Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ જગતમાં માન, દેશમાં પણ સન્માન

મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ જગતમાં માન, દેશમાં પણ સન્માન

Published : 08 February, 2026 04:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કરામતને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ મળે એવી ભારતે માગણી કરી છે એવા સમયે જીવંત મૂળિયાંના આવા પુલના એક જનકને સરકારે પદ્‍મશ્રીથી સન્માનિત કર્યા છે

મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ

મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજ


મેઘાલય એટલે ભારતના ઈશાન ખૂણે આવેલું એક રળિયામણું રાજ્ય.

સ્કૉટલૅન્ડના ઉચ્ચ પ્રદેશો જેવા અનેક ટેબલ-લૅન્ડ અને સમશીતોષ્ણ આબોહવાનાં જંગલો જેવી વનરાજી મેઘાલયની આગવી ઓળખ છે.



 મેઘાલયનો લિવિંગ રૂટ બ્રિજ અને એક વિશિષ્ટ પ્રતિભા હૅલી વાર એ બે બાબતો આજકાલ સમાચારમાં છે. ચાલો જોઈએ આમાં શું ખાસ છે.


મેઘાલયમાં અતિ વરસાદ વરસે છે. ઉચ્ચ પ્રદેશ અને નાના રમણીય પહાડો, ગીચ જંગલ અને નદીઓથી સમૃદ્ધ મેઘાલયની ઓળખ આપણા દેશના અન્ય ભાગોથી નોખી છે. અહીંની સ્થાનિક પ્રજાએ જોયું કે લોખંડના પુલ અહીંની ભેજવાળી હવામાં જલદી કટાઈ જાય છે અને વાંસના પુલનું આયુષ્ય પણ ઝાઝું નથી. સ્થાનિક પ્રજામાંના કેટલાકે સદીઓ અગાઉ પોતાનું જાતે શીખેલું ઇજનેરી જ્ઞાન વાપર્યું અને રબરના વૃક્ષનાં મૂળિયાંને નદીની સામે પાર વાળીને જીવંત મૂળિયાંના પુલ એટલે કે લિવિંગ રૂટ બ્રિજ તૈયાર કર્યા.

આ પુલ Ficus Elastica એટલે કે રબર ટ્રી નામના વૃક્ષનાં મૂળમાંથી બનાવવામાં આવે છે. રબર વૃક્ષનાં મૂળિયાં મજબૂત તો હોય જ છે અને સાથે-સાથે એ લવચીક હોય છે અને લાંબા સમય સુધી પાણીમાં રહેવા છતાં સડતાં નથી. આ મૂળિયાંમાંથી બનેલા પુલ દાયકાઓ સુધી ટકી રહે છે. જેમ સમય પસાર થાય છે એમ મૂળિયાં વિકસે છે અને વધુ મજબૂત બને છે.


મેઘાલયની ખાસી પ્રજા તો માને છે કે તેમના વડવાઓ જીવંત મૂળિયાંની સીડી મારફત સ્વર્ગમાંથી આ ધરતી પર આવ્યા છે. જોકે સત્તાવાર નોંધની વાત કરીએ તો હેન્રી યુલે ૧૮૪૪માં એશિયાટિક સોસાયટી ઑફ બૅન્ગૉલની જર્નલમાં લિવિંગ રૂટ્સના બ્રિજનો ચિત્ર સહિત ઉલ્લેખ કર્યો છે.


હૅલી વાર

 રબર વૃક્ષનાં કેટલાંક મૂળિયાં નાજુક, લવચીક અને કોઈ પણ દિશામાં વાળી શકાય એવાં હોય છે. સપાટીના વૃક્ષનાં થડિયાંને પોલાં કરી નદીના એક કાંઠેથી બીજા કાંઠા તરફ મૂળિયાં લઈ જવામાં આવે છે. વાંસના માંચડાની મદદથી એમને સપોર્ટ પણ અપાય છે જેથી ધીરે-ધીરે આ મૂળિયાં એકબીજામાં ગૂંથાતાં જાય છે અને મજબૂત પણ બનતાં જાય છે. વીસ-પચીસ વર્ષે આ મૂળિયાંનો પુલ એક મજબૂત પુલ તરીકે વાપરી શકાય એવો બની જાય છે. આવાં મજબૂત મૂળિયાં ધરાવનાર પુલને વર્ષો સુધી સપોર્ટ આપનાર સોપારીના વૃક્ષનું સ્થળ તથા વાંસના માંચડા દૂર કરીને આ પુલનો ઉપયોગ શરૂ કરવામાં આવે છે.

પ્રકૃતિ વચાળે જીવતી આ પ્રજાએ કેટલાય દાયકાઓથી પોતાની આસપાસની પ્રકૃતિને ખલેલ ન પહોંચે એ રીતે આવનજાવન માટે કેવી અદ્ભુત રીત વિકસાવી છે.

ખાસી પર્વતમાળાની પૂર્વ દિશામાં અને જૈન્તિયા હિલ્સ નામના જિલ્લાના પશ્ચિમ ભાગમાં લિવિંગ રૂટ્સ બ્રિજ જોવા મળે છે.

 મેઘાલયનાં અનેક ગામો ગાઢ જંગલ વચ્ચે છે. પક્ષીઓના ટહુકા તથા તમરાંના અવાજ દિવસભર ગુંજતા રહે છે. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવા સ્થાનિક પ્રજાએ ગાઢી વનરાજી વચ્ચેનાં ઝરણાં કે નાની નદીઓ વળોટવાં પડે છે. અહીં બારે મહિના વરસાદ રહે છે અને ઝરણાં પણ આખું વરસ વહેતાં રહે છે. આવી પરિસ્થિતિમાં જીવંત મૂળિયાંના પુલ લપસણા પહાડી ઢોળાવોવાળાં ગામોને એકબીજા સાથે જોડે છે.

પર્યાવરણની સમજ અહીં સામાન્ય માણસને પણ છે, કારણ કે એ તેમના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. તેમનું ભોજન પણ પાંદડાંઓમાં પૅક થાય છે અને તેમની કચરાટોપલી પણ વાંસની બનેલી હોય છે. યુનાઇટેડ નેશન્સને આપેલા ઇન્ટરવ્યુમાં ખોંગથો નામની વ્યક્તિ કહે છે, ‘જ્યાં સુધી વૃક્ષો તંદુરસ્ત અને સ્વસ્થ હોય છે ત્યાં સુધી મૂળ કુદરતી રીતે વધે છે અને મજબૂત બને છે. જૂનાં મૂળની જગ્યાએ નવાં મૂળ આવે છે. એમની યોગ્ય જાળવણી થાય તો તેઓ કાયમ માટે ટકી શકે છે. આ પ્રદેશના મોટા ભાગના પુલો સદીઓ જૂના છે.’

મૉર્નિંગસ્ટાર ખોંગથો નામની આ વ્યક્તિ ત્યાંના પ્રાકૃતિક વારસાને બચાવવા માટે કાર્યરત છે. ખોંગથોએ લિવિંગ બ્રિજ ફાઉન્ડેશન નામની સંસ્થા પણ સ્થાપી છે જે યુવાનોને લિવિંગ રૂટ બ્રિજની પરંપરા કઈ રીતે જાળવી શકાય એ શીખવે છે.

 તાજેતરમાં જ ભારત સરકારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO-યુનેસ્કો)ને ભલામણ કરી છે કે ૨૦૨૬-’૨૭ની સાઇકલમાં લિવિંગ રૂટ બ્રિજને વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ આપવામાં આવે. આ નૉમિનેશનમાં માનવ અને પ્રકૃતિ વચ્ચેની એકસૂત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે. વાતાવરણમાં આવતા બદલાવ માટે જ્યારે વિશ્વ વિવિધ ઉપાયોની શોધમાં છે ત્યારે જીવંત મૂળિયાંના આ પુલ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કઈ રીતે સાધી શકાય એ વાત વિશ્વને શીખવે છે.

લિવિંગ રૂટ ​બ્રિજને વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ આપવાની ભલામણ કરવામાં આવી છે એ સમાચાર આવ્યાના ત્રણ જ દિવસ પહેલાં મેઘાલય માટે હજી એક મોટા ન્યુઝ આવ્યા હતા. ૨૬ જાન્યુઆરીએ પદ્‍મ અવૉર્ડ્‍સ જાહેર થયા એમાં મેઘાલયના સીજ ગામના હૅલી વારનું નામ પણ સામેલ છે. ૬૯ વર્ષના હૅલી ખેડૂત છે અને અગાઉ ગામના સરપંચ રહી ચૂક્યા છે. પોતાના વડવાઓએ શીખવેલી પદ્ધતિથી જીવંત મૂળના પુલ બાંધવાનું કાર્ય તેમણે ૧૦ વર્ષની ઉંમરે આરંભ્યું હતું. તેમનો ઉમકાર લિવિંગ રૂટ બ્રિજ જોવા હજારો લોકો આવે છે. તેમના દ્વારા મેઘાલયના ઇકો-ટૂરિઝમને મળેલા વેગને તો ત્યાંના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ પણ નોંધ લઈને વખાણ્યો છે.

હૅલી વાર કહે છે, ‘૧૦ વર્ષની ઉંમરે મારા દાદાએ મને ઉમ્મુનોઈ નદી પાસે લિવિંગ રૂટ બ્રિજ દેખાડ્યો. અન્ય સ્થળે ઝરણાં વળોટવાનો ગામવાસીઓનો સંઘર્ષ પણ મારી નજર સામે હતો. મારા દાદાએ સમજ આપી કે કઈ રીતે આ મૂળિયાં વીસ-પચીસ વર્ષે એવાં મજબૂત બની જાય કે ગામવાસીઓ એના પરથી નાની નદી કે ઝરણાની પેલે પાર આવ-જા કરી શકે.’

હૅલી વારને એ પણ જાણ હતી કે આ કાર્યના આરંભ પછી વીસ-પચીસ વર્ષે બીજી પેઢીને જ એનો ફાયદો થશે. હૅલીના કેટલાય મિત્રો ગામને આવજો કહીને શહેરમાં નોકરી કરવા જતા રહ્યા, પણ પ્રકૃતિપ્રેમી હૅલીએ ગામ ન છોડ્યું.

 ૫૦ વર્ષ અગાઉના સમયને યાદ કરતાં હૅલી કહે છે, ‘મને સોપારી, નાગરવેલનાં પાન, કાળા મરી વગેરેના બગીચાની દેખભાળમાં બાળપણથી રસ. સ્કૂલ જવા માટે મને તક હતી, પણ ખેતીવાડીની દેખરેખ રાખવા માટે સ્કૂલ મેં છોડી દીધી.’

 હૅલીને પદ્‍મશ્રી મળ્યાની જાહેરાત બાદ શિલૉન્ગનાં પત્રકાર રિલિંડા હૅલીને મળવા સીજ ગામ સુધી પહોંચી ગયાં હતાં. ૨૦ ઘરની વસ્તીવાળું નાનુંસરખું આ ગામ સોપારીનાં વૃક્ષો, વિવિધ ફૂલો તથા ગીચ ઝાડીથી ઘેરાયેલું છે. ગામથી ૧૦ મિનિટ જંગલમાં ચાલ્યા બાદ ઉમકાર લિવિંગ રૂટ બ્રિજ સુધી હૅલી રિલિંડાને લઈ ગયા. રિલિંડાની સામે જે પુલ હતો એ કૉન્ક્રીટનો નહીં પણ હૅલીની પચાસ વર્ષની મહેનત તથા જાળવણી દ્વારા ઊભો થયેલો લિવિંગ રૂટ બ્રિજ હતો. આ બ્રિજ જેનાથી બન્યો છે એ રબરનાં વૃક્ષો હૅલીના વડવાઓએ ઉગાડ્યાં હતાં.

 મેઘાલયના આ લિવિંગ રૂટ બ્રિજ ફક્ત અવરજવરનું સાધન જ નથી; પ્રકૃતિ પાસેથી જ મેળવેલા ઇકો-એન્જિનિયરિંગના જ્ઞાન, પ્રાકૃતિક સમતુલા અને પ્રકૃતિ પરના અતિક્રમણને બદલે એની સાથેના સાયુજ્યનું ઉત્તમ ઉદાહરણ છે.

- સંજય પંડયા

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK