ઇન્ડિયન ફૅમિલી સર્વેમાં એક સારો ચેન્જ જોવા મળ્યો છે. ૬૦ વર્ષથી મોટી વયના ૮૬ ટકા વડીલોને મિડલ-એજ જનરેશન કરતાં નવી ૧૮થી ૨૪ વર્ષની યંગ જનરેશન સાથે ઇમોશનલ કનેક્શન વધુ ફીલ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
એક જ ઘરમાં રહેતા હોવા છતાં વડીલોને એવું લાગે છે કે તેમને જૂના જમાનાના કહીને હાંસિયામાં ધકેલી દેવાયા છે અને યુવા પેઢીને એવું લાગે છે કે વડીલો રોકટોક કર્યે રાખે છે. બે પેઢીઓ આદતો, સ્વભાવ અને લાક્ષણિકતાઓના ભેદને કારણે ખાઈ વધતી ન જાય એ માટે એક જ સેતુ બને છે લાગણીઓ. વડીલો અને યુવા પેઢી વચ્ચે લાગણીઓની ફ્રીક્વન્સી મૅચ થવા લાગે એ માટે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે એ જાણીએ
અત્યારની જીવનશૈલીમાં વિચિત્ર વિરોધાભાસ જોવા મળે છે. આપણી પાસે સોશ્યલ મીડિયા પર હજારો મિત્રો છે પરંતુ ઘરમાં રહેતાં દાદા-દાદી કે નાના-નાની સાથે ખુલ્લા મને વાતચીત થતી નથી. સાથે રહેવામાં અને સાથે જીવવામાં તફાવત છે. એકસાથે જમવા બેસીએ તો બધા પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય છે. વડીલો માટે આ સ્થિતિ જીવતેજીવ એકલતા જેવી થઈ જાય છે. તેમને લાગે છે કે તેઓ જે દુનિયાને ઓળખતા હતા એ બદલાઈ ગઈ છે અને હવે તેઓ આઉટડેટેડ થઈ ગયા છે. આ માનસિક એકલતા ફક્ત ઉદાસી નથી, ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીની સાથે શારીરિક બીમારીઓનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિ માટે કયાં પરિબળો કારણભૂત હોય છે અને એનું સમાધાન શું હોઈ શકે? યુવા પેઢીની વડીલો પ્રત્યે શું ફરજ છે અને વડીલોને પણ તેમના પૌત્ર અને દોહિત્ર સાથે કનેક્ટેડ રહેવું હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.
ADVERTISEMENT
આ કારણો છે જવાબદાર
વડીલોની આ માનસિક સ્થિતિ પાછળ માત્ર જનરેશન ગૅપ જ નહીં, અન્ય અનેક સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો પણ કામ કરતાં હોય છે એમ જણાવતાં અનુભવી સાઇકોલૉજિસ્ટ અને આર્ટ-બેઝ્ડ થેરપી પ્રૅક્ટિશનર અવનિ વીરા કહે છે, ‘નિવૃત્તિ પછી વ્યક્તિની સામાજિક ઓળખ બદલાઈ જાય છે. જે વ્યક્તિ આખું ઘર ચલાવતી હતી અને જેના નિર્ણયો આખરી ગણાતા હતા તેણે અચાનક સલાહકાર કે નિરીક્ષકની ભૂમિકામાં આવવું પડે છે. આ પરિવર્તન સ્વીકારવું માનસિક રીતે અઘરું હોય છે. તેમને જ્યારે લાગે કે હવે