Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > તમને પ્રવાસ દરમ્યાન પાચન સંબંધિત તકલીફો નડે છે?

તમને પ્રવાસ દરમ્યાન પાચન સંબંધિત તકલીફો નડે છે?

Published : 02 January, 2026 11:37 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તો તમે એકલા નથી. ઘણા લોકોનું પાચન પ્રવાસ દરમિયાન બગડી જતું હોય છે. ટ્રાવેલ કરવા જાય ત્યારે વ્યક્તિ ૩-૫ કિલો વજન વધારીને આવે; ટ્રાવેલ દરમિયાન ખૂબ ઍસિડિટી, ગૅસ કે બ્લોટિંગની તકલીફ થાય, પેટ સાફ ન આવે, અપચો લાગે, આ બધી સમસ્યા પાછળ શું કારણો છે અને ઉપાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શું તમે ૪-૫ દિવસ ફરવા જાઓ અને ઘરે આવો ત્યારે ૨-૪ કિલો વજન વધી જાય છે?

શું તમે ફરવા જાઓ ત્યારે સાથે ઍસિડિટીની દવા ફરજિયાત લઈ જ જવી પડે છે?



શું તમને ગ્રુપમાં ફરવા જતાં તકલીફ થાય છે કારણ કે સતત થતી વાછૂટને કારણે બધા તમારી ખૂબ મજાક ઉડાવે છે.


ફરવા જાઓ ત્યારે પેટ સાફ નથી આવતું?

શું તમે ફરવા જાઓ ત્યારે તમને નક્કી ડાયેરિયા થઈ જ જાય છે?


તો ધરપત એ રાખવાની છે કે તમે એકલા આવા નથી.

ફરવાનું કોને ન ગમે? પણ ફરતી વખતે જ્યારે પેટ કે પાચન સાથ ન આપે તો એ આખી ટૂર ખરાબ કરી શકે છે. તબિયત બગાડવી કોઈને ગમતી નથી. પરંતુ આજકાલ લગભગ દરેક ટ્રાવેલર જે તકલીફો સહન કરે છે એમાં ગટ હેલ્થ પ્રૉબ્લેમ ખૂબ વધારે મહત્ત્વના છે. ટ્રાવેલમાં તો માણસ મજા કરવા જ જાય છે પરંતુ એ મજા સજામાં બદલાઈ જાય છે જ્યારે પેટ ગરબડ થાય છે. આ તકલીફ પાછળનાં કારણો અને એના ઉપાયો પર ધ્યાન આપીએ.

ફૂડ જ ખુશીનું કારણ છે

ભારતીય લોકો અને એમાં પણ ગુજરાતીઓ માટે ફૂડ હૅપીનેસ છે. સામાન્ય રીતે લોકો ખુશ હોય તો ભરપૂર ખાય, આપણે ખુશ થવા માટે પણ ભરપૂર ખાઈએ છીએ. ઘરે ડેઇલી રૂટીન લાઇફમાં ભલે આપણે અનેક રિસ્ટ્રિક્શન સાથે જીવતા હોઈએ. પણ જેવા ટ્રાવેલ પર જાય એટલે ઘોડા છૂટે. આ વાત પર ભાર આપતાં ગટ હેલ્થ એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટ પાયલ કોઠારી કહે છે, ‘આપણે ઘરની બહાર પગ રાખીએ અને ખાવાનું શરૂ થઈ જાય. જાણે કે આપણે ફરવા નહીં, ખાવા જઈ રહ્યા છીએ. આ માનસિકતા એટલા માટે છે કેમ કે આપણે રૂટીન લાઇફમાં બિનજરૂરી બંદિશો રાખીને બેઠા હોઈએ છીએ એટલે આ બંદિશોમાં એટલા ગૂંગળાઈ જઈએ છીએ કે જેવા બહાર જઈએ કે આપણને લાગે છે કે બસ, હવે બધું જ ખાઈ લઈએ.

ક્વૉન્ટિટીનું ભાન નથી

લોકો જ્યારે બહાર જાય ત્યારે હોટેલમાં બ્રેકફાસ્ટ કૉમ્પ્લીમેન્ટરી હોય છે અથવા તો સ્ટે સાથે પૅકેજમાં ઇન્ક્લુડેડ હોય છે. એ વિશે વાત કરતાં પાયલ કોઠારી કહે છે, ‘કારણ કે આ મારો પ્રોફેશન છે એટલે હું આ બાબતે લોકોનું વર્તન નોટિસ કરતી હોઉં છું. તમે એ કૉમ્પ્લીમેન્ટરી બ્રેકફાસ્ટ ખાતા લોકોની પ્લેટ એક વાર જોશો તો સમજાશે કે કેટલું ભરી-ભરીને લોકો બ્રેકફાસ્ટ ખાતા હોય છે કારણ કે ઘરે બ્રેકફાસ્ટમાં ૧-૨ વસ્તુઓ હોય અને અહીં ૩૦ વસ્તુઓ હોય છે. બધું ચાખે તો પણ ઘણું થઈ જાય. બીજું એ કે લોકોના મનમાં પૈસા વસૂલ કરવાની વૃત્તિ હોય છે. પૈસા આપ્યા છે એટલે ભરીને ખાઈ લેવું. પણ જેમ પૈસા આપણા છે એમ પેટ પણ આપણું જ છે. પરોઠા સાથે દહીં ખૂબ સરસ છે એટલે ખાઈ લેશે અને એની પછી ચા પી લેશે. કૉર્ન ફ્લેક્સ અને દૂધ લેશે. એની ઉપર ફ્રૂટ જૂસ પી લેશે. ચા અને નાસ્તો લીધા પછી તરત થાળી ભરીને ફ્રૂટ ખાઈ લેશે. તમે કયા ખોરાકને શેની સાથે ખાઓ છો એ પણ નથી જોતા. બસ, અવેલેબલ છે એટલે ખાઈ લેવું એ વૃત્તિને કારણે ટ્રાવેલમાં પેટ ખરાબ થાય છે.’

પાણીની ઊણપ

ઘરે અને બહાર જવામાં જગ્યા ફેર થાય, રૂટીન બદલે એટલે સૌથી મોટી અસર પાણી પર થાય છે. લોકો ટ્રાવેલમાં વારંવાર બાથરૂમ ન જવું પડે એટલે પાણી ઓછું પીએ છે. ઠંડી જગ્યા હોય તો તરસ ઓછી લાગે છે એટલે પણ પાણી ઓછું પિવાય છે. પાણી ઓછું પિવાય એટલે પાચન પર એની સીધી અસર પડે. પાણી પાચન માટે અનિવાર્ય વસ્તુ છે. બીજું એ કે એના બદલે લોકો ટ્રાવેલમાં થાક લાગે કે એનર્જી માટે ચા, કૉફી કે ઠંડાં પીણાં ખૂબ પીએ છે જેમાં ભરપૂર શુગર હોય છે એટલે કૅલરી વધે છે. પાણીનું રિપ્લેસમેન્ટ કઈ છે જ નહીં. ભલે વિદેશમાં ખરીદીને પાણી પીવું પડે પણ પાણી જ પીઓ. એ જરૂરી છે.

પ્રવાસમાં પેટ ઠીક રાખવા ની રેમેડી

પાયલ કોઠારી પાસેથી જાણીએ કેટલી રેમેડી જે પ્રવાસમાં પેટ ઠીક રાખવા માટે ઉપયોગી છે...

ફરવા જાઓ ત્યારે ઘરનો બનેલો મુખવાસ સાથે રાખો જેમાં વરિયાળી, જીરું, હિંગ, અજમો વગેરે ઉમેર્યાં હોય. જમ્યા પછી એ મુખવાસ ચોક્કસ ખાઓ.

હરડે સાથે રાખો. જો તમને અપચો લાગે તો રાત્રે જરૂર પ્રમાણે ૨-૩ ગોળી લઈ લેવી. જો ચૂર્ણ હોય તો અડધી ચમચી લઈ શકાય.

ઇસબગુલ પણ સાથે રાખો. બહાર જાઓ ત્યારે જે તમે સૌથી ઓછું ખાઓ છો એ છે શાકભાજી અને ફળો એટલે કે ફાઇબર. ઇસબગુલ એ કમી પૂરી કરશે.

જાણી લો કેટલા ઉપાય

ફરવા જાઓ ત્યારે પેટ ઠીક રહે એ માટે શું કરવું એ જાણીએ પાયલ કોઠારી પાસેથી.

બહાર જાઓ ત્યારે કોશિશ કરો કે રૂટીન લાઇફમાં તમે જે પ્રકારનું ભોજન લઈ રહ્યા છો એનાથી એકદમ જ વિપરીત ન થઈ જાય, લગભગ એના જેવો કે એની આસપાસનો ખોરાક હોય તો ગટ માટે થોડું સરળ રહેશે.

તમે બ્રેકફાસ્ટ જો હેવી કરવાના હો તો લંચમાં ફ્રૂટ્સ ખાઈ લો. લોકલ માર્કેટમાં ફરતાં-ફરતાં સ્ટ્રીટ ફૂડ ખાવામાં લોકોને વધુ રસ હોય છે. ટ્રાવેલ દરમિયાન એ મજા માટે કોઈ રોકી નથી રહ્યું. બનારસ જઈને જો ચાટ ન ખાધી કે રાજસ્થાન જઈને પ્યાઝ કચોરી ન ખાધી તો ફાયદો શું છે? એ ચોક્કસ ખાઓ પણ કૅલરીનું ધ્યાન રાખો. જેમ કે નાસ્તો એકદમ હેવી અને બપોરે સ્ટ્રીટ-ફૂડ ખાધું હોય તો રાત્રે ફક્ત સૂપ પીને સૂઈ જાઓ. બૅલૅન્સ કરતાં શીખવું જરૂરી છે.

ઘણા લોકોને એવું છે કે બહાર જઈને પણ જો તમે ન ખાઓ તો શું ફાયદો? ખાવાની ના નથી, પણ એના અતિરેકની ના છે. ટેસ્ટ માટે જે વ્યક્તિ ખાય તેને બે ભજિયાં કે એક નાનકડો બાઉલ નૂડલ્સ ખવડાવો તો પણ મજા જ છે. થાળી ભરીને ભજિયાં ખાશો તો તકલીફ છે. જે તળેલું છે, અનહેલ્ધી છે, તમને ખબર છે કે તમને માફક નથી આવવાનું એ પણ જો સ્વાદથી લલચાઈને તમે ખાવાનો હો તો ખાઓ. એને માણો પણ એકદમ નાની ક્વૉન્ટિટીમાં.

ગુજરાતીઓને આદત છે દરેક જગ્યાએ નાસ્તા સાથે લઈને જવાની. એ લઈ જવામાં તકલીફ નથી પણ તમે ટ્રાવેલમાં ફક્ત ઘરનો નાસ્તો ખાતા નથી. ત્યાં જઈને પણ એટલું જ ખાઓ છો. એટલે ઓવરઑલ ખાવાનું વધી જાય છે. નાસ્તો તો જ ખાઓ જો તમે ત્યાં એક ટંક નથી ખાવાના. વળી નાસ્તામાં તળેલા ફરસાણને બદલે નટ્સ લઈ જાઓ. શીંગ, દાળિયા, બદામ, કાજુ લઈ જઈ શકાય. એનો પણ અતિરેક કરવાની જરૂર નથી. દિવસના ૮-૧૦ નટ્સ ઘણા થઈ ગયા.

તમે ફરવા ગયા હો ત્યાં ખૂબ ચાલવાનું થવાનું હોય તો સારી વાત છે જેમ કે અબ્રૉડ જાઓ ત્યારે ખૂબ ચાલવું પડે છે. પણ આપણા દેશમાં ફરવા જાઓ ત્યારે લોકો એટલું ચાલતા નથી. તમે બહાર જાઓ ત્યારે સવારમાં એ જગ્યાને માણવા અને જાણવા માટે ચાલીને એકાદ કલાક ફરો. એ ઘણું મદદરૂપ થશે. બાકી આખો દિવસ ખૂબ ચાલવાનું હોય ત્યારે વ્યક્તિનું પેટ ખરાબ થતું નથી.

બહારનું ખાવાનું હોય ત્યારે હાઇજીન થોડું જોઈ લો તો સારું. લોકલ ફૂડ ખાવું જોઈએ પણ હાઇજીન વગરનું નહીં.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2026 11:37 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK