ખંડીય અથડામણો અને જ્વાળામુખીઓના વિસ્ફોટને કારણે આશરે ૫૦ કરોડ વર્ષ પહેલાં પૅસિફિક મહાસાગરના પેટાળમાંથી ન્યુ ઝીલૅન્ડનું સર્જન થયું અને આ દેશ ઉદ્ભવ્યો. સતત ચાલતાઆવા જ એક દબાણને કારણે આશરે ત્રણ કરોડ વર્ષ પહેલાં વાયટૉમોની ગુફાઓનું નિર્માણ થયું
શ્રી કુદરત શરણમ્ મમ
તમાકી ગામનું પરંપરાગત ઘર ફારેહ (Far-eh)
આજે રોટોરુઆ છોડવાનું હતું, પરંતુ એ પહેલાં અમારી હોટેલથી બે જ મિનિટના અંતરે આવેલા એક સ્થળની મુલાકાત લેવાની હતી. આ પણ એક અનોખો અનુભવ બની રહેવાનો હતો. તદ્દન અલગ. ન્યુ ઝીલૅન્ડના મૂળભૂત વતનીઓ માઓરીઓની સંસ્કૃતિ જાણવાનો-પિછાણવાનો અનુભવ લીધા વગર કેમ ચાલે? આપણા ભારતમાં જ કેટકેટલી સંસ્કૃતિઓ વસે છે, ધબકે છે. એવી જ રીતે દરેકેદરેક દેશની, પ્રદેશની પણ પોતાની આગવી ઓળખ હોય છે. આ ઓળખ એટલે અહીં ધબકી રહેલી તેઓની સંસ્કૃતિ, સમાજના રીતરિવાજ વગેરે વગેરે.
આખાયે પ્રવાસ દરમ્યાન માઓરી શબ્દ એટલી બધી વાર વાંચ્યો હતો, સાંભળ્યો હતો કે આ ટાપુઓની મૂળભૂત સંસ્કૃતિ વિશે જાણવાની ઉત્સુકતા જાગે જ જાગે. તેઓની સામાજિક વ્યવસ્થા, ઉત્ક્રાન્તિ અને વિકાસ વિશે જાણવાની ઉત્કંઠા તો રહેવાની જને? વળી અમે મધ્ય ન્યુ ઝીલૅન્ડમાં હતાં, રોટોરુઆમાં જ્યાં માઓરી સંસ્કૃતિ પૂર્ણ રૂપે ઝળકી રહી હતી. જગ્યાનાં અને વાનગીઓનાં નામમાં બધે જ જાણે માઓરી સંસ્કૃતિનો દબદબો હતો. એટલે જ જ્યારે માઓરીના ગામ વિશે જાણ્યું, પ્રવાસીઓ માટેના ખાસ ‘ડિઝાઇનર’ કાર્યક્રમની ખબર પડી ત્યારે નક્કી કરી જ નાખ્યું કે આ એક કલાકનો કાર્યક્રમ પતાવીને પછી જ રોટોરુઆ છોડીશું. સમગ્ર રોટોરુઆનાં ઘણાં ગામોમાં આવા કાર્યક્રમનું આયોજન ચાલતું જ હોય છે. થોડાં નામ ગણાવું; મિતાઈ માઓરી વિલેજ, વ્હાકારેવારેવા માઓરી વિલેજ, તમાકી માઓરી વિલેજ વગેરે વગેરે. બધા જ કાર્યક્રમની રૂપરેખા લગભગ સરખી જ હતી, પરંતુ સમયની બચત માટે અને બે મિનિટના અંતરે આવેલા હોવાથી તમાકી માઓરી ગામની પસંદગી કરી. એ પસંદગી સફળ પણ નીવડી.
ADVERTISEMENT
તમાકીનો અનુભવ અહીંના પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય નીવડ્યો છે. અમારે આજે સાંજે અથવા રાતે ઑકલૅન્ડ પહોંચવાનું હતું. રોટોરુઆથી ઑકલૅન્ડનું અંતર છે લગભગ ૩૫૦ કિલોમીટર, એટલે કોઈ ઉતાવળ કે હાયવોય કરવાની જરૂર જ નહોતી. અમારે આ ગામના પાદરે પહોંચવાનું હતું, જેને તેઓ ગેધરિંગ સેન્ટર પણ કહે છે, ૧૨ વાગ્યે. બધાએ જમી લીધું અને મોડામાં મોડું બે વાગ્યે રોટોરુઆ છોડવાનું નક્કી કર્યું. ઑકલૅન્ડ પહોંચતાં પહેલાં એક વધુ સ્થળની મુલાકાત અમારે લેવાની હતી. બધા ફટાફટ તૈયાર થઈ ગયા અને પોણાબારે જ પાદરે પહોંચી ગયા.
આગળ લખ્યા મુજબ રોટોરુઆ જંગલોથી ઘેરાયેલું છે અને આ તમાકી ગામ ‘તાવા’ નામના જંગલમાં વસેલું છે. અહીં અલગ-અલગ માઓરી ગામ અલગ-અલગ જંગલોમાં વસેલાં છે એમ કહી શકાય. આ દરેક ગામ છેલ્લાં લગભગ ૨૦૦ વર્ષથી પ્રવાસીઓને આ સંસ્કૃતિથી વાકેફ કરવામાં પ્રવૃત્ત છે. અહીંનું સૌથી જૂનું માઓરી ગામ છે ઈસવી સન ૧૩૨૫માં સ્થાપિત થયેલું વ્હાકારેવારેવા નામનું ગામ. છેને વિચિત્ર નામ? આવાં જ નામ હોય છે આ માઓરી ભાષામાં. આ નામ ભલે લાંબું લાગે, પરંતુ યાદ રાખવામાં સરળ છે. આનું કારણ છે આપણી ગુજરાતી ભાષા. આમ તમે Whakarewarewa વાંચો તો મૂંઝાઈ જાઓ, પરંતુ જો તમે આ આખા શબ્દને ત્રણ ભાગમાં તોડી નાખો તો ખૂબ જ સરળ થઈ જાય. પહેલો તોડ વ્હાકા પર લઈ લો, બીજો રે અને ત્રીજો વાહ રે વાહ એમ યાદ રાખો તો સરળ છે, વ્હાકા રે વારેવા. મારો આવો જ અનુભવ સ્વિસ જર્મન નામમાં પણ છે. અંગ્રેજી ભાષામાં પણ ખરા અને હવે આ જ અનુભવ આ માઓરી ભાષામાં પણ કામ આવ્યો. સ્થાનિક ઉચ્ચારણમાં કદાચ ફરક આવે, પરંતુ કામચલાઉ ઉપાય મળી જાય ખરા. આ આખા પ્રવાસમાં, ખાસ કરીને માઓરી ભાષામાં આવી તોડમરોડ ઘણી કામ આવી અને ગમ્મત પણ થાય. સમૃદ્ધ ગુજરાતી... સદાકાળ ગુજરાતી.
આગળ વધીએ. અમને બસમાં બેસાડવામાં આવ્યાં અને થોડી જ વારમાં અમે ગામને આંગણે ઊતર્યાં. લાકડાની ભડકામણી કમાનો, ઘેરા લાલ રંગે રંગાયેલી કમાનો ખાસ પ્રવાસીઓને આકર્ષવા માટે જ બનાવવામાં આવી હતી. વ્હાકારેવારેવા ગામ સદીઓ જૂનું મોટું ગામ છે, જ્યારે આ તમાકી ગામ ઈસવી સન ૧૯૮૯માં બે માઓરીભાઈઓએ બનાવ્યું છે, ખાસ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને. એટલે આ ગામ પેલા સદીઓ જૂના ગામની સરખામણીએ વધુ સુઘડ, સાંસ્કૃતિક અને પ્રમાણમાં નાનું છે. હજી આ કમાનો અને ભડકામણો લાલ રંગ ગળે ઊતરે ત્યાં તો નાનકડા જળાશયમાં એક નાની નક્કર લાકડાની બનાવેલી નાની નૌકા-નાવડી દેખાઈ. અંગ્રેજીમાં આવી નાવડીને એટલે કે હોડકાને કહનુ (Canoe) કહેવાય છે. તરાપા અને પહોળી હોડીની સરખામણીએ કહનુ સાંકડી અને નાની હોય છે, પાંચેક માણસો બેસી શકે એવી. પરંપરાગત માઓરી કપડાં પહેરેલા, ચીતરેલા મોઢાવાળા પાંચ ઇંચ ઊંચા ખડતલ માઓરીઓ અમને આવકારવા આવ્યા હતા. આ મૂળભૂત નિવાસી એટલે કે માઓરીઓ પૉલિનેશિયન્સ પણ કહેવાય. પૉલિનેશિયા એટલે પૅસિફિક મહાસાગરનો મધ્ય દક્ષિણી ભાગ, જેમાં લગભગ ૧૦૦૦ ટાપુઓનો સમૂહ છે. આ ત્રિકોણના દક્ષિણ છેડે ન્યુ ઝીલૅન્ડ છે, ઉત્તર છેડે હવાઈ ટાપુઓ છે અને પૂર્વમાં ઈસ્ટર ટાપુઓ છે. આ બધા ટાપુઓના મૂળભૂત નિવાસીઓ હજારો વર્ષોથી અહીંતહીં સ્થળાંતર કરી કરીને આ વિશાળ વિસ્તારમાં વસી ગયા છે પરંતુ તેઓના વડવાઓ તો કોઈક ને કોઈક રીતે સંકળાયેલા હતા. બધા પૉલિનેશિયન્સ ઊંચા, ખડતલ અને ઘઉંવર્ણા હોય છે. આફ્રિકાના મૂળ વતનીઓ જેવા શ્યામ નહીં, પરંતુ કદ, કાઠી અને ત્વચાના રંગને હિસાબે અલગ પડે છે. આ બધી પૉલિનેશિયન સંસ્કૃતિઓના ઘણા જ રિવાજો એકબીજાને મળતા આવે છે એ વધુ જાણ ખાતર. આ મૂળિયાંઓની વાત ફરી ક્યારેક. આગળ વધીએ.
માઓરી ગામમાં અમારું આવું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. તેઓનો જે નેતા હતો તેણે અમારા જૂથમાંથી એક નેતા નક્કી કર્યો અને તેની સાથે નાક અને ખભા ઘસીને અભિવાદન કર્યું. રિવાજોની સમજણ આપી, ગામની સફર કરાવી, વચ્ચે-વચ્ચે અંગ્રેજી અને માઓરી ભાષાનાં વિશિષ્ટ ઉચ્ચારણો દ્વારા રમૂજની છોળો ઉડાડતો રહ્યો. અમને તેઓનાં પાંચ ઘર પણ દેખાડ્યાં. ઘરને માઓરીમાં ફારેહ (far-eh) કહે છે. સદીઓથી અહીંના નિવાસીઓ અહીંની ભૌગોલિક વિશિષ્ટતાઓનો ફાયદો ઉઠાવતા રહ્યા છે. રસોઈ કરવા માટે તેઓને બળતણની જરૂર જ નથી. કોઈ પણ વાનગી બનાવો, જમીનમાં ખાડો ખોદીને ગરમ ધરતીની કૂખમાં વાસણ ગોઠવી દો અને જુઓ કમાલ. થોડા સમયમાં ગરમ-ગરમ ખાવાનું તૈયાર. આપણે ત્યાં મણિકરણમાં ઘણા વાચકોએ સ્થાનિક લોકોને બટાટા, ચોખા બાફતા જોયા જ હશે. અહીં પણ અદ્દલોદ્દલ આવું જ છે. આ પ્રક્રિયાને તેઓ હાંગી (Hangi) કહે છે. અમારા માટે પણ તેઓએ આ પ્રક્રિયાથી ભોજન બનાવ્યું. શાકાહારીઓ માટે અલગ અને માંસાહારીઓ માટે અલગ. હાંગી પ્રક્રિયા છે. ભોજનને માઓરીમાં કાય (Kai) કહે છે. એટલે અમે ફારેહ જોયા, હાંગીથી બનાવેલા કાયને ન્યાય આપ્યો. હવે વારો હતો વિદાય લેવાનો.
વાચકમિત્રો, માઓરીઓમાં શૌર્ય, વીરતાનો ખૂબ જ પ્રભાવ હોય છે. એમ કહી શકાય કે ઝનૂન, શૌર્ય માઓરીની નસનસમાં વહે છે અને આ લક્ષણ પ્રદર્શિત કરવાનો તેઓ પાસે એક અનોખો રિવાજ છે. એક લાક્ષણિક નૃત્ય અને ગીત અને એ પણ મુખ પર ખૂબ જ તીવ્ર હાવભાવ દ્વારા. આને હાકા કહે છે અને આ હાકા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલું બધું પ્રખ્યાત અને લોકપ્રિય છે કે હાકા જોવાવાળાને પણ એક પ્રકારનો નશો ચડી જાય છે. રોમેરોમ જોમ ફેલાઈ જાય છે. હાકા જોવા હોય તો યુટ્યુબમાં જોઈ લેજો, મજા પડી જશે. રમતગમતમાં, સાંસ્કૃતિક જલસાઓમાં, અરે રાજકારણમાં પણ ન્યુ ઝીલૅન્ડની સંસદમાં હાકા જોવા મળે છે. આ માઓરીઓનું આગવું લક્ષણ છે. અમને પણ હાકા દ્વારા વિદાય આપી.
ફરી નાક અને માથું રગડ્યાં અને કિયા ઓરા કરીને બધાં છૂટાં પડ્યાં. કિયા ઓરા એટલે સામેવાળા માટે સંપન્ન હૃદયપૂર્વક શુભની કામના કરવી. નક્કી કર્યા પ્રમાણે અમે આ અનોખો અનુભવ લઈને બરાબર પોણાબે વાગ્યે રોટોરુઆ છોડ્યું. હવેનો પડાવ હતો ૧૪૦ કિલોમીટર પછી અને આ સ્થળને લઈને અમે બધા ખૂબ જ ઉત્સાહિત હતા. આ સ્થળ ન્યુ ઝીલૅન્ડના પ્રવાસમાં ‘મસ્ટ ડુ’ માટેની પ્રવૃત્તિઓમાં ચોથા નંબરે આવે છે. આ આખી દુનિયામાં એકમાત્ર કહી શકાય એવું ગજબનાક સ્થળ છે, જે કુદરતી ચમત્કારની કદાચ ચરમસીમા કહી શકાય એટલું વિશિષ્ટ છે. આ અભૂતપૂર્વ ગાથા ભૂગોળ, જીવશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, જળવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર જેવાં અનેક કુદરતી પરિબળોનો સુભગ સમન્વય બની રહે છે. ઇન્ટરનેટ પર જેટલા પણ ફોટો જોયા હતા, વિડિયો જોયા હતા એ બધું જ અમારી ઉત્કંઠામાં, રોમાંચમાં વધારો કરી રહ્યું હતું અને આખરે એ દિવસ એટલે કે આજનો દિવસ આવી ગયો, જ્યારે આ બધું જોયેલું અને જાણેલું પ્રત્યક્ષ અનુભવવાનું સપનું સાકાર થઈ રહ્યું હતું.
અમારી વૅન અને એના કરતાં પણ તીવ્ર ગતિથી અમારાં મન આ સ્થળની દિશામાં ભાગી રહ્યાં હતાં. વાચકમિત્રો, વધારે રહસ્ય ન ઘોળતા, આ સ્થળનું નામ લખી નાખું છું અને એની પાછળના અભૂતપૂર્વ કુદરતી સંયોગોની પણ વાત લખું છું. કરોડો વર્ષોથી સતત ચાલી રહેલી ખંડીય અથડામણો અને જ્વાળામુખીઓના વિસ્ફોટને કારણે આશરે ૫૦ કરોડ વર્ષ પહેલાં પૅસિફિક મહાસાગરના પેટાળમાંથી ન્યુ ઝીલૅન્ડનું સર્જન થયું અને આ દેશ ઉદ્ભવ્યો. આ દબાણ સતત ચાલુ જ રહે છે એ તો બધાને જાણકારી છે જ. આવા જ એક દબાણને કારણે આશરે ત્રણ કરોડ વર્ષ પહેલાં વાયટૉમોની ગુફાઓનું નિર્માણ થયું. ચૂનાના પથ્થરોની બનેલી આ ગુફાઓનું માળખું અસ્તિત્વમાં આવ્યું. જગતઆખામાં ચૂનાના પથ્થરોની ગુફાઓ જ્યાં-જ્યાં પણ છે એ ગુફાઓ સાગર-મહાસાગરમાંથી જ ઉદ્ભવેલી ગુફાઓ છે. ભલે પછી એ થાઇલૅન્ડ હોય કે આપણા મહાન ભારતનું મેઘાલય હોય. આ ગુફાઓના નિર્માણમાં દરિયાના જીવો અને ખારું પાણી મોટો ભાગ ભજવે છે એ નિર્વિવાદ સત્ય છે. ન્યુ ઝીલૅન્ડના આ વાયટૉમો પ્રદેશમાં લગભગ ચૂનાના પથ્થરોની ૩૦૦ ગુફાઓ આવેલી છે, જેની જાડાઈ કોઈ-કોઈ જગ્યાએ તો ૬૦૦ ફુટ જેટલી છે. જ્યારે કોઈ પણ કારણસર કોઈ ભૂખંડ દરિયામાંથી ઉદ્ભવે ત્યારે આખેઆખા પહાડો જ ખારા પાણીની બહાર આવે છે અને શરૂ થાય છે કુદરતી ચમત્કારોની શૃંખલા. આ ખરેખર રસપ્રદ છે. આવા ચૂનાના પથ્થરના બનેલા પર્વતો પર જ્યારે વરસાદનું મીઠું પાણી વરસે ત્યારે પાણી એની આદત મુજબ નીચે જવાનો રસ્તો શેધી જ લે છે. નીચે જતી વખતે આ પાણી પર્વતોનાં પોલાણોનો ઉપયોગ કરે છે અને પછી જમીન તરફ ગતિ કરે છે. માઓરી ભાષામાં વાય (Wai) એટલે પાણી અને ટૉમો (Tomo) એટલે પોલાણ અથવા કાણું. એકદમ જ અર્થસભર નામ.
ચૂનાના પથ્થરો સતત વહેતા પાણીના પ્રવાહથી ઘસાય અને આ પ્રક્રિયામાં ક્યાંક વધારે ઘસાય તો વળી ક્યાંક ઓછા. આ વધુ ઓછા ઘસારાને કારણે પોલાણના અલગ-અલગ આકાર બદલાય અને વત્તાઓછા અંશે ગુફાઓ રચાય છે. સતત મીઠા પાણીના સંપર્કમાં આવતાં પર્વતોમાંનો ચૂનો અને મીઠું ઓગળે છે અને પાણી સતત આ પહાડોને કોતરતું રહે છે. વધુ પડતો તીવ્ર વરસાદ અને પાણીનો મોટો જથ્થો ક્યારેક કોઈ ઝરણાંનું કે વળી ક્યાંક-ક્યાંક ભૂગર્ભ નદીનું રૂપ પણ ધારણ કરે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ જ રહે છે. ગુફાઓની છતમાં ચૂનાના પથ્થરોની અનેક અણિયાળી નલિકાઓ સર્જાય છે. જાણે ઊંધી લટકતી બાણશૈયા જોઈ લો. આવાં બાણો પર સરકતાં રહેતાં જળબિન્દુઓ કાં તો જમીન પર પડે છે અથવા બાણો પર જ એનું બાષ્પીભવન થઈ જાય છે. ચૂનાની આવી લટકતી શિખાઓને સ્ટૅલેકટાઇટ (Stalactite) કહે છે, જે દર હજાર વર્ષે ફક્ત ૧૦ સેન્ટિમીટર જેટલી જ નીચે તરફ વધે છે. આનાં મુખ્ય કારણો બાષ્પીભવન, ઘસારો. આ બધાં પરિબળો પણ અહીં ખૂબ મોટો ભાગ ભજવે છે. પાણીનો જોરદાર પ્રવાહ તો આવા નિર્માણ થવા જ નથી દેતો. આ સિવાય આ સ્થિતિમાં એક હજી અજાયબી આકાર લે છે. છતની શિખાઓમાંથી ચૂના અને મીઠાયુક્ત પાણી જે નીચે ટપકે છે એ જમા થાય છે અને એ પણ ઉત્તરોત્તર ઊંચાઈ ધારણ કરે છે. આ નીચેથી ઉપર તરફ જે વધે છે એને કહેવાય છે સ્ટૅલેગમાઇટ (Stalagmite). પહેલા નામમાં સી આવે છે જે અંગ્રેજીમાં સીલિંગ દર્શાવે છે અને આ બીજા આકારના નામમાં જી આવે છે, જે અંગ્રેજીમાં ગ્રાઉન્ડ દર્શાવે છે. આ બન્ને આકાર હજારો વર્ષો સુધી કોઈ અવરોધ ન સર્જાય તો એકબીજાને મળી જાય છે, ભળી જાય છે, વીંટળાઈ વળે છે અને એક અખંડ પાતળી ચૂનાના પથ્થરની લાકડીઓ સર્જાય છે એને વળી હેલિકટાઇટ ( Helictite) કહે છે. છેને કુદરતની કાબિલે-તારીફ કરામત!
હવે વાયટૉમોના સંદર્ભમાં આ જાણીએ. તો એવું છે કે આ ગુફાઓમાં આવાં અનેક બંધારણ જોવા મળે છે. ક્યાંક છતથી નીચે ઊતરી રહ્યાં છે, ક્યાંક નીચેથી છત તરફ વધી રહ્યાં છે, તો ક્યાંક વળી ઊભી લાકડીઓ પણ રચાયેલી જોવા મળે છે. આ બધું દુનિયા સમક્ષ આવ્યું, એટલે કે આ ગુફાઓ દુનિયા સમક્ષ આવી ફક્ત ૧૪૦ વર્ષો પહેલાં, ઈસવી સન ૧૮૮૪માં, જ્યારે બે અંગ્રેજ સર્વેયર્સ અને એક સ્થાનિક માઓરી આગેવાન અહીં આ પ્રદેશનું સર્વેક્ષણ કરી રહ્યા હતા. આ મહાન શોધકર્તાઓનાં નામ શ્રીમાન લૉરેન્સ કુસેન, ફ્રેડ મેઇસ અને ટેન ટીનોરા હતાં, જેમાં આ ટીનોરાસાહેબ માઓરી હતા. આ લોકોએ ઈસવી સન ૧૮૮૪માં આ ગુફાઓનું પ્રવેશદ્વાર શોધી કાઢ્યું અને ઈસવી સન ૧૮૮૭, ૧૮૮૮માં ફરી આ જગ્યાનું ખૂબ જ ઊંડાણપૂર્વક સર્વેક્ષણ કર્યું. આ બીજી વખતે ફ્રેડ અને ટીનોરા એ બે જણ જ હતા. તેઓ આ ગુફાની ભવ્યતા જોઈને ઘેલા-ઘેલા થઈ ગયા હતા. વાચકમિત્રો, આ શોધ કોઈ અગોચર ભૂમિ, કોઈ અજાણ્યા ભૂખંડની શોધ કરતાં કોઈ પણ રીતે ઊતરતી નહોતી. આખેઆખું ગુફાઓનું માળખું, અંદર વહી રહેલી નદીઓ, અંદર રચાયેલાં વિશાળ સરોવરો એ એક અજાયબી સમું ભાસતું હશે નહીં? જરા કલ્પના કરી જુઓ, રોમેરોમ ઝંકૃત થઈ ઊઠશે. હજી થોભો, ચરમ હજી બાકી છે. બીજી વખત તો આ બન્ને ઘેલાઓ તરાપો લઈને ગયા હતા અને પાણીના પ્રવાહ સાથે તરાપા પર આ ગુફાઓની સફર આદરી હતી. કેવું અનન્ય સાહસ! આફરીન! હવે આપણા ટેન ટીનોરાસાહેબને તો અહીંનો જાણે નશો ચડી ગયો. તેમણે એકલપંડે ઈસવી સન ૧૮૮૯માં ગુફાની ઉપરના હિસ્સામાં પ્રવેશદ્વાર શોધી કાઢ્યું, જે હજી સુધી એટલે કે ઈસવી સન ૨૦૨૪ સુધી ગુફામાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે. હવે ચરમ આવે છે, ક્લાઇમૅક્સ.
આ ત્રણ વર્ષ દરમ્યાન આ ગુફાઓની અસંખ્ય મુલાકાત થઈ અને આવી જ એક મુલાકાત વખતે તેઓ ગુફાના એક એવા ભાગમાં પહોંચ્યા જે ભાગની છત કોઈ અજબ રીતે ઝળાહળા થઈ રહી હતી. તેમનાં મગજ ચકરાવે ચડી ગયાં. કોઈ ભુતાવળ સમ લાગતું હશે ત્યારે તો. આ ઉપરાંત બીજા એક ભાગમાં આગળ લખ્યું એ સ્ટૅલેકટાઇટ, સ્ટૅલેગમાઇટ અને હેલીકટાઇટનાં બંધારણોનો વિશાળ ભાગ મળી આવ્યો. જાણે કોઈ સ્વર્ગભૂમિ. હવે પાછા ઝળાહળા થતી છત વિશે જાણીએ. ફક્ત ન્યુ ઝીલૅન્ડની ગુફાઓમાં અને ઘનઘોર જંગલોમાં મળી આવતા વિશિષ્ટ પ્રકારના આગિયાઓની આ સૃષ્ટિ છે. આ આગિયાઓની પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ છે અરાક્નોકૅમ્પા લ્યુમિનોસા (Arachnocampa Luminosa). અહીં ફરી ગુજરાતી ભાષાની મદદ લઈએ. તોડીએ. ઉચ્ચાર થાય છે અરાકનો કૅમ્પા લ્યુમિનોસા, જેમાં લ્યુમિનોસા ચળકાટ દર્શાવે છે. આ પ્રજાતિને અંધારું અને વધુ પડતો ભેજ માફક આવે છે. આ સેન્ટરમાં આવેલી ડૉક્યુમેન્ટરી અને સાહિત્યના અભ્યાસ પછી સમજાયું કે આ પ્રજાતિ આવી ગુફાઓની છત પર પહેલાં ઈંડાં મૂકે છે. આ ઈંડાનું પારદર્શક આવરણ અંધારામાં ચળકે છે. એની અંદરનો જીવ આ કોશેટા એટલે કે આવરણ સાથે જ હલનચલન કરે છે અને આવરણ ભેદીને બહાર આવ્યા પછી બીજી જીવાતોનો શિકાર કરવા પોતાના શરીરમાંથી ચીકણા પ્રવાહીના રેસાઓ છતેથી લટકાવે છે. આ ચીકણું પ્રવાહી પણ ચળકાટ ધરાવે છે. આ ચળકાટ કોઈ ગેબી દૈવી ચમક ધરાવે છે. લાખો આગિયાઓ દ્વારા રચાતું, ફ્લોરોસન્ટ બ્લુ રંગનો ચળકાટ ધરાવતું આ ચીકણું પ્રવાહી છત પરથી પ્રકાશની લડીઓ થઈ લટકે છે અને સમગ્ર વિસ્તારને એક સુંદરતા બક્ષે છે. ગુફાઓ જંગલો જીવિત થઈ ઊઠે છે અને આ ગુફાના મુલાકાતીઓ દિગ્મૂઢ, આશ્ચર્યચકિત અને અચંબિત. અહીં કુદરતનો જયજયકાર છે, પ્રચંડ ઉદ્ઘોષ છે, જે રસિક પ્રવાસીઓને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરે છે. કુદરતને સંપૂર્ણપણે આધીન. સંભળાય છે ફક્ત ગુફાઓમાંથી ઊઠતી એક જ ગુંજ, એક જ હલક. શ્રી કુદરત શરણમ્ મમ. વાયટૉમો ગુફાઓના અમારા અનુભવની વાતો અને ઑકલૅન્ડમાં પ્રવેશ આવતા અઠવાડિયે.