કોઈ સ્ત્રી ઑર્ગેઝમ સુધી પહોંચી કે નહીં એ કઈ રીતે ખબર પડે? એ સવાલ દરેક પુરુષ માટે વણઊકલી પઝલ જેવો જ રહેવાનો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હમણાં મધ્ય પ્રદેશમાં એક નવતર પ્રયોગ થયો. ન્યુલી-વેડ કપલનો મેળવડો હતો જેને સંબોધવા માટે સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને સોશ્યોલૉજિસ્ટને બોલાવવામાં આવ્યા. સેક્સોલૉજિસ્ટ તરીકે મારે એમાં જવાનું થયું. આ પ્રકારના સેમિનાર આપણે ત્યાં પણ થવા જોઈએ એવું મને એ સેમિનાર જોઈને લાગ્યું. નવાં પરણેલાં કપલના મનમાં અનેક પ્રકારના પ્રશ્ન હોય છે, એમાંથી અનેક પ્રશ્નોનું નિરાકરણ આજે પણ એ લોકો લાવી શકતા નથી. કોઈને પૂછી શકાય નહીં એવી એ વાત પૂછવાથી પોતે ગમાર કે હાસ્યાસ્પદ લાગશે એવી માનસિકતા હજી પણ મોટા ભાગનાં કપલમાં છે એ યાદ રાખવા જેવું છે. એક્સપર્ટ્સને પૂછી શકાય, પણ દરેકને એક્સપર્ટની ઍડ્વાઇઝ માટે ચૂકવવામાં આવતી રકમ પોસાતી નથી એટલે છેલ્લે બને છે એવું કે આ કપલ પોતાના ફ્રેન્ડસર્કલમાંથી જવાબ મેળવવાની કોશિશ કરે, જેને લીધે એંસીથી નેવું ટકા ખોટા જ જવાબો મળે અને એ ખોટો જવાબ પછી આગળ વધતો જાય.
પ્રસ્તુત સેમિનારમાં સૌથી પહેલાં એક્સપર્ટ્સની સ્પીચ હતી અને એ પછી પ્રશ્નોત્તરી માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રશ્નોત્તરીમાં પણ શરમસંકોચ ન રહે એટલે સેમિનાર શરૂ થતાં પહેલાં જ પેપર પર સવાલ પૂછીને આયોજકોને આપી દેવાના હતા એટલે જાહેરમાં કોઈએ ઊભા ન થવું પડે. સેક્સોલૉજીમાં સૌથી વધારે સવાલ પુરુષોએ પૂછ્યા હતા અને એમાં એક સવાલ કૉમન હતો, વાઇફને સૅટિસ્ફૅક્શન મળે છે કે નહીં એ કેવી રીતે ખબર પડે?
ADVERTISEMENT
મહિલાઓનું ઑર્ગેઝમ છીંક જેવું હોય છે. ઘણી વાર આવું-આવું થતી છીંક ક્યારેક આવે પણ ખરી અને ન પણ આવે તો કોઈ-કોઈ વાર તો એવું પણ બને કે એકાદ કલાક પછી છેક આવે. એક જ રીત કે બિહેવિયરને કારણે ક્યારેક ખૂબ ઉત્તેજના અનુભવાય અને ક્લાઇમૅક્સ પણ આવે તો ક્યારેક એ જ રીત અપનાવ્યા પછી પણ એટલું એક્સાઇટમેન્ટ ન પણ અનુભવાય. આ ખૂબ નૉર્મલ છે એટલે એમાં મનમાં કોઈ આશંકા નહીં રાખો.
કોઈ સ્ત્રી ઑર્ગેઝમ સુધી પહોંચી કે નહીં એ કઈ રીતે ખબર પડે? એ સવાલ દરેક પુરુષ માટે વણઊકલી પઝલ જેવો જ રહેવાનો. જેમ પુરુષમાં સ્પર્મ ડિસ્ચાર્જ જેવાં દેખીતાં લક્ષણો છે એવાં કોઈ લક્ષણો સ્ત્રીઓમાં નથી હોતાં. ઑર્ગેઝમ દરમ્યાન સ્ત્રીના હાવભાવ બદલાય છે, બ્રીધિંગ પૅટર્ન અને બ્લડ-સર્ક્યુલેશન સહેજ ઝડપી બને છે તો વજાઇનામાં સ્રાવ વધે અને વજાઇનામાં ઉપરાછાપરી તીવ્ર સંકોચનો આવે છે. જોકે આવાં લક્ષણો વિના પણ સ્ત્રી ચરમસીમા અનુભવી શકે છે. આથી સ્ત્રીને સંતુષ્ટિ મળી કે નહીં એ ખરેખર તો સ્ત્રી પોતે જ કહી શકે.

