બાળપણમાં તેઓ સ્કૂલમાં શું થયું એની નાની-નાની વસ્તુઓ પેરન્ટ્સને કહેતાં હોય છે એ મોટાં થતાં જાય પછી ઓછું થતું જાય છે
શ્વેતા તિવારી અને પલક તિવારી
સામાન્ય રીતે સંતાનો મોટાં થવા લાગે એમ પેરન્ટ્સ અને સંતાનો વચ્ચે એક અંતર આવતું જાય છે. બાળપણમાં તેઓ સ્કૂલમાં શું થયું એની નાની-નાની વસ્તુઓ પેરન્ટ્સને કહેતાં હોય છે એ મોટાં થતાં જાય પછી ઓછું થતું જાય છે. એ લોકો પોતાની ફીલિંગ્સ, સીક્રેટ્સ, એક્સ્પીરિયન્સ એ બધું ફ્રેન્ડ્સ સાથે શૅર કરતા થઈ જાય છે. એવામાં પેરન્ટ્સને વધારે આઇડિયા જ હોતો નથી કે તેમનાં સંતાનોના જીવનમાં શું ચાલી રહ્યું છે. એટલે સંતાનોથી નજીક રહેવા, તેમને ઓળખવા માટે પેરન્ટ્સ તેમના ફ્રેન્ડ્સ સાથે દોસ્તી રાખે એ ખૂબ જરૂરી છે
જાણીતી ટીવી-અભિનેત્રી શ્વેતા તિવારીએ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે મારી દીકરી પલક પાર્ટીમાં જઈ રહી હોય તો તે બધા જ ફ્રેન્ડ્સનાં નામ અને તેમના પેરન્ટ્સના નંબર મને આપીને જાય. ઘણાં ઘરોમાં એવું જોવા મળતું હોય છે કે પેરન્ટ્સ તેમનાં સંતાનોના ફ્રેન્ડ્સને પણ સારી રીતે ઓળખતા હોય છે. તેમની સાથે વાતચીત કરતા હોય છે. તેમના સંપર્કમાં રહેતા હોય છે. એનાથી પેરન્ટ્સને ઘણી રીતે ફાયદો થતો હોય છે. એ કઈ રીતે? એ કેટલાક પેરન્ટ્સ અને એક્સપર્ટ પાસેથી જ જાણી લઈએ.
ADVERTISEMENT
જાણો પેરન્ટ્સના એક્સ્પીરિયન્સ
ભૈરવી અને સમીર શાહ તેમની દીકરી ધ્રુવી અને દીકરા મેઘ સાથે.
મીરા રોડમાં રહેતાં સમીર શાહ અને ભૈરવી શાહને બે સંતાનો છે, ૨૨ વર્ષની દીકરી ધ્રુવી જે અત્યારે MComના બીજા વર્ષમાં ભણે છે અને ૧૮ વર્ષનો દીકરો મેઘ FYBcom સાથે CAની તૈયારી કરી રહ્યો છે. ભૈરવી શાહ તેમનાં સંતાનો અને તેમના ફ્રેન્ડ્સ સાથેના પોતાના રિલેશન વિશે વાત કરતાં કહે છે, ‘મારી દીકરી અને દીકરાના બધા જ ફ્રેન્ડ્સને હું ઓળખું છું. અમે અમારાં સંતાનો સાથે પણ ફ્રેન્ડ્સની જેમ જ રહીએ છીએ. અમારી ફૅમિલીમાં એક વસ્તુ બહુ સારી છે કે સવારે નાસ્તો કરવા બધા સાથે બેસીએ અને એનું ડિસકશન કરીએ કે કોણ આજે શું કરવાનું છે. રાત્રે પણ જ્યારે ભેગાં મળીએ ત્યારે અમે દિવસભરમાં શું થયું એની વાતો કરીએ. અમારાં સંતાનો અમારી સાથે એટલાં ફ્રેન્ડ્લી છે કે તેમના ફ્રેન્ડ-સર્કલમાં કોની ગર્લફ્રેન્ડ છે ને કોનો બૉયફ્રેન્ડ છે એ બધું જ જણાવે. મારી દીકરી આઠમા ધોરણમાં હતી ત્યારે તેને એક છોકરો પ્રપોઝ કરવાનો હતો. એ છોકરો તેને પ્રપોઝ કરે એ પહેલાં જ મને એ વિશે ખબર પડી ગઈ હતી. મારી એક બહેનપણીના દીકરાએ તેને આ વિશે કહેલું અને એ બહેનપણીએ મને કૉલ કરીને કહેલું કે ધ્રુવીને આ છોકરો પ્રપોઝ કરવાનો છે. એ પછી હું જાતે એ છોકરા પાસે ગયેલી અને તેને કહેલું કે તું તારી હેસિયત બનાવ, લાઇફમાં કંઈક બની જા, એ પછી હું સામેથી જ તારું ધ્રુવી સાથે કરાવી આપીશ. અમારાં લવ-મૅરેજ છે અને અમારાં દીકરા-દીકરીને પણ અમે કહી રાખેલું છે કે તમારી પસંદ અમને મંજૂર છે. અમે અમારાં સંતાનોના ફ્રેન્ડ્સ સાથે પણ એકદમ ફ્રી થઈને રહીએ. મારી દીકરી કે દીકરાનો બર્થ-ડે હોય તો તેમના ફ્રેન્ડ્સ મને કૉલ કરીને અગાઉથી કહી રાખે કે અમે આ દિવસે આટલા વાગ્યે તમારા ઘરે આવીશું, અમારે ડેકોરેશન કરવું છે તો આ જગ્યા ફ્રી રાખજો. ફૂડમાં શું ખાવું છે એનું મેનુ તેઓ મને અગાઉથી કહી દે એટલે એ રીતની હું વ્યવસ્થા કરી રાખું. મારી દીકરી ભણવાની સાથે ઑડિટની પણ જૉબ પણ કરે છે. ઘણી વાર તેને કામ એટલું હોય કે ઘરે આવતાં મોડું થઈ જાય. એટલે તેણે મને તેના ઑફિસ-કલીગ્સના નંબર આપીને રાખ્યા છે જેથી એનો કૉન્ટૅક્ટ ન પણ થાય તો હું તેના કલીગ્સને કૉલ કરી શકું. બાકી મોટા ભાગે તો એ મને ઑફિસ પહોંચીને કે ઑફિસમાંથી નીકળે ત્યારે અપડેટ આપતી રહે છે. આ સેમ રૂલ્સ મારા દીકરા અને હસબન્ડ માટે પણ છે. મને લાગે છે કે તમે તમારાં સંતાનોના ફ્રેન્ડ્સ સાથે જેટલા હળીમળીને રહેશો એટલાં તમારાં સંતાનો તમારી સાથે ખૂલીને રહેશે.’
જતીન શાહ તેમના બે દીકરાઓ હીત અને સ્મિત સાથે.
ઘાટકોપરમાં રહેતા જતીન શાહ પણ આવા જ એક પેરન્ટ છે. તેમનો મોટો દીકરો સ્મિત ૨૬ વર્ષનો છે અને હાલમાં USમાં બિઝનેસ-મૅનેજમેન્ટનું ભણીને અત્યારે જૉબ કરી રહ્યો છે, જ્યારે નાનો દીકરો હીત ૨૨ વર્ષનો છે જેણે BMSની ડિગ્રી લીધી છે પણ ફોટોગ્રાફીમાં રસ હોવાથી હાલમાં તે ફ્રીલાન્સ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. સંતાનોના ફ્રેન્ડ્સ સાથેના પોતાના રિલેશન વિશે વાત કરતાં જતીનભાઈ કહે છે, ‘હું મારા નાના દીકરા હીતના બધા જ ફ્રેન્ડ્સને લગભગ ઓળખું છું. બધા ફ્રેન્ડ્સ કોઈના ને કોઈના ઘરે ભેગા થઈને મળતા રહેતા હોય. એટલે હીતના ફ્રેન્ડ્સ અમારા ઘરે આવે ત્યારે હું પણ તેમની સાથે થોડી વાર વાતો કરવા બેસું એટલું જ નહીં, તેના ફ્રેન્ડ્સના પેરન્ટ્સ પણ હીતને ઓળખે. સંતાનોના ફ્રેન્ડ્સને આપણે ઓળખતા હોઈએ તો ખબર પડે કે તેનું કેવા લોકો સાથે ઊઠવા-બેસવાનું છે. એમાં પછી આપણને લાગે કે તેનો એકાદ ફ્રેન્ડ થોડો બરાબર નથી તો આપણે તેને ચેતવી શકીએ કે સંભાળીને રહેજે. મારો મોટો દીકરો હંમેશાં મને સમજાવે કે તમે હીત સાથે વધારે સ્ટ્રિક્ટ બનીને નહીં રહો. મેં જ્યારથી તેની સાથે અને તેના ફ્રેન્ડ્સ સાથે ફ્રીલી રહેવાનું શરૂ કર્યું છે ત્યારથી તે પણ તેની વાતો મારી સાથે શૅર કરતો થયો છે. હું તેને સામેથી કહું કે તને ક્યારેક ડ્રિન્ક કરવાનું મન થાય તો મને કહેજે, હું પીવડાવીશ પણ તારે મને એના ફાયદા ગણાવવા પડશે. જીવનમાં જરાક ટેન્શન આવે ને તું દારૂ કે સિગારેટ પીશ તો એનાથી કોઈ સૉલ્યુશન તો નીકળવાનું નથી, પણ પૈસાનું પાણી અને શરીરને નુકસાન ચોક્કસ થઈ જશે. સંતાનોને તમે જેટલાં દાબમાં અને ડિસિપ્લિનમાં રાખવાની કોશિશ કરો એટલાં એ સ્પિંગની જેમ ઊછળે. એટલે તેમની સાથે ફ્રેન્ડની જેમ રહીએ અને તેમના ફ્રેન્ડ્સ સાથે પણ સારો સંબંધ બનાવીને રાખીએ તો પેરન્ટ્સ તરીકે આપણે આપણાં સંતાનોની બહારની દુનિયાથી પણ અવગત રહી શકીએ. આપણને સતત એવું સ્ટ્રેસ ન રહે કે કોની સાથે હરતોફરતો હશે, બહાર શું કરતો હશે, કંઈક ઊંધા રવાડે તો નહીં ચડી જાયને?’
સંતાનોના ફ્રેન્ડ્સ બનવું કેમ જરૂરી?
આજના જમાનામાં સંતાનોના ફ્રેન્ડ્સ તેમની દુનિયાનો સૌથી મોટો હિસ્સો હોય છે. પેરન્ટ્સ તેમની એ દુનિયામાં ફ્રેન્ડ્લી રીતે એન્ટ્રી લઈ લે તો સંતાન સાથેનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ થાય છે. આ વિશે વાત કરતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ કાઉન્સેલર રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘તમે સંતાનોના ફ્રેન્ડ્સ સાથે હળોમળો, તેમની સાથે વાતો કરો, તેમને સમજવાનો પ્રયત્ન કરો તો તમારા સંતાનને એવું લાગશે કે તમે તેમના સોશ્યલ સર્કલની કદર કરો છો. એનાથી તમારા સંતાનનું તમારી સાથેનું બૉન્ડિંગ સારું થશે. જ્યારે પેરન્ટ્સ સંતાનોના ફ્રેન્ડ્સને ઓળખતા હોય તો સંતાનને પણ લાગે કે તેમની દુનિયાને મા-બાપ સમજે છે. એનાથી કમ્યુનિકેશન ગૅપ ઓછો થાય છે. તમારાથી જે વસ્તુઓ છુપાવતા હોય એને તેઓ તમારી સાથે શૅર કરવાનું ચાલુ કરશે. સંતાનનું ફ્રેન્ડ-સર્કલ તેમના વિચારો અને પર્સનાલિટીનું રિફ્લેક્શન હોય છે. એટલે તમે તમારા સંતાનના ફ્રેન્ડ્સને જેટલા ઓળખવાનો પ્રયત્ન કરશો એટલી સારી રીતે તમે તમારા સંતાનને ઓળખી શકશો. ઘણી વાર પેરન્ટ્સ પોતાનાં સંતાનોના ફ્રેન્ડ્સને અવગણે કે તેમની અગેઇન્સ્ટ હોય તો સંતાન પણ એવું ફીલ કરે કે મારા પેરન્ટ્સ મને સમજી નહીં શકે. સંતાનોના ફ્રેન્ડ્સ જ્યારે ઘરે આવે અને તમે તેમની સાથે ફ્રેન્ડ્લી થાઓ તો સંતાન પણ ફૅમિલીને પોતાની સોશ્યલ લાઇફ સાથે જોડીને જુએ છે. તમે તમારાં સંતાનો અને તેના ફ્રેન્ડ્સ સાથે હળીમળીને રહેશો તો જ તમારું સંતાન તમારી સાથે ફ્રેન્ડ્લી થશે, તમારા પર વિશ્વાસ મૂકશે, પોતાની સમસ્યાઓ તમારી સાથે શૅર કરશે, તમારી પાસે માર્ગદર્શન માગશે અને એનો અમલ પણ કરશે.’

