Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > થોડી સી બેવફાઈનો હવે થાક લાગ્યો છે?

થોડી સી બેવફાઈનો હવે થાક લાગ્યો છે?

Published : 01 September, 2025 01:36 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યસ, એક ડેટિંગ સાઇટે કરેલો સર્વે કહે છે કે ૨૦૨૩ની તુલનાએ આ વર્ષે છૂપી રીતે લગ્નેતર સંબંધમાં આગળ વધનારા લોકોના પ્રમાણમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યસ, એક ડેટિંગ સાઇટે કરેલો સર્વે કહે છે કે ૨૦૨૩ની તુલનાએ આ વર્ષે છૂપી રીતે લગ્નેતર સંબંધમાં આગળ વધનારા લોકોના પ્રમાણમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે, જેનું કારણ છે ‘ઇન્ફેડિલિટી ફટીગ’. જોકે સાથે એમાં એ પણ કહેવાયું છે કે હવે ચીટિંગને બદલે લોકો પ્રામાણિકપણે અને ટ્રાન્સપરન્સી સાથે પોતાના પાર્ટનર સાથે લગ્નબાહ્ય સંબંધોની કબૂલાત અને સ્વીકાર કરતા થયા છે અને ઓપન રિલેશનશિપનો કન્સેપ્ટ વિકસ્યો છે. ખરેખર આ બાબતમાં સમાજની વાસ્તવિકતા શું છે એ વિશે નિષ્ણાતના પ્રત્યક્ષ અનુભવો જાણીએ


ફ્રાન્સ બેઝ્ડ એક્સ્ટ્રામૅરિટલ ડેટિંગ ઍપ કંપની ‘ગ્લીડન’ દ્વારા ગ્લોબલ રિસર્સ ઍન્ડ કન્સલ્ટિંગ ફર્મ IPSOSની મદદથી પ્રોફેશનલ મેથડોલૉજીનો ઉપયોગ કરીને ૨૦૨૫ના મે મહિનામાં દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર, કલકત્તા સહિત ભારતનાં કુલ બાર શહેરોના ૧૮થી ૬૦ વર્ષની ઉંમરના ૧૫૧૦ લોકો પર એક સર્વેક્ષણ કર્યું, જેનાં તારણો કહે છે કે ભારતમાં પોતાના લાઇફ-પાર્ટનરને છેતરીને લગ્નેતર સંબંધોમાં આગળ વધતા લોકોનું પ્રમાણ ૨૦૨૩ની તુલનાએ અત્યારે ૧૬ ટકા ઘટ્યું છે. આ બિહેવિયર ચેન્જ પાછળનું કારણ હવે ભારતીય દંપતીઓ વધુ પ્રામાણિક બન્યાં હોવાનું નથી પરંતુ ઇન્ફેડિલિટી ફટીગ કહેવાઈ રહ્યું છે. છૂપી રીતે બન્ને બાજુ સંબંધોને નિભાવવાનો ભાર વેઠવાને બદલે હવે કપલ પોતે જ પોતાના આ લગ્નબાહ્ય સંબંધોની પાર્ટનરની સમક્ષ પારદર્શી કબૂલાત કરતાં થયાં છે અને એ માટેનો સ્વીકાર પણ વધ્યો છે. સર્વે ઇન્ડિકેટ કરે છે કે ભારતીય લગ્ન પરંપરાનો પાયો ગણાતી મૉનોગમી એટલે કે એક જ વ્યક્તિ પ્રત્યે વફાદાર રહીને તેની સાથે જીવનભરનો સાથ નિભાવવાની બાબતમાં કપલ પાછી પાની કરીને ઓપન રિલેશનશિપ એટલે કે પાર્ટનર પોતે જ એકબીજાને લગ્નબાહ્ય સંબંધોમાં આગળ વધવા માટે મોકળાશ આપે એ દિશામાં આગળ વધી રહ્યા છે. સર્વેમાં લગભગ ૬૧ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે સમાજના દબાણ હેઠળ એક પાત્ર સાથે જ જોડાયેલા રહેવાનો નિર્ણય સ્વીકાર્યો છે. ૬૯ ટકા લોકોએ ઓપન રિલેશનશિપને સમર્થન આપ્યું. ૩૫ ટકા લોકો ઑલરેડી ઓપન રિલેશનશિપમાં છે અને ૪૧ ટકા લોકોએ કહ્યું કે તેમનો પાર્ટનર જો રાજી હોય તો તેઓ પણ ઓપન રિલેશનશિપ માટે તૈયાર છે. જોકે વિરોધાભાસ જેવા લાગે એવા આંકડાઓ એટલે ૯૪ ટકા લોકોએ પોતે પોતાના સંબંધોમાં રાજી છે, ખુશ છે એવું પણ સ્વીકાર્યું છે પરંતુ એમાંથી ૨૫ ટકા પૂરેપૂરા સંતુષ્ટ નથી અને ૬૦ ટકા લોકો માને છે કે છૂટાછેડા લેવાને બદલે ઇન્ટ્રામૅરિટલ અફેર્સને તેઓ વધુ પ્રેફરન્સ આપશે. લગ્નબાહ્ય સંબંધોમાં એક પાર્ટનર દ્વારા થયેલી ભૂલને માફ કરવાની તૈયારી રાખતા લોકોની સંખ્યા પણ વધી હોવાનું સર્વેનું તારણ કહે છે. વિચિત્ર લાગતા આ સર્વે પર આપણે પૂરેપૂરા નિર્ભર રહી શકીએ કે કેમ એના પર એક પ્રશ્નાર્થ છે કારણ કે જે કંપનીએ આ સર્વે કરાવ્યો એ પોતે એક્સ્ટ્રામૅરિટલ અફેર માટે લોકોને પ્લૅટફૉર્મ પૂરું પાડે છે અને એટલે જ તેનાં તારણોમાં તેનો પોતાનો લાભ સમાયેલો હોય એ જ રીતે પરિણામ લાવવાના પૂરેપૂરા પ્રયાસો થયા હોય એની પૂરી સંભાવના છે. જોકે પ્રશ્ન છે કે ખરેખર આપણા સમાજમાં અત્યારે લગ્નેતર સંબંધોની બાબતમાં માહોલ કેવો છે? સંબંધોના ડાયનૅમિક્સમાં કેવા બદલાવો આવી રહ્યા છે? આ વિષય પર અગ્રણી સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી સાથે થયેલી વાતચીત પ્રસ્તુત છે.




ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

આજનું નથી આ


યસ, લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધ્યું છે અને એને કારણે સંબંધોમાં કૉન્ફ્લિક્ટ અને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ પણ વધ્યા જ છે એમ જણાવીને ડૉ. હરીશ કહે છે, ‘પોતાના સ્વાર્થ માટે થયેલા સર્વેની બાબતમાં મારે કંઈ નથી કહેવું પરંતુ હા, લગ્નેતર સંબંધોમાં તોતિંગ વધારો થયો છે. મારી પાસે આવતા કેસિસના આધારે કહીશ કે છેલ્લાં પાંચથી દસ વર્ષમાં લગભગ ૩૦૦ ટકાથી પણ વધું લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધ્યું છે. માત્ર પુરુષોના જ નહીં, મહિલાઓ પણ હવે પોતાના પાર્ટનર સિવાય પોતાની એકલતાને દૂર કરવા અવેલેબલ હોય એવાં પાત્રોની સાથે સંબંધોમાં આગળ વધતી થઈ છે અને એના માટે કોઈ ગિલ્ટ કે અફસોસ પણ બન્નેમાંથી કોઈ પાર્ટનરમાં હોતો નથી એવું પણ જોવા મળી રહ્યું છે. આપણે ત્યાં આદિમાનવના સમયમાં એવું હતું જ્યારે એક સ્ત્રી પોતાની આસપાસના ઘણા પુરુષો સાથે અને પુરુષો ઘણી સ્ત્રીઓ સાથે સંબંધમાં જોડાતા. બાળક થતું ત્યારે એ કોનું એ ક્યારેય ખબર ન પડતી અને બાળકોનો ઉછેર પણ બધા સાથે મળીને જ કરતા. માનવ ઉત્ક્રાન્તિનો એ આરંભિક તબક્કો આજે પણ ક્યાંક-ક્યાંક આદિવાસી વૃન્દોમાં છે. જોકે એમાં પણ ઘણા કૉન્ફ્લિક્ટ હતા અને એ પછી એટરનલ મૉનોગમીનો કન્સેપ્ટ આવ્યો જેમાં એક જ પાત્રને સંપૂર્ણ સમર્પિત થઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી તેની જ સાથે રહેવું એનું ચલણ વધ્યું. આજે તમે ગામડાંઓમાં જાઓ તો તમને આવાં ઘણાં કપલ મળશે. શહેરોમાં એક્સ્ટ્રામૅરિટલ અફેર્સ ધરાવતાં કપલનું પ્રમાણ વધારે છે.’

