Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > વિષ્ણુના પાર્થિવ વૈકુંઠનો દરજ્જો પામેલું છે આ ૯૦૦ વર્ષ જૂનું મંદિર

વિષ્ણુના પાર્થિવ વૈકુંઠનો દરજ્જો પામેલું છે આ ૯૦૦ વર્ષ જૂનું મંદિર

Published : 26 October, 2025 12:50 PM | Modified : 26 October, 2025 01:16 PM | IST | Mumbai
Alpa Nirmal

કર્ણાટકના બેલુરમાં આવેલું ચેન્નાકેશવ મંદિર વિષ્ણુ ભગવાનનાં નાયાબ મંદિરોમાંનું એક છે. કલાકારોએ કાળા પથ્થરને કોતરી-કોતરીને બોલકાં શિલ્પો બનાવી દીધાં છે. અગિયારમી સદીમાં રાજા વિષ્ણુવર્ધને બનાવડાવેલું આ દેવાલય આજે વિશ્વ ધરોહરની સૂચિમાં ઉચ્ચ ક્રમાંકે આવે

ઓરિજિનલ મંદિર પર શિખર હતું, પરંતુ જીર્ણોદ્ધારમાં ભાર ઘટાડવા માટે શિખરો કાઢી નાખવામાં આવ્યાં હતાં.

તીર્થાટન

ઓરિજિનલ મંદિર પર શિખર હતું, પરંતુ જીર્ણોદ્ધારમાં ભાર ઘટાડવા માટે શિખરો કાઢી નાખવામાં આવ્યાં હતાં.


કન્નડા ભાષામાં ચેન્નાનો અર્થ સુંદર થાય છે. ચેન્નાકેશવ મીન્સ સુંદર વિષ્ણુ.

મુખ્ય મંદિરમાં આવેલું ચેન્નિગરાય મંદિર રાજા વિષ્ણુવર્ધનનાં પત્ની શાંતલાદેવીએ નિર્માણ કરાવ્યું છે. ઇતિહાસવિદોના મતે આ મંદિર મુખ્ય મંદિરની નાની આવૃત્તિ છે.



ગયા અઠવાડિયે આપણે તીર્થાટન એક્સપ્રેસમાં ડોડ્ડાગડ્ડવલ્લીની વાત કરી, તો પછી ત્યાંથી એકદમ ઢૂંકડા આવેલા ચેન્નકેશવને કેમ ભુલાય? બેલુર પ્રાચીનકાળમાં વેલાપુરી, વેલુર ને બેલાપુર તરીકે જાણીતું હતું. કાલાંતરે અપભ્રંશ થઈ એ બેલુર બન્યું. સમુદ્રતટથી સવાત્રણ હજાર ફુટની ઊંચાઈએ વસેલું આ નગર કર્ણાટક રાજ્યના હસન જિલ્લાના માલેનાડુ ક્ષેત્રમાં આવેલું છે. યાગાચી નદી પરનું બેલુર તાલુકા મથક પણ છે. ચિકમગલુર શહેર પાસે આવેલા બાબા બુદન પર્વત શૃંખલામાંથી નીકળતી હેમાવતી નદીની સહાયક નદી યાગાચીના કાંઠે આવ્યું હોવાથી વળી દરિયાઈ સપાટીથી ૯૭૯ મીટરની ઊંચાઈએ હોવાથી બેલુર અત્યંત રમણીય સ્થાન છે અને એ જ કારણસર હોયસલ રાજાઓએ અગિયારમી સદી દરમ્યાન આ સ્થળને રાજધાની જાહેર કરી હતી. જોકે એ સમયે બેલુરમાં કુદરતી સૌંદર્ય સિવાય બીજું કાંઈ નહોતું, પરંતુ કૅપિટલ ઘોષિત કર્યા પછી એ સ્થળ સ્થાપત્યો, વ્યવસ્થા વગેરેથી સુશોભિત કરાય એ ન્યાયે રાજા વિષ્ણુવર્ધને અહીં અગિયારમી સદીમાં ચેન્નાકેશવ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. વૈષ્ણવ સંત રામાનુજથી પ્રભાવિત થઈને વૈષ્ણવ ધર્મ પાળતા આ રાજાએ પોતાના આરાધ્યદેવ માટે એવું વિશાળ અને ભવ્ય મંદિર બનાવડાવ્યું કે આ સ્થાનને વિષ્ણુના પાર્થિવ વૈકુંઠનો દરજ્જો મળ્યો છે.



મંદિરના પ્રાંગણનું પ્રવેશદ્વાર.

મંદિરની વાસ્તુકળા તો અદ્ભુત છે જ, પણ એમાં કંડારાયેલી મૂર્તિઓ, ભીંતચિત્રો એવાં આર્કષક છે કે જોનારાને એ જીવંત ભાસે છે. જૂની-નવી સ્થાપત્ય પરંપરાઓ સાથે વિવિધ ધર્મના ગ્રંથો, કહાનીઓ, દેવોને શિલામાં કંડારી પ્રસિદ્ધ કારીગરોએ અહીં નવી કર્ણાટક-દ્રવિડ પરંપરાનો આવિષ્કાર કર્યો છે. ઇતિહાસકારો નોંધે છે કે મૂળ મંદિરનું નિર્માણ ઈ. સ. ૧૧૧૭માં થયું હતું, ૧૭૮ ફુટ લાંબુ અને ૧૫૬ પહોળું આ મંદિર એ સમયે એ આખું ખુલ્લું હતું. મંદિરને કવર કરતી ચાર દીવાલો હતી જ નહીં, કારણ કે નિર્માણકર્તાઓનું માનવું હતું કે એ રીતે અહીંથી પસાર થતા દરેક લોકો વિષ્ણુદેવનાં દર્શન કરી શકે અને મંદિરની જટિલ નકશીઓ જોઈ શકે, પરંતુ તેરમી સદીના મધ્યમાં હોયસલ સામ્રાજ્યના અંતિમ મહાન રાજા વીર બલ્લાલ તૃતીયએ મંદિરમાં લાકડાં અને ઈંટોનું પ્રવેશદ્વાર બંધાવ્યું અને મંદિરની ફરતે છિદ્રયુક્ત પથ્થરની જાળીઓ બનાવડાવી, જેથી મંદિરનું અંદરનું સ્થાપત્ય અને દેવમૂર્તિ સુરક્ષિત રહી શકે. જોકે આ દીવાલો બની એ પૂર્વે જ મંદિરની ખ્યાતિ દેશભરમાં પ્રસરી ગઈ હતી. આખા દેશમાંથી સાધુઓ, જોગીઓ, પંડિતો, યાત્રાળુઓ મંદિર જોવા તેમ જ દેવદર્શને આવતા. આ સર્વે મુલાકાતીઓને અનુકૂળતા રહે એ માટે રાજા બલ્લાલ દ્વિતીયએ મંદિર પરિસરમાં રસોઈઘર, અનાજ તેમ જ જળ સંગ્રહણ માટે ઇમારત તેમ જ જળકુંડ બનાવડાવ્યો જે આજે પણ જોઈ શકાય છે.


આગળ કહ્યું એમ, ચેન્નાકેશવની સમૃદ્ધિની પ્રસિદ્ધિ વધતી જતી હતી, જે ઊડતી-ઊડતી પર્શિયન આક્રમણખોર ખીલજીના કાને આવી અને તેણે સૈનિકો મોકલ્યા વેલાપુરી. એ ઝનૂની સૈન્ય મંદિરને જેમ-તેમ તોડવા લાગ્યું. હોયસલના સૈન્યબળે તેમને ખદેડી તો મૂક્યા છતાં મંદિર ક્ષતિગ્રસ્ત થયું. બારમી સદી દરમ્યાન ફરી રાજાઓએ એનું સમારકામ કરાવ્યું. એ ઉપરાંત હરિહર દ્વિતીય નામના વિજયનગર સામ્રાજ્યના રાજવીએ આ પરિસરમાં ચાર સ્તંભ બનાવડાવ્યા. એ પછી અન્ય રાજાએ મુખ્ય શિખર પર સ્વર્ણજડિત કળશ મુકાવ્યો અને મુખ્ય પ્રવેશદ્વાર પર ૭ મંઝિલા ગોપુરમ બનાવડાવ્યા. એ પછી અન્ય રાજવીઓએ મંદિરની આજુબાજુ અન્ય મંદિરોનું નિર્માણ કરાવડાવ્યું. આ આખા સંકુલમાં દેવળોની સંખ્યા એટલી વધી ગઈ કે બેલુરને દક્ષિણી કાશીનું ઉપનામ મળ્યું. 

 

વિષ્ણુ, ભૈરવ, શિવ, સરસ્વતી, લક્ષ્મીજી, બ્રહ્મા અને પાર્વતીજી  એમ ૫૯ શિલ્પો રંગમંડપમાં છે. 

એ પછી ૧૭મી સદી સુધી અહીં અનેક જીર્ણોદ્ધાર થયા તથા નૂતન દેવાલયો પણ બન્યાં, પરંતુ વિજયનગર સામ્રાજ્યનો અસ્ત થતાં મંદિરનો પણ વિષમકાળ શરૂ થયો. કહેવાય છે કે એ દરમ્યાન મુહમ્મદ તુઘલકના સૈનિકોએ પણ આ મંદિરને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં અધર્મી અને પછી અંગ્રેજોના કાળમાં મંદિર ખંડિયેર  બની ગયું અને ઓગણીસમી સદી સુધીમાં તો તાપ, વરસાદ તેમ જ સમારકામના અભાવે એની હાલત એટલી ખસ્તા થઈ ગઈ કે મંદિરના રંગમંડપ તેમ જ ગર્ભગૃહને બચાવવા સરકારે ખુદ મંદિરના શિખરને હટાવી દઈને એ હિસ્સો સપાટ કરી નાખ્યો અને એ આજેય સપાટ છે. આઝાદી પહેલાં એટલે આજથી લગભગ ૯૦ વર્ષ પૂર્વે મૈસૂર સરકાર અને વાડિયાર રાજવંશના અનુદાનથી મંદિરનો પુનરુદ્ધાર થયો. ત્યારે ગરુડ તથા રામાનુજની નવી પ્રતિમાઓ સાથે મૂર્તિઓ તથા મંદિરના માળખાનું સમારકામ થયું અને ફરી ચેન્નાકેશવ ટેમ્પલ ચેતનવંતું થયું.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

  • અંડાલ મંદિરની એક મોહિની સ્વરૂપની મૂર્તિ અત્યંત મનમોહક છે. શિલ્પકારે એ સુરેખ આકૃતિની રચના એ રીતે કરી છે કે જો એના મસ્તકથી પાણીની ધાર કરાય તો મૂર્તિની ડાબી બાજુથી એ જળધાર નીચે પડી જાય.
  • મંદિર સવારે ૭થી બપોરે એક અને બે વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
  • ૧૦થી ૧૪મી સદી દરમ્યાન આ વિસ્તારમાં રહેલા હોયસલકાળમાં ૯૦૦થી અધિક મંદિરોનાં નિર્માણ થયાં હતાં. સનાતન ધર્મપ્રેમી શાસકો દ્વારા મળેલી એ ભેટો આપણી સંસ્કૃતિને આજે પણ ઉજાગર કરી રહી છે.

આજે ૧,૭૫,૬૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલા વિજયનારાયણ તરીકે પણ જાણીતા આ મંદિરમાં પ્રવેશતાં પૂર્વ દિશાએ ઊંચો ગોપુરમ છે. પરિસરની મધ્યમાં ૩ ફુટ ઊંચા ઓટલા પર ૨૭,૫૦૦ ફુટ વિસ્તારમાં ચેન્નાકેશવનું મુખ્ય મંદિર છે. મંદિરનું શિખર નથી, પરંતુ એમાં બે ગર્ભગૃહ છે. એક વેણુગોપાલનું (જે ચેન્નિગરાય પણ કહેવાય છે) અને બીજા ગભારામાં ચેન્નકેશવ બિરાજે છે. આ મંદિરની અંદર, બહાર, છત, છજ્જાની એક પણ ઈંચ જગ્યા પ્લેન નથી. આખા સ્મારક પર જૈન, બૌદ્ધ, શૈવ, શક્તિવાદને સમર્પિત દેવ-દેવીઓની મૂર્તિઓનાં શિલ્પો, કથાઓ છે. આ પરિસરમાં વીરનારાયણજીનું અન્ય એક વિશાળ મંદિર છે. ૯ કોણ ધરાવતું આ ટેમ્પલ પણ બારમી સદીનું હોવાનું મનાય છે. એના રંગમંડપમાં ૫૯ 3D કલાકૃતિ છે. વિષ્ણુ, ભૈરવ, શિવ, સરસ્વતી, લક્ષ્મીજી, બ્રહ્મા અને પાર્વતીજીની આ સ્કલ્પ્ચર દેખતે હી બનતા હૈ બૉસ.

અડાલ મંદિર સમસ્ત સંકુલનું અન્ય એક મજબૂત સ્થાપત્ય છે. અહીં ૩૧ મોટી પ્રતિમાઓ છે જેમાં વિષ્ણુજીની વિવિધ સ્વરૂપની મૂર્તિઓ છે. સાથે પુરાણોની કિંવદંતીઓ દર્શાવતાં આકર્ષક ભીંતચિત્રો પણ છે. અહીંના ‘સોમ્યનાયકી લક્ષ્મીમાતા’ પણ મુખ્ય આકર્ષણ છે. કહેવાય છે કે શ્રી દેવીને સમર્પિત આ મંદિરનું શિખર એક સમયે ચેન્નાકેશવના શિખરની નાની રેપ્લિકા છે. મંદિરમાં ૪૦ ફુટ ઊંચા બે સ્તંભ છે; ગરુડસ્તંભ અને દીપસ્તંભ. કારતક મહિનામાં દીપસ્તંભ પર દીવા મૂકીને તહેવારની ઉજવણી થાય છે અને હા, હોયસલ સામ્રાજ્યના પ્રતીક સમા પેલા વ્યાઘ્ર તો ખરા જ. મંદિરમાં રામાનુજ પરંપરા અનુસાર વિષ્ણુદેવની પૂજા-અર્ચના થાય છે તથા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આપણે ગયા વખતે વાત કરી હતી કે બેલુર પહોંચવા મુંબઈથી શી-શી સગવડ છે. એ યાદીમાં એક વધારો કરીએ. કર્ણાટકનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન ચિકમગલુરથી બેલુર ફક્ત ૨૬ કિલોમીટર છે અને ત્યાં તો રહેવા-જમવા અને ફરવાની સુવિધા ફાઇવસ્ટાર છે. અહીં રહી બેલુર, હાલેબીડુ, ડોડ્ડાગડ્ડવલ્લીની જાત્રા કરી શકાય અન્યથા બેલુર અને હસનમાં પણ સારી સગવડ છે. બાય ધ વે, હસનથી બેલુર છે ૩૮ કિલોમીટર ઓન્લી. 

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2025 01:16 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK