આ ભલે પારિવારિક મંદિર હોય, પરંતુ એમાં શાસ્ત્રોક્ત રીતે મંદિરના બાંધકામ અને વાસ્તુકલામાં જે ધ્યાન રાખવાનું હોય એ તમામ ચીજો ફૉલો કરવામાં આવી છે. મંદિરની વાસ્તુકલામાં ચૌલ, પલ્લવ, વિજયનગર, ચોલા અને ચાલુક્ય સામ્રાજ્યના આર્કિટેક્ચરનું મિશ્રણ છે.
સ્વર્ણગિરિ વેન્કટેશ્વર સ્વામી મંદિર
હૈદરાબાદથી લગભગ ૪૭ કિલોમીટર દૂર માનેપલ્લી હિલ્સ પર બાવીસ એકરમાં ફેલાયેલા આ નવા બનેલા સ્વર્ણગિરિ વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં ૧૨ ફુટની તરતી વેન્કટેશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપિત છે. લગભગ ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એક માનપલ્લી પરિવારે બનાવેલું આ મંદિર મોટા ટૂરિસ્ટ-પૉઇન્ટ તરીકે ડેવલપ થઈ રહ્યું છે
પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને ભારતભરનાં વિષ્ણુજીનાં મંદિરોમાં ભક્તોનો ધસારો અપરંપાર છે. મોટા ભાગે આપણે ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં અને જેની સાથે કોઈ પૌરાણિક વાર્તા જોડાયેલી હોય એવાં મંદિરોની સફરે જઈએ છીએ. આજે જરાક મૉડર્ન યુગના મંદિર તરફ રૂખ કરીએ. આ મંદિર ભલે મૉર્ડન છે, પણ આસ્થા અને ધાર્મિક વિધિઓની બાબતમાં અહીં એ જ જૂની પરંપરાઓ જળવાયેલી છે. આ મંદિરને હજી માંડ બે વર્ષ પૂરાં થયાં છે, પણ અહીં રોજ ભક્તોનો ધસારો જબરદસ્ત હોય છે. થોડાઘણા અંશે આ એક ધાર્મિક ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે ઊભરી રહ્યું છે અને એની એક યુનિક વાત એ છે કે અહીં બિરાજેલા દેવની મૂર્તિ કોઈ બંધ ગર્ભગૃહમાં બેઠી નથી, પરંતુ ખુલ્લી હવામાં પાણીની વચ્ચે આરામ મુદ્રામાં છે. કૃત્રિમ તળાવ જેવું ગર્ભગૃહ બનાવીને એની વચ્ચોવચ ૧૨ ફુટના કાળા પથ્થરમાંથી બનેલા વિષ્ણુજી અહીં બિરાજમાન છે અને આ મંદિર પંચરાત્ર આગમ અને તેન્નાચાર્ય સંપ્રદાયની પરંપરાઓ પાળે છે.
ADVERTISEMENT
કોણે બનાવ્યું?
યદાદ્રિ તિરુમાલા દેવસ્થાનમાં જે શ્રી વેન્કટેશ્વર સ્વામી બિરાજમાન છે એનું જ સ્વરૂપ અહીં સ્વર્ણગિરિ વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં બિરાજમાન છે. આ મંદિર સાથે કોઈ જ પૌરાણિક કથાઓ સંકળાયેલી નથી, પણ એક પરિવારને મળેલા પ્રભુના પરચા પછી વહેલી ભક્તિની સરવાણીને કારણે એનું નિર્માણ થયું છે. વાત એમ છે કે તેલંગણના પ્રસિદ્ધ માનેપલ્લી જ્વેલર્સના માલિક રામ રાવ માનેપલ્લીનાં પત્ની વિજયાલક્ષ્મીનો ભયંકર અકસ્માત થયો હતો. શરીરમાં ઠેકઠેકાણે હાડકાં તૂટી ગયેલાં અને કોમામાં સરી પડેલાં વિજયાલક્ષ્મી પાછાં સાજાં થઈ શકશે કે કેમ એ બાબતે ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. મહિનાઓની મહેનત પછી પણ કોઈ પૉઝિટિવ સાઇન દેખાઈ નહોતી રહી. ડૉક્ટર જ્યારે હાથ ઊંચા કરી દે ત્યારે ભગવાનનો જ સહારો હોય છે એટલે માનેપલ્લી પરિવારે તિરુમાલા તિરુપતિ મંદિરમાંથી પવિત્ર કરીને લવાયેલું તીર્થજળ કોમામાં સરી પડેલાં વિજયાલક્ષ્મીને પીવડાવ્યું અને માનતા માની કે જો વિજયાલક્ષ્મી સાજાં થઈ જશે તો તિરુમાલાના શ્રી વેન્કટેશ્વર સ્વામીના સ્વરૂપને તેલંગણમાં પોતાના ફાર્મમાં સ્થાપિત કરશે. ચમત્કાર કહો કે યોગાનુયોગ, આ માનતા પછી વિજયાલક્ષ્મી સાજાં થઈ ગયાં. એ ચમત્કાર પછી માનેપલ્લી પરિવારે તેમની માલિકીની બાવીસ એકરની હિલ પર બાલાજી સ્વરૂપના વિષ્ણુનું મંદિર બનાવવાની માનતા પૂરી કરી. આ કામ રામ રાવ અને વિજયલક્ષ્મીના દીકરાઓ મુરલીકૃષ્ણ અને ગોપીકૃષ્ણએ ઉપાડી લીધું. એક વર્ષ પ્લાનિંગ થયું અને ૨૦૧૮માં મંદિરનો શિલાન્યાસ થયો. ૭ વર્ષમાં મંદિર તૈયાર થઈ ગયું અને ૨૦૨૪ના માર્ચ મહિનાથી એ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. બાલાજીના તીર્થજળે વિજયાલક્ષ્મીને જીવતદાન આપ્યું હોવાથી બાલાજીની મૂર્તિને પાણીમાં તરતી રાખવાનું નક્કી થયું.

અહીં કાંસાનો ઘંટ પણ છે જે લગભગ ૧.૫ ટન વજનનો છે. આ ઘંટ ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ઘંટ છે.
કેવી રીતે જવાય?
હૈદરાબાદ શહેરથી ૪૭ કિલોમીટર અને ઍરપોર્ટથી ૭૬ કિલોમીટર દૂર આ હિલ છે. હૈદરાબાદ ઍરપોર્ટથી ટૅક્સી જ કરવી પડે એમ છે. હજી સુધી ભુવનગિરિ પહોંચવા માટે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી થઈ. રેલવે દ્વારા જવું હોય તો ભોંગિર જંક્શન ઊતરવાનું રહે અને ત્યાંથી લોકલ ટ્રાન્સપોર્ટથી પહોંચી શકાય. જોકે સિકંદરાબાદથી આ મંદિર ૪૪ કિલોમીટર છે એટલે સિકંદરાબાદ રેલવે-સ્ટેશને ઊતરો તો અહીંથી પણ ટ્રાન્સપોર્ટ મળી રહે છે.

હનુમાન
મંદિરની વાસ્તુકલા
આ ભલે પારિવારિક મંદિર હોય, પરંતુ એમાં શાસ્ત્રોક્ત રીતે મંદિરના બાંધકામ અને વાસ્તુકલામાં જે ધ્યાન રાખવાનું હોય એ તમામ ચીજો ફૉલો કરવામાં આવી છે. મંદિરની વાસ્તુકલામાં ચૌલ, પલ્લવ, વિજયનગર, ચોલા અને ચાલુક્ય સામ્રાજ્યના આર્કિટેક્ચરનું મિશ્રણ છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે ૧૦૮ પગથિયાં ચડવાં પડે છે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં જ વિશાળ વિષ્ણુપાદુકા છે. એ પછી સ્વર્ણગિરિ વેન્કટેશ્વર સ્વામી મંદિરમાં ચાર રાજગોપુરમ છે. ચારેય ગોપુરમ વચ્ચેના વિશાળ મંડપમાં જઈને વચ્ચેનું ગર્ભગૃહ પાંચ માળની હાઇટનું વિમાનગોપુરમ છે. એમાં ભગવાન શ્રી વેન્કટેશ્વરની સૌથી મોટી કાળા ગ્રેનાઇટમાંથી બનેલી ૧૨ ફુટની પ્રતિમા બિરાજમાન છે. શ્રી વેન્કટેશ્વર સ્વામીને જલનારાયણ સ્વામી પણ કહે છે. સાંજના સમયે આ ગોપુરમ રોશનીથી ઝગમગી ઊઠે છે અને એ દૃશ્ય આહલાદક હોય છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
ભલે મંદિર હજી નવું બન્યું છે, પરંતુ ભક્તોનો ધસારો સારોએવો હોય છે એટલે વીક-એન્ડમાં ભારે ભીડ હોય છે. સાંજનો નજારો ખૂબ જ નયનરમ્ય અને શ્રદ્ધાથી તરબતર કરી દેનારો હોય છે એટલે સાંજે ભીડ પણ વધુ હોય છે. ભીડ અવૉઇડ કરવી હોય તો વહેલી સવારની આરતીનો સમય પણ પસંદ કરી શકાય. સવારે ૫.૩૦ વાગ્યે મંદિરમાં એન્ટ્રી ખૂલી જાય છે એટલે કોઈ જ ક્રાઉડ વિના એ સમયે મંદિરનાં પવિત્ર સ્પંદનો ફીલ કરી શકાય એટલી મોકળાશ હોય છે. જોકે વહેલી સવારે અહીં પહોંચવું થોડુંક અઘરું છે.
મંદિરની આસપાસનો ચાર-પાંચ કિલોમીટરનો એરિયા ડેવલપ થયો ન હોવાથી અને અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ હજી પાકો અને લાઇટોથી સજ્જ નથી એટલે વહેલી સવારે કે મોડી રાતે ટ્રાવેલ કરવાનું અઘરું બની શકે છે.
હજી આ મંદિરનું નિર્માણકાર્ય પૂરું નથી થયું. એની આસપાસની જગ્યા પણ ડેવલપ થઈ રહી છે. એને કારણે ખાવા-પીવાની વ્યવસ્થા પૂરતી નથી.
અહીં ૩ ટાઇપનાં દર્શન શકય છે : ફ્રી દર્શન, ૫૦ રૂપિયાની એન્ટ્રી અને ૧૦૦૦ રૂપિયામાં ૪ સભ્યોની એન્ટ્રી. એમાં પ્રભુનો પ્રસાદ, શ્રી વેન્કટેશ્વર સ્વામીની ફોટોફ્રેમ અને એક કંડુવા આપવામાં આવે છે.
ભક્તોની ભીડ એટલી હોય છે કે અહીં ઘણી વાર પ્રસાદ પણ ખૂટી પડે છે.
ગરમીની સીઝનમાં અહીં પારાવાર ગરમી લાગે છે. જોકે મૉન્સૂન અને વિન્ટરમાં ભુવનગિરિ હિલ હરિયાળીથી આચ્છાદિત થઈ જતી હોવાથી નજારો મનમોહક અને એન્જૉયેબલ બની જાય છે.
મંદિરમાં શ્રીવારી પાદપીઠમ, લક્ષ્મી નરસિંહ મંડપ, ગુરુદલવાર સ્તંભ, કાર્યસિદ્ધ હનુમાન સંનિધિ, ગરુડ મંડપ અને ગણેશ મંદિર પણ છે. આ જ પરિસરમાં ૧૨૦ ફુટ ઊંચો હનુમાન મંડપમ પણ સામેલ છે. એમાં હનુમાનજીની ૪૦ ફુટ ઊંચી અખંડ પ્રતિમા બિરાજમાન છે.

ગરુડ અને વિષ્ણુ પાદુકા
મૉડર્ન મંદિર હોવા છતાં અહીંની દીવાલો પર વિવિધ ભગવાન અને વિષ્ણુકથામાં આવતાં મુખ્ય દૃશ્યોને પથ્થરના નકશીકામમાં તાદૃશ કરતી અદ્ભુત કોતરણી થયેલી છે. આ કોતરણીઓ મંદિરને પૌરાણિક લુક આપે છે. ભારતનાં વિવિધ રાજ્યોના કુશળ કલાકારો દ્વારા આ કામ થયું છે.