સમયનો પ્રભાવ

અત્યારે બદલાયેલી સ્થિતિનું મૂળ કારણ બદલાયેલી સમાજ-વ્યવસ્થા પણ છે એમ જણાવીને ડૉ. હરીશ કહે છે, ‘પહેલાં પારકાં સ્ત્રી-પુરુષોને એકબીજાનો આટલો ઍક્સેસ નહોતો. આજે ઑફિસમાં એકબીજાની સાથે દસ-બાર કલાક વિતાવતાં હો ત્યારે આકર્ષણ થવાની સંભાવના વધારે હોય છે. મારી પાસે તો એવા કેસ છે જેમાં ઘરમાં રહેતી સ્ત્રી વૉચમૅન સાથે, જિમ-ટ્રેનર સાથે અફેરમાં પડી હોય. એક સ્ત્રી મારી પાસે આવેલી. માનસિક રીતે ડિસ્ટર્બ હતી. પરિણીત સ્ત્રીએ પોતાના બૉયફ્રેન્ડને છોડી દીધો કારણ કે તે હસબન્ડની જેમ બિહેવ કરવા માંડ્યો હતો. સોશ્યલ મીડિયાને કારણે અવેલેબિલિટી વધી. ડેટિંગ ઍપ્સનું પ્રમાણ વધ્યું. બહુ વધારે પડતા વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણે છીએ. નાનાં-નાનાં બાળકોને હવે નાની ઉંમરમાં મળતી ઇન્ફર્મેશને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે. આજના યુથને પ્રેમ એટલે સેક્સ એટલું જ સમજાય છે. ટીનેજરમાં જ બે-ત્રણ રિલેશન પૂરાં કરી ચૂકેલી આ પેઢીને બ્રેકઅપનો એવો વસવસો પણ નથી. જોકે અઢાર વર્ષની ઉંમર પહેલાં મલ્ટિપલ રિલેશન ભોગવી ચૂકેલા લોકોને લગ્ન પછી એક વ્યક્તિ સાથે જીવનભર કન્ટિન્યુ કરવાનું અઘરું પડે છે. તેમને ફિઝિકલ નૉવેલ્ટી જોઈએ છે અને એમાં તેમને અન્ય કોઈ સાથે સંબંધમાં આગળ વધવું ‘નૉટ અ બિગ ડીલ’ જેવી બાબત લાગે છે. દરરોજ ઘરનું જમતી વ્યક્તિ કોઈક વાર હોટેલમાં ઇડલી-સંભાર ખાય એ નૉર્મલ લાગતી બાબત છે. તમે જુઓ યંગ પેઢી જે વેબ-સિરીઝ જુએ છે, જે ગીતો સાંભળે છે એમાં સેક્સ એટલી સામાન્ય લાગતી બાબત છે કે તેમના મનમાં બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવી અને તેમની સાથે જીવનની એ જરૂરિયાત પૂરી કરવી એ ખૂબ નૉર્મલ બાબત છે. ક્યારેક એક રાત માટે મળે, ફિઝિકલી આગળ વધે અને તેનું નામ પણ ખબર ન હોય કે નંબર પણ ન હોય અને ફરી ક્યારેય ન મળવાનું હોય તો પણ તેમને એ વાત સહજ લાગે છે. એનો કોઈ ક્ષોભ કે સંકોચ નથી.’

ઓપન રિલેશનશિપનું વધ્યું પ્રમાણ

વન ઇઝ લોન્લી, ટૂ ઇઝ ગુડ, થ્રી ઇઝ ક્રાઉડ અને ફોર એટલે બેસ્ટ આ કન્સેપ્ટ લોકોમાં પૉપ્યુલર થઈ રહ્યો છે એમ જણાવીને ડૉ. હરીશ કહે છે, ‘કપલમાં બન્ને પાત્રો બહાર પોતપોતાના અન્ય પાર્ટનર સાથે હોય અને બન્નેને એની ખબર હોય તો પણ કોઈને એનાથી વાંધો ન હોય. લગ્ન-વ્યવસ્થા સમાજ માટે અકબંધ હોય પણ આંતરિક આનંદ માટે, વરાઇટી માટે તેમને બહાર ડોકિયાં કરવામાં અને પોતાનો ઑફિશ્યલ પાર્ટનર પણ એમ કરે તો વાંધો નથી હોતો. યસ, આવા કેસિસ પણ સરપ્રાઇઝિંગ લેવલ પર વધી રહ્યા છે. પહેલાં પણ આવું હતું પરંતુ એ માત્ર પાવરફુલ પોઝિશનમાં રહેલા લોકો પૂરતું હતું. આજે દરેક સ્તરના, દરેક ક્લાસના લોકોમાં આ જોવા મળી રહ્યું છે.’

ફિર વક્ત બદલેગા

સમાજવ્યવસ્થામાં આવી રહેલા આ બદલાવનો પડઘો કેવો હશે એના જવાબમાં ડૉ. હરીશ કહે છે, ‘જુઓ, આખી વ્યવસ્થા એક સાઇકલની જેમ ચાલતી હોય છે. બદલાતી રહે છે અને દરેક સમયની એની અસર હોય છે. બેશક, આ પ્રકારના સંબંધોના કૉન્ફ્લિક્ટ મેન્ટલ હેલ્થને બહુ જ ખરાબ રીતે અસર પહોંચાડતો હોય છે. સમાજમાં આવેલા ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ, અવેલેબિલિટી, સ્ત્રી અને પુરુષ એમ બન્નેની ક્ષમતામાં વધારો થયો હોવાથી ઊથલપાથલ તો થશે જ. શરૂ થઈ પણ ગઈ છે. વાઇફનું અફેર હોય એવું પતિ ખુલ્લેઆમ કહી શકતો હોય અને પોતાનું નથી એ વાત મનમાં ખૂંચે ત્યારે તે હિંસક પણ બને છે જેના કિસ્સાઓ પણ આપણે જોયા છે. યંગ એજના લોકો આ પચાવી શકે છે પરંતુ મિડલ એજના લોકો માટે આ પચાવવું અઘરું છે. જોકે આમાં આશાનું કિરણ કહેવું હોય તો એ છે કે ભારતનાં ૮૦ ટકા ગામડાંઓમાં પરિસ્થિતિ હજીયે બહેતર છે. આપણો આધ્યાત્મિકતાનો વારસો લોકોને પાછા વળવામાં અને સત્યને સમજવામાં મદદ કરી રહ્યો છે. જોકે આગળ કહ્યું એમ આ ચક્ર છે. પૉલિગમીથી એટરનલ મૉનોગમી તરફ વળનારો આપણો સમાજ શહેરી ધોરણની બાબતમાં અત્યારે અહીં છે પણ આ ચક્ર પાછું ફરશે જ ફરશે. અફકોર્સ એટલા સમય પૂરતા એની આડઅસરોમાંથી પણ પસાર થવું જ પડશે.’

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2025 01:36 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK