રીસ્ટોરેશન માટે કૉન્સ્યુલેટ ઑફ ઇઝરાયલે પણ ફન્ડ આપ્યું હતું, કારણ કે ડેવિડ સાસૂન બગદાદી યહૂદી હતા અને મુંબઈના વિકાસમાં તેમનો સિંહફાળો હતો. આજે પણ ભારત અને યહૂદી સંસ્કૃતિનો મૈત્રીપૂર્ણ ઇતિહાસ સાક્ષી છે.
મુંબઈની પહેલી લાઇબ્રેરી જે આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે
વાત થઈ રહી છે સાઉથ મુંબઈમાં આવેલી ડેવિડ સાસૂન લાઇબ્રેરીની. લાઇબ્રેરીની સાથે સુંદર બગીચો ધરાવતી આવી ભવ્ય ઇમારત તમને મુંબઈમાં ક્યાંય જોવા નહીં મળે. આશરે ૪૦,૦૦૦ કરતાં વધુ પુસ્તકોનો સંગ્રહ ધરાવતી આ લાઇબ્રેરી આજની તારીખમાં પણ વાંચનપ્રેમીઓનું ફેવરિટ સ્પૉટ શા માટે છે એ જાણીએ
અહીં કન્નડા ભાષાનાં પુસ્તકોનો પણ મોટો સંગ્રહ છે કારણ કે બોરા બજાર વિસ્તારમાં કન્નડાભાષી લોકોની વસ્તી વધારે હતી. એ સમયની સ્થાનિક જરૂરિયાત મુજબ દક્ષિણ ભારતીય સાહિત્યને પણ અહીં સ્થાન આપ્યું હતું.
ADVERTISEMENT
મોટા ભાગની જૂની લાઇબ્રેરીઓ બંધ રૂમમાં કે ગીચ ગલીઓમાં છે, પણ ડેવિડ સાસૂન લાઇબ્રેરી પાસે પોતાનું બૅકયાર્ડ ગાર્ડન છે, જે શાંતિ આપે છે.
સાઉથ મુંબઈના સૌથી ફેમસ એરિયા ગણાતા કાલાઘોડામાં લટાર મારવા નીકળતા પુસ્તકપ્રેમીઓ ડેવિડ સાસૂન લાઇબ્રેરીની મુલાકાત લેવાનું ચૂકતા નથી. ફક્ત મુંબઈગરા જ નહીં, દેશ-વિદેશથી લોકો લાઇબ્રેરીની ભવ્યતા જોવા આવે છે. તાજેતરમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને ડેવિડ સાસૂન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી જે ૧૫૯ વર્ષ જૂની આ ઇમારતની ભવ્યતાની સાક્ષી પૂરે છે.
આ લાઇબ્રેરીમાં આજની તારીખમાં પણ જૂનાં અને નવાં પુસ્તકોનો સરવાળો કરીએ તો ૪૦,૦૦૦ કરતાં વધુ પુસ્તકોનો સંગ્રહ છે જેમાં દુર્લભ નકશાઓ અને પુસ્તકોનો સમાવેશ થાય છે. બ્રિટિશકાળ દરમિયાન રૉયલ મિન્ટ અને ગવર્નમેન્ટ ડૉકયાર્ડના મેકૅનિક્સ માટે મેકૅનિક્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે શરૂ થયેલી આ સંસ્થા પુસ્તકાલયમાં કઈ રીતે પરિવર્તિત થઈ એ જાણવું રસપ્રદ રહેશે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામેલી આ લાઇબ્રેરી સમય સાથે કઈ રીતે તાલ મિલાવી રહી છે એ જાણવા ચાલો જઈએ આ ઐતિહાસિક લાઇબ્રેરીની મુલાકાતે.

ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી ત્યારે તેમની સાથે લાઇબ્રેરીના કમિટી મેમ્બર અને અસિસ્ટન્ટ ટ્રેઝરર યોગેશ શાહ.
કેવા સંજોગોમાં બની?
લાઇબ્રેરીના ઇતિહાસ વિશે વાત કરતાં ત્યાંના કમિટી મેમ્બર અને અસિસ્ટન્ટ ટ્રેઝરર યોગેશ શાહ કહે છે, ‘૧૮૪૭માં મુંબઈ એક ઔદ્યોગિક બંદર તરીકે વિકસી રહ્યું હતું ત્યારે બ્રિટિશરો ઇચ્છતા હતા કે બ્રિટિશ એન્જિનિયર્સ વૈજ્ઞાનિક રીતે સજ્જ થાય. એટલે જ હાલમાં જે ડેવિડ સાસૂન લાઇબ્રેરી છે એને શરૂઆતમાં બૉમ્બે મેકૅનિક્સ ઇન્સ્ટિટ્યૂટ નામ અપાયું હતું. એનો મુખ્ય ઉદ્દેશ્ય એન્જિનિયર્સ માટે જ્ઞાનનું કેન્દ્ર બનાવવાનો, તેમના દ્વારા બનાવવામાં આવતાં મૉડલ્સનું મ્યુઝિયમ બનાવવાનો તથા સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીને પ્રમોટ કરવાનો હતો. એ દરમિયાન ફન્ડની અછત સર્જાઈ હતી અને ૧૮૬૩માં બગદાદથી મુંબઈ આવેલા પ્રભાવશાળી બિઝનેસમૅન અને ફિલાન્થ્રોપિસ્ટ ડેવિડ સાસૂન તેમની મદદે આવ્યા. એ સમયે તેમણે ૬૦,૦૦૦ રૂપિયાનું દાન કર્યું હતું. સાઉથ મુંબઈમાં તમે જેટલી જૂની ઇમારતો જુઓ છો એમાંની મોટા ભાગની ઇમારતોના બાંધકામમાં તેમણે આર્થિક મદદ કરી હતી. આથી સાઉથ મુંબઈને ઘડવામાં ડેવિડ સાસૂનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે એમ કહેવું ખોટું નથી. આ ઇમારત પહેલાં તો મેકૅનિક્સ ઇન્સ્ટિટ્યૂટ હતી, પણ ડેવિડ સાસૂનના ડોનેશન પછી સંસ્થાને સાસૂન ડૉક્સ તરફ લઈ જવાઈ અને આ ઇમારતને પૂર્ણપણે લાઇબ્રેરીમાં કન્વર્ટ કરવામાં આવી હતી. સમારતનું કામ પૂર્ણ થાય એ પહેલાં ડેવિડ સાસૂનનું અવસાન થઈ ગયું. ત્યાર બાદ તેમના પૌત્ર સર જેકબ સાસૂને યોગદાન આપ્યું. તેમણે ડેવિડ સાસૂનની યાદમાં પ્રતિમા બનાવડાવીને લાઇબ્રેરીમાં સ્થાપિત કરી હતી, જે આજે પણ અહીં જોવા મળે છે અને નામ પણ ચેન્જ કરીને ડેવિડ સાસૂન લાઇબ્રેરી ઍન્ડ રીડિંગ રૂમ રાખવામાં આવ્યું હતું.’

૧૯મી સદીમાં મેઇન લાઇટ તરીકે વપરાતાં ભવ્ય વિન્ટેજ ઝૂમર અહીં ઇન્સ્ટૉલ કરાયાં છે. તસવીરો : સતેજ શિંદે
ડૉ. આંબેડકરનું ફેવરિટ સ્પૉટ
ડૉ. બાબાસાહેબ આંબેડકરના લાઇબ્રેરી સાથેના કનેક્શન વિશે વાત કરતાં યોગેશભાઈ કહે છે, ‘ભારતીય સંવિધાનના શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યારે મુંબઈમાં રહેતા હતા ત્યારે તેઓ આ લાઇબ્રેરીના નિયમિત મુલાકાતી હતા. વ્યવસાયે વકીલ હોવાથી તેઓ અવારનવાર હાઈ કોર્ટની મુલાકાત લેતા હતા ત્યારે ડેવિડ સાસૂન લાઇબ્રેરીમાં તેઓ કલાકો સુધી બેસીને અભ્યાસ કરતા હતા. તેમને લાઇબ્રેરીનું શાંત વાતાવરણ અને પુસ્તકોનો વિશાળ સંગ્રહ ખૂબ પસંદ હતાં. ભારતીય બંધારણનો ડ્રાફટ તૈયાર કરવા માટે તેમણે સંદર્ભગ્રંથો મેળવવા અને શાંતિથી લખવા માટે આ લાઇબ્રેરીમાં સમય પસાર કર્યો હતો. લાઈબ્રેરીના પ્રથમ માળની બાલ્કની અને ગૅલરી તેમનો પ્રિય ભાગ હતો. ડેવિડ સાસૂન લાઇબ્રેરી એ સમયે મુંબઈમાં જ્ઞાન મેળવવાનું સૌથી મોટું કેન્દ્ર હતું. જાતિવાદના એ કપરા સમયમાં પણ આ પુસ્તકાલયના દરવાજા જ્ઞાનપિપાસુઓ માટે ખુલ્લા હતા.’

પ્રિઝર્વ કરેલા દુર્લભ નકશાઓ.
ઇન્ટરેસ્ટિંગ આર્કિટેક્ચર
જેટલો રસપ્રદ ઇતિહાસ છે એના કરતાં પણ વધુ રસપ્રદ આર્કિટેક્ચર છે. આ વિશે વાત કરતાં યોગેશભાઈ કહે છે, ‘ડેવિડ સાસૂન લાઇબ્રેરીની ઇમારતની ડિઝાઇન સ્કૉટ મૅકક્લેલૅન્ડ અૅન્ડ કંપનીના આર્કિટેક્ટો જે. કૅમ્પબેલ અને ડી. ઈ. ગૉસ્લિંગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
વેનેશિયન ગોથિક શૈલીમાં બનાવાયેલી આ ઇમારતના નિર્માણમાં પીળા માલાડ પથ્થર, કુર્લા બ્લૅક બેસાલ્ટ પથ્થર અને પોરબંદર લાઇમસ્ટોનનો ઉપયોગ થયો છે. ઇમારતની બારીઓ અને દરવાજાઓ પરના પૉઇન્ટેડ આર્ક એની ગોથિક ઓળખ છે. લાઇબ્રેરી બે માળની છે, પણ બીજો માળ બુક્સના સ્ટોરેજ તરીકે ટ્રીટ થાય છે. મુખ્ય પ્રવેશદ્વારની બરાબર ઉપર ડેવિડ સાસૂનની સફેદ પથ્થરની પ્રતિમા કંડારેલી છે, જે આર્કિટેક્ચરનો જ એક ભાગ લાગે છે.

પુસ્તકો માટેનું સ્ટોરેજ.
લાઇબ્રેરીની અંદર પગ મૂકતાં જ એવું લાગે જાણે આપણે દોઢ સદી પાછળ બ્રિટિશકાળમાં આવી ગયા હોઈએ. લાઇબ્રેરીના ફ્લોરિંગમાં ઇંગ્લૅન્ડની પ્રખ્યાત મિન્ટન ટાઇલ્સ વપરાયેલી છે. આ કલરફુલ અને ડિઝાઇનવાળી ટાઇલ્સ આજે પણ ચમકે છે. લાઇબ્રેરીનાં વિશાળ પુસ્તકોનાં કબાટ, છતની બીમ અને સીડીઓ બર્માથી મગાવેલા સાગના લાકડામાંથી બનાવવામાં આવી છે. આ લાકડું એના મજબૂત અને કાળા રંગ માટે જાણીતું છે. ગૅલરીના ભાગમાં જૂની લાકડાની આરામદાયક ખુરસીઓ છે જ્યાં બેસીને વાચકો શાંતિથી વાંચી શકે છે. એ લાઇબ્રેરીના વિન્ટેજ લુકમાં વધારો કરે છે. લાઇબ્રેરીના રીડિંગ રૂમની બારીઓ સીધી પાછળના બગીચામાં ખૂલે છે જે મુંબઈની લાઇબ્રેરીઓમાં દુર્લભ છે.
મેઇન હૉલમાં ડેવિડ સાસૂનની સફેદ આરસની મૂર્તિ છે. આ મૂર્તિ થોમસ વૂલનર દ્વારા ૧૮૭૦માં બનાવવામાં આવી હતી. હૉલની ઊંચી છતને કારણે અંદર કુદરતી પ્રકાશ અને ઠંડક જળવાઈ રહે છે. ખાસ મોટા કદનાં પુસ્તકો અને રૅર નકશાઓ રાખવા માટે અલગ કબાટ અને ટેબલ્સની વ્યવસ્થા પણ કરી છે. લાઇટિંગની વાત કરીએ તો મોટાં ઝૂમર લગાવાયાં છે જે વિન્ટેજ વાઇબ આપે છે.’

લાઇબ્રેરીની લગોલગ આવેલો બગીચો.
રીસ્ટોરેશન
રીસ્ટોરેશનના કામ વિશે વાત કરતાં યોગેશભાઈ જણાવે છે, ‘સમય જતાં ઇમારતના પથ્થરો કાળા પડી ગયા હતા, છતમાંથી પાણી ટપકતું હતું અને નુકસાન ૧૯૯૦ના દાયકામાં થયેલા સમારકામને કારણે થયું હતું. એના કન્ઝર્વેશનની જવાબદારી કન્ઝર્વેશન આર્કિટેક્ટ આભા નારાયણ લામ્બાને સોંપવામાં આવી. આશરે ચારથી પાંચ કરોડનો ખર્ચ થયો હતો જે મુખ્યત્વે JSW ફાઉન્ડેશનનાં સંગીતા જિંદલ, ICICI ફાઉન્ડેશન, હર્મિસ ઇન્ડિયા અને કાલા ઘોડા અસોસિએશન, એમ. કે. તાતા ટ્રસ્ટના CSR ફન્ડિંગ અને કૉન્સ્યુલેટ ઑફ ઇઝરાયલ દ્વારા આપવામાં આવ્યો હતો. એ દરમિયાન કોરોનાકાળ આવી જતાં રીસ્ટોરેશનના કામમાં ઘણી અડચણો આવી તેમ છતાં ૧૬ મહિનાની મહેનત બાદ ૨૦૨૩ની ૧૭ મેના લાઇબ્રેરીને ફરીથી ખુલ્લી મુકાઈ. આ લાઇબ્રેરીની ભવ્યતાની સાક્ષી એના અવૉર્ડ્સ પૂરે છે. ૨૦૧૮માં વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામ્યા બાદ તાજેતરમાં ૨૦૨૩માં એના રીસ્ટોરેશન માટે પ્રતિષ્ઠિત UNESCO એશિયા-પૅસિફિક અવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. અહીં એન્ટ્રન્સમાં આવેલું હિસ્ટોરિક ક્લૉક ટાવર પણ એના ઓરિજિનલ મેકૅનિઝમથી શરૂ કરવામાં આવ્યું છે.’

મેઇન હૉલ.
લુક વિન્ટેજ, સુવિધાઓ ડિજિટલ
ડેવિડ સાસૂન લાઇબ્રેરીના તાજેતરના રીસ્ટોરેશન બાદ આ વિન્ટેજ ઇમારત માત્ર ઇતિહાસમાં નથી જીવતી પણ ૨૧મી સદીની આધુનિક સુવિધાઓથી પણ સજ્જ થઈ છે એમ જણાવતાં યોગેશભાઈ કહે છે, ‘એક તરફ ૧૯મી સદીનું આર્કિટેક્ચર છે તો બીજી તરફ ટેક્નૉલૉજીનો સુંદર સમન્વય છે. અહીં મોટા ભાગે CA, IAS, એન્જિનિયરિંગ, PhD અને રિસર્ચ કરતા લોકો જ આવે છે. અહીં ગુજરાતી, મરાઠી, હિન્દી, મરાઠી અને કન્નડા ભાષાનાં પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એમાં ગ્લોબલ સાહિત્ય, ઇતિહાસ, લોકપ્રિય લેખકોની કૃતિ, નવલકથા અને ટેક્નિકલ પુસ્તકોનો સમાવેશ થાય છે. એ સમયે બોરા બજારમાં કન્નડાભાષીઓ વધુ હોવાથી લાઇબ્રેરીમાં એ ભાષાનાં પુસ્તકો સમાવાયાં હતાં.

એ સમયે વપરાતા વિન્ટેજ પંખા અને સ્વિચને પણ પ્રિઝર્વ કરાયાં છે. ઉપર જવા માટે આ રીતે સીડી બનાવાઈ હતી.
સમય પ્રમાણે અહીં વાંચવા આવતા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફ્રી હાઈ સ્પીડ વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવી છે. લાઇબ્રેરી પાસે રહેલાં હજારો પુસ્તકો અને રૅર મૅપ્સ નાજુક હાલતમાં છે. એમને લાંબા સમય સુધી સાચવવા અને વાચકો માટે સુલભ બનાવવા માટે ઘણાં પુસ્તકોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. હવે મેમ્બર્સ કમ્પ્યુટર સ્ક્રીન પર દુર્લભ વિગતો પણ વાંચી શકે છે. વાચકો પોતાના લૅપટૉપ લઈને અહીં બેસી શકે અને ચાર્જિંગ પૉઇન્ટ્સ જેવી પાયાની સગવડો સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્બ્રિજ ઍન્ડ પ્રિન્સટન યુનિવર્સિટી કક્ષાની આ લાઇબ્રેરીમાં આધુનિક સુવિધા માત્ર ટેક્નૉલૉજીમાં જ નથી પણ વિચારોની આપલેમાં પણ છે. થોડા સમય પહેલાં રતન તાતાના મૅનેજર રહી ચૂકેલા શાંતનુ નાયડુએ તેમની બુક-લૉન્ચ ઇવેન્ટનું આયોજન અહીં કર્યું હતું. ઇસ્કૉન દ્વારા પણ બુક-લૉન્ચનાં આયોજન થતાં હોય છે. દર વર્ષે કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલમાં આર્ટ એક્ઝિબિશન અને લિટરરી ડિસ્કશન થતું રહે છે. નવી પેઢી પુસ્તકો સાથે જોડાય એ માટે લેખકો સાથે સીધો સંવાદ ગોઠવવામાં આવે છે. લાઇબ્રેરીમાં હવે આશરે ૧૫૦ જેટલા લોકો એકસાથે બેસી શકે એવી વ્યવસ્થા છે. પાછળનો જે બગીચો છે ત્યાં પણ બેસીને શાંતિથી વાંચવાની આધુનિક સગવડ છે, જે મુંબઈની અન્ય કોઈ લાઇબ્રેરીમાં જોવા મળતી નથી. આજની તારીખમાં દરરોજ ૧૦૦ વાંચનપ્રેમીઓ અહીં આવે છે. સાથે ફૉરેનર્સ અને સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશનલ વિઝિટ્સ પણ રાખવામાં આવતી હોય છે.’