તેમની જરૂરિયાત ઘટી ગઈ છે ત્યારે તેઓ મનથી એકલા પડવા લાગે છે. બીજું કારણ ટેક્નૉલૉજી છે. આજે કમ્યુનિકેશનની પદ્ધતિ બદલાઈ ગઈ છે. યુવા પેઢી સોશ્યલ મીડિયા પર વ્યસ્ત રહે છે, પણ વડીલો પ્રત્યક્ષ વાતચીત ઇચ્છે છે. વડીલો જ્યારે જુએ છે કે પરિવારના સભ્યો ફોનની દુનિયામાં ખોવાયેલા છે અને તેઓ પોતે એ ટેક્નૉલૉજીથી અજાણ છે ત્યારે તેમને આઉટ ઑફ પ્લેસ ફીલ થાય છે. ટેક્નૉલૉજીના અભાવે તેઓ અનિચ્છાએ પરિવારની સાથે રહેતા હોવા છતાં અલગ પડી જાય છે. ત્રીજું કારણ પરાવલંબન છે. ઉંમર વધવાની સાથે સાંભળવાની શક્તિ ઓછી થવી કે યાદશક્તિ નબળી પડવી જેવી સમસ્યાઓ સર્જાય છે. વડીલોએ જ્યારે કોઈ વાત ફરીથી પૂછવી પડે અને સામેની વ્યક્તિ અકળાઈને જવાબ આપે ત્યારે તેઓ સંકોચ અનુભવવા લાગે છે. આ સંકોચ તેમને ધીમે-ધીમે મૌન તરફ ધકેલે છે જેને લીધે એકલતા ફીલ થાય છે. ચોથું કારણ વ્યસ્ત લાઇફસ્ટાઇલ છે. અત્યારે પર્સનલ સ્પેસનો ખ્યાલ પ્રબળ બન્યો છે. યુવાનો કામના ભારણ અને અંગત કરીઅરને લીધે વડીલો સાથે બેસીને જૂની વાતો સાંભળવાની ધીરજ ગુમાવી બેઠા છે. અમે વ્યસ્ત છીએ એવું કહીને જ્યારે વડીલોની વાત ટાળવામાં આવે ત્યારે તેઓ પોતાની જાતને પરિવારના હિસ્સાને બદલે ગેસ્ટ તરીકે જોવા લાગે છે. યુવાનો ઘણી વાર ફરિયાદોને વહેમ કે જીદ ગણીને અવગણે છે. વડીલોને ભૌતિક સખસુવિધાઓ તો મળે છે પણ ઇમોશનલ વૅલિડેશન મળતું નથી. પરિવાર જ્યારે તેમની લાગણીઓને સમજી શકતો નથી ત્યારે તેઓ પોતાની જ લાગણીઓના કેદી બની જાય છે.’
યુવા પેઢીની શું છે ફરજ?
માત્ર વડીલોની દવાઓ લાવી આપવી કે તેમને જમવાનું પૂછવું એ પૂરતું નથી; એ માત્ર સારસંભાળ છે, કનેક્શન નથી એમ સમજાવતાં અવનિ વીરા યુવા પેઢીએ શું ધ્યાનમાં રાખવાની જરૂર છે એ વિશે કહે છે, ‘આ માટે ઇમોશનલ માઇક્રો-હૅબિટ્સ કેળવવી જરૂરી છે. વડીલો જ્યારે તેમના ભૂતકાળની વાતો કરે ત્યારે તેમને ટોકવાને બદલે સાંભળો. તેમને એવું ન લાગવું જોઈએ કે તેઓ દીવાલ સાથે વાતો કરે છે. તેમને ટેક્નૉલૉજી યુઝ કરતાં નથી આવડતું એ સ્વાભાવિક છે, પણ તેમને ફોન ઑપરેટ કરતાં શીખવો. વૉટ્સઍપ કે વિડિયો-કૉલ કરી શકે એટલું આવડે તો પણ બસ છે. આનાથી તેઓ દુનિયા સાથે કનેક્ટેડ ફીલ કરશે. ઘરના નાના-મોટા નિર્ણયોમાં તેમનો અભિપ્રાય પૂછો. ભલે તમે તમારો નિર્ણય લો, પણ તેમને પૂછશો તો તેમને એવું લાગશે કે અમારી પણ આ ઘરમાં વૅલ્યુ છે.’
