં પરિણમ્યો. કોઈ અગમ્ય તાકાતનો જાણે સંચાર થયો. કૂદકા મારતો પળવારમાં સિંહ છેક ઉપર પહોંચી ગયો. હાંફી ગયો હોવા છતાં તે સિંહણ પર એકદમ જ તૂટી પડ્યો. સિંહણ લોહીલુહાણ થઈ ગઈ અને મિનિટોમાં એણે દમ તોડ્યો. પછી એના મડદાની સામે નજર નાખ્યા વગર સિંહ આગળ ચાલતો થયો. એની ચાલમાં કોઈ યુદ્ધવિજયી સુલતાનનો રૂઆબ હતો. વાત સાચી છે; અહંને પત્ની નથી હોતી, રખાત હોય છે.
ADVERTISEMENT
અહંકારને ‘ઍટિટ્યુડ’નું રૂપકડું નામ આપી દેવાથી નુકસાન અટકતું નથી. આજના કેટલાય સંબંધ-વિચ્છેદોના મૂળમાં અહંકાર છે. ટીનેજર દીકરો પપ્પાના કડક શબ્દો સાંભળી શકતો નથી ત્યારે સમજાય કે ૧૭મા વર્ષે મૂછના નહીં, અહંકારના દોરા ફૂટ્યા છે. પૂરતું કમાતી ગૃહિણીને ખર્ચમાં કરકસરની સલાહ આપવી પણ ક્યારેક જોખમી પુરવાર થાય. ડિગ્રીની ગરમીવાળો બૉસની ધાક પણ સહન કરી શકતો નથી. બીજી ઑપોર્ચ્યુનિટીની પરવા કર્યા વગર એક વાર જૉબ છોડતાં પણ તે ખચકાતો નથી. અહંકારને માત્ર લડતમાં રસ છે, એ પરિણામનો ક્યારેય વિચાર કરતો નથી.
‘વાણિયાની મૂછ નીચી’ આ ગુજરાતી કહેવત બાયલાપણું નહીં, મુત્સદ્દીપણું દર્શાવે છે. ઉન્મત્ત હાથીને ક્યારેક નાની ખિસકોલી ભારે પડે છે. સ્પર્ધકનું સામી વ્યક્તિને હરાવવાનું લક્ષ્ય હોય, પણ અહંકારીને માત્ર હરાવવા ઉપરાંત ઝુકાવવાનું લક્ષ્ય હોય. આ વૃત્તિ જ તેને મારે છે.
આમ તો ગબ્બરસિંહે જય-વીરુને કબજામાં લઈ જ લીધા હતા પરંતુ તેને ઝુકાવવાની ઇચ્છા ભારે પડી ગઈ. ‘શોલે’ના એટલો ફેમસ નહીં થયેલો એ ડાયલૉગ ‘વો સર, યે પૈર...’ કોઈને ઘૂંટણિયે પાડવાની ગુસ્તાખી કેટલી મોંઘી પડી શકે એ વાત શીખવી-સમજવી હોય તો સ્ક્રીન પરથીય શીખવા મળે છે. જે અવસરે જતું કરે, ઝૂકી જાય તે છેવટે જીતે. માત્ર ઝઝૂમવાથી નહીં, ઝૂકવાથી પણ જિતાય છે.

