ભગવાન હનુમાન જેમને આંજનેય કે અંજનીપુત્ર કે પવનપુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ હિન્દુ પુરાણોમાં સૌથી વધુ પૂજનીય અને મહત્ત્વપૂર્ણ દેવતાઓમાંના એક છે. વાનર સ્વરૂપના આ દેવને અદ્ભુત શક્તિ, જ્ઞાન અને અડગ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
શ્રી વીરા હનુમાન મંદિર
વિશ્વભરમાં હનુમાનજીનાં ઘણાં મંદિરો પ્રખ્યાત છે, પરંતુ મલેશિયાના ક્વાલા લમ્પુરમાં બ્રિકફીલ્ડમાં આવેલું અરુલમિગુ શ્રી વીરા હનુમાન મંદિર એકદમ યુનિક છે. બજરંગબલીની પૂંછડીથી મંદિરનો ગુંબજ બન્યો છે અને અહીં પવનપુત્રના બાલીનીઝ અને ચાઇનીઝ કથાઓમાં વર્ણવવામાં આવેલા અવતારનાં પણ દર્શન થાય છે. એ સિવાય સ્થાપત્યકલાની દૃષ્ટિએ પણ એ બેનમૂન છે
મંદિરની આંતરિક દીવાલોમાં ૧૦૦૮ નાનકડા હનુમાનનાં સ્વરૂપો સ્થાપિત કરાયેલાં છે. હિન્દુ પરંપરામાં ૧૦૦૮ સંખ્યા અનંત શક્તિ અને સર્વદિશા રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. અહીં ૧૦૦૦નો અર્થ અનંત અને અસીમ, જ્યારે ૮ બ્રહ્માંડની ૮ દિશાઓનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે હનુમાનની શક્તિ માત્ર એક સ્થળ સુધી મર્યાદિત નથી, પરંતુ સર્વત્ર વ્યાપેલી છે.
ADVERTISEMENT
ભગવાન હનુમાન જેમને આંજનેય કે અંજનીપુત્ર કે પવનપુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ હિન્દુ પુરાણોમાં સૌથી વધુ પૂજનીય અને મહત્ત્વપૂર્ણ દેવતાઓમાંના એક છે. વાનર સ્વરૂપના આ દેવને અદ્ભુત શક્તિ, જ્ઞાન અને અડગ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વભરના લાખો હિન્દુઓના હૃદયમાં ભગવાન હનુમાનને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમના અસાધારણ ગુણો અને રામાયણ મહાકાવ્યોમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે ભક્તિપૂર્વક તેમની પૂજા કરવામાં આવે છે. તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ એ હતી કે તેમણે ભગવાન રામને રાવણ પાસેથી સીતાજીને મુક્ત કરાવવામાં મદદ કરી. તેમને અસાધારણ દૈવી શક્તિઓ પ્રાપ્ત હતી - જેમ કે ઇચ્છા મુજબ શરીરનું કદ બદલી શકવું, આકાશમાં ઊડવાની શક્તિ અને અપ્રમેય બળ. મંદિરોમાં ભગવાન હનુમાનને સામાન્ય રીતે વાનરમુખ ધરાવતા દેવ સ્વરૂપે, હાથમાં ગદા સાથે અને બીજા હાથમાં પર્વત કે સંજીવની બૂટી લઈને દર્શાવવામાં આવે છે. લાંબી પૂંછડી સાથે કેસરિયા અથવા લાલ રંગમાં દર્શાવવામાં આવે છે. વિશ્વભરમાં હનુમાનજીના મંદિરમાં તેમનાં અમુક રૂપો પ્રસ્થાપિત છે. તેમનાં જાણીતાં મંદિરોમાંનું એક મંદિર છે મલેશિયાના ક્વાલા લમ્પુરના બ્રિકફીલ્ડમાં આવેલું અરુલમિગુ શ્રી વીરા હનુમાન મંદિર. પ્રવાસીઓ માટે એ ધીરે-ધીરે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે મુલાકાત લઈએ આ મંદિરની અને જાણીએ કે શું ખાસ છે આ મંદિરમાં.
હનુમાનજીની લાંબી લીલી પૂંછડીથી જ આ મંદિરનો ગુંબજ બન્યો છે.
મંદિરનો ઇતિહાસ
ક્વાલા લમ્પુરના બ્રિકફીલ્ડ્સ વિસ્તારમાં આવેલા અરુલમિગુ શ્રી વીર હનુમાન મંદિરની શરૂઆત વીસમી સદીના પ્રારંભમાં થઈ. આ સમયે દક્ષિણ ભારતમાંથી તામિલ હિન્દુઓ રેલવે અને પ્લાન્ટેશનમાં કામદારો તરીકે મલેશિયા આવ્યા હતા. આ કામદારો બ્રિકફીલ્ડ્સ વિસ્તારની રેલવે વર્કશૉપ્સની નજીક એક નાના સ્થળે હનુમાનજીની આરાધના કરતા હતા, કારણ કે હનુમાનજીને શક્તિ અને રક્ષણના દેવ તરીકે માનવામાં આવતા હતા. એ સમયે એક સાદા ગુંબજવાળા ખુલ્લા સ્થાને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ત્યાંથી રોજિંદી આરતી અને ભજન શરૂ કરવામાં આવ્યાં. સમુદાયની સંખ્યા વધતાં આ પૂજાસ્થાનને સ્થાનિક ભક્તોના સહકારથી ધીમે-ધીમે પાકું માળખું આપવામાં આવ્યું અને પછી મંદિર ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા અને અનુષ્ઠાનોની પરંપરા સુનિશ્ચિત કરવામાં આવી. બાદમાં બ્રિકફીલ્ડ્સ વિસ્તાર શહેર તરીકે વિકસ્યો અને કામદારોની વસાહત સ્થિર થઈ ત્યારે વધતા ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિરને સત્તાવાર મંદિરના સ્વરૂપમાં વિસ્તૃત કરવામાં આવ્યું. ૯૦ના દાયકા પછી આ મંદિરને ભવ્ય બનાવવામાં આવ્યું. આ મંદિર કેએલ સેન્ટ્રલ વિસ્તારમાં હતું અને ૧૯૯૯માં એ જ વિસ્તારમાં સ્કૉટ રોડ પર સ્થાપિત થયું. પહેલાં જ્યાં હતું ત્યાંથી ચાલીને જઈ શકાય એટલી નજીક આ મંદિર છે. એને મલેશિયાનાં હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે.
હનુમાનજીના ચાઇનીઝ વર્ઝનની મૂર્તિઓ
આર્કિટેક્ચર અદ્ભુત
બ્રિકફીલ્ડ્સનું અરુલમિગુ શ્રી વીર હનુમાન મંદિર દક્ષિણ ભારતની પરંપરાગત દ્રવિડ સ્થાપત્યશૈલીને આધુનિક માળખાકીય મજબૂતી સાથે સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે. મંદિરના ચૅરમૅન સુરેશે નાનપણમાં સાંભળેલી અને અનુભવેલી હનુમાનની વાર્તાઓ પરથી આ મંદિરના આર્કિટેક્ચરને ડિઝાઇન કરવા માટે ટીમને કહ્યું હતું. મંદિરના નવનિર્માણ અને શિલ્પન માટે તામિલનાડુના પરંપરાગત સ્થપતિ આચાર્ય અને શિલ્પીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમને દક્ષિણ ભારતીય મંદિરોની વિધિકલા, ગોપુરમ શૈલી અને પવિત્ર અનુપાતો (Sacred Proportions)નું વિશેષ જ્ઞાન હોય છે. તેમનો મુખ્ય આધાર મદુરાઈના મીનાક્ષી મંદિર અને કાંચીપુરમની દ્રવિડ શિલ્પ પરંપરા હતી એટલે મંદિરના ગોપુરમ, દેવની પ્રતિમાઓ અને મંડપની રચનામાં રંગ, કારીગરી અને સમતોલનનો સુમેળ જોવા મળે છે. મંદિર આકર્ષક લાગે છે એનું મુખ્ય કારણ એ છે કે ગોપુરમમાં બનાવાયેલાં નાનાં-નાનાં રંગીન દેવશિલ્પો ઊંચાઈ અને દિશા પ્રમાણે વધતા ક્રમમાં ગોઠવાયેલાં છે. સાઉથના મંદિરમાં આ ડિઝાઇન સામાન્ય રીતે જોવા મળે છે. મંદિરની આંતરિક દીવાલો અને છત પર હનુમાનજીના જીવનપ્રસંગો, રામાયણની યાત્રા અને સંજીવની ઘટનાઓ દર્શાવતાં મ્યુરલ્સ એટલે કે ભીંતચિત્રો છે. આ મ્યુરલ્સ બનાવવા માટે દુનિયાભરના કલાકારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાથે જોડાયેલી લીલા રંગની લાંબી પૂંછડી મંદિરનું મુખ્ય આકર્ષણ છે. આ પૂંછડી મંદિરના મંડપની દીવાલની પરિધિ પર ફરતી રીતે બનાવવામાં આવી છે. પૂંછડી ફાઇબર-મૉલ્ડ અને શિલ્પ પ્લાસ્ટર (Fiber Reinforced Material + Sculpted Plaster)થી તૈયાર કરવામાં આવી છે જેથી એ હળવી અને મજબૂત બને અને લાંબા સમય સુધી ટકી શકે. રંગ માટે વેધરપ્રૂફ ઍક્રિલિક પિગમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભેજ અને તાપમાનના ફેરફારથી રંગ ફિક્કો ન પડે. આ ડિઝાઇનની પ્રેરણા રામાયણના એક પ્રસંગ પરથી લેવામાં આવી છે. મંદિરની સંપૂર્ણ ગૅલરીની આસપાસ વળાંકમાં એ ગોઠવાયેલી છે એટલે ભક્તો મંડપમાં ચાલે ત્યારે પૂંછડી સતત નજરમાં રહે છે. આ પૂંછડી ગુંબજ સુધી ડિઝાઇન કરવામાં આવી છે. મંદિરના ગુંબજમાં વળાંકોની ચોક્કસ સંખ્યા વિશે કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ એવું કહેવાય છે કે ૧૭ ફુટ ઊંચી રચના ધરાવતું આ સ્ટ્રક્ચર કદાચ એશિયામાં એકમાત્ર છે. આ પૂંછડીને બનાવવાનું મુખ્ય કારણ આકારમાં વિશેષ કલાત્મકતા અને હનુમાનજીની મૂર્તિને મંડપની રચનામાં કેન્દ્રસ્થ રાખવું હતું.
વિવિધ મુદ્રામાં બજરંગબલી.
હનુમાનજીનાં દેશ-વિદેશનાં રૂપો
અહીં વિવિધ દેશો અને પ્રદેશોમાંથી લાવવામાં આવેલી હનુમાનજીની મૂર્તિઓ જોવા મળે છે જે તેમના પોતાના સ્થાનિક સાંસ્કૃતિક રૂપ અને પરંપરાઓ પ્રમાણે બનાવવામાં આવી છે. મંદિરમાં ૧૦૦ જેટલી હાથ વડે કંડારેલી હનુમાનજીની વિવિધ મૂર્તિઓ છે. મંદિરના પ્રવેશદ્વાર પર ચાઇનીઝ વાનરદેવ ‘સન વુકૉન્ગ’ પોતાની જાદુઈ ગદા સાથે રક્ષા કરતા હોય એ સ્વરૂપે ઊભા છે. મંદિર તરફ આવતાં જ તેમની આ શૂરવીર મુદ્રા અને વાદળ પર ઊભેલી સ્થિતિ તરત નજર ખેંચે છે જે મંદિર અને એની આસપાસના વિસ્તારમાં સાવચેતીપૂર્ણ રક્ષણનો સંકેત આપે છે. હનુમાનજીને પ્રાપ્ત ‘અણિમા સિદ્ધિ’ (અતિ સૂક્ષ્મરૂપી થઈ જવાની શક્તિ) વડે હનુમાનજી લંકામાં રામનો સીતા માટેનો સંદેશ લઈને ગોપનીય રીતે પ્રવેશી શક્યા હતા. એ પ્રસંગ મંદિરની ઉપરની દીવાલ તેમ જ મંદિરભરની ગૅલરીમાં ૧૦૦૮ નાનકડી હનુમાન મૂર્તિઓ જોઈને યાદ આવી જશે. એ સિવાય બાલીમાંથી આવેલી હનુમાનની મૂર્તિમાં હનુમાનજીને વિશાળ, સફેદ રંગના અને યુદ્ધકૌશલ્ય ધરાવતા દૈવી વાનર તરીકે દર્શાવવામાં આવ્યા છે. એ જ રીતે તામિલનાડુથી આવેલી એક વિશિષ્ટ મૂર્તિમાં અડધી પ્રતિમા ગણેશજીની અને અડધી હનુમાનજીની છે જેને આદિ અંત પ્રભુ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂર્તિ શૈવ અને વૈષ્ણવ પરંપરાઓની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત અહીં થાઇલૅન્ડ, વિયેટનામ, કમ્બોડિયા, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાંથી બનાવવામાં આવેલી હનુમાનજીની અનેક મૂર્તિઓ સ્થાપિત છે જે હનુમાનજી માટેની ભક્તિ વિવિધ સંસ્કૃતિઓમાં પણ કેવી રીતે જીવંત છે એ દર્શાવે છે.

મંદિરની દિવાલો અને છત પર હનુમાનજીનાં આવાં અઢળક ભીંતચિત્રો દુનિયાભરના કલાકારો દ્વારા બનાવાયેલા છે.
મક્કમ મનોબળ આપે છે હનુમાન
બ્રિકફીલ્ડ્સના શ્રી વીર હનુમાન મંદિરમાં લોકો મુખ્યત્વે માનસિક શક્તિ, રક્ષણ અને કાર્યસિદ્ધિ માટે આવે છે. જેવી રીતે ભારતમાં ભૂત-પ્રેત ભગાવવા માટે હનુમાનજીના મંદિરમાં લોકોની આસ્થા હોય છે એવી જ રીતે અહીં પણ ભક્તો માને છે કે હનુમાનજી ભય, અવરોધ, શંકા અને નકારાત્મકતાથી મુક્તિ આપે છે. ખાસ કરીને પરીક્ષા, નોકરી, વ્યવસાય, ઘરગથ્થુ તાણ, નિર્ણયશક્તિ અને હિંમતની જરૂર હોય ત્યારે અનેક ભક્તો આ મંદિરમાં પ્રાર્થના કરવા આવે છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ હનુમાનજીની પૂંછડી પાસે અને ૧૦૦૮ નાનકડી હનુમાન મૂર્તિઓની આસપાસ શાંત મનથી પ્રાર્થના કરવાથી મનોબળ મજબૂત થાય છે અને ભક્તને પોતાની સમસ્યા સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. વર્ષો જૂની ભાવના મુજબ આ મંદિરને રક્ષણસ્થાન તરીકે પણ જોવામાં આવે છે, એટલે કે ભક્તો અહીં આવીને પોતાને અને પોતાના પરિવારને દુર્બળતા, ડર અથવા અશાંતિથી સુરક્ષિતતા માટે આશીર્વાદ માગે છે. ભક્તો માટે અહીં આવવું માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ આત્મવિશ્વાસ, સ્થિરતા અને માનસિક શાંતિ મેળવવાનો અનુભવ છે. તેથી અનેક લોકો દરેક સપ્તાહે અથવા ખાસ પ્રસંગે અહીં આવવાનું ચાલુ રાખે છે.