પરિવારિક એકતા માટે પ્રૅક્ટિકલ સૉલ્યુશન્સ
ઘણી વાર આપણે બાજુમાં બેઠેલા વડીલ સાથે વાત કરવાને બદલે દૂર બેઠેલા મિત્ર સાથે ચૅટ કરવામાં વ્યસ્ત હોઈએ છીએ. આના કરતાં ઘરમાં એક રૂલ બનાવો કે રાત્રે જમ્યા બાદ ૩૦ મિનિટ સુધી ઘરના બધા જ સભ્યો પોતાના ફોન બાસ્કેટમાં મૂકીને થોડી વાર વાતચીત કરે. જેમ કે દિવસ કેવો રહ્યો, વડીલોના જૂના કિસ્સા સાંભળવા વગેરે. જ્યારે હાથમાં ગૅજેટ નથી હોતું ત્યારે બધા એકબીજા સાથે રસથી વાતો કરી શકે છે અને સાંભળી શકે છે. આ વાતોમાં વડીલોને લાગે છે કે તેમને સાંભળનાર કોઈ છે. આ ૩૦ મિનિટ વડીલોના આખા દિવસની એકલતાને દૂર કરવાની શક્તિ ધરાવે છે.
વડીલો પાસે વાર્તાઓનો અને અનુભવોનો અખૂટ ખજાનો હોય છે, જ્યારે યુવાનો પાસે નવી દુનિયાના કિસ્સાઓ હોય છે. આ બન્નેનું આદાનપ્રદાન સંબંધોને જીવંત રાખે છે. દર રવિવારે અથવા અઠવાડિયામાં એક વાર ગપસપ સેશન રાખો જેમાં વડીલો તેમના બાળપણના કિસ્સાઓ, સંઘર્ષો કે રમૂજી ઘટનાઓ સંભળાવે અને યુવાનો તેમની કૉલેજ કે ઑફિસની રસપ્રદ વાતો કરે. આ કમ્યુનિકેશનથી વડીલોને એવું લાગશે કે આ ઘરમાં તેમની વૅલ્યુ ઓછી થઈ નથી.
પેઢીઓ વચ્ચે વિચારોનો તફાવત હોવો કુદરતી છે, પણ એ તફાવત જ્યારે જીદ બની જાય ત્યારે પ્રૉબ્લેમ્સ આવતા હોય છે. જ્યારે પણ ચર્ચા ઉગ્ર બને ત્યારે ઈગોને બાજુ પર મૂકીને શાંત થઈ જવું. વાતને જીતવાને બદલે વ્યક્તિને જીતવી વધુ મહત્ત્વની છે. તમે જ્યારે સામેની વ્યક્તિને તમારી વાત સાચી હોઈ શકે છે એવું કહો છો ત્યારે તેનો ગુસ્સો આપોઆપ ઓગળી જાય છે.
ઘણી વાર વડીલોને લાગે છે કે હવે તેમની કોઈ જરૂર નથી. તેમને ઘરનાં નાનાં-મોટાં કાર્યોમાં સામેલ કરવાં એ પણ એક સૉલ્યુશન છે. ગાર્ડનિંગ કરવું, રસોઈમાં કોઈ ખાસ વાનગી બનાવવી અથવા ઘરની કોઈ વસ્તુની ખરીદીમાં વડીલની સલાહ લેવી જેવી પ્રવૃત્તિઓથી વડીલોને ઇન્ક્લુઝિવ હોવાનો અહેસાસ થાય છે.
જનરેશન ગૅપને બ્રિજમાં ફેરવો
કોઈ વ્યક્તિ જ્યારે વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચે છે ત્યારે તેની આસપાસની દુનિયા તેની સમજણ કરતાં વધુ ઝડપે બદલાવા લાગે છે. ટેક્નૉલૉજિકલ અને સામાજિક બદલાવો વડીલોમાં ઘણી વાર અસલામતીનો ભાવ જન્માવે છે ત્યારે ફક્ત યુવા પેઢી જ નહીં પણ સમયની સાથે વડીલોએ પણ અમુક બાબતોનો સ્વીકાર કરવો જોઈએ એમ સમજાવતાં અવનિ વીરા કહે છે, ‘મોટા ભાગે સંઘર્ષ ત્યારે થાય છે જ્યારે વડીલો પોતાના સમયના માપદંડોથી આજની પેઢીને માપવાનો પ્રયત્ન કરે છે. અમારા જમાનામાં તો આમ હતું એ વાક્ય ઘણી વાર સંવાદના દરવાજા બંધ કરી દે છે. વડીલોએ એ સમજવાની જરૂર છે કે સમય બદલાયો છે તો જીવન જીવવાની રીત પણ બદલાશે જ. યુવાનોની લાઇફસ્ટાઇલ, તેમનો પહેરવેશ કે મોડે સુધી કામ કરવાની પદ્ધતિ અલગ હોઈ શકે છે; પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ સંસ્કારહીન છે કે તેમને પરિવારની પરવા નથી. મૂલ્યો સ્થિર હોય છે, પરંતુ એની અભિવ્યક્તિની રીતો બદલાતી રહે છે. વડીલો જ્યારે આ તફાવતને સ્વીકારે છે ત્યારે યુવા પેઢી પણ તેમની સાથે દિલ ખોલીને વાત કરતાં અચકાતી નથી. સ્વીકાર એ માનસિક શાંતિની પહેલી શરત છે. આપણે જ્યારે કોઈ વસ્તુને સમજી શકતા નથી ત્યારે એનાથી ડરવા લાગીએ છીએ અથવા એનો વિરોધ કરીએ છીએ. આજના વડીલો માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સોશ્યલ મીડિયા કે બદલાતા આર્થિક પ્રવાહો ડરામણા હોઈ શકે છે; પરંતુ જો તેઓ આ ડરને બાજુ પર મૂકીને એક બાળકની જેમ જિજ્ઞાસા કેળવે તો સ્થિતિ બદલાઈ શકે છે. પોતાનાં પૌત્ર-પૌત્રી કે સંતાનોને પૂછવું કે ‘બેટા, આ નવું શું છે? મને પણ સમજાવને’ એ એક સાધારણ પ્રશ્ન વાતચીતનાં અનેક નવાં દ્વાર ખોલી નાખે છે. આનાથી બે ફાયદા થાય છે : એક તો વડીલો નવું શીખીને અપડેટેડ રહે છે અને બીજું, યુવાનોને લાગે છે કે તેમના વડીલો તેમને સમજવા માટે પ્રયત્નશીલ છે. જિજ્ઞાસા એ જનરેશન ગૅપ પર બાંધેલો એવો બ્રિજ છે જે બન્ને પેઢીને એકબીજાની નજીક લાવી શકે છે. વૃદ્ધાવસ્થામાં એકલતાનું સૌથી મોટું કારણ અતિશય અપેક્ષા છે. વડીલો ઘણી વાર પોતાની સંપૂર્ણ ભાવનાત્મક ખુશીઓ માટે સંતાનો પર નિર્ભર રહે છે. સંતાનો જ્યારે પોતાની વ્યસ્તતાને લીધે સમય ન આપી શકે ત્યારે વડીલોને એવું ફીલ થાય છે કે મારું કોઈ નથી. આ પરિસ્થિતિમાં માનસિક પરિવર્તન એ છે કે વડીલો પોતાની એક સ્વતંત્ર દુનિયા બનાવે. નિવૃત્તિ પછી જે શોખ પૂરા નહોતા કરી શકાયા - જેમ કે વાંચન, સંગીત, ગાર્ડનિંગ કે સમાજસેવા એમાં મન પરોવવું જોઈએ. પોતાની એજના લોકોને ફ્રેન્ડ્સ બનાવીને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવું એ માનસિક સ્વાસ્થ્ય માટે જડીબુટ્ટી સમાન છે. વડીલો જ્યારે પોતાની રીતે વ્યસ્ત અને ખુશ રહે છે ત્યારે પરિવારમાં તેમનું માન વધે છે અને તેઓ બોજને બદલે પ્રેરણા બની જાય છે.’
