Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > સ્થાપત્યની દૃષ્ટિએ પણ અદ્ભુત છે વિષ્ણુના કાચબા અવતારનાં દર્શન કરાવતું શ્રી કૂર્મનાથસ્વામી મંદિર

સ્થાપત્યની દૃષ્ટિએ પણ અદ્ભુત છે વિષ્ણુના કાચબા અવતારનાં દર્શન કરાવતું શ્રી કૂર્મનાથસ્વામી મંદિર

Published : 23 November, 2025 03:51 PM | IST | Mumbai
Laxmi Vanita

મંદિર પરિસરમાં એક બંધ દરવાજો છે જેની ઉપર લખ્યું છે કે આ ભૂગર્ભ રસ્તો છેક કાશીએ જાય છે. જોકે અત્યારે સાપ આદિ ઝેરી પ્રાણીઓને કારણે એ બંધ છે.

શ્રી કૂર્મનાથસ્વામી મંદિર

તીર્થાટન

શ્રી કૂર્મનાથસ્વામી મંદિર


પુરીનું જગન્નાથ મંદિર પણ રાજવી અનંત વર્મને નિર્માણ કરાવ્યું છે.

વિષ્ણુના વરાહ અવતારના તીર્થ શ્રીમુષ્ણ્ણમ તીર્થથી ટર્ન લીધો જ હતો ત્યાં ફોન રણક્યો અને સત્તાવાહી પણ પ્રેમાળ સ્વરે પુછાયું, અહીં ક્યારે આવે છે વત્સ. અમે ફોન ફરી કાને લગાવ્યો તો એ ગેબી અવાજ કહે છે, ‘ભુ વરાહ સ્વામીનાં દર્શન કર્યાં તો અહીં નહીં આવે?’ 
મગજની બત્તી ઝબકી, આ તો સ્વયં કૂર્મનાથ સ્વામી (વિષ્ણુજીના કચ્છપ અવતાર). અને પ્રભુની હાકલ પડે પછી કોઈની રાહ જોવાય? અને અમે તીર્થાટન એક્સપ્રેસ હાંકી ડાયરેક્ટ આંધ્ર પ્રદેશના બ્યુટિફુલ સિટી વિશાખાપટ્ટનમથી ૧૧૦ કિલોમીટર ઉત્તરે આવેલા સિરિકાકુલમ જિલ્લામાં જ્યાં સૃષ્ટિના તારણહાર કૂર્મમ સ્વામી બિરાજે છે. 
lll
ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલક છે. અને જ્યારે-જ્યારે આ સૃષ્ટિ પર સંકટ આવ્યું છે ત્યારે તેમણે વિવિધ અવતાર ધારણ કરી સમગ્ર સંસારને બચાવ્યો છે. આવા દસ અવતારમાંથી કચ્છપ અવતાર પ્રભુનો બીજો અવતાર છે. ભગવાનને કાચબો કેમ બનવું પડ્યું એની કથા જાણીતી જ છે છતાં અહીં ટૂંકમાં કહીએ તો એક વખત હજારો દેવોના રાજા ઇન્દ્ર ઐરાવત (હાથી) પર બેસી ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં તેમને ક્રોધના મેરુ સમાન ઋષિ દુર્વાસા મળ્યા. ઇન્દ્રએ મહર્ષિને પ્રણામ કરતાં દુર્વાસા ઋષિએ આશીર્વાદ આપવા સાથે દેવોં કે દેવે તેમને આપેલી પારિજાત પુષ્પની માળા ઇન્દ્ર મહારાજાને ભેટ આપી. ઇન્દ્રએ એ માળા પોતે ન પહેરી પરંતુ તેમના પ્રિય વાહન હાથીના ગળામાં પહેરાવી. ત્યાં સુધી તો ઠીક છે, પણ થોડી વાર પછી એ હસ્તિએ પોતાની સૂંઢ વડે આશિષ રૂપે મળેલો પુષ્પહાર કંઠમાંથી કાઢી ફેંકી દીધો અને એના મજબૂત પગ વડે કચડી નાખ્યો. 




ખલ્લાસ! ઋષિ દુર્વાસાનો પિત્તો ગયો અને તેમણે ઇન્દ્ર સહિત દરેક દેવને શક્તિહીન, લક્ષ્મીહીન થઈ જવાનો શ્રાપ આપ્યો. કાળક્રમે દેવોનું ઐશ્વર્ય ઘટવા લાગ્યું, તાકાત ક્ષીણ થવા લાગી તેમ જ તેજ હણાવા લાગ્યું. આથી આ શ્રાપનો ઉકેલ લાવવા તેઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ તેમને વિષ્ણુ ભગવાન પાસે જવાની સલાહ આપી. સમસ્ત દેવગણની કથળેલી પરિસ્થિતિ જોઈ વિષ્ણુજીએ દેવોને સમુદ્રમંથન કરી અમૃત કાઢવાની અને એનું પાન કરવાનું સૂચન કર્યું જેથી પુનઃ શક્તિમાન થઈ શકાય. ભગવાન વિષ્ણુએ કહ્યું તો ખરું પણ દેવો એટલા નિર્બળ થઈ ચૂક્યા હતા કે તેમનામાં આ સૂચનનો અમલ કરવાની પણ તાકાત નહોતી. પછી દેવોએ પોતાની બુદ્ધિ વાપરી ને અસુરોને સમુદ્રમંથનમાંથી મળનારા અમૃતની લાલચ આપી. અમૃત પીને અમર થવાની ઘેલછામાં દાનવો સમુદ્રમંથન કરવા રાજી થઈ ગયા. એમાં મંદરાચલ પર્વત ઝેરણી (મંથન કરવાનું સાધન) બન્યો ને વાસુકિ નાગ રસ્સી.
 પછીની કથા વાચક રાજ્જા જાણે જ છે કે સૌથી પહેલાં વસુંધરામાંથી કીમતી વસ્તુઓ નીકળી એ સાથે હળાહળ (વિષ) પણ નીકળ્યું જે નીલકંઠે પોતાના કંઠમાં ધારણ કરી લીધું પરંતુ હજી અમૃત નીકળવાનું બાકી હતું ને મંદરાચલ સમુદ્રમાં ડૂબવા લાગ્યો. ઍન્ડ....ભગવાનનો સેકન્ડ અવતાર કૂર્મ પ્રગટ થયો ને પર્વત નીચેનો અડીખમ આધાર બની ગયો. કહે છે કે આ કાચબો એટલો વિરાટ હતો કે તેની પીઠનો વ્યાસ ૧૦૦,૦૦૦ યોજન હતું. (એક યોજન એટલે લગભગ ૧૨થી ૧૪ કિલોમીટર). શ્રી કૂર્મમ મંદિર પણ આવું જ વિરાટ છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ નહીં, ધાર્મિક, ઐતિહાસિક અને સ્થાપત્યની દૃષ્ટિએ આ વિષ્ણુઆલયનું મહત્ત્વ અદ્વિતીય છે.
મંદિર નિર્માણ વિશે વાત કરીએ તો મંદિરનો પ્રાચીનતમ શિલાલેખ કહે છે કે ઈ. સ. ૧૦૩૫ દરમિયાનમાં ઓડિશામાં રાજવી અનંત વર્મન ચોડગંગાએ આ શિવમંદિરને વૈષ્ણવ મંદિરમાં પરિવર્તિત કર્યું હતું. શા માટે? તો તવારીખ કહે છે કે ચોડગંગા રાજવી પરિવાર મૂળે શિવભક્ત હતા પરંતુ જ્યારે રામાનુજ સ્વામીએ જગન્નાથપુરીની યાત્રા કરી ત્યારે તેમના પ્રભાવમાં આ રાજવંશે વૈષ્ણવ ધર્મ અપનાવ્યો. ને રામાનુજજીની કલિંગયાત્રા દરમિયાન રાજાએ એ સમયના નાના શિવમંદિરમાં કૂર્મનાથ સ્વામીને સ્થાપિત કર્યા ને નાનકડા શિવાલયને અદ્ભુત મંદિરમાં પરિવર્તિત કર્યું.
lll

કચ્છપ અવતારના મંદિરમાં સેકંડો જીવંત કાચબાઓ છે


મંદિર પરિસરમાં જ કાચબાના સંરક્ષણ હેતુ ટૉર્ટોઇઝ પાર્ક બનાવવામાં આવ્યો છે. નજીકનાં ખેતરોમાં, ગિરિકંદરાઓમાં, જળસ્રોત નજીક રહેતા અઢીસોથી વધુ કાચબાઓને અહીં રખાયા છે. મંદિરની સાથે આ કાચબાઓ પણ દર્શનાર્થીઓ માટે સ્ટાર આર્કષણ છે. ભક્તો કાચબાઓને ખવડાવવા ખાસ વનસ્પતિ, શાકભાજી લઈ આવે છે. સરકાર અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા આ કૂર્મોની માવજત થાય છે.

વારંવાર આ દેવાલયને અદ્ભુત કહેવાનું કારણ એ છે કે જનરલી સાઉથનાં ચારેય રાજ્યોમાં આવેલાં પ્રાચીન, અર્વાચીન મંદિરો મુખ્યત્વે દ્રવિડિયન શૈલીમાં બન્યા હોય છે. 
ઊંચા-ઊંચા ગોપુરમ, ભગવાનના ગર્ભગ્રહ પરના ગોળ ગુંબજ જેવું શિખર અને વિશાળ પરિક્રમા પથ. પણ આંધ્ર પ્રદેશના આ મંદિરના સ્થાપત્યમાં કલિંગા શૈલીનો પ્રભાવ વધુ છે. ગોપુરમ (દ્વાર)ની ડિઝાઇન અલગ છે ને શિખર ગોળાકારની બદલે શંકુ આકારનું અને અષ્ટદલ પદ્મરૂપે બનેલું છે. એ સાથે જ દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં બે ઊંચા ધ્વજ સ્તંભ, ૧૦૮ અખંડ સ્તંભો ધરાવતો હૉલ અને નજીકમાં જ શ્વેત પુષ્કરણી નામે વિશાળ તળાવ. શ્વેત પુષ્કરણીની પાછી ભિન્ન કથા છે કહે છે કે રાજા શ્વેત ચક્રવર્તીના શાસનકાળ દરમિયાન દૈવીય શક્તિથી આ તળાવનું નિર્માણ થયું છે. વાત એમ હતી કે રાણીસાહેબા વિષ્ણુના પરમ ભક્ત હતા અને દર એકાદશીએ ઉપવાસ રાખતા. એક અગિયારસે રાજાએ રાણીના સંગની ઇચ્છા કરી ત્યારે રાણીએ તેમના આરાધ્યદેવ વિષ્ણુજીને એ સંકટમાંથી ઉગારવાની પ્રાર્થના કરી અને પ્રભુએ દંપતી વચ્ચે એક જળધારા બનાવી જેથી બેઉ અલગ થઈ ગયાં. પછી હજી કથા લાંબી છે પણ એક મત કહે છે કે આ રાજાના અનુરોધ પર જ વિષ્ણુ અહીં કૂર્મનાથ રૂપે પ્રગટ થયા. આજે આ તળાવની ફરતે બનાવેલાં સોપાન પણ સદીઓ પૂર્વે ત્યાંના આદિવાસી રાજાએ નિર્માણ કરાવ્યાં છે.\


મંદિર પરિસરમાં એક બંધ દરવાજો છે જેની ઉપર લખ્યું છે કે આ ભૂગર્ભ રસ્તો છેક કાશીએ જાય છે. જોકે અત્યારે સાપ આદિ ઝેરી પ્રાણીઓને કારણે એ બંધ છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

  • મંદિર સવારે ૬થી ૧૨ અને બપોરે ૪થી ૮ ખુલ્લું રહે છે. અહીં કોઈ ભીડ નથી હોતી કે દર્શન પ્રીબુક કરાવવાની જરૂર પડે. હા, જો તમારે વિશેષ પૂજા કરાવવી હોય તો કાર્યલયમાંથી પહેલાં પહોંચ મેળવવી જરૂરી છે. અહીં દરરોજ સવારે ૪.૩૦થી ૬ દરમિયાન અભિષેક થાય છે. એમાં જે ભક્તોએ અભિષેક સેવા લખાવી હોય તેઓ એ વિધિમાં હાજર રહી શકે છે. હા, અહીં પિંડદાન વગેરે કાર્યો પણ કરવામાં આવે છે. હોળી, વૈશાખ સુદ એકાદશી, કૂર્મ જયંતી, દિવાળીએ મહાઉત્સવ રચાય છે.
    એક માન્યતા પ્રમાણે આ એ જ સ્થળ છે જ્યાં કાચબાની પીઠ પર મંદરાચલને રાખીને સમુદ્રમંથન કરાયું હતું. એમ પણ કહે છે કે લવ અને કુશે પણ અહીં પૂજા કરી છે અને નટવરના જ્યેષ્ઠ ભ્રાતા બલરામ પણ અહીં આવ્યા છે. જોકે તેઓ પોતાના ભૈરવ સાથે અહીં આવ્યા હતા. આથી તેમને ભગવાનનાં દર્શન કરવાની અનુમતી ન મળી એથી બલરામે આ દેવને શ્રાપ આપ્યો કે અહીં સિવાય ક્યાંય કશ્યપ અવતારનું મંદિર નહીં બને.
    શ્રી કૂર્મમની નજીક અરસાવલ્લી ગામે સૂર્ય મંદિર છે જે દર્શનીય તો છે જ. તો ૪૫ કિલોમીટરના અંતરે આવેલા શ્રી મુખલિંગમ શિવમંદિરનાં દર્શન કરવા જવું જ રહ્યું.
  • હવે અહીંના દેવની પ્રતિમાની વાત કરીએ. એક ફુટ ઊંચા લાંબા પ્લૅટફૉર્મ પર ૩ શિલાઓ રૂપે ભગવાનની મૂર્તિ છે. અઢી ફુટની આ મૂર્તિમાં ભગવાનનો ચહેરો પશ્ચિમાભિમુખ છે. બીજી શિલા કાચબાનું ધડ, એની પાછળ આવેલા નાના પથ્થરને કાચબાની પૂંછડી કે સુદર્શન ચક્ર ગણાય છે. આ મૂર્તિ આમ તો શ્યામ પથ્થરમાંથી બનેલી છે પણ એની ઉપર ચંદનનો લેપ કરતાં એ સુખડવર્ણી થઈ ગઈ છે. કૂર્મનાથ પ્રભુની બાજુમાં જ કૂર્મનાથ કી માતા (લક્ષ્મીજી)નું ભિન્ન ગર્ભગ્રહ છે. એ ઉપરાંત દશાવતારની મૂર્તિ, સંતો, હનુમાનજી, કૃષ્ણ, રામ વગેરેની પ્રતિમાઓ છે કહે છે કે બાજુના તળાવમાંથી શ્રીકૃષ્ણ અને તેમનાં પત્ની શ્રીદેવી, ભુદેવીની ઉત્સવ મૂર્તિઓ સાંપડી હતી એની પણ પૂજા થાય છે. મહાદેવનાં પણ વિવિધ સ્વરૂપોની અહીં હાજરી છે. યુનિક આર્કિટેક્ચરની સાથે અહીંનાં ભીંત ચિત્રો પણ બેનમૂન છે. તાંજોર તથા આંધ્ર શૈલીનાં પેઇન્ટિંગ જેવી બારીકાઈથી બનાવડાવેલાં ૪૨થી વધુ પ્રાચીન ચિત્રોમાં કૃષ્ણ કથા નિરૂપાઈ છે. આ દરેક ચિત્રનું તાજેતરમાં જ રીસ્ટોરેશન થયું છે અને મંદિરના અન્ય ભાગમાં પેઇન્ટિંગ્સનું કામ ચાલે છે. 
    મુંબઈથી શ્રી કૂર્મમ મંદિરનું ડિસ્ટન્સ ૧૫૦૦ કિલોમીટર છે. બટ નૉટ ટુ વરી, વિશાખાપટ્ટનમથી મંદિર ૧૨૫ કિલોમીટર આઘું છે ને બંગાળના ઉપસાગરના તટે વસેલા વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. ઉપરાંત મુંબઈથી આ શહેરની ડાયરેક્ટ ટ્રેનો પણ છે. ચેન્નઈથી ભુવનેશ્વર જતી ટ્રેનો શ્રી કાકુલમ રેલવે-સ્ટેશને ઊભી રહે છે અને ત્યાંથી બસ, ટૅક્સી, ઑટો ૧૩ કિલોમીટરના અંતરે આવેલા શ્રી કૂર્મમ સ્વામીના મંદિરે લઈ જાય છે. આ ગામ પ્રમાણમાં નાનું છે એટલે જમવાની સગવડ સાદી છે અને રહેવા માટે બહુ સામાન્ય ગેસ્ટહાઉસો છે. શ્રી કાકુલમમાં થોડી હોટેલ્સ છે. બાકી વાઇઝેગ જેવું લાડકું નામ ધરાવતા વિશાખાપટ્ટનમમાં તો દરેક સ્ટારની સેંકડો હોટેલ્સ છે જ.
Whatsapp-channel Whatsapp-channel

23 November, 2025 03:51 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK