રસ્તા પર જાણે-અજાણે ભટકાવાનો, હાથમાંના ચોપડા પડી જવાનો, પડેલા ચોપડા ભેગા કરતાં માથાં ભટકાવાનો રોમૅન્સ હતો એ ગયો
પ્રતીકાત્મક તસવીર
ઝરૂર તેરી ગલી સે ગુજર હુઆ હોગા
કિ આજ બાદ-એ-અસબા બે-કરાર આઈ હૈ
ADVERTISEMENT
- કૌસર નિયાઝ
એક મોબાઇલે ઘણીબધી વસ્તુઓ પોતાનામાં સમાવી દીધી છે. કૅમેરા, ટૉર્ચ, રેડિયો, કૅસેટ વગેરે વગેરે કબાટના કોઈક ખૂણે પડ્યાં હશે; પણ ગલીના નાકે રાહ જોવાનો રોમૅન્સ કોઈ વસ્તુ તો નથી. તારી ગલીમાં થઈને ગુજરતી સવારની હવા (बाद-ए-सबा)ની બે-કરારી કોઈ વસ્તુ તો નથી. સવારે ગલીમાં સાંભળેલો ને સાંજ સુધી કાનમાં રણક્યા કરતો તેનાં ઝાંઝરનો અવાજ અને શામ ઢલે ખિડકી તલે સીટી વગાડવાનો રોમૅન્સ કોઈ વસ્તુ તો નથી કે કબાટમાં મૂકી દેવાય. કેટલીક ગલીઓનો ઠાઠ-ઠસ્સો જ જુદો હોય છે. એમાં રહેનારાના તેવર પણ એવા જ. તમે કોઈકને જોવાના બહાને આંટા મારી રહ્યા હો તો એ લોકોની નજર તમારી નજર પર પહેરો ભરવા લાગશે. वो तेरी गली के तेवर, वो नज़र पर पहरे / वो मेरा किसी बहाने तुझे देखने गुज़रना / જોકે હવે કવિઓ, શાયરો, ગીતકારોનો ગલી સાથેનો રોમૅન્સ હતો એ ગયો, ચોરી-ચોરી ચિઠ્ઠી પહોંચાડવાનો રોમૅન્સ હતો એ ગયો. મોબાઇલમાં તો તરત જ સામો જવાબ મળી જાય. એને ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ’વાળી વાત ક્યાંથી સમજાય? કૉલેજમાં નોટ્સ વચ્ચે લવ-લેટર છુપાવીને આપવાનો અને એ પ્રેમપત્રો છુપાવીને ઘરમાં સાચવવાનો રોમૅન્સ હતો એ ગયો.
રસ્તા પર જાણે-અજાણે ભટકાવાનો, હાથમાંના ચોપડા પડી જવાનો, પડેલા ચોપડા ભેગા કરતાં માથાં ભટકાવાનો રોમૅન્સ હતો એ ગયો. પડદો ઊંચો કરીને છાનું મલકી રહે એવાં દૃશ્યો હવે ફિલ્માવાતાં નથી, કારણ કે હાથમાં હવે ચોપડા નહીં પણ મોબાઇલ હોય છે અને એ પડતા નથી.
દિલ કોઈનાં તૂટતાં નથી, હવે ફક્ત બ્રેકઅપ થાય છે. પછી ઉદાસ થયા વગર ‘મૂવ-ઑન’માં માનનારો જમાનો સોશ્યલ મીડિયામાં Singleનું સ્ટેટસ મૂકી દે છે અને togetherના ફોટો ડિલીટ કરી દે છે. તેમને ‘તસવીર તેરી દિલ મેં જિસ દિન સે બનાઈ હૈ’વાળી કશમકશ ક્યારેય નહીં અનુભવાય. માંડ-માંડ મળેલો ફોટો પાકીટમાં છુપાવવાનો, નોટબુકના છેલ્લા પાને જાતે તેનો સ્કેચ બનાવવાનો રોમૅન્સ મોબાઇલે છીનવી લીધો.
ગામડાંઓમાં ગલી નહીં ફળિયાં હોય છે અને ફળિયાવાળા ખાટલા પાથરી, કસુંબો ઘૂંટી રાત આખી ડાયરો જમાવે એનો રોમાંચ તો માણ્યો હોય તે જ જાણે.
બાય ધ વે, UKમાં વર્ડ્સવર્થ સ્ટ્રીટ, USAમાં ટેનિસન સ્ટ્રીટ છે અને આપણા ઘાટકોપરમાં નરસિંહ મહેતા રોડ છે. આવા બીજા રોડ હોય તો જણાવજો.
-યોગેશ શાહ

