ભારતના લગભગ દરેક રાજ્યમાં દેવગઢ નામે એકાદ શહેર, નગર કે ગામડું હશે જ. વળી દરેક દેવગઢની આગવી કથાઓ પણ હશે, વિશેષતાઓ પણ હશે. જોકે આજે આપણે જે દેવગઢના તીર્થાટન જવાના છીએ એ ભૂમિ ભારતની સ્થાપ્ત્ય અસ્મિતાને ઉજાગર કરતી ભવ્ય ભૂમિ છે.
શેષનાગ પર આરામ મુદ્રામાં વિષ્ણુ ભગવાન અને નર-નારાયણ સ્વરૂપ
આજે કાર્તિક એકાદશીએ વિષ્ણુ ભગવાન ચાર મહિનાની નિદ્રામાંથી જાગી ગયા છે. એવા સપરમા દિવસે આપણે જઈએ પૃથ્વી પરના ઓલ્ડેસ્ટ વિષ્ણુ મંદિરે. આમ તો આ દેવાલય દશાવતાર મંદિર નામે જાણીતું છે, કારણ કે જીર્ણ-શીર્ણ થઈ ગયેલા મંદિરમાં વિષ્ણુજીના દસેય અવતારનાં સ્ક્લ્પ્ચર અકબંધ છે
ભારતના લગભગ દરેક રાજ્યમાં દેવગઢ નામે એકાદ શહેર, નગર કે ગામડું હશે જ. વળી દરેક દેવગઢની આગવી કથાઓ પણ હશે, વિશેષતાઓ પણ હશે. જોકે આજે આપણે જે દેવગઢના તીર્થાટન જવાના છીએ એ ભૂમિ ભારતની સ્થાપ્ત્ય અસ્મિતાને ઉજાગર કરતી ભવ્ય ભૂમિ છે. યસ, અહીં ગુપ્તકાળમાં બનેલું પ્રાચીનતમ વિષ્ણુ મંદિર છે. દેવાલયોની સ્થાપત્યશૈલીમાં પંચાયત શૈલીનો આ પ્રથમ નમૂનો છે અને આધુનિક ઉપકરણો, ઇજનેરી ડ્રૉઇંગ, અદ્યતન મશીનરી વગર ઉકેરાયેલા આ વિષ્ણુઆલયની હરેક મૂર્તિ આજે પણ જીવંત અને જાગૃત ભાસે છે. તો પ્રબોધિની એકાદશીએ ‘ઉઠો દેવ, પાટકલી ચટકાઓ દેવ’ જેવું ઉત્તર ભારતીય તેમ જ બુંદેલખંડી લોકગીત ગાતાં-ગાતાં આપણે ઊપડીએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમાની નજીક આવેલા લલિતપુર જિલ્લામાં આવેલા દેવગઢે...
ADVERTISEMENT
ક્યાં છે મંદિર?
લલિતપુર શહેર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનો એક જિલ્લો અને નગરપાલિકા પરિષદ છે. આ જિલ્લો બુંદેલખંડ ક્ષેત્રનો હિસ્સો છે. હિન્દુસ્તાનની તવારીખ કહે છે કે ૧૮૫૭ના બળવામાં અંગ્રેજો સામે હથિયાર ઉઠાવનાર બુંદેલ વંશના રાજપૂત રાજા મર્દનસિંહ બુંદેલાના પૂર્વજોએ મધ્યયુગ દરમિયાન લલિતપુરની સ્થાપના કરી હતી. સમુદ્રતલથી ૧૪૦૦ ફીટની ઊંચાઈ, પ્રદેશની જમણી તરફ વહેતી હૃષ્ટપુષ્ટ બેતવા નદી. ઊંચી, નીચી, પહોળી પહાડીઓ લલિતપુર ડિવિઝનને કુદરતી રીતે ખૂબસૂરત બનાવે છે. અને આ મુખ્ય શહેરથી ૩૨ કિલોમીટરના અંતરે આવેલાં દેવગઢનાં સ્થાપ્ત્યોએ લલિતપુર વિસ્તારને દેશની પ્રાચીન ધરોહરનું કેન્દ્રબિન્દુ બનાવ્યું છે. કહેવાય છે કે ઈ. સ. ૩૨૦થી ૬૫૦ દરમિયાન આ વિસ્તારમાં ભારે જાહોજલાલી હતી. સનાતન ધર્મપ્રેમી શાસકોએ અહીંની ચટ્ટાનોને કંડારાવીને અદ્ભુત નકશીકામ કરીને અનેક હિન્દુ-જૈન મંદિરો બનાવડાવ્યાં હતાં. અહીંના રાજવીઓની કલાપારખુ નજર, કળા પત્યેની આસક્તિ અને ભારતીય સંસ્કૃતિ પરના અથાગ ગૌરવ સાથે કલાકારોએ અહીં મન મૂકીને પથ્થરોમાં પ્રાણ રેડ્યા છે અને એનું જીવંત ઉદાહરણ છે દેવગઢમાં આવેલું દશાવતાર મંદિર.

ગજમોક્ષ સ્વરૂપ.
અવ્વલ સ્થાપત્ય
વેલ, અત્યારે તો આ મંદિર એક ચોરસ ઓટલાની મધ્યમાં ચતુષ્કોણ આકારમાં ઊભેલું ખંડેર દેવળ દેખાય છે જેનું શિખર ધ્વસ્ત છે અને અમુક સ્તંભો, દીવાલો પણ ક્ષતિગ્રસ્ત છે. પરંતુ આ મંદિરની બહારની દીવાલોમાં વિષ્ણુના દસેય અવતારો, મુખ્ય પ્રસંગોની કથા કંડારાયેલી છે જે હજીયે એવી જ ઇન્ટૅક્ટ અને લાજવાબ છે. મૂર્તિઓના હાવભાવ, વસ્ત્રો, અલંકારો, અંગભંગિમા એટલાં જીવંત છે કે જો એને ધ્યાનથી જોવાય તો ચોક્કસ એ મુલાકાતીઓ સાથે વાત કરતી જણાય. એમાંય મંદિરની દક્ષિણી દીવાલ પર શેષનાગ પર લેટેલા વિષ્ણુની મૂર્તિમાં નાગ સહિત વિષ્ણુ તથા એની આજુબાજુ રહેલાં દેવી-દેવતાઓનું શિલ્પ અપ્રતિમ, અવિસ્મરણીય ને અલૌકિક. એ જ રીતે નર-નારાયણ પૅનલ, નૉર્થ વૉલ પર રહેલું ગજેન્દ્ર મોક્ષનું શિલ્પ, મંદિરના પ્રવેશદ્વાર પરની ઊભી પૅનલો (બારસાખ) પરની શિલ્પકથા જોતાં કલાકારો પર મુગ્ધ થઈ જાય એવાં છે.
‘એક વર્ગ કહેશે, આ મંદિરમાં ભગવાનની તો પૂજા થતી નથી, મૂર્તિઓ પણ ખંડિત છે વળી શિખરનાંય ઠેકાણાં નથી તો એને ટેમ્પલ શેનું કહેવાય?’ આ તો બસ, સ્થાપ્ત્ય જ કહેવાય. માન્યું, તેમની ધાર્મિક માન્યતાને સલામ. મંદિર પૂજનીય નથી રહ્યું એ વાત પણ સાચી. પરંતુ વિઝિટરે એમ માની આ મંદિરની મુલાકાત લેવાની છે કે જ્યાં ૧૫મી સદી સુધી તેમના આરાધ્ય દેવની અવિરત પૂજા થઈ છે. આજે ખંડેર બનેલું આ સ્થાપ્ત્ય હજારો ભાવિકોની શ્રદ્ધાનું ધામ રહ્યું છે. એણે અમૂલ્ય અઢળક જાહોજલાલી જોઈ છે. એ કાળ દરમિયાન આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને સૌથી મહત્ત્વનું કે કાળની થપાટો, વાતાવરણનો માર અને મુગલ શાસકોના પાશવી અત્યાચારનું ભોગ બનેલું આ સ્થાપ્ત્ય હજાર વર્ષ પછી પણ પોતાની હયાતીની સાબિતી આપતું ઊભું છે. શું એની મુલાકાત સારુ આ કારણ પર્યાપ્ત નથી?
હવે વાત કરીએ એના અન્ય એક ખાસ ફીચરની તો લગભગ ૪થી ૬ઠ્ઠી સદી દરમિયાન બનેલા આ મંદિરથી ટેમ્પલ આર્કિટેક્ચરની નવી શૈલીનો આવિષ્કાર થયો જેનું નામ છે પંચાયતન શૈલી. આ શૈલીમાં એક વિશાળ ચોરસ પ્લૅટફૉર્મના ચારેય ખૂણાઓ પર ભિન્ન-ભિન્ન દેવનાં નાનાં મંદિરો અને ચબૂતરાની મધ્યમાં મુખ્ય દેવનું મોટું મંદિર રહે છે. અહીંથી મંગલાચરણ થયેલી બાંધકામની આ શૈલીએ એ પછી એવું કાઠું કાઢ્યું કે ભારતભૂમિમાં ૧૮મી સદી સુધી આ સ્ટાઇલનાં હજારો મંદિર બન્યાં. હા, એમાં કાળ અનુસાર વધતા-ઓછા ફેરફાર થયા પરંતુ મુખ્ય ડિઝાઇન અને હાર્દ સેમ રહ્યા.
જોઈતું જતન ન થયું
આજે દેવગઢના દશાવતાર મંદિરના ચારેય ખૂણાનાં મંદિરો તો મોજૂદ નથી પરંતુ એના ભગ્ન અવશેષો, મુખ્ય મંદિરના શિખરના પથ્થરો સ્મારકના કમ્પાઉન્ડમાં પડ્યા છે. એ ઉપરાંત ઓટલાની ચારે બાજુ રહેલી શિલ્પકામની પટ્ટીઓ અમુક મૂર્તિઓ પણ અહીં વેરવિખેર છે. જોકે ભારતના પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણ હેઠળ રહેલા આ સ્થાપત્યના ૭૦ ટકા નમૂના ચોરાઈ ગયા છે અથવા ખંડિત થઈ ગયા છે. અહીં એ પણ પ્રશ્ન છે કે આવી પરિસ્થિતિના જવાબદાર કોણ? કેટલાક અંશે સરકાર, ઘણા અંશે સ્થાનિક લોકો અને એટલા જ અંશે મુલાકાતીઓ. દર્શનાર્થીઓની ઘટતી જતી સંખ્યા, સ્થાનિક લોકો અને વિઝિટરની અવગણના, કલાકૃતિઓને જ્યાં-ત્યાં સ્પર્શવાની વૃત્તિ, પ્રતીકરૂપે પોતાનાં નામો લખવાની ચેષ્ટાઓએ ભારતનાં આવાં અનેક સ્મારકોને બેહાલ કર્યાં છે. ખેર, ‘દેર આએ દુરસ્ત આએ’. હવે નવી અને સમજદાર પ્રજાએ આપણા વારસાને સાચવવાનો છે. એની મુલાકાત લેવાની છે અને કાળજી કરવાની છે.

દેવગઢ જૈન મંદિર.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
- મે, જૂન, જુલાઈના મહિનાઓ છોડી બાકીના સમયમાં આખુંય લલિતપુર ડિવિઝન વિઝિટેબલ છે. આ જિલ્લામાં જ પાલી ગામમાં નીલકંઠેશ્વર મંદિર છે જેની ત્રણ મસ્તકવાળી મહાદેવની મૂર્તિ અદ્વિતીય છે. એ જ રીતે ધૌરા ગાંવનું રણછોડ મંદિર, મદાપુરનાં તથા સિરોં ખુર્દનાં જૈન દેરાસરો સુપર્બ. તો બિરધા બ્લૉકમાં આવેલા અંડેલામાં ચક્રધારી વિષ્ણુની સુંદર મૂર્તિઓ છે.
- દશાવતાર મંદિરની નજીક એક વિશાળ જળકુંડ છે. ઍઝ યુઝ્અલ એ પણ ખંડિત જ છે પણ આ કુંડને કારણે જ પ્રાચીન કાળમાં આ મંદિર સાગર મઢ નામે ઓળખાયું.
- મિનરલ અને હિસ્ટોરિકલ સાઇટ્સથી વેલ્ધી આ બેલ્ટમાં મહાવીર સ્વામી વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી, મર્દનસિંહ ફોર્ટ, બાલાબેહાર કિલ્લો ઍન્ડ મટાલિઆ ડૅમ ફરવાલાયક સ્થળો છે. પાણી અને વિવિધ પાકોથી હરિયાળા રહેતા આ વિસ્તારના સ્થાનિક લોકો પણ હેતાળ અને આગંતુકોને મદદરૂપ થવા આતુર છે.
જૈન મંદિરો
આ અદ્વિતીય સ્થાપત્યને ખોળી કાઢવાની કહાની પણ જાણવા જેવી છે. વાત એમ છે કે ઈ. સ. ૧૮૭૧ દરમિયાન અંગ્રેજ ઑફિસર ચાર્લ્સ સ્ટાહન, અહીંનાં જંગલો એક્સપ્લોર કરતા. ને એ દરમિયાન બેતવાં નદીના બેઉ કિનારે આવેલી પહાડીઓમાં તેમને આવાં અનેક મંદિરો જડી આવ્યાં. આ વાત ચાર્લ્સભાઈએ બ્રિટિશ એન્જિનિયર કનિંઘમને કહી. અને કનિંઘમે એના વિશે પોતાની જર્નલમાં લખ્યું. એ પછી ૧૮૯૯માં ભારતીય સર્વેક્ષણ ખાતાના પી. સી. મુખરજીએ સ્થળનું વ્યાપક સર્વેક્ષણ કર્યું અને તેમને વિષ્ણુ ભગવાનનાં દસેય સ્વરૂપનાં સુંદર શિલ્પો સાંપડ્યાં. આથી સ્થાનિક લોકોમાં સાગરમઢ નામે જાણીતા આ મંદિરનું નવું નામાંકન થયું દશાવતાર મંદિર. મુખરજી બાબુના સર્વેક્ષણ પછી પણ ૧૯મી સદીના બે દાયકાઓ સુધી આ આખો વિસ્તાર ઓઝલ જ રહ્યો. એ પછી ૧૯૧૮માં દયારામ સાહની નામક વ્યક્તિએ આ એરિયામાં વ્યાપક પણે ખોદકામ કરતાં મંદિરનું પૂર્ણ સ્વરૂપ દેખાયું તથા શિલાલેખો, મૂર્તિઓ, ગુફાઓ સાંપડ્યાં. અને નજીકમાં જ આવેલાં જૈન મંદિરના અંશો સાંપડ્યા. આજે તો દિગમ્બર જૈનોએ એ જિનમંદિરોને હસ્તગત કરી એમનું વ્યાપક પ્રમાણે સરસ રીસ્ટોરેશન કર્યું છે ને વર્ષે દહાડે હજાર જૈનો એની યાત્રાએ આવે છે. તેમને રહેવા અહીં સાદી ધર્મશાળા પણ છે.

કેવી રીતે પહોંચવું?
દેવગઢની વાત કરીએ તો મુંબઈગરાઓએ તો લલિતપુરને જ બેઝ પૉઇન્ટ બનાવાય. રેલવે માર્ગે મુંબઈથી લલિતપુર સુપેરે જોડાયેલું છે અને સપ્તાહના બધાય દિવસ અલગ-અલગ ટ્રેનો અલગ-અલગ ટાઇમે લલિતપુર પહોંચાડે છે. આગળ કહ્યું એમ અહીંથી દેવગઢ જસ્ટ ૩૨ કિલોમીટર છે જ્યાં પહોંચવા પરિવહન મળી રહે છે અને અહીંના પરિભ્રમણ માટે એક દિવસ તો પૂરતો થઈ પડે છે.
રહેવા અને જમવા માટે લલિતપુર પર જ નિર્ભર રહેવું પડે. અહીં સામાન્યથી લઈ કેટલીક તારાંકિત હોટેલો છે. એ જ રીતે સાદું, ઉત્તર ભારતીય ખાણું પીરસતી અનેક રેસ્ટોરાં છે. ઍક્ચ્યુઅલી, બુંદેલખંડ ભારતનો મોસ્ટ અનએક્સ્પ્લોર્ડ એરિયા છે. અહીં અનેક ટૂરિસ્ટ સ્પૉટ છે પરંતુ યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે એનો વ્યાપકપણે પ્રચાર-પ્રસાર નથી થયો. જોકે આ વિસ્તાર વધુ પ્રખ્યાત નથી થયો એ એના માટે આર્શિવાદ રૂપ જ છે. અન્યથા ખ્યાતિ મળવાથી જે-તે રીતે સમસ્ત એરિયાનો હ્રાસ થાય છે એ ઉત્તર ભારતના વ્રજ વિસ્તારમાં દરેકે જોયું જ હશે, અનુભવ્યું જ હશે.


