પ્રિય વ્યક્તિને પામવાની ઝંખના જો અકળામણ બને તો એ અકળામણ પ્રિય વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, પણ એ અકળામણને કારણે સંબંધોમાં કોઈ અંટસ પણ ન આવવી જોઈએ.
પ્રતીકાત્મક તસવીર
આજના આ કૉમ્પિટિટિવ સમયમાં નવી જનરેશનનાં કપલ્સમાં બન્ને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલાં હોવાનું બહુ જોવા મળે છે. હસબન્ડ અને વાઇફ બન્ને કામ કરતાં હોય અને બન્નેના કામના કલાકો જુદા-જુદા હોય એને લીધે એક જ શહેરમાં હોય તો પણ બન્ને નિરાંતે સાથે સમય પસાર કરી શકતાં ન હોય. એક વર્ગ એવો પણ છે જેમાં હસબન્ડ અને વાઇફ બન્ને અલગ-અલગ શહેરોમાં રહીને પોતાની કરીઅર આગળ વધારતાં હોય. એવા કપલમાં તો એકબીજા સાથે ઇન્ટિમેટ થવા માટે પણ તેમણે અઠવાડિયાં કે મહિનાઓ સુધી રાહ જોવી પડે અને એવું બને એટલે ઇન્ટિમસીની ઇચ્છા કે પછી તલબ ચરમસીમા પર પહોંચી જાય જે ખોટું ફ્રસ્ટ્રેશન બનીને બહાર આવે. બધા સાથે આવું નથી બનતું, પણ મહદંશે આવું બનતું જોવા મળ્યું છે અને એમાં કશું ખોટું પણ નથી. પ્રિય વ્યક્તિને પામવાની ઝંખના જો અકળામણ બને તો એ અકળામણ પ્રિય વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે, પણ એ અકળામણને કારણે સંબંધોમાં કોઈ અંટસ પણ ન આવવી જોઈએ.
હમણાં એક કપલ અને તેના ફૅમિલી-મેમ્બર્સને મળવાનું થયું. એ કપલનાં મૅરેજને દોઢેક વર્ષ થયું હતું. હસબન્ડ દિલ્હીમાં જૉબ કરે અને વાઇફની જૉબ પુણેમાં. બન્નેનાં લવમૅરેજ હતાં. પ્રશ્ન એ હતો કે બન્નેએ ડિવૉર્સ લેવાનું નક્કી કરી લીધું હતું. ફૅમિલીને મૂંઝવણ એ વાતની હતી કે એવું તે શું થયું કે બન્ને આટલા ટૂંકા સમયમાં સેપરેટ થવા વિશે વિચારે છે. ફૅમિલીની મૂંઝવણ પણ ખોટી નહોતી. ઇન-લૉઝ સાથે રહેતા હોય તો ખટપટનો પ્રશ્ન આવે; પણ હસબન્ડ જુદો રહે, વાઇફ બીજા શહેરમાં રહે અને એ પછી પણ બન્નેને અલગ થવું હતું.
ADVERTISEMENT
કાઉન્સેલિંગ દરમ્યાન મનમાં જે પ્રશ્ન હતો એનો પણ ક્ષય થઈ ગયો કે બેમાંથી કોઈને અન્ય પાર્ટનર મળી ગયું હશે. એવું પણ નહોતું એટલે જરા વધારે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે બન્ને છેલ્લા ૪ મહિનાથી મળ્યા નથી એટલું જ નહીં, બન્ને વચ્ચે એવી કોઈ વાતચીત પણ થઈ નહોતી જેમાં પ્રેમ અને હૂંફની લાગણીઓ દેખાતી હોય. બન્ને વચ્ચે મેસેજની આપ-લે થાય, પણ એમાં માત્ર કામની વાતો કે પછી ઔપચારિકતા હોય. તેમને સમજાવવાં પડ્યાં કે તમે હવે રિલેશનમાં નથી પણ માત્ર વ્યવહાર નિભાવી રહ્યાં છો. જો સંબંધોમાં દશકાઓ પસાર ન થયા હોય તો આ પ્રકારનો વ્યવહાર ક્યારેય પણ અને કોઈનો પણ તૂટી જાય. ઇન્ટિમેટ રિલેશન સંબંધોમાં બૉન્ડિંગ ઊભું કરે. જરૂરી નથી કે ઇન્ટિમેટ થવા માટે દરેક વખતે ફિઝિકલી મળવું પડે. ચૅટથી, ફોટોગ્રાફ મોકલીને, મીઠી વાતો કરીને પણ એકબીજા સાથે ઇન્ટિમેટ થઈ શકાય. ફોરપ્લેની જેમ જ ટૉકપ્લે પણ સંબંધોમાં ખુશ્બૂ જાળવી રાખે અને જો લૉન્ગ-ટર્મ રિલેશન હોય તો જે કોઈ માધ્યમ હોય એના થકી ઇમોશન્સ પહોંચાડવાં જ જોઈએ, કારણ કે ઇન્ટિમસીનો પર્યાય ઇમોશન્સ છે.

