પતિ-પત્ની બન્ને સાથે તો રહેતાં હોય છે પણ સાથે જીવતાં નથી હોતાં. કઈ રીતે સમજાય કે તમે તમારા લગ્નસંબંધમાં એકલા છો અને જો સમજાઈ ગયું હોય તો એ માટે શું કરી શકાય?
પ્રતીકાત્મક તસવીર
આમ તો વડીલો કુંવારા રહેવાની એટલે ના પાડતા હોય છે કેમ કે તેઓ નથી ઇચ્છતા કે કોઈ આખી જિંદગી એકલું રહે, પણ દુઃખની વાત એ છે કે ઘણા લોકો લગ્ન કરીને પણ એકલતા અનુભવતા હોય છે. પતિ-પત્ની બન્ને સાથે તો રહેતાં હોય છે પણ સાથે જીવતાં નથી હોતાં. કઈ રીતે સમજાય કે તમે તમારા લગ્નસંબંધમાં એકલા છો અને જો સમજાઈ ગયું હોય તો એ માટે શું કરી શકાય?
‘ભીડ મેં ભી તન્હા’ જેવી મૉડર્ન સમયની પરિસ્થિતિ છે. આપણે લોકો વચ્ચે રહેતા હોવા છતાં એકલા છીએ. એકલતા ઘણા પ્રકારની છે. એક બાળક ક્યારેક ૪૦ લોકોના ક્લાસમાં પણ એકલું થઈ જતું હોય છે એમ એકબીજા સાથે જીવનભરના સાથનાં વચનો લઈને લગ્ન કર્યાં પછી દામ્પત્યજીવનનાં ઘણાં વર્ષો સાથે કાપ્યા પછી ક્યારેક એવું થાય છે કે એ સંબંધમાં તમે એકલા થઈ જાઓ છો. પહેલાંના સમયમાં કોઈ ભૂલથી પણ લગ્ન નથી કરવાં એવું કહે તો વડીલો એને માન્યતા આપતા નહીં, કારણ કે તેઓ એમ કહેતા કે આખી જિંદગી એકલું થોડું રહેવાય. જોકે અત્યારે ઘણાં દંપતીઓ એક છત નીચે જીવવા છતાં એક જ રૂમમાં, એક જ પથારીમાં સાથે સૂવા છતાં એકલતા અનુભવતાં હોય છે. કોઈ સંબંધમાં એ વ્યક્તિ શારીરિક રીતે હાજર હોય છે પણ માનસિક રીતે તેની હાજરીની ખોટ બીજા પાર્ટનરને ડંખતી હોય છે. ઘણી વખત સાથે જીવતા-જીવતા એ અહેસાસ હોય કે એ એકલતાને આપણે ઓળખી શકતા નથી. આજે સમજવાની કોશિશ કરીએ કે લગ્ન કરીને પણ આપણા ભાગે એકલતા આવી ગઈ છે? કઈ રીતે એ સમજાય અને જો એવું થયું હોય તો એનો ઉપાય શું કરવો.
ADVERTISEMENT
વાતો તો થાય છે, પણ બસ કામપૂરતી
બિલ ભરાઈ ગયું? જમવામાં શું ખાશો? પ્લમ્બરને બોલાવવાનો છે. ઘરમાં બટાટા ખતમ થઈ ગયા છે, ઑફિસથી આવતા લઈ આવશો? સોસાયટીની મીટિંગ છે આજે. કાલે કાકા-કાકી જમવા આવવાનાં છે. કામવાળાં બહેન આજે નથી આવવાનાં. વનિતામાસીની તબિયત ખરાબ છે, આજે હું તેમના ખબર પૂછવા જઈશ.
આ પ્રકારની વાતો પતિ-પત્ની વચ્ચે થાય એ નૉર્મલ છે, પરંતુ લગ્નમાં એક સમય એવો આવે છે જ્યારે બન્ને વચ્ચે આ જ પ્રકારની વાતો થાય છે જેને કામપૂરતી વાતો કહી શકાય. લગ્નની જવાબદારીઓ જ એટલીબધી હોય છે કે એ પૂરી કરતાં-કરતાં બન્ને જણ ભૂલી જાય છે કે બીજી પણ કોઈ વાતો હોઈ શકે છે. આ કામપૂરતી વાત કરવાનો પડાવ વ્યક્તિને એકલતા તરફ લઈ જાય છે એમ સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘બન્ને જણ વાતો તો કરે છે, બન્ને પાસે એકબીજાને કહેવા માટે ઘણા શબ્દો છે પણ એ શબ્દોમાં લાગણીનો અભાવ છે. એ વાતચીતમાં કોઈ ઊંડાણ નથી હોતું. સંબંધની ઉષ્મા નથી હોતી. એટલે વ્યક્તિ એકલતા અનુભવે છે. જો તમને એ વાતનો અહેસાસ હોય કે આવું થઈ રહ્યું છે તો જરૂરી છે કે તમે એકબીજા સાથે વાત કરવાનાં બહાનાં શોધો. આખું અઠવાડિયું સમય ન મળે તો કંઈ નહીં, અઠવાડિયામાં એક દિવસ બન્ને એકલાં ક્યાંક ડ્રાઇવ પર નીકળી જાઓ કે કોઈ કૉફી-હાઉસમાં એક કલાક વિતાવો ત્યારે બને કે એ સમયે પણ તમે તમારા કામની જ વાતો કરતાં હો. એ જરૂરી છે, પણ એ વાતચીતની શરૂઆત ત્યાંથી કરો કે તમે આજકાલ શું અનુભવો છો? તમારી લાગણીની વાત સામેથી શરૂ કરશો એટલે પાર્ટનર પણ તમારી સાથે જોડાઈ શકે છે. જરૂરી છે કે આ વાત તમારા બન્નેની હોય. બન્નેના મનની હોય.’
ગળે મળવાની ઇચ્છા તો છે પણ...
યુવાનો એકબીજાને ગમે ત્યારે વળગી પડતા હોય છે પણ લગ્નનાં અમુક વર્ષ પછી પતિ-પત્ની જાહેરમાં તો છોડો, એકલાં હોય ત્યારે પણ અનાયાસ વળગી પડતાં જોવા નથી મળતાં. એવો ગાળો પણ આવતો હોય છે જેમાં તમે ઇચ્છો છો કે તમે એક પ્રેમભરી બાથ એકબીજાને ભરી લો, પણ એવું કરતાં એકદમ કચવાટ અનુભવવા લાગો છો. આ વિશે વાત કરતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘તમે બન્ને કદાચ એ પ્રેમભર્યો બે મિનિટનો સ્પર્શ ઇચ્છો છો પણ જ્યારે પણ એવું કરો ત્યારે અતડું લાગે કે એવું લાગે જાણે ફૉર્માલિટી કરતા હો. ત્યારે પથારીમાં પણ આવી છોભીલા પડી જવાય એવી પરિસ્થિતિને ટાળવા માટે તમે ફોનમાં ઘૂસેલા રહો છો. ભલે તમે એકબીજાને બાથ ભરતાં ખચકાતાં હો પણ ફક્ત પીઠ પર હાથ મૂકી શકાય. અહીં શબ્દોની જરૂર નથી. તમારી વચ્ચે જે ખચકાટ છે એ આ રીતે દૂર થશે.’
ફોનમાં ઘૂસેલા રહેવાની તકલીફ
જ્યારે પાર્ટનર કરતાં ઇન્સ્ટાગ્રામની ફાલતુ રીલ્સ વધુ રસપ્રદ લાગે ત્યારે પતિ-પત્ની વચ્ચે દૂરી આવે છે. જ્યારે તમે એકલા થઈ ગયા હો ત્યારે તમે પાર્ટનર સાથે વાત કરવાને બદલે ફોનમાં ઘૂસેલા રહેવાનું વધુ પસંદ કરો છો. આ પરિસ્થિતિ વર્ણવતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘જ્યારે તમારો પાર્ટનર તમારી બાજુમાં હોય ત્યારે દર વખતે તમે ફોન પર જ લાગેલા હો એનો અર્થ એ નથી હંમેશાં કે તમે બિઝી છો, પરંતુ એનો અર્થ એ છે કે તમે એકલા છો અથવા રહેવા માગો છો. તમે ફોનમાં એટલે ઘૂસેલા છો કારણ કે એકબીજા વચ્ચેનું આ અંતર અનુભવવા કરતાં ફોનમાં ગૂંથાયેલા હોવાનું તમને સરળ લાગે છે. કોઈ પણ કપલની વચ્ચે અંતર આવે તો એ બન્નેને એટલું જ કઠતું હોય છે પરંતુ દરેક વ્યક્તિ આ પરિસ્થિતિને પોતાની રીતે નિભાવતી હોય છે. આવું થાય ત્યારે ફોન વગર એકબીજા સાથે વધુ નહીં તો ૧૫ મિનિટ વિતાવો. એમાં કંઈ વાત ન થાય તો પણ વાંધો નહીં. એકબીજાનું સાંનિધ્ય અનુભવો એટલું બસ થઈ જશે.’
પાર્ટનર કરતાં પણ મિત્રો ચડી જાય ત્યારે...
ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ પોતાની બધી વાતો મિત્રો સાથે કરતી હોય પણ પાર્ટનર સાથે નથી કરતી હોતી. લગ્નની શરૂઆતમાં એવું એટલે થાય છે કારણ કે મિત્રતા હોતી નથી. તમને લાગે છે કે પાર્ટનર તમારા વિશે કશું ધારી લેશે. એટલે તમે તેમને બધું કહેતા નથી. એ ઠીક છે, પરંતુ લગ્નનાં અમુક વર્ષો સુધી પણ જો આવું થતું હોય તો એનું કારણ છે કે તમે એકલા થઈ ગયા છો. આ વાત સમજાવતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘આવું ત્યારે થાય જ્યારે તમારા પાર્ટનરને કાં તો તમારી વાતમાં રસ નથી અને કાં તો તે જે પ્રકારનો રિસ્પૉન્સ આપે છે એ જોઈને તમે ખુદ તેનાથી અળગા થઈ ગયા છો. આના સૉલ્યુશનમાં એ છે કે તમે ખુદ પાર્ટનર સાથે વાત કરવાનું ચાલુ કરો. ભલે શરૂઆતમાં અજુગતું લાગે કે કદાચ ન ગમે કે ઝઘડા પણ થઈ શકે, પણ એકબીજા સાથે જેવા છો એવા રહેવું જરૂરી છે. તમારા વિશે તમારા પાર્ટનરને બધી જ ખબર હોવી જોઈએ એ તો મહત્ત્વનું છે જ પણ તમને પણ સામેથી તેને બધું કહેવાની ઇચ્છા થવી જોઈએ. એ માટે તમારે પણ સામે એવી પાત્રતા કેળવવી જરૂરી છે કે તે તમને આવીને બધું કહે.’
સાથે હોવા છતાં સાથે નહીંનો ગુસ્સો
એકબીજાનો સાથ હોવા છતાં તમે એકબીજા સાથે નથી અને એકલા પડી ગયા છો એની પહેલી અસર તમારા સ્વભાવ પર આવે છે. એ વિશે વાત કરતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘આ પરિસ્થિતિમાં એ તમે તમારા પાર્ટનરને અને તેની હૂંફને તેના હોવા છતાં મિસ કરો છો એટલે તમે સમય જતાં ચીડિયા થઈ ગયા છો અને ચીડનું કારણ તમને સમજાતું નથી. તમારા પાર્ટનર કંઈ પણ કરે, તમને તેના માટે બસ ગુસ્સો જ આવ્યા કરે છે. આવો ગુસ્સો આવે ત્યારે સમજી જવું કે આ કારણ છે એટલે તેમની કોઈ પણ વાત પર રીઍક્ટ કરવા કરતાં તેમને સીધું જઈને કહેવું કે તને ખબર છે? આઇ મિસ યુ. આ ભાવ તે સમજી જશે પણ બોલવાની પહેલ તમારે કરવી પડશે.’
આ ભાવ જ્યારે વધુ ઘેરો બને ત્યારે એની અસર સેક્સલાઇફ પર પણ થાય છે એ સમજાવતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘બન્ને વચ્ચેનો સંબંધ સેક્સલાઇફ પર અસર ન કરે એવું ન બને. સેક્સ વખતે પણ તમને એ અંતર સમજાય અથવા તો સેક્સ તદ્દન ન રહે તમારા જીવનમાં એટલી પણ ખરાબ હાલત ઉદ્ભવી શકે છે. અહીં એ સમજવું જરૂરી છે કે સેક્સ ત્યારે જ બેસ્ટ રીતે શક્ય છે જ્યારે શરીરથી જ નહીં, મનથી તમે એકબીજાને સ્પર્શી શકો. તમે જો એકબીજાની જૂની પ્રતિભાને વધુ યાદ કરતા હો કે એને વધુ મિસ કરતા હો તો એને ફરીથી જીવંત કરવાની જરૂર છે. તમારા પાર્ટનરને પણ એ યાદ દેવડાવો અને કહો કે હું એ પડાવને ફરીથી તારી સાથે અનુભવવા માગું છું.’
કોઈ પણ કપલની વચ્ચે અંતર આવે તો એ બન્નેને એટલું જ કઠતું હોય છે પરંતુ દરેક વ્યક્તિ આ પરિસ્થિતિને પોતાની રીતે નિભાવતી હોય છે. આવું થાય ત્યારે ફોન વગર એકબીજા સાથે વધુ નહીં તો ૧૫ મિનિટ વિતાવો. એમાં કંઈ વાત ન થાય તો પણ વાંધો નહીં. એકબીજાનું સાંનિધ્ય અનુભવો એટલું બસ થઈ જશે. - ડૉ. શ્યામ મીથિયા, સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ

