અરુણાચલ પ્રદેશના તવાંગના ૧૦૦૦ વર્ષથીયે જૂના ગામ મિરબાને હેરિટેજ વિલેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. અલગ જ કાળખંડની પ્રતીતિ કરાવતા આ શાંત અને સાદગીભર્યા ગામમાં કોઈ આધુનિકતા નથી પ્રવેશી, સંસ્કૃતિ અને ધરોહરને સાચવીને બેઠું છે મિરબા
અરુણાચલ પ્રદેશના તવાંગમાં આવેલું ૧૦૦૦ વર્ષથીયે જૂનું હેરિટેજ વિલેજ મિરબા
અરુણાચલ પ્રદેશનું તવાંગ એટલે નયનરમ્ય, શાંત, પ્રકૃતિના સૌંદર્યનો પહાડી વિસ્તાર. એ જ પહાડી વિસ્તારમાં વર્ષોવર્ષથી પોતાની સંસ્કૃતિ અને ધરોહરને જતનપૂર્વક સાચવીને જીવતું ગામ એટલે મિરબા. એક એવી વસ્તીનું રમણીય ગામડું જે આજની આધુનિકની ભાગદોડથી હજીયે અછડતું રહી શક્યું છે. આમ તો આખું અરુણાચલ જ પહાડી વિસ્તારોવાળું રાજ્ય છે, પરંતુ એમાંય તવાંગ જિલ્લો અરુણાચલના એક અદકેરા આકર્ષણ સમાન છે. એ જ તવાંગના મુક્તો સર્કલમાં પ્રકૃતિની સૌથી સમીપ જીવતું એક ગામ છે મિરબા જેનો અદકેરો ઇતિહાસ અને જીવન આશરે ૧૦૦૦ વર્ષોથીયે જૂનાં છે અને ભારતના એ અદકેરા ગામને હવે ‘હેરિટેજ વિલેજ’નો દરજ્જો મળી ચૂક્યો છે. આ પ્રતિષ્ઠિત ખિતાબ મિરબાને મળવા પાછળનું એક કારણ એ પણ ખરું કે એ પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિના જીવંત અવશેષ સમાન છે. સામાન્ય રીતે તમે કોઈ પણ પર્યટન-સ્થળે ફરવા જાઓ તો તમને શું મળે? ભીડભાડ, ટૂરિસ્ટોથી ઊભરાતી બજારો, હોટેલ્સ, શૉપિંગ માર્કેટ્સ વગેરે, વગેરે. જોકે આ બધાથી સાવ વિપરીત મિરબા એક શાંત અને સાદગીપૂર્ણ ગામડું છે અને ખરેખર તો એ જ એનું મુખ્ય આકર્ષણ છે. પથ્થરોથી બનાવવામાં આવેલા રસ્તા, પરંપરાગત બાંધકામ શૈલીએ બનેલાં રહેણાક ઘરો અને શાંત પ્રાકૃતિક પરિવેશ આ બધું મળીને ત્યાં ફરવા જનારને કંઈક એવો અહેસાસ કરાવે છે કે જાણે તે કોઈ અલગ જ કાળખંડમાં આવી ગયો હોય.
નજર રાખનારો પહાડ
ADVERTISEMENT
સામાન્ય રીતે આપણે માણસો ક્યારેક મજાકમાં એકબીજાનાં નામ આદત, દેખાવ, સ્વભાવ કે વાણી-વર્તન પ્રમાણે પાડતાં હોઈએ છીએ. કોઈકને ભૂરિયો કહીને બોલાવીએ તો કોઈકને કાળિયા તરીકે, કોઈકને ભીખુ તરીકે તો કોઈકને જાડિયા તરીકે પણ સંબોધતા હોઈએ છીએ. એ જ રીતે અહીં આ હેરિટેજ વિલેજ મિરબાનું નામ પણ આવા જ કોઈક કારણથી પડ્યું છે અને આ નામ મજાકમાં નહીં પરંતુ ગૌરવભેર પડ્યું છે. વાસ્તવમાં તો મિરબાનું નામ જ એ દર્શાવે છે કે આ ગામ અને ત્યાં રહેતા લોકો પ્રકૃતિ સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલા અને સંકળાયેલા છે. ‘મિરબા’ શબ્દમાં ‘મિ’નો અર્થ થાય છે ‘માનવ’ અને ‘બા’નો અર્થ થાય છે ‘ચહેરો’. આ બન્ને શબ્દોની વચ્ચેનો ‘ર’ એટલે દૃષ્ટિ રાખનારો. હવે આ નામ કે એના અક્ષરોનો અર્થ એકસાથે વાંચીએ તો શું થાય? ‘માનવ પર દૃષ્ટિ રાખનારો ચહેરો.’ બરાબરને? જી હા, એકદમ બરાબર. મિરબાનો અર્થ અને એના નામ પાછળનું કારણ પણ કંઈક આવું જ છે.
વાત કંઈક એવી છે કે મિરબા ગામ જે પહાડની તળેટીમાં વસ્યું છે એ પહાડનો આકાર અથવા આકૃતિ કુદરતી રીતે જ કંઈક એવી છે કે એને જોતાં એવું લાગે કે સામે કોઈકને વ્યક્તિના ચહેરાની વિશાળ આકૃતિ દેખાઈ રહી છે. અર્થાત્ એ પહાડ અદ્દલ કોઈક માનવીય ચહેરા જેવો દીસે છે. અહીં જે લોકો રહે છે એ મોનપા સમુદાયના લોકો છે અને મોનપા લોકો પેઢીઓથી એવું માને છે કે આ પહાડની વ્યક્તિના મુખ જેવી આકૃતિ એ માત્ર કોઈ ભૌગોલિક વિશેષતા નથી, એ મુખાકૃતિ અમારા પર સદૈવ કૃપાદૃષ્ટિ રાખી રહી છે અને આ ચહેરો એ માનવતા અને પ્રાકૃતિક દુનિયા વચ્ચેના બંધનનું પ્રતીક છે. ઊભા રહો, વાત હજી અહીં જ પૂરી નથી થઈ જતી. દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ પહાડ પર પહાડનો જે પડછાયો પડે છે એ એટલો નાટકીય રીતે પોતાના આકારો સર્જે છે કે એને કારણે આખા ગામમાં જાણે એક અલગ જ આધ્યાત્મિક વાતાવરણ સર્જાઈ જાય છે. ગામલોકો માને છે આ બધું જ અમારી પરંપરાનાં ઊંડાં મૂળિયાં અને અમારી આસ્થાને કારણે બને છે.
શા માટે મિરબા અદ્ભુત છે?
તમે ફોનમાં, મૂવી-સ્ક્રીનમાં અને હવે તો ટીવી પર પણ અને પેઇન્ટિંગ્સમાં કાગળ પર પણ 3D ઇમેજ કે હાલતાં-ચાલતાં દૃશ્યો અનેક વાર જોયાં છે, ખરુંને? પણ ધારો કે અમે તમને એમ કહીએ કે આપણે મિરબામાં પગ મૂકીએ, ત્યાંની ગલીઓમાં ફરીએ તો એવું લાગે જાણે કોઈ 3D પેઇન્ટિંગ્સના કે 3Dના વિશ્વમાં આપણે સાક્ષાત્, સદેહ જઈ ચડ્યા છીએ તો? અમારી વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો, ખરુંને? મિરબા ખરેખર જ એટલું અદ્ભુત ગામ છે. અરુણાચલના તવાંગમાં મુખાકૃતિવાળા પહાડની તળેટીમાં વસેલું મિરબા એક એવું ગામ છે જ્યાં દરેક ઘર લાકડાના લઠ્ઠ અને પથ્થરના ટુકડાઓથી બનાવવામાં આવ્યું છે. સિમેન્ટ કે રેતી નહીં પણ માટીનું પ્લાસ્ટર અને આ બધાની સાથે આમેજ થાય છે સદીઓથી, પેઢીઓથી ચાલી આવતી ટેક્નિક અને હોશિયારી. દરેક ઘર આ ત્રણ જ વસ્તુના મિશ્રણ અને કળા દ્વારા બનાવવામાં આવ્યું છે. એમ કહો કે જાણે આધુનિક બાંધકામ-શૈલી હજી આ ગામમાં પ્રવેશી જ નથી અને કદાચ પ્રવેશશે પણ નહીં.
કારણ કે આખા ગામે સ્વેચ્છાએ આધુનિક નિર્માણશૈલીનો વિરોધ કર્યો છે. સાથે જ એટલું ગૌરવ પણ જાળવી રાખ્યું છે કે આપણી જે પરંપરાગત સ્થાપત્યશૈલી છે એ અક્ષુણ્ણ રહે. આજે હવે ગામલોકોનો આ જ નિર્ણય સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. કેટલાય સહેલાણીઓ માત્ર ઘરો અને આ ગામના લોકોનું રોજિંદું જીવન અને કુદરતી સૌંદર્યના ખોળે રહેતા લોકોની પરંપરા જોવા આ ગામમાં આવે છે.
હેરિટેજ વિલેજનો દરજ્જો
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુની દૂરંદેશી અને પોતાનાં રાજ્યોનાં અસામાન્ય ગામોની જાણકારી અને કદર આ પ્રતિષ્ઠા માટે ખૂબ મોટો ભાગ ભજવી ગઈ. સાંસ્કૃતિક મૌલિકતા, સ્થાયી જીવન અને પર્યાવરણીય સદ્ભાવ એ મિરબાના મૂળભૂત ગુણોમાં આવે છે એમ કહીએ તો ખોટું નથી. જુલાઈ ૨૦૨૫માં તેઝપુરના વાસ્તુકાર અને શહેરી ડિઝાઇનર અંકુર ચૌધરીના નેતૃત્વમાં કેટલાક ઑફિસરો અને વાસ્તુકારોની એક ટીમે મિરબાના કેટલાક વડીલો સાથે ટીમ બનાવીને મિરબા ગામનું સર્વેક્ષણ કરવાનું શરૂ કર્યું. તેમણે મિરબાના ઘુમાવદાર રસ્તાઓ, ઘરો અને બીજાં સ્થાપત્યોની સંરચનાનો પણ અભ્યાસ કર્યો. એટલું જ નહીં, મિરબાની પ્રાચીન સ્થળાકૃતિ અને પારંપરિક વાસ્તુકલાનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવ્યું. આ બધા જ અભ્યાસ અને નોંધણી પછી ટીમ એ નિષ્કર્ષ પર આવી કે મિરબા એ માત્ર એક ગામ નથી પરંતુ ભારતની એક વિરાસત છે, જીવંત વારસાનો એક ખજાનો છે.
હૉટ ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન
ટૂરિઝમ હવે પહેલાં જેવું નથી રહ્યું. આ ક્ષેત્રે પણ અનેક નવી વ્યાખ્યાઓ અને સમજણો ઊભી થવા માંડી છે. જેમ કે હવે ટૂરિઝમને પણ અલગ-અલગ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે મેડિકલ ટૂરિઝમ, પિલગ્રિમેજ ટૂરિઝમ, હિલ-સ્ટેશન ટૂરિઝમ વગેરે, વગેરે. એ જ રીતે ભારતની સંસ્કૃતિ અને વિરાસતની ઓળખ મેળવી શકાય એવો મોકો આપતા આ ટૂરિઝમને લોકો વિલેજ ટૂરિઝમ તરીકે ગણાવીને મોટા પ્રમાણમાં મિરબાની મુલાકાતે આવતા થયા છે. પર્યટકો કહે છે કે ગામડાના પ્રવાસમાં મિરબા અને ત્યાંના લોકો ખરેખર એક પ્રામાણિક અનુભવ કરાવે છે. પ્રાચીન પ્રાકૃતિક સૌંદર્ય, લીલાંછમ ઘટાદાર વૃક્ષોથી લહેરાતા પહાડો, ખુલ્લું ભૂરું નિર્મળ આકાશ અને રાગી, મકાઈ અને બાજરાની પારંપરિક ખેતીથી લહેરાતાં લીલાંછમ ખેતરો.
અહીં આવનાર વ્યક્તિ મિરબાના તહેવારોને તો જાણે-માણે છે જ, સાથે સ્થાનિક મોનપા સમુદાયના રીતરિવાજો અને તેમના દૈનિક જીવનને પણ નજીકથી જોવા અને જીવવાનો મોકો મળે છે. મોનપા સમુદાયના લોકો અને મિરબાની જીવનશૈલી એ પ્રકૃતિ, કૃષિ અને વાસ્તુકલાના સામંજસ્યપૂર્ણ સંતુલનનો એક બેનમૂન નમૂનો છે. તમે કયા પ્રકારના સહેલાણી છો? સાહસ-પ્રવૃત્તિ કરવી ગમે એવા, ઇતિહાસની કહાણીઓ જાણવાનો શોખ હોય એવા કે બસ, શહેરી જીવનની દોડધામથી થાકી-કંટાળીને શાંત સ્થળે ફરવા પહોંચી ગયા હો એવા? આ દરેક પ્રકારના પર્યટકો માટે મિરબા એક આઇડિયલ વિલેજ છે જે મુલાકાતે આવનાર દરેક વ્યક્તિને ફરી ભૂતકાળની એક અવિસ્મરણીય સફરે લઈ જાય છે.
સદીઓ પુરાણાં ઘરો, સાંકડી ગલીઓ અને મિલનસાર ગ્રામીણો. ખેતરોમાં ઉગાડેલી તાજી સામગ્રીથી બનેલાં વ્યંજનો અને સહસ્ર-શતાબ્દી સમયથી પણ પહેલાંનાં ફળો અને ફૂલો. પેલા જે માનવીય ચહેરાવાળા પહાડની આપણે વાત કરીને? એ પહાડની ચોતરફ પગપાળા પ્રવાસનો આનંદ લેતાં-લેતાં આજુબાજુના મઠોમાં પણ ભ્રમણ કરી શકાય. ટૂંકમાં, એક અલગારી રખડપટ્ટીનો સુવર્ણ અવસર એટલે મિરબા.

