Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મી ટાઇમની બાઉન્ડરી ક્યાં?

28 September, 2021 10:04 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આજની હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફમાં મહિલાઓમાં ફ્રેન્ડ્સ સાથે મૅક્સિમમ સમય વિતાવી રિલૅક્સ થવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે. જોકે કિટી, શૉપિંગ, પાર્ટી પાછળ સતત દોડવાને કારણે બહેનપણીઓનો તમારા જીવન પર પ્રભાવ વધે છે અને તમે અનહેલ્ધી મી ટાઇમ વિતાવવા લાગો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજની હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફમાં મહિલાઓમાં ફ્રેન્ડ્સ સાથે મૅક્સિમમ સમય વિતાવી રિલૅક્સ થવાનો ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે. જોકે કિટી, શૉપિંગ, પાર્ટી પાછળ સતત દોડવાને કારણે બહેનપણીઓનો તમારા જીવન પર પ્રભાવ વધે છે અને તમે અનહેલ્ધી મી ટાઇમ વિતાવવા લાગો છો

કેસ નં-૧    તારા અને છોકરાંવ માટે ઝોમૅટો પરથી ડિનર ઑર્ડર કરી દેજે, હું રીમા સાથે શૉપિંગ કરવા જાઉં છું એટલે રસોઈ બનાવવાનો સમય નહીં મળે. પતિદેવને આટલું જણાવી ઝરણા હાથમાં પર્સ ઉલાળતી નીકળી ગઈ. ઑફિસથી ઘરે આવ્યા બાદ પાણીનો ગ્લાસ આપવા પત્ની હાજર નહીં હોય એ જાણી આશિષને મનમાં ખટક્યું પણ ચૂપ રહેવા સિવાય વિકલ્પ નહોતો. જો બોલવા જાય તો ઝઘડો થવાના ચાન્સિસ હતા.



કેસ નં-૨     વિરલ સાંજે ઑફિસથી ઘરે આવ્યો ત્યારે પત્ની રૂપાલી તેની ફ્રેન્ડ સાથે ગપ્પાં મારતી બેઠી હતી. ઇશારાથી પતિને બેડરૂમમાં જવાનું કહી એ ફરીથી બહેનપણી સાથે વ્યસ્ત થઈ ગઈ. રાત્રે દંપતી વચ્ચે ફ્રેન્ડ્સને લઈને ખાસ્સી બોલાચાલી થઈ.


કેસ નં-૩     ડિમ્પલ અને મનીષાને એકબીજાને મળ્યા વગર ચેન ન પડે. આખો દિવસ સાથે વિતાવ્યા બાદ રાત્રે પણ તેઓ ફોનમાં ચૅટિંગ કરતી. બન્નેના હસબન્ડે મિત્રતા ઓછી કરવાની અને ઘરમાં ધ્યાન આપવાની સલાહ આપતાં તેમને સ્વતંત્રતા છીનવાઈ જવાનો ભય લાગ્યો. આજે તેઓ ભાડાના મકાનમાં સાથે રહે છે.

શૉપિંગ, મૂવી જોવા જવું કે હરવા-ફરવા માટે અગાઉ મહિલાઓને પતિના ઘરે આવવાની રાહ જોવી પડતી. હવે એવું રહ્યું નથી. મનફાવે ત્યારે તેઓ બહેનપણીઓ સાથે નીકળી પડે એટલી સ્વતંત્રતા છે. છેલ્લાં થોડાં વર્ષોથી ફ્રેન્ડ્સ સાથે ખાઈપીને જલસા કરવાનો ટ્રેન્ડ મહિલાઓમાં પૉપ્યુલર બન્યો છે. સુખ-દુ:ખની વાતો શૅર કરવા બહેનપણી હોવી જોઈએ એ વાત સો ટકા સાચી છે. ઘરકામમાંથી બ્રેક લેવા અને જીવનમાંથી બોરડમ દૂર કરવા કિટી પાર્ટી અને પિકનિક જેવી પ્રવૃત્તિઓ મહિલાઓ માટે અનિવાર્ય છે. અંગ્રેજીમાં આવી ઍક્ટિવિટીને મી ટાઇમ જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ એક્સપર્ટે જણાવેલા ઉપરોક્ત કિસ્સાઓ ઘણુંબધું ઇન્ડિકેટ કરે છે. ટીકાકારોનું કહેવું છે કે મી ટાઇમે મહિલાઓને ખોટી દિશામાં ઊડવાની પાંખો આપી છે. બહેનપણીઓ માટે થઈને ઘર-ગૃહસ્થીની જવાબદારીમાંથી તેઓ વિમુખ થતી જાય છે. કેટલાક જૂજ કિસ્સામાં સ્ત્રીઓ વચ્ચે સમલૈંગિક સંબંધો પણ વિકસતા જાય છે.


મી ટાઇમ કોને કહેવાય?

અત્યારની લાઇફસ્ટાઇલ ઘણી અલગ અને સ્ટ્રેસફુલ છે. એમાંથી રિલૅક્સ થવાનો બેસ્ટ વે છે મી ટાઇમ. તમે ફ્રેન્ડ્સ સાથે જે સમય વિતાવો છે એ હેલ્ધી મી ટાઇમ છે કે અનહેલ્ધી એની સમજણ હોય તો પ્રૉબ્મેલ આવતા નથી એમ જણાવતાં અંધેરી, વર્સોવા અને ઘાટકોપરમાં ક્લિનિક ધરાવતાં સાઇકિયાટ્રિસ્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘આજે મોટા ભાગની મહિલાઓ વર્કિંગ છે. ન્યુક્લિયર ફૅમિલી વધતી જાય છે એમ મહિલાઓના માથે જવાબદારી પણ વધતી જાય છે. શારીરિક અને માનસિક રિલૅક્સેશન માટે ફ્રેન્ડ્સ સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવો, બેસીને વાતો શૅર કરવી, સોશ્યલ વર્ક અથવા સ્પિરિચ્યુઅલ ઍક્ટિવીટી કરવી, યોગ અને મેડિટેશન કરવું એ હેલ્ધી મી ટાઇમ છે. એમાં કૅર, કમ્પૅશન, ઇમોશન્સ અને લવ નામના ફૅક્ટર જોવા મળે છે; જ્યારે શૉપિંગ માટે દોડાદોડી કરવી, બે-ત્રણ કિટી જૉઇન કરવી, ડ્રિન્ક્સ, ડાન્સ અને એન્ટરટેઇનમેન્ટને પ્રાથમિકતા આપવી એ અનહેલ્ધી મી ટાઇમ છે.’

બહેનપણી સર્વસ્વ

અગાઉની તુલનામાં મહિલાઓમાં એક્સપોઝર વધ્યું છે, પરંતુ દરેક મહિલા બહેનપણીઓ પાછળ ભાગે છે એવું કહી ન શકાય. સામાન્ય રીતે અનહેલ્ધી મી ટાઇમમાં બૉર્ડર ક્રૉસ થઈ જાય છે એવો અભિપ્રાય આપતાં ડૉ. શ્યામ કહે છે, ‘અંગત જીવનમાં કંકાસ, એકલતા અને સોશ્યલ નીડ્સની શોધમાં મહિલાઓમાં અનહેલ્ધી મી ટાઇમનું પ્રમાણ વધ્યું છે. તમારી બેસ્ટ ફ્રેન્ડ પાર્ટીમાં જ મળતી હોય ત્યારે તમે ખોટી દિશામાં દોરાતાં જાઓ છો. હરવું-ફરવું ગમે અને હરવા-ફરવાનું વ્યસન આ બેમાં અંતર છે. સતત શૉપિંગ અને કિટી પાર્ટી એક પ્રકારનો નશો છે. તમારી બૉડીમાં ડોપોમીન નામનું રસાયણ ઉદ્ભવે છે. એમાં એક વાર તમને જેમાં આનંદ મળે એ વારંવાર કરવાનું મન થયા કરે. ફ્રેન્ડ્સને મળવાની તલપ લાગે છે. જરૂરિયાત વગરની ચીજવસ્તુઓ ખરીદવા મંડો છો. આગળ જતાં રાતની ઊંઘમાં ખલેલ પડે છે. ફૂડ હૅબિટ્સ પણ ચેન્જ થઈ જાય છે. આ પ્રકારના માહોલમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. તમે સ્ટ્રેસ-ફ્રી થવા માટે ફ્રેન્ડ્સ બનાવો છો અને થાય છે એ‍વું કે તેમના કારણે જ પર્સનલ​ રિલેશનશિપમાં ડિસ્ટન્સ વધે છે. દરેક મહિલાએ પોતાની બૉર્ડર જાતે નક્કી કરવી જોઈએ. સોશ્યલ નીડ્સ લિમિટલેસ ન હોવી જોઈએ. ફ્રેન્ડ્સ સાથેના સંબંધો મગજ પર હાવી થઈ જાય ત્યારે અટકી જવામાં ભલાઈ છે.’

દિખતા હૈ વો હી બનના હૈ

મહિલાઓમાં ફ્રેન્ડ્સ સાથે રખડપટ્ટીનો ટ્રેન્ડ ચાલ્યો છે એનું સાચું વિદેશી નામ હેન અથવા હૅલોવીન પાર્ટી છે એવી જાણકારી આપતાં અંધેરીનાં

રિલેશનશિપ કાઉન્સેલર ગીતાંજલિ સકસેના કહે છે, ‘ભારત અને પશ્ચિમના દેશોનું ફૅબ્રિક ઑફ એક્ઝિસ્ટન્સ જુદું છે. ભારતીય મહિલાઓ પર સેંકડો વર્ષો સુધી અત્યાચારો થયા છે એ વાત સાચી. જમાના પ્રમાણે તેમને ચોક્કસ સ્વતંત્રતા મળવી જોઈએ, પરંતુ એમાં વિદેશી કલ્ચરની અસર ચિંતાનો વિષય છે. ખાસ કરીને મિડલ એજની ગૃહિણીઓમાં બહેનપણીઓ માટેની પાગલપંતી ચરમસીમાએ પહોંચી ગઈ છે. વાસ્તવમાં એનાં મૂળિયાં પેરન્ટ્સના ઘરમાં નખાયાં છે. ટીનેજમાં ઑપોઝિટ સેક્સનું આકર્ષણ હોય એવી જ રીતે એ ઉંમરમાં બે ફીમેલ ફ્રેન્ડ્સ વચ્ચે ગાઢ મિત્રતા બંધાય છે. મારું નિરીક્ષણ કહે છે કે અત્યારની મિડલ એજ લેડીઝ જ્યારે ટીનેજર હતી ત્યારે તેમને બહેનપણીના ઘરે નાઇટ સ્ટે કરવું, હોટેલમાં પાર્ટી કરવી, શૉપિંગ માટે જવાની છૂટ પેરન્ટ્સે

આપી નહોતી. યંગ એજમાં તેમના પર ઘણા અંકુશ લાદવામાં આવ્યા હતા. અંદરખાને દબાયેલી આ ઇચ્છાઓ મી ટાઇમના નામે સ્પ્રિંગની જેમ ઊછળીને બહાર આવી છે. આખો દિવસ બહેનપણીઓ સાથે ફરફર કરતી મહિલાઓ કોઈ પ્રોડક્ટિવ વર્ક નથી કરતી તેમ જ તેમની પોતાની સોચ પણ નથી. આવી મહિલાઓને જો દિખતા હૈ વો બનના હૈ. હેન પાર્ટીના ટ્રેન્ડથી તેમના જીવનમાં બહેનપણીઓનો પ્રભાવ વધ્યો છે.’

ડૉ. શ્યામ મિથિયા, સાઇકિયાટ્રિસ્ટ કહે છે...

ફ્રેન્ડ્સ સાથે વાતો કરવી, સોશ્યલ વર્ક, સ્પિરિચ્યુઅલ ઍક્ટિવિટી કે યોગ કરવા એ હેલ્ધી મી ટાઇમ છે; જ્યારે શૉપિંગ, ડ્રિન્ક્સ, ડાન્સ અને એન્ટરટેઇનમેન્ટને પ્રાથમિકતા આપવી એ અનહેલ્ધી મી ટાઇમ છે.

પર્સનલ લાઇફ પર અસર થાય ત્યાં સુધી વાત ન પહોંચે એનું ધ્યાન રાખવું

સોશ્યલ મીડિયા, વેબ-સિરીઝ અને બોલ્ડ ફિલ્મોના ઇન્ફ્લુઅન્સના કારણે લિમિટ ક્રૉસ થવાની શક્યતા રહેલી છે. ગીતાંજલિ કહે છે, ‘સ્ત્રી અને પુરુષ વચ્ચે તૂટતા સંબંધોના અનેક કેસમાં અન્ય સ્ત્રીનો રોલ હોય છે એવું આપણે સાંભળીએ ત્યારે પહેલો વિચાર એ જ આવે કે પુરુષ ચરિત્રહીન હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણાખરા કેસમાં આ ત્રીજી વ્યક્તિ (મહિલા)ના ગાઢ સંબંધો પતિ સાથે નહીં પણ પત્ની સાથેના હોય છે. અંગ્રેજીમાં જેને લેસ્બિયન કહે છે એવા સંબંધો ફૅશન ટ્રેન્ડ બનતા જાય ત્યારે મહિલાઓએ મી ટાઇમની બાઉન્ડરી નક્કી કરવી અત્યંત જરૂરી છે. જોકે આવા કેસ જૂજ છે. હા, બે બહેનપણીઓ સ્વતંત્રતાની શોધમાં અને કોઈની દખલગીરી સહન ન થવાના કારણે જુદા રહેવાનું પસંદ કરે એવા કિસ્સા મારી સામે આવ્યા છે.’ લેસ્બિયન જુદો વિષય છે. આવી રિલેશનશિપને ટ્રેન્ડ સાથે ખાસ લેવાદેવા નથી એવો મત વ્યક્ત કરતાં ડૉ. શ્યામ કહે છે, ‘આ પ્રકારના સંબંધો ઓરિએન્ટેશન અને હૉર્મોન્સ પર નિર્ભર કરે છે. જેમને રસ છે તેઓ ત્રણ વાર મળીને પણ સંબંધ બાંધી શકે છે અને જેમની આવી ટેન્ડન્સી નથી તેઓ બસો વખત મળીને સેક્સ્યુઅલ રિલેશનશિપમાં નહીં જાય. ફ્રેન્ડ્સ સાથે ખોટો સમય વેડફવો, ઘરનાં કામકાજ અને સંતાનોની જવાબદારીને સાઇડ ટ્રૅક કરી એની પાછળ દોટ મૂકવી અને સમલૈંગિક સંબંધો બન્નેને સેપરેટલી ટ્રીટ કરવા જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2021 10:04 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK