ઉત્તરાખંડમાં પર્યટક વિભાગ સાથે 5331 હોમ-સ્ટે રજિસ્ટર છે. ગામડામાં મોટા ભાગના હોમ-સ્ટે મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોમ-સ્ટે અંતર્ગત આ વિસ્તારમાં હોમ-સ્ટે ચલાવનાર મહિલાઓને અનુક્રમે પચીસ ટકા અને ૩૩ ટકા જેટલી સબસિડી મળે છે.
ઉત્તરાખંડનું મથોલી ગામ
ઉત્તરાખંડના મથોલી ગામમાં ખેતી અને પશુપાલન લગભગ ઓછું થઈ જવાને કારણે લોકો શહેરોમાં જઈ રહ્યા હતા. ગામ ખાલી દેખાવા લાગ્યું હતું. જોકે ૫૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં કોરોના પછી જ્યારથી ટૂરિઝમ શરૂ થયું છે ત્યારથી એની સિકલ જ બદલાઈ ગઈ છે. સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ ચાલતા હોમ-સ્ટે ટૂરિઝમને કારણે હવે એ મહિલા ગાંવ, બ્વારી ગાંવ કે ધ વિમેન્સ વિલેજ તરીકે ઓળખાય છે
ભારતીય પર્યટકોએ છેલ્લાં વર્ષોમાં પર્યટનક્ષેત્રે જે આંકડાઓ દર્શાવ્યા છે એ ગણવા માટે આંગળીના વેઢા ઓછા પડી જાય છે. આજે ઉત્તરાખંડની વાત કરીએ જે માત્ર યાત્રાધામ માટે જ નહીં પરંતુ પહાડી સુંદરતા માટે પણ જાણીતું છે. ટૂરિઝમ વિભાગની માહિતી મુજબ ૨૦૧૮માં અહીં ૩.૬૮ કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. આ આંકડામાં ૬૨ ટકાનો વધારો થયો છે અને ૨૦૨૩ના અંતમાં અહીં અંદાજે ૬ કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. આ આંકડામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને અહીં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ રહ્યું છે. યુથ ઍન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા પ્રોગ્રામને કારણે અહીંના ૧૮૦૦ કરતાં વધારે યુવાઓ માઉન્ટેનિયરિંગ, ટ્રેકિંગ, પૅરાગ્લાઇડિંગ માટે તાલીમ લઈ ચૂક્યા છે જે ટૂરિઝમના વિકાસમાં બહુ જ મોટી મદદ છે. અહીં અમુક નવાં ડેસ્ટિનેશનો શરૂ થઈ ગયાં છે. યુવાનો હંમેશાં કંઈક નવા અને ઍડ્વેન્ચરસ લોકેશનની તલાશમાં હોય છે એટલે આજે આપણે એક એવા ગામની મુલાકાત પર જવાના છીએ જે ‘ધ વિમેન્સ વિલેજ’ કે ‘મહિલા ગાંવ’ કે ‘બ્વારી ગાંવ’ તરીકે લોકોમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. આ ગામને આવું બિરુદ મળ્યું છે એનું કારણ એ છે કે અહીં હોમ-સ્ટેના સંચાલનથી માંડીને ટૂર-ગાઇડ તરીકે મહિલાઓ કાર્યરત છે. દેહરાદૂન અને હૃષીકેશથી લગભગ સમાન અંતરે આવેલા મથોલી ગામ જ્યાં મહિલાઓ પશુપાલન અને ખેતીને અસર થવાથી કામ વગર નિરાશ બેઠી હતી તેઓ આજે ફરી ઉત્સાહથી ગામની આર્થિક સ્થિતિમાં સુધારો કરી રહી છે. આ કેવી રીતે શક્ય બન્યું એ જાણીએ અને મુલાકાત લઈએ આ નવા ડેસ્ટિનેશનની.
ADVERTISEMENT
પ્રોફેશનલ માઉન્ટેનિયર પ્રદીપ પનવારે કોવિડમાં પોતાના ગામ મથોલી પાછા ફરીને ગામને ટૂરિસ્ટ-સ્પૉટ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો અને બ્વારી ગામ કે મહિલાઓનું ગાંવ કે ધ વિમેન્સ વિલેજનો જન્મ થયો. આ ગામ નારી સશક્તીકરણનું ગજબ ઉદાહરણ પૂરું પાડે છે.
કોવિડ પહેલાંનું મથોલી ગામ
ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના મથોલી ગામમાં જન્મેલા અને મોટા થયેલા પ્રદીપ પનવાર કહે છે, ‘હું એક સાધારણ પરિવારમાંથી આવું છું. ગામડામાં જ સરકારી સ્કૂલમાં હું ભણ્યો. ઉત્તરકાશીમાં જ્યારે હું ગ્રૅજ્યુએશન માટે ભણી રહ્યો હતો ત્યારે નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)થી બધા કોર્સ કર્યા. એમાં રેસ્ક્યુ, ટ્રેકિંગ અને પહાડોને લગતી જરૂરિયાતની બધી જ વસ્તુઓ શીખ્યો. એટલે હું પ્રોફેશનલ માઉન્ટેનિયર છું. ગ્રૅજ્યુએશન પૂરું થયા બાદ મેં પોતાની ‘ઍડ્વેન્ચર ગઢવાલ ટ્રેકિંગ એજન્સી’ શરૂ કરી હતી. કેટલાંય વર્ષો સુધી હું લોકોને ટ્રેકિંગ, હાઇકિંગ, કૅમ્પિંગ માટે લઈ જતો હતો. ત્યાર બાદ ૨૦૧૩માં કેદારનાથ હોનારત સર્જાઈ હતી. એ વખતે હું માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી જે શીખ્યો એ બધી કુશળતા કામે લગાડી. આ વખતે NIMએ જે રેસ્ક્યુ મિશન હાથ ધર્યું એમાં હું પણ જોડાયો અને ઘણા લોકોને આ હોનારતમાંથી જીવિત અને મૃત અવસ્થામાં બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ એક વર્ષ સુધી ત્યાં જ રહીને પુનઃ નિર્માણના કામમાં લાગી ગયો હતો. એ સમયે NIMના પ્રિન્સિપાલે સમાજસેવાનાં ઘણાંબધાં કાર્યો હાથ ધર્યાં હતાં. તેઓ યુવાનોને આર્મી માટે તૈયાર કરતા હતા. તે સરની સાથે મળીને મેં બહુ સારું કામ કર્યું. તેમણે ૨૦૧૫માં ગ્રામીણ પર્યટનના વિકાસ માટે દેહરાદૂન પાસે બે જગ્યા શોધી હતી. એમાંની એક જગ્યાનું નામ નાગટીબા છે. અત્યારે તો ઘણા લોકો આ જગ્યાને જાણે છે, પણ ત્યારે બકરીછાપ NGO જે ગ્રામ્યવિકાસ અને ગ્રામ સશક્તીકરણ માટે કામ કરે છે એના સહયોગથી આ જગ્યાનો વિકાસ કરવામાં આવ્યો. આ જગ્યા પર જે બાંધકામનું ઑપરેશન હતું એની જવાબદારી મેં લીધી હતી. આ જગ્યાનો એટલો સારો વિકાસ થયો કે પર્યટકો આવતા થયા અને ગામના લોકોને રોજગાર મળવા લાગ્યો. ૨૦૧૫થી ૨૦૧૯ સુધી હું ત્યાં રહ્યો.’
અહીં રસોઈ, ટ્રેકિંગ, હાઇકિંગ, કૅમ્પિંગ જેવી પ્રવૃત્તિઓથી લઈને ઑનલાઇન અને ઑફલાઇન બધું જ કામ મહિલાઓ કરે છે.
પ્રવાસન અને નારી સશક્તીકરણ
૨૦૨૦માં કોવિડ આવ્યો ત્યારે મોટા ભાગના લોકો પોતાના ગામ પાછા ફર્યા હતા. આ જ સમયે પ્રદીપભાઈ પણ પોતાના ગામમાં પાછા ફર્યા. તેઓ કહે છે, ‘હું કોવિડમાં ઘરે આવ્યો ત્યારે આ જગ્યાને મેં વિકાસની દૃષ્ટિએ જોવાનું શરૂ કર્યું. પર્યટન વિભાગ સાથે વિકાસનું કામ કરતાં-કરતાં મારું સ્થાનિક પર્યટન અને ગ્રામીણ પર્યટન વિશે સામાન્ય નૉલેજ સારું થઈ ગયું હતું. કોવિડમાં બધા જ લોકો ઘરે બેઠા હતા. આ સમયે મેં મારા ગામને એક્સપ્લોર કર્યું. મને ગામની જગ્યાઓ સુંદર દેખાઈ, પરંતુ બહુ જ ખાલી થઈ ગયું હતું. એક વાત મારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ હતી કે એક પ્રવાસી ફરવા માટે જેવાં લોકેશનો શોધતો હોય છે એ બધાં આ ગામમાં મોજૂદ હતાં. ૨૦૧૫માં નાગટીબાનો વિકાસ તો થઈ ગયો, પરંતુ બીજી જગ્યા જ્યાં માત્ર મહિલા સશક્તીકરણ માટે વિકાસ કરવાનો હતો એ કોઈક કારણસર શક્ય ન બન્યું. મારા મનમાં એ વિચાર રહી ગયો હતો. મારા ગામની સ્થિતિ જોઈ તો મને થયું કે ‘આ ગામને નારી સશક્તીકરણ ગામ કેમ ન બનાવી શકાય?’ ગામમાં પશુપાલન ખાસ નહોતું. ખેતીની જમીનમાં પાક પણ ઠીક-ઠીક હતો. આ સમયે બકરીછાપ NGOએ મહિલા કેન્દ્રિત ઍગ્રોટૂરિઝમ (Agrotourism) વિકસાવવામાં અમને બહુ સાથ આપ્યો. ઍગ્રોટૂરિઝમ એટલે ખેતી સાથે જોડાયેલું પર્યટન. સરળ ભાષામાં કહીએ તો જ્યારે લોકો ગામડામાં જઈને ખેતી, પશુપાલન, ગામઠી સંસ્કૃતિ અને કુદરતી વાતાવરણનો અનુભવ કરે છે ત્યારે એને ઍગ્રોટૂરિઝમ કહેવામાં આવે છે.’
‘ધ વિમેન્સ વિલેજ’નો ઝંડો માઉન્ટ એવરેસ્ટ પર
હોમ-સ્ટેના વિકાસ સાથે ગામમાં ઘસિયારી મહોત્સવ શરૂ કરનાર પ્રદીપભાઈ કહે છે, ‘ઘસિયારી એટલે ઘાસ કાપનારી સ્ત્રી. મથોલી ગામમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ ઉત્સવ થાય છે. એમાં ગામની મહિલાઓ માટે ઘાસ કાપવાની પ્રતિયોગિતા યોજવામાં આવે છે. મહિલાઓ એકઠી થઈને ઘાસ કાપે છે, ગીતો ગાય છે, નૃત્ય કરે છે અને જુદી-જુદી પ્રવૃત્તિઓ કરે છે. આ ઇવેન્ટની શરૂઆત અમે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે કરી છે. આમ કરવા પાછળની પ્રેરણા સવિતા કંસવાલ હતાં. તેઓ મારાં બહુ જ સારાં મિત્ર હતાં. અમે NIMમાં સાથે હતાં. તેમની આખી કહાની તમને યુટ્યુબ પર જાણવા મળી જશે. કેવી રીતે એક બહુ જ ગરીબ પરિવારની દીકરીએ એવરેસ્ટ સર કર્યો અને મહિલાઓને પણ આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. તેમને કારણે અમે ગામમાં ઘસિયારી મહોત્સવનું આયોજન કર્યું. ૨૦૨૨માં ધ વિમેન્સ વિલેજનું ઉદ્ઘાટન થયું ત્યારે સવિતા કંસવાલ અહીં આવ્યાં હતાં. તેમણે મહિલાઓને પોતાની કહાની કહીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું કે હું તમારા ગામનું નામ માઉન્ટ એવરેસ્ટ સુધી લઈ ગઈ છું એટલે હવે તમે મહેનત કરો અને આગળ વધો. કમનસીબે એ જ વર્ષે ઑક્ટોબરમાં ઉત્તરાખંડના દ્રૌપદી કા ડાંડા પહાડ પર હિમસ્ખલનને કારણે તેમણે દુનિયામાંથી વિદાય લીધી. આજે પણ ગામની મહિલાઓ સવિતા કંસવાલને પોતાનું મોટું પ્રેરકબળ માને છે.’
જુલાઈ ૨૦૨૨માં ઉત્તરાખંડનાં સવિતા કંસવાલ માઉન્ટ એવરેસ્ટ અને મકાલુ આ બન્ને પર્વતો ૧૬ દિવસમાં સર કરનાર ભારતનાં પ્રથમ મહિલા પર્વતક બન્યાં હતાં. તેમણે એવરેસ્ટ પર જઈને વિમેન્સ વિલેજનો પ્રચાર કર્યો હતો.
વહુઓનું ગામ કેમ?
આ ગામને ગ્રામીણ પર્યટનના રૂપમાં વિકસાવવાનું નક્કી થયું ત્યારે એના નામ પર વિચારણા કરવામાં આવી. આ જે જગ્યાએ હોમ-સ્ટે બનાવવામાં આવ્યું છે એ જગ્યાએ ગામની ગૌશાળા હતી જ્યાં એક સમયે ૨૦થી ૨૫ પરિવારોની વહુઓ પશુપાલન કરતી હતી એમ જણાવતાં પ્રદીપભાઈ કહે છે, ‘મેં આ ગામને મહિલાઓની કામગીરીથી ધમધમતું જોયું હતું. ગામના આર્થિક વિકાસમાં મોટા ભાગે મહિલાઓનો જ ફાળો હોય છે. આ વિસ્તારમાં ધીરે-ધીરે મહિલાઓની કામગીરી ઓછી થઈ ગઈ. એક સમયે જે વિસ્તાર મહિલાઓની હાજરીથી જીવંત હતો એ વિસ્તારમાં શુષ્કતા હતી. ગામમાં સૌથી ઊંચું શિખર છે એ પણ ભગવતી માતાના મંદિરનું છે. આ ગામમાં મહિલાઓનું જ વર્ચસ છે એમ કહી શકાય. મહિલાઓને ફરીથી આ વિસ્તારમાં લાવવા માટે બ્વારી ગામ એટલે વહુઓનું ગામ હોમ-સ્ટે એમ નક્કી કરવામાં આવ્યું. અન્ય લોકોને સ્થાનિક ભાષાની સમજ ન પડે એટલે ધ વિમેન્સ વિલેજથી લોકોમાં પ્રચાર કર્યો. ત્યાર બાદ ગામની મહિલાઓને સહયોગ સંસ્થા સાથે જોડવાનું કામ શરૂ થયું.’
૨૦૨૨થી પર્યટકો માટેનું નવું હૉટ-સ્પૉટ ઉત્તરાખંડ, મથોલી. મહિલાઓ દ્વારા સંચાલિત ‘ધ વિમેન્સ વિલેજ’ હોમ-સ્ટે.
ટૂરિઝમ માટે તાલીમ અપાઈ
મથોલી ગામ એકદમ નવું ડેસ્ટિનેશન હતું, કારણ કે આજ પહેલાં ક્યારેય આ ગામમાં પર્યટકો આવ્યા નહોતા એમ જણાવતાં પ્રદીપભાઈ કહે છે, ‘જ્યારે મથોલીનું ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે સ્ટ્રક્ટર તૈયાર થયું ત્યારે ગામની મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું. ગામમાં બધાને જુદાં-જુદાં પાસાંઓ માટે તૈયાર કર્યા. જ્યારે સમય મળે ત્યારે બે-ત્રણ કે દસના જૂથમાં ગામની મહિલાઓને પહાડોથી વાકેફ કરાવી. મારી પાસે એકાદ-બે પર્યટકો આવે ત્યારે તેમની સાથે ગામની મહિલાઓને પણ ટ્રેકિંગ પર લઈ જતો જેથી તેમનો ખચકાટ દૂર થાય અને તેઓ પર્યટકો સાથે વાત કરવાની કળા કેળવે. અહીંના દરેક ગામમાં સેલ્ફ હેલ્પ-ગ્રુપ હોય છે. અમારા ગામની સેલ્ફ હેલ્પ-ગ્રુપ સાથે જોડાયેલી ૩૦ મહિલાઓને એક સંસ્થા દ્વારા ૧૦ દિવસની હોમ-સ્ટે અને ટૂરિઝમને લગતી સરકારી તાલીમ આપવામાં આવી છે. માનો કે ન બનવાનું બને અને લોકો તેમના ક્વૉલિફિકેશન પર સવાલ કરે તો અમારી પાસે પ્રમાણ છે કે મહિલાઓ તાલીમ લઈને સેવા કરી રહી છે. મહિલાઓને સંચાલન, ટૂર-ગાઇડ કે અન્ય જેટલી પણ સુવિધા પર્યટકોને જોઈએ એ બધાની તાલીમ માટે મેં બહારથી કેટલીયે સંસ્થાઓને અહીં બોલાવીને તૈયાર કરી છે. ધીરે-ધીરે એ સમય આવ્યો કે રસોઈ, ટ્રેકિંગ, હાઇકિંગ, કૅમ્પિંગ જેવી પ્રવૃત્તિઓથી લઈને ઑનલાઇન અને ઑફલાઇન બધું જ કામ મહિલાઓ દ્વારા થવાનું શરૂ થયું. મહિલાઓએ હવે ઘરથી દૂર જવાની જરૂર નથી. તેમને રોજગાર ઘરની નજીક જ મળી રહે છે.’
ભારતના પર્યટકો તો ખરા જ, સાથે વિદેશીઓ પણ આ ગામની મુલાકાત લે છે અને લોકલ ફૂડની મજા માણે છે તથા ટ્રેકિંગ અને હાઇકિંગ જેવી પ્રવૃત્તિઓમાં પણ સામેલ થાય છે.
ગામ વિશે વાંચીને લોકો અહીંની મુલાકાતે આવે છે
અત્યારે અમારા ગામમાં એટલું સરસ ટૂરિઝમ થયું છે કે લોકો ‘ધ વિમેન્સ વિલેજ’ વિશે વાંચીને અહીં આવે છે. તમારે વન-ડે પિકનિક કરવી હોય કે એક અઠવાડિયું રહેવું હોય તો એના માટે પણ પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરેલું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ ૨૦૦૦ જેટલા લોકો અહીં આવી ચૂક્યા છે. જે લોકો અહીં આવે તેઓ બીજાને મોકલે. હવે તો આસપાસની સ્કૂલો અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે અહીં ટૂર થાય છે. પર્યટકોનો ધસારો થાય ત્યારે ગામના દરેક ઘરનાં બારણાં ખૂલી જાય છે. અહીંની મહિલાઓ પર્યટકોને મૅનેજ કરવા સક્ષમ છે. આ ગામની એક ઓછી જાણીતી વાત એ પણ છે કે ભૂતકાળમાં આ ગામને સ્વચ્છતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સપ્ટેમ્બરથી જૂન સુધી અહીં વધારે પર્યટકો હોય છે, કારણ કે વાતાવરણ બહુ ઠંડું કે બહુ ગરમ નથી હોતું. જુલાઈ-ઑગસ્ટમાં વરસાદનો સમય રહે છે તો પણ લોકો આવતા હોય છે. અહીં પહોંચવાનું બહુ જ સરળ છે. ફૉરેનર્સ પણ અહીં આવવા લાગ્યા છે. તેઓ અહીંનું લોકલ ભોજન ખાય છે અને જતી વખતે અમારા ગામની ખાદ્યપેદાશ જેમ કે લાલ રાઇસ લઈને જાય છે. દેહરાદૂન અને હૃષીકેશ બન્ને જગ્યાએથી મથોલી ગામ પહોંચવામાં સાડાત્રણથી ૪ કલાકનો સમય લાગે છે. અહીં પહોંચવા માટે પ્રાઇવેટ ટૅક્સી કરી શકો છો. દેહરાદૂનથી લોકલ બસ પકડો તો ચિનાલીસૌર ઊતરવું અને ત્યાંથી મથોલી ગામ માટે વાહન મળી જશે. જો હૃષીકેશથી બસ પકડો તો બ્રેથી બસ-સ્ટૅન્ડ ઊતરવું. ત્યાંથી પછી લોકલ સવારી મળી રહેશે.’
મથોલી ગામ ચારે બાજુથી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે.

