અત્યારના સમયમાં આ પ્રશ્ન મોટા ભાગની મહિલાઓને સતાવે છે, જેનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે અને એ સ્ટ્રેસ માટે અનેક પ્રકારનાં અન્ય કારણ હોઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં એક લેડી મળવા આવી. એ લેડીનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન સાંભળ્યા પછી મનમાં સૌથી પહેલો એ સવાલ જન્મ્યો કે તમે જે જવાબની અપેક્ષા ડૉક્ટર પાસે રાખો છો એ જવાબ માત્ર ને માત્ર તમારા હસબન્ડ જ તમને આપી શકે અને એની માટે પણ તમારે તેની પાસે પણ મન ખોલવું પડે. તે લેડીના ઘણા પ્રશ્નો હતા પણ એ પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન તે ઑર્ગેઝમ પર પહોંચતી નથી તો ઑર્ગેઝમ માટે તેણે શું કરવું જોઈએ.
અત્યારના સમયમાં આ પ્રશ્ન મોટા ભાગની મહિલાઓને સતાવે છે, જેનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે અને એ સ્ટ્રેસ માટે અનેક પ્રકારનાં અન્ય કારણ હોઈ શકે છે. આજના સમયમાં મોટા ભાગની ફીમેલ વર્કિંગ વિમેન છે એટલે ઑફિસના ટેન્શનથી માંડીને વર્ક રિલેટેડ સ્ટ્રેસ હવે સામાન્ય થઈ ગયું છે તો સાથોસાથ કામ અને ફૅમિલી બન્ને વચ્ચે તાલમેલ મેળવવાનું કામ પણ સ્ટ્રેસફુલ છે. સ્ટ્રેસ વચ્ચે ઇન્ટિમેટ રિલેશનશિપમાં એકત્વ લાવી નથી શકાતું હોતું એ સામાન્ય છે અને એકત્વ નથી આવતું એને લીધે ઑર્ગેઝમ સુધી પહોંચવાની પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે. પુરુષોનું ઑર્ગેઝમ સહજ છે, પણ ફીમેલમાં એ નરી આંખે જોઈ નથી શકાતું એટલે ઑર્ગેઝમ મળતું હોય તો એનાં કૉમ્પ્લીમેન્ટ્સ પણ ફીમેલે જ આપવાનાં રહે છે અને જો એમાં ઊણપ રહે તો એ ફરિયાદ પણ મહિલાએ જ કરવાની રહે.
ADVERTISEMENT
ગુજરાતીમાં કહેવત છે, માગ્યા વિના મા પણ પીરસે નહીં. આ કહેવતને અને અત્યારના પ્રશ્નને સીધો સંબંધ છે. જો તમે કહો નહીં, વાત કરો નહીં તો સામેવાળી વ્યક્તિને કેવી રીતે તમારી લાગણીની ખબર પડે? ઇમોશન હોય કે ઇન્ટિમેટ રિલેશન, લાગણી વર્ણવવી પડે. કહેવું પડે અને કહેવામાં કશું ખોટું નથી. સાદી ભાષામાં સમજાવીને કહું તો હોટેલમાં જમવા ગયા પછી તમારે જે જમવું હોય એનો ઑર્ડર આપવો પડે તો નૅચરલી, તમારે એ જ પ્રક્રિયા બેડ પર વર્ણવી પડે. જો તમારી ડિમાન્ડ ક્લિયર હોય, તમારા ગમા-અણગમા સ્પષ્ટ હોય તો તમારા પાર્ટનર માટે એ પીરસવાનું કામ આસાન થઈ જાય.
મોટા ભાગે ગુજરાતી કપલમાં જોવામાં આવે છે કે ફીમેલ ઑર્ગેઝમ કે પોતાની ફૅન્ટસી વિશે કહેવાનું, બોલવાનું ટાળે છે; જેને લીધે ઘણી ફીમેલ મહદ અંશે તૃપ્તિ સુધી પહોંચતી જ નથી. અરે, હસબન્ડના મોઢામાંથી આવતી બદબૂ વિશે પણ તે કહેવા રાજી નથી હોતી, તે એવું ધારે છે કે એવું કરવાથી પતિને ખરાબ લાગશે. તમે જે કહી રહ્યા છો એ જો પતિ કે સંબંધોના હિતમાં હોય તો એ વાત નિઃસંદેહ કહેવી જોઈએ. યાદ રહે, પર્ફેક્ટ રિલેશનશિપની પહેલી શરત છે, તમે તમારી ઇચ્છાઓ વર્ણવી શકતા હો.


