Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > દુનિયાના સૌથી મોટા અને ઊંડા પ્રશાંત મહાસાગરને અનુભવવાનો રોમાંચ

દુનિયાના સૌથી મોટા અને ઊંડા પ્રશાંત મહાસાગરને અનુભવવાનો રોમાંચ

11 February, 2024 11:51 AM IST | Washington
Manish Shah | writermanishshah@gmail.com

ન્યુ ઝીલૅન્ડમાં પિકટનના બારામાંથી પૅસિફિક મહાસાગરના જળપ્રવાસ દરમ્યાન અગાધ અર્ણવના સૌંદર્યને માણતાં-માણતાં અને દરિયાઈ પક્ષીઓને કચકડે કંડારવાનો લુત્ફ લેતાં-લેતાં વેલિંગ્ટન પહોંચ્યા. સંધ્યાના પ્રકાશમાં વેલિંગ્ટનની સ્કાયલાઇન અતિશય સુંદર લાગી રહી હતી

નૉર્થ આઇલૅન્ડની પશ્ચિમે સાઉથ આઇલૅન્ડનો ઉત્તરીય છેડો - પિકટનથી વેલિંગ્ટન વાયા કુક સામુદ્રધુની.

શ્રી કુદરત શરણમ્ મમ

નૉર્થ આઇલૅન્ડની પશ્ચિમે સાઉથ આઇલૅન્ડનો ઉત્તરીય છેડો - પિકટનથી વેલિંગ્ટન વાયા કુક સામુદ્રધુની.


આખરે સાઉથ આઇલૅન્ડથી વિદાય લેવાની વેળા આવી ગઈ. પિકટનના બારામાંથી અમારી ફેરી હળવેકથી ઊપડી અને એકદમ જ ઓછી ગતિએ આગળ વધી રહી. પિકટનથી વેલિંગ્ટનનું અંતર છે ૯૨ કિલોમીટર અને આ ૯૨ કિલોમીટરનું અંતર કાપતાં ફેરીને સાડાત્રણથી ચાર કલાક લાગે છે અને એ પણ હવામાન અનુકૂળ હોય તો. આ સફરને ત્રણ ભાગમાં વહેંચીએ તો પિકટનથી કુક સામુદ્રધુની એટલે કે પૅસિફિક મહાસાગરના જળમાં પ્રવેશનો તબક્કો પહેલો ભાગ ગણાય. કુકની સામુદ્રધુનીથી વેલિંગ્ટનના મુખ સુધીનો દરિયાઈ સફરનો તબક્કો બીજો ભાગ અને વેલિંગ્ટનના મુખથી વેલિંગ્ટન પોર્ટ સુધીનો તબક્કો એટલે ત્રીજો ભાગ. આમાં બીજો તબક્કો સૌથી અકળ અને જોખમી છે. પહેલો અને ત્રીજો સૌથી ટૂંકો તબક્કો તમને કુદરતના એવા-એવા રૂપની ઝાંકી કરાવે છે કે ન પૂછો વાત.

ઇન્ટરઆઇલૅન્ડરની ફેરીનું કદ, આગળ લખ્યા મુજબ, ખાસ્સું એવું મોટું હોય છે. અમારી જેમ સેંકડો પ્રવાસીઓ પણ આ ફેરીનો પ્રવાસ કરી રહ્યા હતા. હું હજી હૉલમાં ગયો નહોતો. બધા ગોઠવાઈ રહ્યા હતા અને હું બહાર તૂતક એટલે કે ડેક પર ઉઊભો રહી આજુબાજુનાં દૃશ્યો નિહાળી રહ્યો હતો. અમારી ફેરી સાંકડા જળમાર્ગો પર હળવે-હળવે આગળ વધી રહી હતી. થોડી ભૂગોળ સમજાવું. વાચકમિત્રો, આ સાઉથ આઇલૅન્ડ છેક ઉપરના છેડે, નૉર્થ આઇલૅન્ડની પશ્ચિમે આવેલો છે એટલે વેલિંગ્ટન આમ જોઈએ તો જમણે આવેલું છે. સાઉથ આઇલૅન્ડનો આ ઉત્તરીય એટલે કે ટોચનો છેડો નૉર્થ આઇલૅન્ડના પશ્ચિમ છેડાની સમાંતરે આવેલો છે એટલે પિકટન આવેલું છે તાસ્માનના દરિયામાં અને વેલિંગ્ટન આવેલું છે પૅસિફિક મહાસાગરમાં, પરંતુ એકબીજાને સમાંતરે. આ બે મહાસાગરોને જોડતી કડી છે કુકની સામુદ્રધુની એટલે ખરેખર તો તમે તાસ્માન સમુદ્રમાંથી નીકળીને કુકની સામુદ્રધુનીમાં જ્યાં તાસ્માન અને પૅસિફિકનાં જળ મળે છે. પ્રવાસ કરી વેલિંગ્ટન પહોંચો છો. આ સામુદ્રધુની સૌથી જોખમી વિસ્તાર છે, કારણ છે દક્ષિણના ઠંડા વહેણ અને ઉત્તરના પ્રમાણમાં ઉષ્ણ વહેણ અને એ પણ પાછાં તીવ્ર. સ્વાભાવિક છે કે આ સંગમ ખતરનાક રહેવાનો જ. ચાલો આગળ વધીએ.



આવી ફેરીઓમાં કૅબિન્સ પણ હોય છે, પરંતુ અમે બાર જણ હતા એટલે કૅબિન લેવાનો કોઈ અર્થ નહોતો. હું તો બહાર તૂતક પર જ ઊભો રહીને બહારનાં દૃશ્યો નિહાળી રહ્યો હતો. બીજા બધા હૉલમાં બેઠક જમાવીને વાતોના તડાકા મારી રહ્યા હતા, અનુભવોની વહેંચણી કરી રહ્યા હતા. આ પહેલો તબક્કો સૌથી સુંદર છે એ દેખાઈ રહ્યું હતું. બન્ને બાજુ માર્લબોરો સાઉન્ડની લીલીછમ ભેખડો તોળાઈ રહી હતી. માર્લબોરો સાઉન્ડનું ખરું સૌંદર્ય આંખો સમક્ષ ધીમે-ધીમે ઊઘડી રહ્યું હતું. મિલફર્ડ સાઉન્ડની યાદ આવી ગઈ. આ સાંકડા આડાઅવળા જળમાર્ગો પર સરકતી ફેરીને જોવાની મજા જ કંઈ ઑર છે. માર્લબોરો સાઉન્ડની ભેખડો વટાવતાં જ ક્વીન શાર્લોટ સાઉન્ડની ભેખડ શરૂ થઈ. હવે ફેરી ખરેખર ડાબે-જમણે, ડાબે-જમણે વળાંક લઈને આગળ વધી રહી હતી. મને ફોટો લેતો જોઈને એક સ્થાનિક સજ્જન બોલ્યા, ‘ખરેખર તો આ સમુદ્રમાં ઢબુરાયેલાં જંગલો છે. આ પહાડોની ખીણ પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં છે અને સમુદ્રને જોડતા જળમાર્ગો તૈયાર થઈ ગયા. વિખેરાયેલી ભેખડોને હિસાબે પવનનું જોર કપાઈ ગયું અને એટલે જ અહીં પાણી સ્થિર છે. આ મોટા વિસ્તારમાં ફેલાયેલી ભેખડોને કારણે જ પિકટનનું બારું સૌથી સલામત બારું ગણાય છે.


જંગલનાં અને જળનાં એમ બન્ને પ્રકારનાં પક્ષીઓ દેખાઈ રહ્યાં હતાં. ક્વીન શાર્લોટનો એક છેવાડાનો પૉઇન્ટ કોઈ લાંબી ચાંચની જેમ બહાર છે એને ધ સ્નાઉટ કહે છે. સ્નાઉટ એટલે લાંબો, અણિયાળો આકાર. એથી જ આ લાંબા અને અણિયાળા ભૂખંડને પણ ધ સ્નાઉટ કહે છે. અહીંથી નઝારો ખૂબ ભવ્ય દેખાય છે અને આનો સ્પેશ્યલ ટ્રેક પણ યોજવામાં આવતો હોય છે. આમ ને આમ ફેરી આગળ વધી રહી હતી. રોમાંચ વધી રહ્યો હતો. પૅસિફિક મહાસાગરમાં સફર કરવાનો મારા માટે આ પ્રથમ મોકો હતો. આમ તો બધે દરિયાનાં પાણી સરખાં જ હોય, પરંતુ દુનિયાના સૌથી મોટા અને ઊંડા મહાસાગર એવા પ્રશાંત મહાસાગરને અનુભવવાનો રોમાંચ તો હોય જને! પ્રશાંત મહાસાગર, કેટલું અનુરૂપ ભાષાંતર. મહાન પોર્ટુગીઝ ખગોળવિદ ફર્ડિનાન્ડ મેગલનસાહેબે તેમની વૈશ્વિક સમુદ્રયાત્રા દરમ્યાન પૅસિફિક મહાસાગરનું ઈસવી સન ૧૫૨૦માં નામકરણ કર્યું. સમગ્ર યુરોપમાં તોફાની સમુદ્ર તરીકે બદનામ ઍટલાન્ટિક મહાસાગરના પ્રમાણમાં આ મહાસાગર તેમને શાંત લાગ્યો હતો. તેમના આ મહાસાગરના અનુભવને કારણે તેમણે આ અર્ણવને પૅસિફિક એટલે કે શાંત સમુદ્રનું નામ આપ્યું. આપણા અનુવાદકો એક ડગલું આગળ વધ્યા. તેમણે વ્યાકરણના નિયમ મુજબ આગળ પ્ર લગાડી દીધો. આમ પણ કોઈ શબ્દની આગળ પ્ર લગાવી દેતાં નામની તીવ્રતા વધી જાય છે; જેમ કે પ્રગાઢ, પ્રકોપ, પ્રકાંડ, પ્રચંડ વગેરે વગેરે. પ્રશાંત મહાસાગર! એકદમ જ અનુરૂપ. કદ, ઊંડાઈ, વિસ્તાર બધામાં પ્રથમ એટલે શાંત નહીં, પણ પ્રશાંત મહાસાગર! આ છે ભાષાની સમૃદ્ધિ, વૈભવ. આવું બધું વિચારતાં-વિચારતાં હું મનોમન મલકી રહ્યો હતો અને ફેરી કુક સામુદ્રધુનીમાં પ્રવેશી ગઈ.


માર્લબોરો સાઉન્ડની લીલીછમ ભેખડો.

બધું જ ગાયબ. પાછળ છૂટી ગયું. ચોતરફ નિતાંત અર્ણવ. પવનની ગતિ પણ એકદમ જ વધી ગઈ. દરિયો હિલોળા લઈ રહ્યો હતો. હૉલમાં જવાનો સવાલ જ નહોતો. બધા ધીમે-ધીમે બહાર આવી ગયા. શું પવન હતો! ગજબની ગતિ હતી! પછીથી ખબર પડી કે ૧૦૦ કિલોમીટરની ગતિથી પવન વિરુદ્ધ દિશામાં ફૂંકાઈ રહ્યો હતો. આ કોઈ પણ પ્રકારની જોખમી પરિસ્થિતિ નહોતી. આ અહીંનું કાયમી હવામાન હતું. પવનને કોઈ અવરોધ જ નહીં. આખી ફેરી હાલકડોલક થઈ રહી હતી. મોજાં ઊછળી રહ્યાં હતાં, પરંતુ મોજાંના પ્રમાણમાં ફેરીની ઊંચાઈ તો ઘણી વધારે હતી. કોઈ ડરવાની વાત જ નહોતી. તૂતક એટલે કે ડેક પરથી હિલોળા લેતો દરિયો જોવાની મજા પડી રહી હતી. ફોટો-સેશન શરૂ. બધાના ખૂબ ફોટો લીધા. પવન પ્રમાણમાં તીવ્ર તેમ જ ઠંડો પણ હતો એટલે ફોટો-સેશન પછી બધા એક પછી એક હૉલમાં ફરી પ્રવેશી ગયા. હું બહાર જ ઊભો રહ્યો.

અનેક દરિયાઈ પક્ષીઓ દેખાઈ રહ્યાં હતાં. નિકોબારની સફર યાદ આવી ગઈ. કૅમેરાબૅગ ખોલી, ૪૦૦ એમએમનો ટેલિલેન્સ કાઢ્યો, કૅમેરા પર લગાવ્યો અને કોઈ મોટી માછલીઓ કે પક્ષીઓ દેખાય તો કચકડે કંડારવા માટે નજર દોડાવી. દરિયાઈ હિલોળા સાથે, અસ્થિર ફેરી સાથે, ૪૦૦ એમએમ ટેલિલેન્સથી ફોટો લેવાનું આસાન ન હોય, પરંતુ એમ કેમ છોડી દેવાય? સૂર્યપ્રકાશ સરસ હતો. શટર-સ્પીડ વધારી નાખી અને દર સેકન્ડે પાંચ ફોટો લઈ શકાય એ પ્રમાણે કૅમેરા સેટ કરી દીધો. વધારેલી શટર-સ્પીડ અને સેકન્ડે પાંચ ફ્રેમ્સને કારણે આ બધા હિલોળાની અસર ઘણી ઓછી થઈ જાય. એ ઉપરાંત તમારા અનુભવ અને કૌશલ પણ જરૂરી ખરા. ઘણા પ્રકારનાં દરિયાઈ પક્ષીઓ દેખાઈ રહ્યાં હતાં. મિત્રો, દરિયાઈ પક્ષી એટલે દરિયાઈ પક્ષી. ઘણી પ્રજાતિ તો એવી છે જે ક્યારેય જમીનને અડતી પણ નથી. દરિયાઈ પવન પર ઊડ્યા કરે, માછલીનો શિકાર કર્યા કરે અને દરિયાઈ જળ પર જ આરામ ફરમાવી લે. હા જી, આવી પણ પ્રજાતિ છે ખરી. સમુદ્રમાં જહાજોની અવરજવર વધવાથી ઘણી ખરી પ્રજાતિઓ ખોરાકની લાલચે જહાજ પર આવે ખરી. નાવિકો સૂકી માછલી કે કોઈ પણ ભોજન આપે એ ખાઈને વળી પાછા અવકાશી સફરે. અમારી ફેરી પણ અપવાદ નહોતી. કેટલાયે સી ગુલ્સ, શિયર વૉટર પ્રજાતિનાં પક્ષીઓ ફેરીની આજુબાજુ દેખાઈ રહ્યાં હતાં. ન્યુ ઝીલૅન્ડના હિસાબે બધી પ્રજાતિ ખબર ન પડે; પરંતુ ટેલિલેન્સમાં ફોટો લેવાની, પક્ષીઓની ઝડપ, વળાંકો, ઊડવાની લઢણ એ બધા સાથે સમન્વય સાધવાની મજા જ કંઈ ઑર હોય છે. પહેલાં નરી આંખે પક્ષીને જુઓ, એનો મિજાજ પારખો, એની ઊડવાની રીત, દિશા નક્કી કરો, કૅમેરા માંડો, લેન્સમાં ઝડપો, એનો પીછો કરી ખટાક, ખટાક,ખટાક અને એ પણ વળી બને એટલા હાથને, પગને સ્થિર રાખીને. મજા પડી રહી હતી. ઝડપેલા ફોટોમાં સંતોષકારક પરિણામ જોઈને આનંદ વધી રહ્યો હતો. ત્યાં તો અચાનક મારી નજર ફેરીની તરફ આવી રહેલા પાંચ-છ નવા આગંતુકો પર પડી. ધવલ રંગ, વળેલી ચાંચ દૂરબીનમાં દેખાઈ અને? એક ઝબકારો.. આલ્બટ્રોસ. આખરે મળ્યાં ખરાં. કોઈને પણ કહ્યું નહોતું, પરંતુ અહીં આવતાં પહેલાં વાંચ્યું હતું કે પિકટનથી વેલિંગ્ટન તરફ જતાં મધદરિયે આલ્બટ્રોસ પક્ષીઓ દેખાય છે ખરાં. આ એક સપનું હતું. આ પ્રજાતિની અનેક પેટા-પ્રજાતિ હોય છે, પરંતુ દરિયાઈ પક્ષીઓમાં સૌથી વધારે પાંખોની પહોળાઈ એટલે કે વિન્ગ સ્પેન ધરાવતા આ પક્ષીને જોવાનું દરેક પક્ષીનિરીક્ષકનું સ્વપ્ન હોય છે. હું પણ એમાં અપવાદ નહોતો. વિન્ગસ્પૅન કેટલો હોય છે એ જાણવું છે? આઠ ફુટથી લઈને બાર ફુટ સુધીનો વિન્ગસ્પૅન આ પ્રજાતિની ખાસિયત છે. આલ્બટ્રોસ ખબર પડી, પરંતુ કઈ પેટા-પ્રજાતિ છે એની ખબર ન પડી. પહેલી જ વાર દર્શન થઈ રહ્યાં હતાં. દૂરબીનથી ખાસ્સી વાર અવલોકન કર્યું અને પછી હું તૈયાર થઈ ગયો. તેઓ ફેરીની આગળ ઊડી રહ્યાં હતાં, પરંતુ આડે-અવળે, ડાબે-જમણે. હું રેલિંગ પાસે ગયો. બન્ને કોણી રેલિંગ પર ગોઠવી અને કૅમેરા આંખે લગાવ્યો. એક જ પક્ષી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને પીછો ચાલુ. લેન્સમાં પકડાયું. બટન દબાવું એ પહેલાં ગાયબ. વળી પવન પણ અહીં તો દુશ્મન હતો. કયા મોજા પર સવાર થઈ ઉપર ચાલી જાય, ક્યાં ફંટાઈ જાય ખબર જ ન પડે, પણ એમ થોડું છોડી દેવાય? આખરે ઝડપાટું. હવે કૅમેરા બરાબર પીછો કરી રહ્યો હતો. એક સમયે અંદાજ લગાવ્યો કે જમણે વળશે, કૅમેરા પહેલાંથી જ જમણે તાકી રાખ્યો અને પક્ષી ડાબેથી જેવું પ્રવેશ્યું કે ખટાક ખટાક ખટાક... બટન દબાવી જ રાખેલું. કૅમેરા પંખીની ગતિની સાથે-સાથે. ઉપર-નીચે, આડે-અવળે, પરંતુ લેન્સની બહાર નીકળવા ન દીધું. ડાબે, મધ્યમાં, જમણે બધે જ ફોટો આવ્યા. એ ગયું પછી બીજાનો કેડો પકડ્યો. એના પણ ફોટો લીધા. લગભગ અડધો કલાક આ પકડાપકડી, કવાયત ચાલી અને તેઓ અલોપ થયાં ત્યારે જ મેં કૅમેરા હટાવ્યો. ફોટો સ્ક્રીન પર જોયા અને વાહ, ભાઈસાહેબ ઝડપાયાં ખરાં. કોઈ કોઈમાં તો ખાલી પાણી જ આવ્યું હતું, પરંતુ કોઈ ફોટોમાં બરાબર ઝડપાયાં. સાફસૂથરા, ક્લિયર ફોટોગ્રાફ્સ. સ્વર્ગીય આનંદની અનુભૂતિ. એક તૃપ્તિ. અંદરના ફોટોગ્રાફરનો આત્મા સંતોષાયો.

ત્યાં તો ખભે ટકોરા પડ્યા. જોયું તો એક ગોરી એટલે કે વિદેશી યુવતી મારી સામે મલકી રહી હતી. મને ખબર નહીં, પરંતુ તેણે કહ્યું ત્યારે ખબર પડી કે તે પણ આલ્બટ્રોસને અને મને ક્યારની નિહાળી રહી હતી. પરસ્પર સ્મિતની આપ-લે થઈ. તે કેથરિન હતી. મેં મારું નામ જણાવ્યું. દેશ જણાવ્યો. તે મારો ઉત્સાહ જોઈને ખૂબ ખુશ હતી અને ઉત્સાહિત પણ. પછી તો વાતોએ વળગ્યાં. તેણે પોતાનું કાર્ડ ધર્યું ત્યારે ખબર પડી કે તે તો પોતે એક વૈજ્ઞાનિક અને પક્ષીવિદ હતી. મને ફોટો દેખાડવા કહ્યું. થોડા ફોટો જોયા, વખાણ્યા, પરંતુ જે બીજાં આલ્બટ્રોસ પક્ષીના ફોટો જોયા ત્યારે તે ચોંકી ગઈ. મને કહે, ‘તને ખબર છે કે આ કયું આલ્બટ્રોસ છે?’ મેં કહ્યું, ‘નહીં.’ તેણે કહ્યું  કે આ એક જવલ્લે જ જોવા મળતું આલ્બટ્રોસ છે. હું પોતે છેલ્લાં ૧૫ વર્ષમાં આને ત્રીજી કે ચોથી વાર જોઈ રહી છું. તું ખૂબ નસીબદાર છે કે તને આટલો સુંદર ફોટો મળ્યો. બંદા ખુશ. જાણકારી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. મેં ભારતનાં જંગલો, રણપ્રદેશો, પહાડો વિશે ઘણી બધી વાતો કરી. પછી ખબર પડી કે કેથરિન તો એક અલગ જ ચળવળ સાથે સંકળાયેલી છે. વૈજ્ઞાનિક તરીકે ૧૫ વર્ષની ઉજ્જ્વળ કારકિર્દી પછી તેણે એક કંપની ચાલુ કરી, જેનું નામ ટેરા મોઆના. આ કંપની નીતિપૂર્વક, માનવતાપૂર્વક કુદરતી પરિબળો અને માનવીય કૌશલનો કેમ ઉપયોગ કરવો એ શીખવાડે છે. ટૂંકમાં, માનવીય બુદ્ધિનો, કાબેલિયતનો વિનયપૂર્વક કુદરતી સંવર્ધન માટે કેમ ઉપયોગ કરી શકાય એ શીખવાડે છે. વાહ, આ તો અમારો હિન્દુ સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત છે એ તેને જણાવ્યું અને સમજાવ્યું પણ ખરું. ખુશ થઈ અને નવાઈ પણ પામી. જીવ માત્ર માટેની અનુકંપા, કરુણા પાછળનાં કારણો, સિદ્ધાંતો જાણીને તે ખૂબ જ અભિભૂત થઈ ગઈ. ભારત આવવાનું, ભારતીય સંસ્કૃતિને જાણવાનું અને એમાં પણ વિશેષ હિન્દુત્વ તથા જૈનીઝમ વિશે તેણે વધુ જાણવું જોઈએ, મેં એવો આગ્રહ પણ કર્યો.

આલ્બટ્રોસ - શુભ્ર શાશ્વત સૌંદર્ય.

વાતો હજી લાંબી ચાલત, પરંતુ આકાશમાં છવાયેલાં વાદળાંઓએ અને નીચે ગતિ કરી રહેલા સૂરજદાદાએ મને ટકોરા માર્યા. આ ક્ષણ, સમય કેવી રીતે ચુકાય? એકબીજાનું અભિવાદન કરી, ભવિષ્યમાં સંપર્ક જાળવી રાખવાનું નક્કી કરી અમે છૂટાં પડ્યાં. તેણે આલ્બટ્રોસના ફોટો માગ્યા. ઈ-મેઇલ કરવાનો વાયદો કરીને હું ફેરીના બીજા ભાગ તરફ ગયો. સુંદર મુલાકાત. ઈ-મેઇલનો ક્રમ હજી પણ ચાલુ છે. આલ્બટ્રોસના ફોટો માટે આભાર વ્યક્ત કરતી તેની ઈ-મેઇલથી થયેલી શરૂઆત હજી પણ વિચારો, સંસ્કૃતિ, માનવજીવનનાં અલગ-અલગ પાસાંઓ વિશેના આદાન-પ્રદાન થકી ચાલુ છે. એક ઉમદા અને સાલસ વ્યક્તિત્વ, ખરેખર. સૂર્યાસ્ત અમે બધાંએ સાથે જોયો. ફરી ફોટો લીધા અને દૂર ક્ષિતિજ પર વેલિંગ્ટન દેખાયું. ફેરી અડધો કલાક મોડી હતી. વિરુદ્ધ દિશાના તીવ્ર પવને ગતિમાં ફરક પાડી દીધો હતો. વેલિંગ્ટનના બારામાં પણ એક ચક્કર મારીને જવાનું હતું. દીવાદાંડી દેખાઈ રહી હતી. સંધ્યાના પ્રકાશમાં વેલિંગ્ટનની સ્કાયલાઇન અતિશય સુંદર લાગી રહી હતી. સાઉથ આઇલૅન્ડ અને નૉર્થ આઇલૅન્ડનો ફરક દેખાઈ રહ્યો હતો.

આમ પણ રાજધાનીનો ઠસ્સો તો અલગ જ રહેવાનોને? વેલિંગ્ટન રાજધાની ખરી, પરંતુ દેશનું ત્રીજા નંબરનું શહેર છે. આ ન્યુ ઝીલૅન્ડના ત્રીજા નંબરના શહેરની વસ્તી જાણવી છે? ૭ લાખ લોકો. હા જી, હસવું આવ્યું ને? ફક્ત ૭ લાખ! આપણા મુંબઈના પરા કાંદિવલી અને એ પણ કાંદિવલી-પશ્ચિમ જેટલી વસ્તી આખા વેલિંગ્ટનની. વેલિંગ્ટન વિસ્તારની દૃષ્ટિએ સાંકડું છે. ફક્ત ૪૪૪ સ્ક્વેર કિલોમીટરનો જ વિસ્તાર છે એટલે ન્યુ ઝીલૅન્ડનાં બીજાં શહેરની દૃષ્ટિએ આ શહેર થોડું ગીચ લાગે. ન્યુ ઝીલૅન્ડની સાંસ્કૃતિક નગરી તરીકેની પણ આ શહેરની ઓળખ ખરી. વળી દરિયાના એકદમ જ કિનારે હોવાથી, અહીં પવન ખૂબ તીવ્ર રહે છે. કાયમ. દુનિયામાં પવનની સૌથી વધુ ગતિ ભોગવનાર શહેર પણ આપણું આ વેલિંગ્ટન જ ગણાય છે. રહેવા માટે દુનિયામાં ચોથા નંબરે આ શહેરની પસંદગી ઈસવી સન ૨૦૨૧માં થઈ હતી એ વળી છોગામાં. યુરોપિયન દ્વારા ઈસવી સન ૧૮૩૯માં આ શહેર સ્થપાયું ત્યારે યુકેમાં આવેલા વેલિંગ્ટન નગરના પ્રથમ ડ્યુક આર્થર વેલેસ્લી, જેઓ વૉટર લુની લડાઈના વિજેતા હતા. તેમણે કરેલી મદદને ધ્યાનમાં

રાખીને આ શહેરનું નામ વેલિંગ્ટન રાખવામાં આવ્યું હતું. ઈસવી સન  ૧૮૬૫માં રાજધાની ઑકલૅન્ડથી અહીં ખસેડવામાં આવી, કારણ કે આ શહેર દરેક રીતે રાજધાની તરીકે અનુકૂળ હતું. ઑકલૅન્ડ ભલે વધારે જીવંત, મોટું અને વિકસિત છે, પરંતુ રાજધાની તરીકે આ શહેર બધી રીતે યોગ્ય છે એ હકીકત છે. વેલિંગ્ટનનું બારું પણ કુદરતી રીતે બધી બાજુએથી ઘેરાયેલું અને સલામત છે. વેલિંગ્ટનમાં અમારું ત્રણ રાતનું રોકાણ હતું. ફેરી જ્યારે બારામાં પ્રવેશી અને બંદરે લાંગરી ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી. શહેર ઝળકી ઊઠ્યું હતું અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. અમારે ગાડી લેવાની હતી. બધાં બહાર નીકળ્યાં. સામાન લીધો. ૧૭ બૅગ્સ યાદ છેને? થોડા થેલા વધ્યા હતા. બૅગ વચ્ચે મૂકી વર્તુળાકારે બધાં ગોઠવાયાં. હું અને મંજય વૅન લેવા બહાર ગયા. બધું તૈયાર જ હતું. વિધિ પતાવી. વૅન લીધી. પોર્ટ પર પહોંચ્યાં, ફોટો તૈયાર જ હતો. બૅગ્સ એ પ્રમાણે ગોઠવી દીધી, પરંતુ એક બૅગ કેમેય કરી આવે જ નહીં, કારણ કે વૅન અલગ હતી. બધાં અંદર બેઠાં. બૅગ દરવાજા પાસે ગોઠવી અને દરવાજો સરકાવીને બંધ કર્યો. હું ડ્રાઇવર-સીટ પર ગોઠવાયો, પરંતુ પ્રશાંત મહાસાગર, આહાહા, નજર સામેથી ખસતો જ નહોતો. અગાધ અર્ણવ. ખબર નહીં, પરંતુ દરિયા સાથે એક ગૂઢ તત્ત્વ સંકળાયેલું છે ખરું. અફાટ જળરાશિ, વાદળાં, આથમતો સૂર્ય,

પવનચક્કીની પછીતે સોનેરી સંધ્યા - વેલિંગ્ટન.

તીવ્ર પવન, લીલીછમ ભેખડો અને આલ્બટ્રોસ! આંખો ભીની થઈ ગઈ. આવિર્ભાવ ચરમસીમા પર. પરમના પરચા, પ્રકૃતિની પડઘમ. ચોમેર. શરણાગતિ, સંપૂર્ણ શરણાગતિ, બધું જ નત. શ્રી કુદરત શરણમ્ મમ. વેલિંગ્ટનની વાતો લઈને પ્રવાસ આગળ વધારીશું, આવજો.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 11:51 AM IST | Washington | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK