Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કપલના ડિવૉર્સમાં વિલન બને છે આ ૧૫ કારણો

કપલના ડિવૉર્સમાં વિલન બને છે આ ૧૫ કારણો

Published : 11 November, 2025 03:20 PM | Modified : 11 November, 2025 03:38 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

રિલેશનશિપ-કોચે જણાવેલાં આ કારણો પર જો દંપતીઓ ધ્યાન આપે તો તેમને સમજાઈ જશે કે તેઓ કઈ એવી જાણી-અજાણી ભૂલો કરી રહ્યાં છે જે તેમના સંબંધમાં દૂરી અને તનાવ પેદા કરી રહી છે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક સમય હતો જ્યારે લગ્નને જીવનનો અંતિમ નિર્ણય માનવામાં આવતો હતો. એક વાર લગ્ન થાય એટલે આખું જીવન સાથે જ રહેવાનું. લગ્નજીવનમાં બાંધછોડ કરવી પડે કે નમવું પડે તો એ બધું કરીને પણ સંબંધ નિભાવી લેવામાં આવતો. જોકે બદલાતા સમય સાથે દંપતીના વિચારો અને જરૂરિયાતો બદલાયાં છે. આજકાલ હવે એવા જીવનસાથીની અપેક્ષા રાખવામાં આવે છે જે ભાવનાત્મક રીતે તેને સમજે, પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપે, એકબીજાના વિચારો-નિર્ણયોનું સન્માન કરે, એકબીજાને જીવનમાં આગળ વધવામાં સહકાર આપે. આ ખૂબ સારો બદલાવ છે; પણ ખરી સમસ્યા ત્યારે આવે છે જ્યારે બન્ને પાર્ટનર કામમાં એટલા બિઝી હોય કે ભાવનાત્મક રીતે જોડાવાનો સમય જ ન મળે, કમ્યુનિકેશનના અભાવે એકબીજાની લાગણીઓ સમજી ન શકે અને અંતર આવી જાય, પર્સનલ સ્પેસ અને સ્વતંત્રતાના ચક્કરમાં ડિસકનેક્શન આવી જાય, ઇક્વલિટી ઈગો બનીને ટકરાય, અપેક્ષાઓ એટલી બધી વધી જાય કે પૂરી કરવી શક્ય જ ન બને, એટલી ધીરજ પણ ન રાખે કે સંબંધને જોડવાનો પ્રયત્ન કરે. આ બધાં જ કારણો ક્યાંક ને ક્યાંક ડિવૉર્સ તરફ દોરી જતાં હોય છે. એવામાં રિલેશનશિપ કોચ જવાલ ભટ્ટે એવાં ૧૫ કારણો બતાવ્યાં છે જે ડિવૉર્સ પાછળ જવાબદાર હોય છે. એના પર ધ્યાન આપીને કપલે સંબંધ સુધારવાનો અને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

  1. જ્યારે લગ્ન કરનારું કપલ એકબીજાને સરખી રીતે ઓળખતું જ ન હોય તો લગ્ન પછી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલે અરેન્જ્ડ મૅરેજ કરતાં પહેલાં યુવક અને યુવતીએ ઓછામાં ઓછા છ મહિનાથી એક વર્ષ સુધી એકબીજાને મળતા રહેવું જોઈએ જેથી એકબીજાના વિચારો, આદતો અને અપેક્ષાઓ સમજી શકાય. 
  2. કેટલીક વાતો એવી હોય છે જે કોઈ પણ સંબંધ માટે બિલકુલ નૉન-નિગોશિએબલ એટલે કે જેને લઈને કોઈ બાંધછોડ ન થઈ શકે એવી હોય છે. એને લઈને અગાઉથી જ ખૂલીને ચર્ચા કરવામાં આવે તો સંબંધોમાં ગેરસમજ થવાથી રોકી શકાય છે. લગ્ન પહેલાં આ નૉન-નિગોશિએબલ વાતોને સ્પષ્ટ કરવામાં ન આવે અને પોતાની જાત પ્રત્યે ઈમાનદાર ન રહેવામાં આવે તો પછી ટકરાવ થવો નક્કી છે. 
  3. ઘણા સંબંધો એટલે કમજોર પડે છે કારણ કે વર્ડ્‍સ અને ઍક્શન મેળ ખાતાં ન હોય. લગ્ન પહેલાં કોઈ પાર્ટનર તેના સાથીને કોઈ વચન આપે અને બાદમાં એના પર અમલ ન કરે તો ધીરે-ધીરે સંબંધમાં નિરાશા અને વિશ્વાસની કમી આવવા લાગે છે. 
  4. લગ્નનો આધાર ફક્ત શારીરિક આકર્ષણ કે સામેવાળીની જીવનશૈલી ન હોવો જોઈએ, પણ કમ્પૅટિબિલિટી એટલે કે સ્વભાવ અને વર્તન વધુ મહત્ત્વપૂર્ણ છે. જો લગ્ન ફક્ત બહારની સુંદરતા પર ટકેલાં હોય તો વિચારોમાં ટકરાવ આવે છે, જેને કારણે સંબંધ તૂટવા લાગે છે. 
  5. ખરાબ વર્ક-લાઇફ બૅલૅન્સ પણ સંબંધોમાં તિરાડનું એક મોટું કારણ છે. જ્યારે એક અથવા બન્ને પાર્ટનર સતત કામમાં વ્યસ્ત રહે છે ત્યારે રિલેશનશિપ માટે સમય નથી બચતો જે તેમનામાં દૂરીનું કારણ બને છે. 
  6. લગ્નમાં ભાવનાત્મક, શારીરિક, આર્થિક દરેક પ્રકારની અપેક્ષાઓ ખૂબ વધુ હોય છે. આ મામલે બન્ને પાર્ટનરના વિચાર એક જેવા નહીં હોય તો આ અંતર બાદમાં અસંતોષ અને દૂરીનું કારણ બને છે. 
  7. લગ્નની શરૂઆતમાં જે ઉત્સાહ અને પ્રેમ હોય છે એ સમય સાથે ઓછો થઈ શકે છે જો એમાં સતત પ્રયાસો કરવામાં ન આવે. જ્યારે પ્રેમ વ્યક્ત કરવામાં અને સંબંધો નિભાવવામાં નિરંતરતા નથી રહેતી ત્યારે સંબંધ એની ઉષ્મા ખોઈ બેસે છે. 
  8. જ્યારે એક પાર્ટનર ભાવનાઓ વ્યક્ત કરવાનું છોડી દે, પોતાની લાગણીઓ ન દર્શાવે ત્યારે સાથીને એકલતાનો અનુભવ થવા લાગે છે. એવો સંબંધ જેમાં ફક્ત એક પાર્ટનર જ ભાવનાત્મક રૂપથી જોડાયેલો હોય તો એમાં નિરાશા, થાક, દૂરી વધવા લાગે છે. 
  9. લગ્નજીવનની શરૂઆત રોમૅન્સ, ઉત્સાહ અને ફ્લર્ટિંગથી ભરેલી હોય છે; પણ સમય સાથે જ્યારે કપલ એકબીજા સાથે સહજ થઈ જાય છે ત્યારે પ્રશંસા કરવાનું કે ફ્લર્ટ કરવાનું બંધ કરી દે છે. એવો વ્યવહાર સંબંધમાં ઉદાસીનતા અને દૂરી વધારી શકે છે. થોડુંઘણું ફ્લર્ટિંગ કે પ્રશંસા રિલેશનશિપમાં સ્પાર્ક જાળવી રાખી શકે છે. 
  10. સંબંધમાં લોકો એકબીજાને દોષ આપવામાં વધુ સમય વિતાવે છે, પણ પોતાની જાતનું અવલોકન કરતા નથી કે નથી પોતાની જવાબદારી સ્વીકારતા. લગ્નજીવનમાં મતભેદ થવો સ્વાભાવિક છે, પણ જો આપણે બીજા સામે આંગળી ચીંધવાને બદલે પોતાના વર્તન પર વિચાર કરીએ તો અનેક સમસ્યાઓ વિવાદ વગર ઉકેલી શકાય છે. 
  11. જ્યારે લગ્નમાં પરિવાર અને મિત્રોની દખલઅંદાજી જરૂરથી વધારે વધી જાય છે ત્યારે સંબંધમાં તનાવ પેદા થઈ શકે છે. બહારથી મળતી સલાહો અને અભિપ્રાયો દંપતી વચ્ચે ગેરસમજ અને વિવાદ વધારી શકે છે. 
  12. ઘણી વાર નાની-મોટી તકરારમાં લોકો છૂટાછેડાની ધમકી આપતા હોય છે. તકરાર દરમ્યાન છૂટાછેડાની ધમકી ઇમોશનલ મૅનિપ્યુલેશન લાગી શકે છે, જેથી સામેવાળા પર હાવી થઈ શકાય. જોકે હકીકતમાં આ રીત સંબંધને છૂટાછેડા તરફ ધકેલી શકે છે, બચાવવા તરફ નહીં. 
  13. કોઈ પણ સંબંધમાં જ્યારે કંટાળો અને મુશ્કેલ સમય આવે છે ત્યારે કેટલાક લોકો બહાર સંબંધ શોધવા લાગે છે. એમાં પણ જો કોઈ પાર્ટનર તેના એક્સ સાથે જોડાયેલો રહેતો હોય તો એ પણ વર્તમાન સંબંધ પર નકારાત્મક અસર પાડી શકે છે. 
  14. જ્યારે કોઈ વ્યક્તિ દરેક વાતને દિલ પર લઈ લે છે, જૂની વાતોને નથી છોડતી અને મનમાં રંજ રાખે છે ત્યારે એ સંબંધને નુકસાન પહોંચાડે છે. એવામાં નાની-નાની વાતે ગુસ્સો કરવો કે ઓવરરીઍક્ટ કરવું સંવાદને બગાડી દે છે અને સંબંધને જોખમમાં મૂકી દે છે. 
  15. ઘણાં કપલ્સ સોશ્યલ મીડિયા પર પોતાના જીવનને પર્ફેક્ટ દેખાડે છે. આ દેખાડો વાસ્તવિકતા નથી હોતી, પણ આવી પોસ્ટ બીજામાં અવાસ્તવિક અપેક્ષાઓ અને અસુરક્ષા પેદા કરી શકે છે જે સંબંધને અંદરથી કમજોર પાડી દે છે.


 એક્સપર્ટનું શું કહેવું છે?


ઉપર જણાવેલાં કારણો સિવાય બીજી એવી કઈ બાબતો છે જે આજકાલ છૂટાછેડાનું કારણ બને છે એનો જવાબ આપતાં રિલેશનશિપ-કોચ દીપિકા શાહ કહે છે, ‘હવેની મહિલાઓ કમાતી થઈ છે એટલે તેમના વિચારો પણ બદલાયા છે. પહેલાં મહિલાઓ બાંધછોડ કરી લેતી; પણ હવે એવું વિચારે છે કે હું શા માટે સહન કરું, હું પોતાનું ધ્યાન રાખી શકું છું. અગાઉ છૂટાછેડાને લોકો જે દૃષ્ટિએ જોતા એ તરફ જોવાનો નજરિયો પણ હવે બદલાયો છે. લોકો હવે ઓછું જજ કરે છે. એટલે કપલ સંબંધને ખેંચવાને બદલે પોતાના સુખ અને માનસિક શાંતિ માટે એનો અંત લાવવાનું વધારે પસંદ કરે છે. ઘણી વાર મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝ જેમ કે બાળપણમાં થયેલો એવો કોઈ ઇમોશનલ ટ્રૉમા કે પાસ્ટ રિલેશનશિપને લઈને કોઈ ટ્રૉમા હોય એના પર જો કામ કરવામાં ન આવે તો પણ પાર્ટનર સાથે કનેક્શન બનાવવામાં સમસ્યા આવે છે અને એ સંબંધ કમજોર પડવા લાગે છે. આજકાલ છૂટાછેડા પાછળનું સૌથી મોટું કારણ ભાવનાત્મક દૂરી અને સમજનો અભાવ છે. કામ, પૈસા અથવા પરિવારની દખલગીરી જેવા મુદ્દા તો છે; પણ કપલ વચ્ચે ભાવનાત્મક કનેક્શન મજબૂત હોય તો આ બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. જ્યારે લોકો પોતાની ભાવનાઓ યોગ્ય રીતે નથી સમજી શકતા કે નથી સંભાળી શકતા ત્યારે તેઓ પોતાના સાથીને પણ સમજી શકતા નથી. એને કારણે નાની-નાની વાતોમાં ઝઘડા વધી જાય છે અને અંતર વધતું થાય છે. લગ્નજીવનમાં પ્રેમ અને સમજ હોવાં સૌથી જરૂરી છે, કારણ કે ભાવનાત્મક જોડાણ વગર સંબંધનું ટકવું મુશ્કેલ છે. આજકાલ કપલ્સમાં સ્વયં પ્રત્યે જાગરૂકતા વધી છે, પણ પોતાના સાથી પ્રત્યે સહનશીલતા ઓછી થઈ ગઈ છે. આર્થિકરૂપે સ્વતંત્ર થવું સારી વાત છે, પણ એની સાથે સહાનુભૂતિ અને સમજદારી પણ જરૂરી છે. ઘણી વાર હું કપલ્સમાં જોઉં છું કે એક પાર્ટનર તેના અહંકારને સંબંધની ઉપર રાખતો હોય છે. સ્વયં પ્રત્યે જાગરૂક થવાનો મતલબ છે ભાવનાત્મક સ્તરે પોતાની જાતને સમજવી. જ્યારે આ સમજ ફક્ત પોતાના સુધી સીમિત રહી જાય અને સાથી પ્રત્યે સહાનુભૂતિ ન હોય તો સંબંધમાં અંતર અને ટકરાવ વધી જાય છે. આજકાલ આ સમસ્યા બહુ સામાન્ય થઈ ગઈ છે કે એક પાર્ટનર સંબંધ નિભાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો હોય, પણ બીજો તેને એમાં સાથ ન આપી રહ્યો હોય. એવા કેસમાં હું તેમને સલાહ આપું કે પ્રયત્ન ચાલુ રાખો, તેમને સમજાવો અને પ્રોત્સાહિત કરો કે તે સંબંધ નિભાવે. જોકે સાથે પોતાની સહનશીલતા અને સ્વીકાર્યતાની સીમા નક્કી કરવી પણ એટલી જ જરૂરી છે. એ જાણવું જરૂરી છે કે ક્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ? ખાસ કરીને જ્યારે સાથી ફક્ત મુશ્કેલી અને અંતર જ વધારવા ઇચ્છતો હોય. છૂટાછેડા સુધી વાત પહોંચે એ પહેલાં લગ્નજીવનમાં ભંગાણના કેટલાક સંકેતો દેખાય છે. સૌથી પહેલો સંકેતો તો એ જ હોય છે કે સમજ અને તાલમેલ ઓછાં થઈ જાય છે. જ્યારે સમજ ઘટે છે ત્યારે નાની-નાની વાતે તકરાર થવા લાગે છે. ધીરે-ધીરે પ્રેમ અને નિકટતા ઘટવા લાગે છે. ભાવનાત્મક દૂરી વધી જાય છે. લગ્ન અગાઉ જ જો કેટલીક વસ્તુઓ પર ચર્ચા કરી લેવામાં આવે તો પછીથી સમસ્યાઓ ઓછી આવે છે. એટલે ફાઇનૅન્સ કઈ રીતે મૅનેજ થશે? બાળકની યોજના, તેનો ઉછેર અને પ્રાથમિકતાઓ, પરિવારમાં દખલગીરીની સીમા અને પારિવારિક જવાબદારીઓ, પાર્ટનર તનાવને કઈ રીતે સંભાળે છે અને મતભેદ થવા પર એના ઉકેલની રીત શું હશે? આ બધા વિષયો પર ખૂલીને વાત કરવાથી આપસમાં સમજ અને વિશ્વાસ મજબૂત થશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2025 03:38 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK