ફ્રાન્સ એક એવો દેશ છે જ્યાં મહદ અંશે કલા ઉત્પાદન રાજ્યો દ્વારા નિયંત્રિત કરવામાં આવતું હતું. અર્થાત રાજા અને તેનું મંત્રીમંડળ પોતાનું નિયંત્રણ રાખતું હતું જેને કારણે કલાવારસો અને ચીજવસ્તુ લુવ્રમાં સજાવવી કે લુવ્રને મળવી એ કોઈ મોટો સંયોગ નહોતો.
લુવ્ર મ્યુઝિયમમાં રોજ ઓછામાં ઓછા ૨૫,૦૦૦ અને વધુમાં વધુ ૩૫,૦૦૦ વિઝિટર્સ મુલાકાત લે છે.
ફ્રાન્સની રાજધાની પૅરિસમાં લગભગ ૭૨,૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા ૩૮,૦૦૦ અમૂલ્ય ચીજોનો સંગ્રહ ધરાવતા વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમનું બિરુદ પામેલા લુવ્ર મ્યુઝિયમમાં થોડા દિવસ પહેલાં ચોરી થઈ. જડબેસલાક સિક્યૉરિટી અને મૉડર્ન સેન્સર્સ હોવા છતાં ૭ જ મિનિટમાં ૪ ચોરો ‘ધૂમ’ સ્ટાઇલમાં ૮ અમૂલ્ય દાગીના ચોરીને જતા રહ્યા. આ ઘટના પછી આ મ્યુઝિયમ વિશે ખૂબ ઉત્સુકતા જાગી છે. ૯૦૦૦ વર્ષ જૂની ઐતિહાસિક ચીજોનો જ્યાં ખજાનો ભરેલો પડ્યો છે એવું વિશ્વપ્રસિદ્ધ સંગ્રહાલય ખૂબ સારી રીતે મેઇન્ટેન થયું છે એટલું જ નહીં, હજી એનું વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે ખંખોળીએ એનો ઇતિહાસ
એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં છેલ્લાં થોડાં વર્ષોમાં ધરખમ ફેરફારો આવ્યા અને હવે આપણી પાસે માત્ર સિનેમા કે ટેલિવિઝનની જગ્યાએ બીજા અનેક કન્ટેન્ટ ઑપ્શન્સ હાજરાહજૂર છે. એમાંનો એક લોકલાડીલો ઑપ્શન એટલે OTT. OTTની વાત આવે એટલે કોઈ પણ કન્ટેન્ટ પ્રેમી તમને એક પ્રશ્ન જરૂર પૂછશે, ‘અરે યાર કોઈ જબરદસ્ત કન્ટેન્ટ હોય તો બોલ, કોઈ માઇલસ્ટોન સિરીઝ?’ અને જવાબમાં આપણે જે લિસ્ટ ગણાવીએ છીએ એમાં મોટા ભાગના લિસ્ટમાં એક સિરીઝનું નામ જરૂર હોવાનું, ‘મની હાઇસ્ટ!’ પણ હમણાં થોડા દિવસો પહેલાં આ કાલ્પનિક સિરીઝનું રૂપાંતર વાસ્તવિક ઘટનામાં થયું હોય એવી એક માઇલસ્ટોન ઘટના વિશ્વના માઇલસ્ટોન મ્યુઝિયમમાં ઘટી ગઈ. જી, સહી પકડે હૈં! પૅરિસનું લુવ્ર મ્યુઝિયમ અને એ મ્યુઝિયમની સાત મિનિટ! કેટલાક સ્માર્ટી ચોરોએ માત્ર સાત જ મિનિટમાં આ વર્લ્ડ્સ હેરિટેજ ખજાનાનું હબ એવા મ્યુઝિયમમાં ચોરી કરી કરી જેની ચકચાર આખાય વિશ્વના સમાચારોમાં આગ કરતાંય વધુ ઝડપથી ફેલાઈ હતી.
ADVERTISEMENT

અહીં લિઓનાર્ડો દ વિન્ચીનું ઓરિજિનલ મોનાલિસા ચિત્ર બુલેટપ્રૂફ કેસમાં શોકેસ કરાયેલું છે .
તો બન્યું કંઈક એવું કે ફ્રાન્સના પૅરિસનું સૌથી મશહૂર અને વિશ્વભરમાં સૌથી પ્રતિષ્ઠિત એવા લુવ્ર મ્યુઝિયમમાં ૧૯ ઑક્ટોબર, રવિવારના દિવસે સવારે સાડાનવ વાગ્યે માત્ર ચાર ચોરોએ ભેગા મળીને સાત જ મિનિટની અંદર ૨૧૦ વર્ષથીય વધુ જૂનાં હજારો કરોડનાં ઘરેણાં ચોરી કરી લીધાં. આ એવું મ્યુઝિયમ છે જ્યાં જબરદસ્ત ચોકીપહેરો છે, ઍડ્વાન્સ ટેક્નૉલૉજી સાથેનાં કૅમેરા અને સેન્સર્સ લાગ્યાં છે એમ છતાં ચોરી થઈ! ટૂંકમાં સિક્યૉરિટીના નામે આ મ્યુઝિયમ લેટેસ્ટ ઍન્ડ મોસ્ટ સિક્યૉર્ડ ટેક્નૉલૉજીથી સજ્જ છે. જોકે હવે તો હતું એમ કહેવું પડે.
૧૯ ઑક્ટોબરે ચાર ચોરોની એ ટોળકી બાઇક પર મ્યુઝિયમ પહોંચી જ્યાં તેમણે પહેલેથી જ એક ટ્રક ઊભી રાખી દીધી હતી જે ટ્રકમાં સીડી, દોરડાં વગેરે જરૂરી સામાન પહેલેથી જ હાજર હતો. તેમનો ઓરિજિનલ પ્લાન કંઈક એવો હતો કે વિશ્વપ્રસિદ્ધ આ મ્યુઝિયમમાંથી તેઓ કુલ ૯ ઘરેણાંના પીસની ચોરી કરશે જેમાંથી ૮ ઘરેણાં તો તેમણે નક્કી કર્યા અનુસાર ચોરી પણ લીધાં. પણ આ ચોરી પછી જ્યારે એ લોકો ભાગીને પાછા જઈ રહ્યા હતા ત્યારે એક મુગટ તેમની પાસેથી નીચે પડી ગયો. તેમણે એ મુગટને ત્યાં જ છોડી જઈ બાકીનો મુદ્દામાલ લઈ છૂમંતર થઈ જવાનું નક્કી કર્યું અને પેલો મુગટ ત્યાંનો ત્યાં જ રહી ગયો. આ રહી ગયેલો મુગટ એટલે ફ્રાન્સના મશહૂર રાજવી નેપોલિયન ધ થર્ડની રાણીનો શાહી મુગટ હતો જેમાં બીજા કીમતી પથ્થરની વાત જવા દઈએ તો પણ ૧૩૦૦ કરતાંય વધુ તો માત્ર હીરા જ જડ્યા હતા. ચાલો, જે રહી ગયો એ તો રહી ગયો પણ આ મહાશયો જે ચોરી ગયા એ ઘરેણાં પણ એટલાં કીમતી છે કે આજે ભલભલા એક્સપર્ટ્સ પણ એના વર્તમાન મૂલ્યનો અંદાજ નથી કાઢી શક્યા. બસ, માત્ર એટલું કહીને અટકી ગયા છે કે ચોરાયેલાં ઘરેણાં હજારો કરોડનાં છે જેમાં ફ્રાન્સના મશહૂર રાજવી નેપોલિયન બોનાપાર્ટથી લઈને તેના વંશજોના સમયનાં પણ ઘરેણાં સામેલ છે.
આટલું વાંચીને આપણને જરૂર એવો વિચાર આવે કે ‘કહાની પૂરી ફિલ્મી હૈ.’ અને તમારો વિચાર જરાય ખોટો નથી, કહાની ખરેખર જ પૂરી ફિલ્મી છે. તો પછી હવે પ્રશ્ન એ થાય કે આ ફિલ્મી ઘટના જ્યાં ઘટી એ મ્યુઝિયમ કેવું હશે અને ત્યાં એવી તે કેવી કીમતી વસ્તુઓ સંગ્રહાયેલી હશે કે આ ચોરી જ નહીં પણ આ મ્યુઝિયમ પણ વિશ્વભરમાં આટલું પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત છે? તો ચાલો આનો જવાબ આપણી આજની શબ્દસફરમાં મેળવી લઈએ. એ માટે આપણે શરૂઆત જ સમયસારણીથી કરીએ તો કેવું?

તાજેતરની ચોરીમાં આ દાગીના ચોરાયાં હતાં, જોકે નેપોલિયન ત્રીજાનાં પત્નીનો મુગટ (ઉપર) ચોરાયો હતો પણ હાથમાંથી પડી ગયો હોવાથી ચોરો એને છોડીને ભાગી ગયા હતા.

લુવ્રની સમયસારણી
સમય હતો આજથી અંદાજે ૮૩૫ વર્ષ પહેલાંનો. અર્થાત ૧૧૯૦નો દશક જ્યારે પૅરિસના રાજવી તરીકે સિંહાસન પર આરૂઢ હતા રાજા ફિલિપ દ્વિતીય. રાજા, રાજ્ય અને વિસ્તારવાદનો આ એક એવો સમય હતો જ્યારે દુશ્મન તો છોડો જો રાજવી જરાસરખીય ગફલતમાં રહે તો પોતાના પરિવારમાં જ હાજર એવા સત્તા લાલચુઓ રાજ્ય છીનવી લે. સાથે જ ૧૧મી સદીથી ૧૩મી સદીનો એ સમય એવો સમય હતો જ્યારે પશ્ચિમ યુરોપિયન રાજ્યોના ખ્રિસ્તીઓ મુસ્લિમો પાસેથી પોતાની પવિત્ર માતૃભૂમિ પાછી મેળવવા માટે યુદ્ધો લડી રહ્યા હતા. આવા સમયમાં રાજવી ફિલિપે વિચાર્યું કે જ્યારે તેઓ ધર્મયુદ્ધ કાજ રાજ્યની સીમાની બહાર હોય ત્યારે પૅરિસની સુરક્ષાનું શું? આથી તેમણે પોતાના રાજ્યમાં એક મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો. એ જ કિલ્લાનું આધુનિક સ્વરૂપ અથવા કહો કે એ જ કિલ્લા પર આજે જે જાજરમાન મહેલ ઊભો છે એ લુવ્ર મ્યુઝિયમ! આજે પણ લુવ્ર મ્યુઝિયમના પેટાળમાં અને એના ભોંયરામાં પણ એ કિલ્લાના કેટલાક અવશેષો હાજર છે.
૧૨મી-૧૩મી શતાબ્દી
લુવ્રના ઇતિહાસનાં મૂળિયાં છેક ૧૨મી સદી જેટલાં ઊંડાં છે. આગળ આપણે વાત કરી એમ ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં રાજા ફિલિપ ઑગસ્ટસ (૧૧૬૫-૧૨૨૩) દ્વારા એ સમયે એક કિલ્લો બનાવવાનો નિર્ણય લેવાયો હતો જે કિલ્લાની મૂળ સંરચના સીન નદીના કિનારે અને એ પણ ખાસ કરીને વાઇકિંગનાં આક્રમણોને રોકવા અને તેમની સામે રક્ષણ ઊભું કરવાના આશયથી લેવાયો હતો.
ત્યાર બાદ અંદાજે ૧૫૦થી ૧૮૦ વર્ષ બાદ એટલે કે ૧૩૬૪થી ૧૩૮૦ની સાલ દરમિયાન, ચાર્લ્સ પાંચમાએ તેના વાસ્તુકાર રેમન્ડ ડૂ ટેમ્પલને આદેશ આપ્યો કે આ કિલ્લાને એક આલીશાન મહેલમાં પરિવર્તિત કરવામાં આવે જેથી તેઓ તેમના પરિવાર સાથે એ શાહી મહેલમાં રહી શકે. પોતાના રાજવીના એ આદેશને માથે ચઢાવી રેમન્ડ ડૂ ટેમ્પલે પોતાના નિર્દેશન હેઠળ આખાય કિલ્લાને જબરદસ્ત જીર્ણોદ્ધાર દ્વારા એક શાહી મહેલમાં પરિવર્તિત કરી નાખ્યો.

ચાર માળનું મ્યુઝિયમ ભૂલભુલૈયાથી કમ નથી.
૧૪મી શતાબ્દી
પણ જે રીતે નવો રાજવી આવે અને તે જૂના રાજવીની ઓળખ જ નહીં, તેની સંરચનાઓ પણ પાયમાલ કરી નાખી પોતાની નવી ઓળખ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે એ જ રીતે ૧૪મી શતાબ્દી આવતા સુધીમાં ફ્રાન્સના બદલાઈ રહેલા સમ્રાટોએ બીજા મહેલોને વધુ પ્રાધાન્ય આપવા માંડ્યું અને ફ્રાન્સિસ પ્રથમે આ શાહી મહેલ તોડાવી પાડ્યો.
૧૫મી-૧૬મી શતાબ્દી
રાજવીઓ બદલાતા ગયા અને ૨૦૦ વર્ષોની એક મોટી પરત આ મહેલોની ધૂળ પર જામી ગઈ. ૧૬મી શતાબ્દીમાં ફરી એક વાર સમય અને એનું વહેણ બદલાયાં અને એક નવો ટ્રેન્ડ શરૂ થયો. જૂના રાજવીઓના મહેલનું પુનર્નિર્માણ. પરંતુ આ નિર્માણ પુનર્જાગરણ શૈલીથી કરવું એવું નક્કી થયું. ફ્રાન્સિસ પ્રથમના વંશજે ખખડધજ થઈ ચૂકેલા એ મહેલનું પુનર્નિર્માણ તો કરાવ્યું સાથે જ કલાના શોખીન એવા એ રાજવીએ પોતાના શાસનકાળ દરમિયાન લિયોનાર્ડો દ વિન્ચી જેવા કલાકારોને પણ પોતાના દરબારમાં આમંત્રણ આપ્યું. આ પહેલી એવી ઘટના હતી જેને કારણે લુવ્રનું કલા સાથે જોડાણ શરૂ થયું. તેમના શાસનકાળ દરમિયાન અનેક કલાકારો અને કલાના નમૂનાઓ આ આલીશાન મહેલમાં પ્રવેશ્યા પણ અને આકાર પણ લેવા માંડ્યા. ત્યાર બાદના વંશજ હેનરી બીજાએ આ મહેલ અને એની જાહોજલાલી થોડાઘણા બદલાવો સાથે જાળવી રાખી. ૧૬૧૦ની સાલ આવતા સુધીમાં તો હેનરી ચતુર્થ દ્વારા એ મહેલમાં એક ગ્રૅન્ડ ગૅલરીની પણ રચના કરાવવામાં આવી.
૧૭મી શતાબ્દી
ફરી સો વર્ષોનો સમય વીત્યો અને ફરી એક વાર મહેલને એનું નવું સ્વરૂપ અને નવી ઓળખ મળવાની હતી. આ વખતે બદલાવકર્તા હતો રાજા લુઇ તેરમો. હેનરીના ઉત્તરાધિકારી લુઈ ૧૩મા કે જેમણે આખાય મહેલમાં અનેક નવા બદલાવ કરાવ્યા અને સાથે જ મહેલની આસપાસ પણ કેટલાંક નવાં નિર્માણકાર્યો કર્યાં. લુઈના આ નિર્માણકાર્ય દરમિયાન કૅથરિન ડી મેડીસીએ તેને એક સુંદર સજેશન આપ્યું. તેમણે કહ્યું કે આ મહેલને વધુ પૂર્ણતા બક્ષે એવો એક એક્સ્ટેન્શન મહેલ બનાવવો જોઈએ. લુઈને મેડીસીનો એ વિકલ્પ ખૂબ ગમ્યો અને તેણે ટ્યુલરિઝ મહેલ અને એની સાથે એક મોટો બગીચો પણ બનાવડાવ્યો જેની ડિઝાઇન્સ કૅથરિન ડી મેડીસીએ જ તૈયાર કરી આપી.
શંકુ આકારના એન્ટ્રસમાંથી પ્રવેશીને ૭૨,૦૦૦ સ્ક્વેર મીટરના મ્યુઝિયમમાં પ્રવેશી શકાય છે અને ફરતે આવેલું આખું બિલ્ડિંગ અંદરથી કનેક્ટેડ છે.
૧૮મી શતાબ્દી
આ વાત થઈ રહી છે એ સમયની કે જ્યારે ૧૭મી સદી ચાલી રહી હતી. આજે જે લુવ્ર મ્યુઝિયમ તરીકે મશહૂર છે એ મહેલ આ સમય સુધી એક આલીશાન મહેલ તરીકે જ સ્થિત હતો. પરંતુ રાજવી લુઈ ૧૬મા તરફથી એને નવી ઓળખ મળવાની હતી. લુવ્રના ઇતિહાસમાં એ જે મહત્ત્વનો વળાંક આવ્યો એ માટે સૌથી મોટું કારણ હતું ફ્રાન્સિસી ક્રાન્તિ. આ એ સમયની વાત છે કે જ્યારે રાજાશાહીના પતનની શરૂઆત થઈ ચૂકી હતી. લુવ્રના સંદર્ભમાં કહીએ તો રાજવી લુઈએ આપેલા છેલ્લા આદેશ તરીકે આ મહેલને કેટલાંક નવાં નિર્માણ, નવા કૉરિડોર્સ અને નવી સુશોભિત કૉલમ્સ મળી. સાથે જ તેમણે એક સાવ અણધાર્યા બદલાવના નિર્દેશ આપ્યા અને એ બદલાવ એટલે એ આલીશાન મહેલને એક મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાનો નિર્ણય. લુઈએ કહ્યું કે આ વિશાળ મહેલને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવે અને ફ્રાન્સના આલીશાન વારસા તરીકે એને સુરક્ષિત કરવામાં આવે. આ એ સમય હતો જ્યારે રાજાશાહીનું પતન થઈ રહ્યું હતું અને ૧૭૯૩ની ક્રાન્તિ એના ચરમ તબક્કે હતી. આ સમય દરમિયાન રાષ્ટ્રીય સભાને આધીન એવા ‘મ્યુઝે ડૂ લુવ્ર’ને આધિકારિક રીતે એક સંગ્રહાલય તરીકે જાહેર કરવામાં આવ્યો અને સામાન્ય જનતા માટે એને ખુલ્લો મૂકવામાં આવ્યો.
૧૯મી સદી અને નેપોલિયનનો શાસનકાળ
નેપોલિયન બોનાપાર્ટ એક એવો રાજવી થઈ ગયો જે આખાય વિશ્વમાં પ્રસિદ્ધી પામ્યો હતો. ૧૮૦૪થી ૧૮૧૪ની સાલ સુધી શાસન કરનારા આ રાજવીના કાળ દરમિયાન લુવ્રનો ખૂબ મોટા પાયે વિસ્તાર થયો કારણ કે નેપોલિયને આખાય યુરોપથી એમાંય ખાસ કરીને પોતાનાં સૈન્ય અભિયાનો પછી કલા અને કલાનાં બેનમૂન શિલ્પોને ખૂબ લૂંટ્યાં. આ જ સમય દરમિયાન ૧૮૦૩ની સાલમાં આ મ્યુઝિયમનું નામ બદલીને ‘મ્યુઝે નેપોલિયન’ કરી નાખવામાં આવ્યું. અને આ જ સમય દરમિયાન વીનસ ડી મિલો અને વિન્ગ્ડ વિક્ટ્રી ઑફ સૈમોથ્રેસ જેવી અનેક અલભ્ય કલાકૃતિઓ પૅરિસ લાવવામાં આવી.
નેપોલિયનના વંશજોએ લુવ્રને હજી વધુ ભવ્યતા બક્ષવાનું ચાલુ રાખ્યું અને ૧૮૧૫ની સાલ પછી મહેલની ઉત્તર તરફ એક નવી વિશાળ ગૅલરીનું નિર્માણ થયું. આ સમય પછી તો એક લાંબા અરસા સુધી નેપોલિયન અને તેના વંશજોનું જ રાજ રહ્યું હતું એ તો આપણે બધા જાણીએ જ છીએ. ૧૯મી સદીના સમય તરફ પડખું ફેરવીએ તો એ જ નેપોલિયનના ત્રીજા વંશજ કે જે નેપોલિયન તૃતીય તરીકે પ્રખ્યાત છે તેમણે આ મહેલના એક્સ્ટેન્શન તરીકે બે નવી વિન્ગ બનાવડાવી. કંઈક એવું કહો તો ચાલે કે આ બે નવી વિન્ગને કારણે જ હવે એ વિશાળકાય મહેલ કે જે મ્યુઝિયમ બની ચૂક્યો હતો એ પોતાના પૂર્ણ સ્વરૂપને પામ્યો હતો. ઇતિહાસકારો એવું કહે છે કે આ બે નવી વિન્ગ બની એ પહેલાં લુવ્ર મહેલ ભવ્ય હોવા છતાં જાણે અધૂરો લાગતો હતો.
પણ ૧૮૭૧ની સાલ એક કારમી ઘટના લઈને આવી અને આ ભવ્યાતિભવ્ય મહેલમાં આગ લાગી ગઈ! મ્યુઝિયમ બની ચૂકેલા એ મહેલમાં ફેલાયેલી અગન જ્વાળાઓ મહેલનો એક હિસ્સો ટ્યુલરિઝ પૅલેસને સંપૂર્ણ નષ્ટ કરી ગઈ. અને આખરે ૧૮૮૩ની સાલમાં એ ટ્યુલરિઝ પૅલેસને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો.
૨૦મી સદી
૨૦મી શતાબ્દીમાં લુવ્રમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન થયું અને એમાં પણ ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ બાદ કે જ્યારે આ મ્યુઝિયમ સાર્વજનિક ક્ષેત્રનો હિસ્સો બની ગયો. સૌથી છેલ્લે આ વિશાળ મહેલ, આ ભવ્ય મ્યુઝિયમમાં જે બદલાવ અથવા કહો કે જે ઉમેરો થયો એ છે કાચનો પિરામિડ, જેને વાસ્તુકાર ઈયોહ મિંગ પેઈ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. ૧૯૮૯માં એનું ઉદ્દઘાટન થયું અને ત્યાર બાદ એ આ સંગ્રહાલયનો મુખ્ય પ્રવેશદ્વાર બની ગયું. બેનમૂન પિરામિડ્સ સંસ્કૃતિ અને આવડત યુરોપના દેશો પાસે વર્ષોથી કોઈ વરદાન સમાન સચવાયેલી છે. ઇજિપ્ત કે જેને મિસ્ર તરીકે ઓળખીએ છીએ ત્યાંના પિરામિડ્સ આજે પણ વિશ્વની ધરોહર સમાન સચવાયેલા છે. એ જ પિરામિડ્સથી પ્રેરણા લઈ આ મ્યુઝિયમની બરાબર સામે એક કાચનો પિરામિડ બનાવવામાં આવ્યો અને એ આ ભવ્ય મ્યુઝિયમના મુગટ પર લગાડાયેલું હમણાં સુધીનું છેલ્લું પીંછું છે. હવે પછી કોઈ વધુ સુધારાવધારા ભવિષ્યમાં થાય તો ખબર નહીં. પરંતુ નિર્માણની દૃષ્ટિએ લુવ્ર મ્યુઝિયમ એના કાચના પિરામિડ દ્વારા હાલ સંપૂર્ણ છે.
કલ્ચર ક્રિટિક જૉર્જેસ બૈટલે કહ્યું હતું, ‘આધુનિક સંગ્રહાલયની ઉત્પત્તિ ગિલોટીનના વિકાસ સાથે સંકળાયેલી છે!’ ફ્રાન્સિસી ક્રાન્તિનો ઇતિહાસ નહીં જાણતા હોય તેમને કદાચ જૉર્જેસનું આ નિવેદન અતિશયોક્તિભર્યું લાગશે પરંતુ આપણે આગળ વાત કરી એમ ફ્રાન્સિસી ક્રાન્તિને કારણે રાજાશાહીનું પતન થયું અને આ જ ક્રાન્તિમાં આજનું લુવ્ર મ્યુઝિયમ પહેલી વાર જાહેર જનતા માટે એક મ્યુઝિયમ તરીકે ખુલ્લું મુકાયું હતું. એ ફ્રાન્સિસી ક્રાન્તિ દરમિયાન ક્રાન્તિના સમર્થકો તેમના દુશ્મનોને મારવા માટે ‘ગિલટી’નો જ ઉપયોગ કરતા હતા. (ગિલટી - એટલે ઉપરથી નીચે તરફ સરકતી તીક્ષ્ણ ધારવાળી પ્લેટવાળું એક યંત્ર જે માણસનું માથું કાપી નાખવા માટે એ સમયે ઉપયોગમાં લેવાતું હતું.) એટલું જ નહીં, આ લુવ્ર મ્યુઝિયમ પણ મહદ અંશે રાજકારણ, શક્તિ અને અભિવ્યક્તિ સાથે જોડાયેલું એક એવું સંગ્રહાલય છે જે રાજા રજવાડાંઓની સત્તા અને સંપદાનું પ્રદર્શન કરે છે.
શાહી સંગ્રહ અને આલીશાન મહેલ
વર્ષોવર્ષથી વિશ્વના દરેક સમ્રાટ પોતાની સંપત્તિ, શક્તિ અને ઉપલબ્ધીઓનું પ્રદર્શન આવે વિશ્વ સામે કરતા રહ્યા છે. આ મનુષ્યની એક સહજ પ્રકૃતિ છે એમ કહીએ તો ચાલે. ફ્રાન્સિસી રાજવીઓ પણ આ પ્રકૃતિથી બાકાત નહોતા. પહેલાના સમયમાં રાજવીઓ પ્રાચીન મૂર્તિઓ, ચિત્રકલા, સજાવટની વસ્તુઓ, ઇનામો કે દુશમન પર વિજય મેળવ્યા પછી મેળવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન પોતાના દરબાર દ્વારા કરતા હતા. દરબાર જ્યાં ભરાતો એની દીવાલો પર અથવા પ્રદર્શન માટે મૉન્યુમેન્ટ્સ બનાવીને, જેને કારણે દરબારીઓને અને દરબારમાં આવનારી પ્રજાને કે અતિથિઓને એ જોવાનો મોકો મળે એટલું જ નહીં, રાજવીઓ દેશવિદેશના મહાનતમ કલાકારોને બોલાવીને તેમના દરબારનો મહેલ સજાવડાવતા હતા. તો લુવ્ર મ્યુઝિયમ તો પહેલેથી જ એક આલીશાન મહેલ હતો. આથી એ શાહી ઢાંચાને એક સંગ્રહાલયમાં પલટાવવાનો વિચાર કોઈ ખાસ મોટી મુશ્કેલી ઊભી કરે એમ નહોતું.
મ્યુઝિયમમાં બહુમૂલ્ય નમૂનાઓ બુલેટપ્રૂફ કેસમાં છે, એને અડવાથી પણ સાઇરન વાગે છે.
કળા અને રાજ્યો
ફ્રાન્સ એક એવો દેશ છે જ્યાં મહદ અંશે કલા ઉત્પાદન રાજ્યો દ્વારા નિયંત્રિત કરવામાં આવતું હતું. અર્થાત રાજા અને તેનું મંત્રીમંડળ પોતાનું નિયંત્રણ રાખતું હતું જેને કારણે કલાવારસો અને ચીજવસ્તુ લુવ્રમાં સજાવવી કે લુવ્રને મળવી એ કોઈ મોટો સંયોગ નહોતો. આથી જ તો ૧૬૪૮માં સ્થાપિત રૉયલ ઍકૅડેડમી ઑફ પેઇન્ટિંગ ઍન્ડ સ્ક્લ્પ્ચરનું હેડ ક્વૉર્ટર લુવ્ર હતું. અને લુવ્ર દ્વારા જ એના કલાકારોને પ્રશિક્ષણ આપવાથી લઈને તેમનાં આર્ટ ક્રિટિક, પ્રદર્શન અને વેચાણ સુધ્ધાંની દેખરેખ લુવ્ર દ્વારા રખાતી હતી એટલું જ નહીં, આ ઍકૅડેમીના મેમ્બર્સ જ મીટિંગ કરતા અને નક્કી કરતા કે કયા પ્રકારની કલાકૃતિઓ આધિકારિક રૂપે મ્યુઝિયમમાં સ્વીકારવામાં આવશે.
૧૭૮૯ની સાલમાં જ્યારે આખુંય પૅરિસ ફ્રાન્સિસી ક્રાન્તિના રંગે રંગાયેલું હતું ત્યારે જનાક્રોશ એટલો જબરદસ્ત ફેલાયેલો હતો કે તેમણે રાજવી લુઈને નિષ્કાશિત કર્યા જ કર્યા સાથે જ એક સમયે જે રાજાનો રહેણાક મહેલ હતો અને રાજાની સંપત્તિ જે મહેલમાં સંગ્રહિત હતી એ બધું જ જાહેર જનતાના પ્રદર્શન માટે ઉપલબ્ધ કરી નાખવામાં આવ્યું અને વિદ્રોહીઓએ આ આખાય મહેલનું રાષ્ટ્રીયકરણ કરી નાખી એને સાર્વજનિક સંગ્રહાલય જાહેર કરી દીધું એટલું જ નહીં, ક્રાન્તિકારીઓ માટે આ ફેરફાર એટલા મોટા માઇલસ્ટોન સમાન હતું કે ૧૦ ઑગસ્ટ, ૧૭૯૩ના દિવસે તેમણે રાજા લુઈના નિષ્કાસનની પહેલી વર્ષગાંઠ પણ આ મ્યુઝિયમના ઉદ્ઘાટનપર્વ તરીકે ઊજવી અને અપોલો ગૅલરીના દ્વાર પર આ કહાની કહેતી એક વિશાળ પટ્ટિકા પણ લગાવી. જોકે લુવ્ર મ્યુઝિયમ માત્ર ધન-સંપત્તિનું જ પ્રદર્શન કરતું કે દાવો કરતું મ્યુઝિયમ નથી, અહીં સભ્યતા, લોકતંત્ર અને શિક્ષણ વિશેનાં પણ અનેક પ્રદર્શન જોવા મળે છે. અહીં આવતા અતિથિઓને પ્રાચીન ઇજિપ્તથી લઈને ગ્રીસ, રોમ અને ઇટલીના પુનર્જાગરણ સુધીનો કલાવારસો અને કલાસફર જોવા મળે છે. નેપોલિયન બોનાપાર્ટનાં આક્રમણોની સિદ્ધિથી લઈને તેની સંપદા અને સંગ્રહો તો ખરા જ એ સિવાય વેટિકનમાં પોપના સંગ્રહની મૂર્તિઓ, વેનિસના સેન્ટ માર્કો ચર્ચની પ્રાચીન ઘોડાઓની કલાકૃતિઓ જેવી અનેકાનેક વસ્તુઓ આ મ્યુઝિયમને એ સમયથી લઈને આજ સુધી મળતી રહી છે.
ગ્રીક, રોમન અને યુરોપિયન સંસ્કૃતિનાં હજારો પેઇન્ટિંગ્સ પૌરાણિક જીવનશૈલીનું નિદર્શન કરે છે.
આજે હવે ‘ધૂમ’ના જૉન અબ્રાહમ, ઋતિક રોશન કે આમિર ખાનનાં પાત્રોની માફક ચાર ચોરોએ આ સદીઓ પુરાણા અને અતિપ્રતિષ્ઠિત મ્યુઝિયમમાં કોઈ ફિલ્મી કહાનીની ઢબે ચોરી કરીને એના માથે કાળી ટીલી જરૂર લગાડી પણ તેથી આ આલીશાન અને ભવ્ય સંગ્રહાલયની ભવ્યતામાં કોઈ દાગ પડશે એવું માનવું કદાચ અસ્થાને છે. ઊલટાનું આ ચોરોએ તો આ મ્યુઝિયમને વિશ્વ સામે વધુ ઉત્સુકતાસર્જક અને વધુ મુલાકાત યોગ્ય બનાવી દીધું છે એમ કહીએ તો કદાચ ખોટું નથી.


