અમેરિકાની સિટિઝનશિપ સ્વીકારો તો આપોઆપ તમારી ભારતની સિટિઝનશિપનો અંત આવે છે. ભારત ડ્યુઅલ સિટિઝનશિપ નથી ધરાવતું.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાંથી સંખ્યાબંધ લોકો અમેરિકા જુદા-જુદા કારણોસર જાય છે. નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર જાય છે અને ઇમિગ્રન્ટ વીઝા પર પણ જાય છે. એમાંના મોટા ભાગના અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા ધરાવે છે એટલું જ નહીં, તેઓ અમેરિકન સિટિઝન બનવાની પણ ઇચ્છા રાખે છે. આમાંના ઘણાને ખબર નથી હોતી કે જો તમે અમેરિકાની સિટિઝનશિપ સ્વીકારો તો આપોઆપ તમારી ભારતની સિટિઝનશિપનો અંત આવે છે. ભારત ડ્યુઅલ સિટિઝનશિપ નથી ધરાવતું.
હવે જો તમારે અમેરિકન સિટિઝન બનવું હોય તો સૌપ્રથમ કાં તો તમારો અમેરિકાની ધરતી પર જન્મ થયો હોય તો તમને અમેરિકન સિટિઝનશિપ મળે અથવા તો તમારી પાસે ઇમિગ્રન્ટ વીઝા હોય તો એ ઇમિગ્રન્ટ વીઝા મળ્યા બાદ એટલે કે ગ્રીન કાર્ડ મળ્યા બાદ પાંચ વર્ષ પછી તમે અમેરિકાના સિટિઝન બનવાની નૅશનલાઇઝેશનની પ્રોસેસ દ્વારા અરજી કરી શકો છો. પણ આ અરજી કરતાં પહેલાં છેલ્લાં પાંચ વર્ષના સમય દરમિયાન તમે ઓછાંમાં ઓછાં અઢી વર્ષ અમેરિકાની ધરતી પર રહ્યા હોવા જોઈએ અને કોઈ પણ એક વાર લાગલગાટ અમેરિકાની બહાર છ મહિનાથી વધુ રહેલા ન હોવા જોઈએ.
ADVERTISEMENT
એટલું જ નહીં, આ ઉપરાંત તમને અંગ્રેજી આવડે છે એ માટે અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવાની રહે છે. અમેરિકાના સામાન્ય જ્ઞાનની પણ તમારે પરીક્ષા આપવાની રહે છે. તમારે એવું પણ દર્શાવી આપવાનું રહે છે કે તમારી ચાલ-ચલગત સારી છે. તમે ઇન્કમ-ટૅક્સ રેગ્યુલરલી ભર્યો છે. આ સઘળું જો તમે દેખાડી આપો અને આ બધી જ જરૂરિયાતો પૂરી પાડો તો તમને અમેરિકન સિટિઝનશિપ નૅશનલાઇઝેશનની પ્રોસેસ દ્વારા મળી શકે છે.
જો તમે અમેરિકન સિટિઝન જોડે લગ્ન કર્યાં હોય તો તમે પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષની અંદર અમેરિકન સિટિઝન બની શકો છો પણ આ ત્રણ વર્ષમાં પણ તમે દોઢ વર્ષ તો અમેરિકામાં રહેલા હોવા જ જોઈએ. લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહેલા ન હોવા જોઈએ. અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી પડે. સામાન્ય જ્ઞાનની પણ પરીક્ષા આપવી પડશે. તમારી ચાલ-ચલગત સારી છે, તમે ટૅક્સ ભર્યો છે આ સઘળું દેખાડી આપવાનું રહેશે.
અને તમે જ્યારે અમેરિકન સિટિઝન બનો છો ત્યારે તમારે પ્રતિજ્ઞા લેવી પડશે, એવા સોગંદ લેવા પડશે કે તમે અમેરિકાને વફાદાર રહેશો. અને જેવા તમે અમેરિકન નાગરિક બનશો કે તમારી ભારતીય સિટિઝનશિપનો અંત આવશે.
ભારતે થોડાં છેલ્લાં વર્ષોમાં એક નવું કાર્ડ બહાર પાડ્યું છે જેને ઓશિયાઇ કાર્ડ કહેવામાં આવે છે. એટલે કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા. આ કાર્ડને લીધે જે કોઈ પણ ભારતીય અમેરિકામાં રહેતા હોય અને તેને ભારતમાં પ્રવેશ કરવો હોય તો તેને વીઝા લેવાની જરૂરિયાત નથી રહેતી. એટલે ઘણા આ ઓશિયાઇ કાર્ડને ડ્યુઅલ સિટિઝનશિપ ગણે છે. પણ એવું નથી, આ કાર્ડ ફક્ત તમને તમે અમેરિકન સિટિઝન બન્યા છો એટલે વીઝા વગર ભારતમાં રહેવાની પરવાનગી આપે છે. ભારતમાં તમે કામ પણ કરી શકો છો, રહી પણ શકો છો; પણ તમે ભારતીય નાગરિક નથી હોતા. ભારતીય નાગરિકને જે હકો મળે છે એ તમને નથી મળતા.
એટલે અમેરિકન સિટિઝન બનવું હોય તો આ બધી પ્રક્રિયાઓ તમારે જાળવવી પડશે, કરવી પડશે અને ભારતનું નાગરિકત્વ છોડી દેવું પડશે.

