કેદારનાથ યાત્રાના પ્રથમ દિવસે જ પપ્પાને હાર્ટ-અટૅકમાં ગુમાવનારો વડોદરાવાસી ટૂર-ઑપરેટર થઈ ગયો હેરાનપરેશાન
હેમંત માળી
હિમાલયમાં કેદારનાથની પવિત્ર યાત્રા શરૂ થઈ છે ત્યારે યાત્રાના પહેલા જ દિવસે ગુજરાતથી દર્શન કરવા ગયેલા એક શ્રદ્ધાળુનું હાર્ટની તકલીફને કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા યાત્રીની ડેડ-બૉડી નીચે લઈ જવા માટે પરિવારજનોને ભારે તકલીફ પડી હતી. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ દિલીપ માળી હોવાનું જાણવા મળ્યું છે. પપ્પાના અવસાનથી વ્યથિત થયેલા દીકરા હેમંત માળીએ સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. પિતાની ડેડ-બૉડી બે કલાક તડકામાં પડી રહી પણ તેને નીચે લઈ જવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી અને હેલિકૉપ્ટરની સેવા પણ ન મળી એવા આક્ષેપ સાથેનો આક્રોશ પુત્રએ વ્યક્ત કર્યો હતો.
પપ્પાના અચાનક થયેલા અવસાનથી આઘાતમાં સરી પડેલા દીકરાએ સ્થાનિક તંત્ર પાસે મદદ માગી હતી, પરંતુ મદદ ન મળી એવો આક્ષેપ કરતા પુત્રનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં હેમંત માળીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘વડોદરામાં હું ત્રિમૂર્તિ ટૂર્સ ઍન્ડ ઍડ્વેન્ચર્સના નામે ટૂર-ઑપરેટર છું. કેદારનાથ યાત્રામાં હું મારાં મમ્મી-પપ્પા સાથે આવ્યો હતો. સવારે મારા પપ્પાને હાર્ટનો ઇશ્યુ થયો અને તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા. ૧૦૦ નંબર પર મેડિકલ-ટીમને બોલાવી, પણ દોઢ કલાક સુધી કોઈ ન આવ્યું એટલે પપ્પાને પિઠ્ઠુ પર બેસાડીને હૉસ્પિટલ લઈ ગયો અને ત્યાં તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મેડિકલ ટીમે કહ્યું કે હેલિપૅડથી તમને નીચે પહોંચાડશે. બે કલાકથી ડેડ-બૉડી તડકામાં પડી રહી. અહીંના ચીફ મિનિસ્ટર સાથે પણ વાત કરી. તેમણે અડધો કલાક રાહ જોવાનું કહ્યું. ચીફ મિનિસ્ટરને હેલિકૉપ્ટર મળે તો ડેડ-બૉડી માટે કેમ નહીં? મારે ડેડ-બૉડી ગુજરાત લઈ જવાની છે ત્યાં સુધી ડેડ-બૉડીની હાલત શું થશે? મારે DGCAને વાત કરવી છે કે ગયા વર્ષે કેટલાક લોકોનાં મૃત્યુ થયાં હતાં ત્યારે તેમને નીચે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. તો આ વર્ષે નિયમમાં બદલાવ કેમ કર્યો? આ નિયમ કર્યો તો જાહેર કરવો જોઈએ.’
