તમારા દીકરાઓ વેલ-સેટલ્ડ છે એટલે તેમને પણ વાંધો નથી અને એ પણ હકીકત છે કે તમને હેલ્ધી પેન્શન આવવાનું છે એટલે તમે માથે નથી પડવાનાં. રિટાયરમેન્ટના થોડા મહિના પછી એક સવારે તમે જાગીને તમારાં સંતાનોને કહો છો કે હવે તમારે ફૉરેનની ટૂર પર જવું છે.
ઇન્દિરા એમ.ની ઉંમર અત્યારે ૭૦ વર્ષ છે
એકલપંડે દુનિયા ખૂંદવા નીકળી પડવાનો ક્રેઝ યુવાનોમાં ચરમસીમાએ છે, પણ રિટાયરમેન્ટ પછી કોઈ આન્ટી ફરવા જવાનું વિચારી શકે? યસ, કેરલાના કોચીમાં રહેતાં ઇન્દિરા એમ. નામના દાદીએ નિવૃત્તિ પછી ૬૦ વર્ષે પહેલી વાર એકલાં જ ફરવા જવાનું નક્કી કર્યું એ પણ સીધાં સાઉથ આફ્રિકા. એ અનુભવ એટલો રોમાંચક રહ્યો કે તેમણે એક પછી એક પાંત્રીસ દેશો ફરી નાખ્યા અને હજી યાત્રા ચાલુ જ છે. અજાણ્યા માણસો ઠગી ગયા હોય કે ફૉરેન કન્ટ્રીમાં પગે ફ્રૅક્ચર થયાના અનુભવો પણ તેમણે કર્યા છે, પણ તેમનું કહેવું છે કે દુનિયાના સુંદર રંગોની સામે આ તો કંઈ જ નથી
જરા વિચારો, તમે સરસ રીતે તમારી જૉબ પૂરી કરવાનાં સપનાં જુઓ છો, તમારા બન્ને દીકરાઓને ગવર્નમેન્ટ જૉબ મળી જાય એ વાતની ખુશી છે તો સાથોસાથ એ વાતનો આનંદ પણ મનમાં જન્મી ચૂક્યો છે કે હવે તો બહુ ઝડપથી હસબન્ડ પણ નિવૃત્ત થવાના છે. બન્ને સાથે નિવૃત્ત થઈશું એટલે દુનિયા જોવાનું સપનું પણ તમે સેવતા થઈ ગયાં છો અને અચાનક એવું બને કે તમારા જીવનસાથીનો સાથ છૂટી જાય અને હાર્ટ-અટૅકમાં તેમનું અવસાન થાય. તમને લાગે કે હવે જીવન પાસે કોઈ હેતુ નથી રહ્યો અને તમે મૉનોટોની સાથે તમારી જૉબ પર ફરી લાગી જાઓ છો. તમારામાં પ્રવેશતી જતી એકલતાને જોઈને તમારા જ દીકરાઓ નક્કી કરે છે કે તમને જુનિયર સિટિઝન ગ્રુપ સાથે ક્યાંક ફરવા માટે મોકલવાં અને તમે બાળકોનું મન રાખવા માટે નૉર્થ ઇન્ડિયાની એ ટૂર કરવા જાઓ છો. એ ટૂરમાં સૌથી યંગ તમે છો અને તમારા માટે આ ટૂર યાદગાર બની જાય છે. તમે તો આનંદ સાથે એ યાત્રાને માણો જ છો, સાથોસાથ ટૂરમાં આવેલા અન્ય લોકોને પણ મજા કરાવો છો. બસ, વાત પૂરી. ૧૫ દિવસની એ ટૂર પૂરી થાય છે અને તમે ફરી પાછા તમારા રૂટીનમાં સેટ થઈ જાઓ છો. જોકે આ વખતે તમારા મનમાં એક પ્લાન ચાલી રહ્યો છે જેનાથી તમારાં બાળકો અજાણ છે. તમે રિટાયરમેન્ટની રાહ જુઓ છો. કૉલેજ તમને બે વર્ષનું એક્સ્ટેન્શન આપવાનું પણ કહે છે અને એ પછી પણ તમે રિટાયરમેન્ટ સ્વીકારી લો છો.
ADVERTISEMENT
તમારા દીકરાઓ વેલ-સેટલ્ડ છે એટલે તેમને પણ વાંધો નથી અને એ પણ હકીકત છે કે તમને હેલ્ધી પેન્શન આવવાનું છે એટલે તમે માથે નથી પડવાનાં. રિટાયરમેન્ટના થોડા મહિના પછી એક સવારે તમે જાગીને તમારાં સંતાનોને કહો છો કે હવે તમારે ફૉરેનની ટૂર પર જવું છે.
ફૅન્ટૅસ્ટિક ફાઇવ
સોલો ટ્રાવેલર હો કે પછી સોલો ટ્રાવેલર બનવાની ઇચ્છા હોય તો કેટલીક બેઝિક માહિતી તમારી પાસે હશે, પણ એ સિવાયની કેટલીક વાતો એવી છે જે યાદ રાખવા જેવી છે. ઇન્દિરા એમ. એ જ વાત અહીં તમારી સાથે શૅર કરે છે.
- તમે સારા હો એનો અર્થ એવો ન કરો કે તમને મળે છે તે બધા સારા જ છે. અલર્ટ રહો અને રિસ્ક લેવાનું અવૉઇડ કરો.
- અડી-અડીને ભાગવું એ પ્રવાસ નથી. દરેક જગ્યાને માણો, મનથી એનો આનંદ લો અને એ જગ્યાને તમારી અંદર ભરીને આગળ વધો.
- ઓછામાં ઓછા સામાન સાથે જવાની આદત પાળો, જેથી તમારો જ સામાન તમારા માટે અગવડ બને નહીં.
- મોટા ભાગે એવો સામાન સાથે રાખવો જેનો ઉપયોગ થતો જાય એમ-એમ એનો નિકાલ થતો જાય, જેથી ટૂર પૂરી થતી હોય ત્યારે બૅગનું વજન હળવું થઈ ગયું હોય.
- તમારી દરેકેદરેક ઍક્ટિવિટીની કોઈ એક વ્યક્તિને ખબર હોય એવું રાખો જેથી ઇમર્જન્સીને સાચવી શકાય.
આપણે વાત કરીએ છીએ ઇન્દિરા એમ. નામનાં એક એવાં લેડીની જે અત્યારે દુનિયાભરની મહિલાઓ માટે અનાયાસ જ આદર્શ નારી બની ગયાં છે. ૭૦ વર્ષની ઉંમરે પહોંચેલાં આ માજીએ છેલ્લાં ૧૦ વર્ષમાં દુનિયાના ૩પ દેશોની ટૂર કરી છે અને એ પણ સોલો ટૂર. કોઈને સમજાવવાની જરૂર નથી કે સોલો ટૂરમાં તમારી સાથે કોઈ સહપ્રવાસી હોતો નથી. કહેવાની જરૂર નથી કે સોલો ટૂરમાં તમે જ તમારા ગાઇડ બનો છો અને તમે જ તમારી આઇટનરી પણ બનાવો છો. હા, ટૂર પર નીકળતાં પહેલાં જો તમે રિસર્ચ કરી લીધું હોય તો થોડું જોખમ ઘટી જાય કે પછી તમારો સમય બચી જાય, પણ એ નહીંવત્ માત્રામાં. બાકીનાં બધાં ટેન્શન તો અકબંધ અને યથાવત્ છે. જે સમયે આપણે દાદી કે આન્ટીને ઘરની બહાર એકલાં જવાની પણ ના પાડતા હોઈએ એ સમયે ઇન્દિરા એમ. એવા-એવા દેશોમાં ફર્યાં જ્યાં ભાષાનું વિઘ્ન પણ પારાવાર હતું. જોકે કહે છેને કે મન હોય તો માળવે જવાય. ઇન્દિરાઆન્ટીનું મન પણ હતું અને એટલે જ દુનિયા તેમના માટે ડગલાં દૂર હતી.
કોણ છે આ આન્ટી?
સીધી, સાદી અને સરળ ઓળખાણ સાથે વાતની શરૂઆત કરીએ.
કહ્યું એમ ઇન્દિરા એમ.ની ઉંમર અત્યારે ૭૦ વર્ષ છે અને કેરલાના કોચી શહેરમાં રહે છે. ઇન્દિરા એમ. બાયોકેમિસ્ટ્રીનાં ટીચર હતાં તો તેમના હસબન્ડ ગવર્નમેન્ટ ઑફિસર. બન્નેને બે દીકરા. સરસમજાની શાંતિની જિંદગી. નોકરિયાત પરિવારમાં હોય એવી જ ખુશનુમા જિંદગી. હસબન્ડ-વાઇફના જીવનનો ગોલ પણ ક્લિયર કે નિવૃત્ત થયા પછી સરસ રીતે પ્રવૃત્તિમય જીવન જીવીશું અને આનંદથી જીવનને અંતિમ દિશામાં આગળ વધારીશું. જોકે ધાર્યું જો ધણીનું પણ ન થતું હોય તો ઇન્દિરા એમ.નું કેવી રીતે થઈ શકે?
પતિએ વહેલો સાથ છોડી દીધો અને ઇન્દિરાઆન્ટી એકલાં પડી ગયાં. અફકોર્સ બન્ને દીકરાઓ હતા, તેમની વાઇફ અને તેમનાં બાળકો પણ હતાં. ફૅમિલીનું વાતાવરણ પણ એવું જ હતું કે કોઈને મમ્મી ભારરૂપ ન લાગે. જોકે ઇન્દિરા એમ.ના મનમાં હતું કે હવે દુનિયા જોવી છે, નવા-નવા લોકોને મળવું છે અને હિંમતભેર તેમણે એ કામ કર્યું.
પહેલી જ ટૂર સોલો ટૂર
મમ્મી ફરવા જાય એની સામે દીકરાઓને વાંધો નહોતો, પણ તેમની વાત એટલી હતી કે મમ્મી કોઈ સરસ ટૂર-ઑપરેટરની ટૂરમાં જાય અને ઇન્દિરા એમ.ને એ નહોતું કરવું. તેમની ઇચ્છા હતી કે તે એકલાં જ જાય અને જાતે જ બધું એક્સપ્લોર કરે. બન્ને દીકરાઓએ તેમને ખૂબ મનાવ્યાં, સમજાવ્યાં; પણ મમ્મી એકનાં બે થયાં નહીં અને તેમણે જાતે-જાતે જ ફરવા જવા માટે સ્થળ શોધવાનું શરૂ કર્યું. ઇન્દિરાબહેન કહે છે, ‘હું વાત માનવા તૈયાર નથી એ જોયા પછી મારાં બાળકોએ પણ મને ધીમે-ધીમે સાથ આપવાનું શરૂ કર્યું. જોકે સાચું કહું, તે લોકો એવાં લોકેશન લઈ આવતા હતા જેમાં મારી સેફ્ટીની વાત હતી અને મને તો મારું મન કહે ત્યાં ફરવા જવું હતું.’
ઇન્દિરા એમ.ના દીકરાઓએ પહેલાં તો મમ્મીને એવું સજેશન આપ્યું કે જો સોલો ટૂર કરવી હોય તો તમે ઇન્ડિયામાં કરો, અહીં એક્સ્પીરિયન્સ લો અને પછી ફૉરેન ટૂર કરો. જોકે મમ્મીને એ મંજૂર નહોતું. ઇન્દિરાબહેન કહે છે, ‘તેમના મનમાં હતું કે કોઈ દૂરનું ઓળખીતું હોય એવાં શહેરોમાં ફરશો તો તમારો કૉન્ફિડન્સ વધશે; પણ મારે તો કૉન્ફિડન્સ શોધવાનો હતો, વધવાની વાત તો પછી આવે. એટલે હું મારા નિર્ણય પર અફર રહી અને મેં નક્કી કર્યું કે હું આફ્રિકા ફરવા જઈશ.’
હા, ઇન્દિરા એમ.એ પોતાની પહેલી ફૉરેન ટૂર સાઉથ આફ્રિકાની કરી એ સમયે તેમની ઉંમર હતી ૬૧ વર્ષની. જિંદગીની પહેલી જ સોલો ટૂરમાં માત્ર બે વાત નક્કી હતી - ક્યારે ઇન્ડિયાથી નીકળવાનું છે અને ફરી ક્યારે ઇન્ડિયા પાછા આવવાનું છે. આ બે વાત વચ્ચેનો જે આખો ગાળો હતો એ ઇન્દિરા એમ.એ જાતે ભરવાનો હતો અને એ તેમણે પોતાની રીતે જ ભર્યો. પોતાની એ ટૂરને યાદ કરતાં તેઓ કહે છે, ‘થોડી હેરાનગતિ થઈ, થોડી તકલીફ પડી તો ક્યાંક અટવાઈ પણ ખરી; પણ એ બધામાં મને બહુ મજા આવી. સૌથી વધારે ખુશી મને એ વાતની થતી કે મારે ખુશીઓ પણ મારી સાથે શૅર કરવાની હતી અને મારી તકલીફોમાંથી રસ્તો પણ મારે જાતે જ કાઢવાનો હતો.’
આફ્રિકાની સફારી ટૂર ઇન્દિરા એમ. આજે પણ નથી ભૂલ્યાં. તેઓ કહે છે, ‘સિંહ, હાથી અને જિરાફ, ઝીબ્રાને જોયા પછી મને પહેલી વાર થયું કે આપણે પણ આવાં જ પ્રાણીઓ છીએ. બસ, સોશ્યલ જવાબદારીની સાંકળ સાથે આપણે બંધાઈ ગયા છીએ.’
હવે અવિરત સફર શરૂ
આફ્રિકાની ટૂર પૂરી કરીને મમ્મી ઘરે પાછાં આવી ગયાં એટલે દીકરાઓને મનમાં થયું કે હાશ, ચાલો હેમખેમ મમ્મી પાછાં આવી ગયાં અને તેમની ઇચ્છા પણ પૂરી થઈ ગઈ. જોકે એવું નહોતું. મમ્મીને તો સોલો ટ્રાવેલિંગનો એવો ચસકો લાગ્યો હતો કે પાછા આવ્યા પછી તેમણે નવેસરથી ટૂરનો પ્લાન શરૂ કરી દીધો હતો. ઇન્દિરા એમ. કહે છે, ‘મને પહેલી વાર સમજાયું કે ફૅમિલીની જવાબદારીઓ વચ્ચે મેં મારાં અનેક સપનાંઓ અટકાવીને રાખી દીધાં હતાં. સાથે મને એ પણ સમજાયું કે જો વિઝન ખોલવું હોય, જો મન મોટું કરવું હોય તો ફરતા રહેવું બહુ જરૂરી છે.’
૨૦૧પમાં સાઉથ આફ્રિકાની ટૂર કર્યા પછી ઇન્દિરાઆન્ટી બીજાં ત્રણ વર્ષમાં થાઇલૅન્ડ, સિંગાપોર અને શ્રીલંકા ફર્યાં તો પહેલી વાર યુરોપ પણ ગયાં. યુરોપમાં તેમણે ઇટલી, ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડની મુલાકાત લીધી. જોકે યુરોપનો તેમને એવો તે ચસકો લાગ્યો કે તેમણે ૨૦૧૯થી ૨૦૨૧માં યુરોપના સ્પેન, જર્મની, નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ, નૉર્વે, સ્વીડન, ડેન્માર્ક, ફિનલૅન્ડ અને સ્કેન્ડિનેવિયા જેવા બહુ ઓછા જાણીતા પણ કુદરતે લખલૂટ સૌંદર્ય આપ્યું હોય એવા દેશોની મુલાકાત લીધી અને આ જ ગાળામાં તે જપાન પણ જઈ આવ્યાં. ઇન્દિરાજી કહે છે, ‘સોલો ટૂરમાં મેં અમુક વાતો ક્લિયર રાખી છે. રિટર્ન ટિકિટ લેવાની અને પહેલી વારનું હોટેલનું બુકિંગ અહીં કરવાનું. પછી ત્યાં જઈને બધી અરેન્જમેન્ટ કરવાની. બીજું મેં એ નક્કી રાખ્યું છે કે માત્ર બે દિવસનું જ ફૂડ સાથે લઈને જવાનું અને કપડાં પણ લિમિટેડ જ લઈ જવાનાં, જેથી ઓછામાં ઓછી અગવડ ઊભી થાય અને મૅક્સિમમ ફ્રીલી ફરી શકાય.’
દર વર્ષે મિનિમમ એક દેશ ફરવા જવું એવું મનોમન નક્કી કરી ચૂકેલાં ઇન્દિરાઆન્ટીની વાર્ષિક ઍવરેજ સાડાત્રણ દેશની આવી છે. કોવિડના સમયમાં તેમણે અહીં રહેવું પડ્યું, પણ જેવું લૉકડાઉન ખૂલ્યું અને સરહદો પર આવાગમન શરૂ થયું કે તેમણે ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોની સફર કરી લીધી. આન્ટીની ઉંમર અત્યારે ૭૦ વર્ષની છે અને તેઓ આ વર્ષે ગ્રીસ અને ઇજિપ્ત ફરવા જવાનું પ્લાનિંગ કરે છે. ઇન્દિરા એમ. કહે છે, ‘આપણે ત્યાં મોટા ભાગની લેડીઝ એકલા ફરવા જતાં ડરે છે, પણ હું કહીશ કે એ ડર કાઢવો જોઈએ. હકીકત એ છે કે ઘરની બહાર નીકળવામાં જ ડર લાગતો હોય છે. બહાર નીકળ્યા પછી તો તમારામાં જુદા જ પ્રકારનો આત્મવિશ્વાસ આવી જાય છે, જેની આપણા દેશની પ્રત્યેક મહિલાને જરૂર છે.’
સોલો ટૂરનો મોટો ફાયદો
અનુભવ, જે જીવનમાં બહુ કામ લાગે છે તો સાથોસાથ ટૂર દરમ્યાન ખૂલતી જતી દૃષ્ટિ એમ જણાવીને ઇન્દિરા એમ. વાત આગળ વધારતાં કહે છે, ‘બહુ નાની-નાની વાતને આપણે ત્યાં ગાંઠે બાંધીને રાખવામાં આવે છે. એ વાત ક્યારે ગ્રંથિ બની જાય એ સમજાતું નથી, પણ જો ફરવા જવાના શોખને આદતમાં ફેરવવામાં આવે તો વાતોને બાંધી રાખવાની માનસિકતામાં ચેન્જ આવે છે અને સાથોસાથ એ પણ સમજાય છે કે ઘણી વાર આપણે આપણી જ જાતને વધારે પડતી સિરિયસ્લી લેતા થઈ ગયા છીએ, જેની જરૂર નથી.’
અજાણ્યા સાથે મિત્રતા કર્યા પછી તેમની સાથે હસવું-બોલવું અને એ પણ ભાષા બાધારૂપ હોય તો પણ એ અનુભવ તમામ પ્રકારનો ક્ષોભ મનમાંથી કાઢી નાખે છે. ઇન્દિરા એમ. કહે છે, ‘હવે તો સોલો ટ્રાવેલ એક ફૅશન થઈ ગઈ છે, પણ હું કહીશ કે એને ફૅશન તરીકે રહેવા દેવાને બદલે સોલો ટૂરને જાતમાં જોવાની એક પ્રક્રિયા તરીકે પણ રાખવી જોઈએ. તમે નવું જુઓ તો સાથોસાથ તમે તમારી અંદર પણ જુઓ. જો એ કામ કરી શકશો તો જીવનને ઓળખવાની તક પણ મળશે. હું કહીશ કે આપણે ત્યાં દરેકેદરેક મહિલાએ વર્ષમાં એક વાર તો સોલો ટૂર કરવી જ જોઈએ. જરૂરી નથી કે તમે ફૉરેન જ જાઓ. ના, નજીકમાં જશો તો પણ ચાલશે, પણ જવાનું એવી જગ્યાએ જ્યાં કોઈ સગાં કે વહાલાં ન રહેતાં હોય. પુરુષ-સમોવડિયા હોવાનો દાવો કરતી સ્ત્રીઓ એકલું ટ્રાવેલ કરશે તો તેમને કદાચ પતિ કે પિતા કે સાથીનું મૂલ્ય સમજાશે અને સાથોસાથ તેમને પોતાના રૂટીનમાંથી બ્રેક પણ મળશે.’
સોલો ટ્રાવેલને કારણે ઇન્દિરા એમ.ને જો સૌથી મોટો કોઈ ફાયદો થયો હોય તો એ કે તેમને હવે ઉંમર માત્ર આંકડો જ લાગે છે. ઇન્દિરા એમ. કહે છે, ‘૬૦ અને ૭૦ વર્ષે જીવન પૂરું થાય એવું માનનારાને હું કહીશ કે ના, આ એ ઉંમર છે જ્યાંથી જીવનની શરૂઆત થાય છે.’
ઇન્દિરા એમ.ને થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં જર્નલિસ્ટે પૂછ્યું હતું કે આ એજ પર ટ્રાવેલિંગ કરતાં તમને ડર નથી લાગતો કે ક્યાંક જર્ની દરમ્યાન તમારું મોત થઈ ગયું તો શું કરશો? ઇન્દિરાઆન્ટીએ બહુ સરસ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું મરી ગઈ હોઉં તો મારે શું કામ એ જવાબ શોધવાની તસ્દી લેવી?’
સૌથી યાદગાર અનુભવ
ઇન્દિરાઆન્ટી ઇસ્તાંબુલમાં હતાં ત્યારે તેમને બૅગનો કોડ ભુલાઈ ગયો. બહુ લમણાઝીંક કરી પણ બૅગ ખૂલે નહીં અને કોડ યાદ આવે નહીં. આન્ટી પહોંચ્યાં બૅગ ખોલાવવા, પણ ત્યાં નિયમ કે જો આ રીતે બૅગ ખોલવાની હોય તો પોલીસ-કમ્પ્લેઇન કરી હોય એની રસીદ જોઈએ. તેમને પોલીસમાં જવું નહોતું, પણ નાછૂટકે જવું પડે એવી હાલત થઈ એટલે તેમણે બૅગ ખોલવાવાળાને સમજાવવાનું શરૂ કર્યું અને એ સમજાવવામાં તેમને બૅગ ખોલી આપવાવાળા સાથે એવી દોસ્તી થઈ ગઈ કે આજ સુધી એ રિલેશન અકબંધ રહ્યા છે. ઇન્દિરા એમ. કહે છે, ‘બૅગમાં કઈ વસ્તુ ક્યાં પડી છે, અંદર મારાં જે કપડાં છે એનો કલર કેવો છે અને એના પર શું લખ્યું છે એવી નાનામાં નાની વિગતો આપી એ પછી તેણે મને અનઑફિશ્યલી બૅગ ખોલી આપી અને હું પોલીસ-કમ્પ્લેઇનમાંથી બચી ગઈ.’
જપાન ગયા પછી ટ્રાવેલિંગ દરમ્યાન એક વખત ઇન્દિરાઆન્ટી પડી ગયાં અને તેમને પગમાં ફ્રૅક્ચર થયું. બે દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ઇન્શ્યૉરન્સ હતો એટલે બીજી તો કોઈ ચિંતા નહોતી, પણ હૉસ્પિટલનો અનુભવ તેમને પહેલી વાર ફૉરેનમાં કરવો પડ્યો. ઇન્દિરા એમ. કહે છે, ‘ઓછામાં ઓછી જગ્યામાં રહેવાની જો આદત કેળવવી હોય તો એક વખત જપાન જઈને જોવું જોઈએ. જપાન જોયું એ પહેલાં હું ચાર BHKનો ફ્લૅટ લેવાનું વિચારતી હતી, પણ જપાન જોયા પછી મેં એ વિચાર માંડી વાળ્યો.’

