આવા સમયે સંબંધોમાં કડવાશ લાવ્યા વગર કોઈ આપણા જીવનમાં દખલઅંદાજી ન કરી શકે એવી બાઉન્ડરી કેવી રીતે સેટ કરવી એ પણ કળા છે
પ્રતીકાત્મક તસવીર
લગ્ન, સંતાન, પૈસા, કરીઅર કે લાઇફસ્ટાઇલ જેવી અંગત બાબતો વિશે જ્યારે રિલેટિવ્સની ટિપ્પણીઓ ઊલટતપાસ જેવી થઈ જાય ત્યારે અસહજતા આવી જાય છે. વારંવાર પુછાતા સવાલો, કોઈક સાથેની સરખામણી કે ટોણા ક્યારેક અકળામણ અને ગુસ્સો લાવી દે છે. આવા સમયે સંબંધોમાં કડવાશ લાવ્યા વગર કોઈ આપણા જીવનમાં દખલઅંદાજી ન કરી શકે એવી બાઉન્ડરી કેવી રીતે સેટ કરવી એ પણ કળા છે
‘હજી સુધી લગ્નનું કંઈ વિચાર્યું નથી? કે પછી કોઈ મળતું નથી?’
‘હવે સારા સમાચાર ક્યારે આપવાના છો? કેટલું મોડું કરશો?’
‘કમાઓ છો એ સારું છે, પણ પૈસા બચાવો છો કે બધું ઉડાવી દો છો?’
‘તમારે તો જલસા છે હોં, જ્યારે મન થાય ત્યારે ફરવા નીકળી પડો છો.’
આવા સવાલો ક્યારેક સગાંસંબંધીઓ માટે માત્ર વાતચીતનો વિષય હોય છે, પરંતુ જેને પૂછવામાં આવે છે તેના માટે એ અંગત બાબતમાં દખલગીરી જેવી લાગણી કરાવી શકે છે. ખાસ કરીને જ્યારે એક જ સવાલ વારંવાર પુછાય, બીજાની સાથે સરખામણી થાય અથવા સવાલની પાછળ ટોણો છુપાયેલો હોય ત્યારે સામાન્ય ઉત્સુકતા પણ અકળામણ, ગુસ્સો કે અસલામતીમાં ફેરવાઈ શકે છે. એવામાં સંબંધો બગાડ્યા વગર કે સામેવાળી વ્યક્તિનું અપમાન કર્યા વગર કેવી રીતે પ્રેમથી અને સમજદારીથી આ પરિસ્થિતિને સંભાળી શકાય એ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી જાણીએ.
ADVERTISEMENT
સંબંધીઓના સવાલો કેમ અકળાવે છે?
કૌટુંબિક પ્રસંગ હોય એટલે સાથે મળવાનું, વાતો કરવાનું અને એકબીજાના જીવન વિશે પૂછવાનું સ્વાભાવિક છે; પરંતુ વાત જ્યારે લગ્ન, સંતાન, કરીઅર, પૈસા કે લાઇફસ્ટાઇલ જેવા અંગત મુદ્દાઓ સુધી પહોંચે ત્યારે આ જ સવાલો ક્યારેક અકળામણ કે ગુસ્સાનું કારણ બની જાય છે. ખાસ કરીને જ્યારે એક જ સવાલ વારંવાર પુછાય, બીજાની સાથે સરખામણી કરવામાં આવે કે સવાલની પાછળ ટોણો કે જજમેન્ટ હોય. અહીં સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આવા સમયે અસહજ થવું અસામાન્ય નથી. લગ્ન, સંતાન, કરીઅર, પૈસા અને જીવનશૈલી માત્ર સામાન્ય માહિતી નથી. આ બાબતો વ્યક્તિની પસંદગી, આત્મસન્માન, ઓળખ અને જીવનની પોતાની સમજ સાથે જોડાયેલી હોય છે. એટલે એક નાનો સવાલ પણ ક્યારેક વ્યક્તિને એવું અનુભવડાવી શકે છે કે જાણે તેના આખા જીવનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોઈ સંબંધી પૂછે કે ‘તારી ઉંમરમાં તો અમારાં લગ્ન પણ થઈ ગયાં હતાં, તું હજી શું કરે છે?’ ત્યારે સવાલ માત્ર સવાલ રહેતો નથી. મન તરત સરખામણી કરવા લાગે છે કે શું હું જીવનમાં પાછળ રહી ગઈ છું? લોકોને મારામાં કંઈ ખામી લાગે છે? આવી લાગણીઓ અસહજતા વધારી શકે છે. કેટલીક વખત આપણે જાણીએ છીએ કે સામેની વ્યક્તિ કદાચ માત્ર ઉત્સુકતાથી પૂછી રહી છે, છતાં આપણને લાગે છે કે આપણી પસંદગી પર સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જ્યારે લગ્ન, સંતાન કે પૈસા જેવા વિષયો સાથે વ્યક્તિની પોતાની કોઈ સંવેદનશીલ લાગણી જોડાયેલી હોય ત્યારે આવી ટિપ્પણી વધારે અસર કરી શકે છે. આપણે પરિવાર અને સંબંધીઓ પાસેથી સ્વીકૃતિ અને સમજણની અપેક્ષા રાખીએ છીએ એટલે કંઈક ખોટું ન કર્યું હોવા છતાં પણ તેમની સામે પોતાની પસંદગી સાચી સાબિત કરવાની જરૂરિયાત અનુભવાય છે.
સવાલ પાછળનો ઇરાદો જુઓ
દરેક અંગત સવાલને એક જ રીતે લેવાની જરૂર નથી. કોઈ કાકી કે માસી ખરેખર તમારી ચિંતા કરતાં હોય અને લગ્ન વિશે પૂછતાં હોઈ શકે, કોઈ વ્યક્તિ માત્ર વાત શરૂ કરવા માટે પૂછતી હોઈ શકે અને કોઈ વ્યક્તિ ખરેખર પંચાત કે ટોણો મારવાના ઇરાદાથી પણ સવાલ કરી શકે. એટલે એકસરખો જવાબ આપવો જરૂરી નથી. જવાબ આપતાં પહેલાં મનમાં ૪ વાતો વિચારી શકાય. શું પૂછવામાં આવ્યું છે? કોના દ્વારા પૂછવામાં આવ્યું છે? શા માટે પૂછવામાં આવ્યું હશે? હું કેવી રીતે જવાબ આપવા માગું છું? આ ૪ બાબતો સમજાઈ જાય પછી પ્રતિક્રિયા આપવી વધુ સરળ બને છે. હસીને ટાળી શકાય ત્યાં લાંબી ચર્ચા શા માટે? કેટલાક સવાલો એવા હોય છે જ્યાં હળવો જવાબ પૂરતો હોય છે. ‘હવે લગ્ન ક્યારે?’ એના જવાબમાં, ‘જોઈએ હવે લાઇફમાં આગળ શું લખ્યું છે’ કહીને સ્માઇલ કરી શકાય. આ રીતે તમે વાતને ગંભીર બનાવી નથી અને સામેની વ્યક્તિને લાંબી ચર્ચા માટે આમંત્રણ પણ આપ્યું નથી. જો વાત આગળ વધારવાની ઇચ્છા ન હોય તો જવાબ આપ્યા પછી તરત વિષય બદલી શકાય. ‘હા, એ પણ વિચારવા જેવો મુદ્દો છે. અરે કાકી, તમે પેલી નવી સોસાયટી વિશે કહેતાં હતાં એનું શું થયું?’ આ રીતે તમે સવાલને સંપૂર્ણપણે અવગણ્યો નથી, પરંતુ ચર્ચાને તમારી પર્સનલ લાઇફમાંથી બહાર લઈ ગયા.
ક્યારે સ્પષ્ટ બાઉન્ડરી જરૂરી છે?
જો એક જ વ્યક્તિ વારંવાર એ જ અંગત સવાલ પૂછે, તમે ટાળ્યા છતાં ફરી વાત ખેંચે અથવા સવાલમાં સતત ટોણો અને જજમેન્ટ હોય ત્યારે નમ્ર પરંતુ સ્પષ્ટ બાઉન્ડરી રાખવી જરૂરી છે. ‘હું તમારી લાગણી સમજું છું, પણ આ વિષય મારા માટે અત્યારે પર્સનલ છે. જ્યારે કંઈક નક્કી થશે ત્યારે હું તમને ચોક્કસ જણાવીશ’ આ પ્રકારનો જવાબ સામેવાળાનું અપમાન કરતો નથી પરંતુ તમારી સીમા સ્પષ્ટ કરે છે. બાઉન્ડરી એટલે સામેવાળાને ચૂપ કરાવી દેવું કે સંબંધ તોડી નાખવો નહીં. બાઉન્ડરીનો અર્થ છે કે તમે નક્કી કરો છો કે તમારા જીવનની કેટલી માહિતી, કોની સાથે અને ક્યારે શૅર કરવી છે. જો લગ્ન વિશે વારંવાર સવાલ થાય તો ‘યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિ મળે ત્યારે ચોક્કસ લગ્ન કરીશ, અત્યારે કોઈ અપડેટ નથી’ કહી શકાય. પૈસા વિશે પૂછવામાં આવે તો દરેક રોકાણ કે ખર્ચની વિગત આપવાને બદલે ‘પૈસાનું મહત્ત્વ સમજું છું અને મારી રીતે બચત તથા મૅનેજમેન્ટ કરી રહ્યો છું’ કહીને વાત પૂરી કરી શકાય.
દરેક સવાલનો જવાબ આપવો જ પડે એવી માન્યતા છોડો
બાળપણથી જ આપણને ઘણી વખત શીખવવામાં આવે છે કે વડીલે કંઈ પૂછ્યું હોય તો જવાબ આપવો જ પડે. આ ટેવ મોટી ઉંમરે પણ સાથે રહે છે. તેથી પરિવારનો કોઈ સભ્ય અંગત સવાલ પૂછે ત્યારે જવાબ તો આપવો જ પડશે એવી અંદરની ફરજ અનુભવાય છે, પરંતુ શિષ્ટાચાર અને ઓવર-એક્સપ્લેનિંગ બે અલગ બાબતો છે. સન્માનથી વાત કરવી એ એક વાત છે અને પોતાના દરેક નિર્ણયને યોગ્ય સાબિત કરવા માટે લાંબી સ્પષ્ટતા આપવી એ બીજી વાત છે. તમારે લગ્ન કેમ નથી કર્યાં, કેટલા પૈસા કમાઓ છો, કેટલી બચત છે, ક્યાં રોકાણ કર્યું છે, કોની સાથે બહાર જાઓ છો કે સોશ્યલ મીડિયા પર શું પોસ્ટ કરો છો એની સંપૂર્ણ માહિતી આપવી જરૂરી નથી. પ્રાઇવસી એટલે કોઈને નકારવી નહીં, પરંતુ પોતાના જીવનમાં કોને કેટલો પ્રવેશ આપવો એ નક્કી કરવું.
સંબંધો બચાવવા અને પોતાની સીમા પણ જાળવવી
આપણે ભારતીય પરિવારવ્યવસ્થામાં જીવીએ છીએ જ્યાં સંબંધોનું પોતાનું મહત્ત્વ છે. એટલે દરેક અંગત સવાલનો જવાબ ‘તમારે શું?’ કહીને આપી દેવો એ હંમેશાં શ્રેષ્ઠ ઉકેલ નથી, પરંતુ પરિવારનું માન જાળવવાનો અર્થ પોતાની માનસિક શાંતિનું બલિદાન આપવું પણ નથી. સૌથી સંતુલિત રસ્તો છે હૂંફાળું વર્તન અને સ્પષ્ટ બાઉન્ડરી. પહેલાં સામેવાળાની ચિંતા સ્વીકારી શકાય, ‘મને ખબર છે કે તમે મારા ભલા માટે જ પૂછો છો.’ પછી પોતાની સ્થિતિ જણાવી શકાય, ‘પણ અત્યારે આ વિષય પર વાત કરવી મને કમ્ફર્ટેબલ નથી લાગતું.’ અંતે વાત પૂરી કરી શકાય, ‘જ્યારે કંઈક નક્કી થશે ત્યારે હું જાતે જણાવીશ.’ આ પછી ચર્ચાને આગળ ખેંચવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ માત્ર ઉશ્કેરવા કે ટોણો મારવા માટે જ સવાલ કરતી હોય તો દરેક વખતે જવાબ આપવો પણ જરૂરી નથી. એક સ્માઇલ, મૌન અથવા ત્યાંથી બીજી વાતચીતમાં જોડાઈ જવું પણ એક વિકલ્પ છે.
