Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

કેવું છે પોખરા?

24 March, 2024 07:45 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

નેપાલ સરકારે પોખરાને દેશનું નવું ટૂરિઝમ કૅપિટલ જાહેર કર્યું છે ત્યારે જાણીએ એના વિશે વિગતવાર

સુંદર પોખરા

સુંદર પોખરા


અનેક વિવિધતાઓને સમાવીને જીવી રહેલું એક એવું સ્થળ જ્યાં દરેક પ્રવાસી માટે જિંદગીને ઊજવવાનો કોઈક ને કોઈક બેનમૂન વિકલ્પ છે. ધાર્મિક પ્રવાસીઓ, નિરાંતની ક્ષણ માણવા માગતા સહેલાણીઓ, કુદરતી સંપદા વચ્ચે જીવ્યાનો અહેસાસ મેળવવા માગતા પ્રવાસીઓ અને સાહસ શોધનારા પ્રવાસીઓ એમ દરેકને ખુશ કરી શકે એવું ઘણુંબધું પોખરા પાસે છે. નેપાલ સરકારે પોખરાને દેશનું નવું ટૂરિઝમ કૅપિટલ જાહેર કર્યું છે ત્યારે જાણીએ એના વિશે વિગતવાર


૧૭ માર્ચનો દિવસ નેપાલ માટે એક ઉત્સવનો દિવસ બની રહ્યો. નેપાલનો ભારત સાથેનો સંબંધ ખૂબ જૂનો છે. સંસ્કૃતિથી લઈને સાંસ્કૃતિક વારસા સુધીની અનેક બાબતોમાં ભારત અને નેપાલ લગભગ સાથોસાથ રહ્યાં છે. એક દૃષ્ટિએ જોવા જઈએ તો નેપાલ અને ભારત દેશ એકબીજાના વેવાઈ થાય. ભગવાન રામચંદ્રજીનું સાસરું એટલે કે સીતામાતાનું પિયર જનકપુરી નેપાલમાં જ તો છે. વળી પશુપતિનાથ મહાદેવ પણ તો નેપાલના કાઠમાંડુમાં જ બિરાજ્યા છે. એ જ નેપાલની સરકાર દ્વારા ગઈ ૧૭ માર્ચે પોખરાને પોતાના દેશના નવા ટૂરિઝમ કૅપિટલ તરીકે જાહેર કરવામાં આવ્યું.



ઘટના કંઈક એ રીતની છે કે ૧૭ માર્ચે નેપાલના બારાહી ઘાટ ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન થયું હતું. આ સમારોહની ઉજવણી દરમ્યાન નેપાલની સરકારે આ બાબતે સત્તાવાર જાહેરાત કરી. નેપાલના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડા’ની અધ્યક્ષતા હેઠળ આ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નેપાલના અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક દર્શાવતા અનેક પ્રખ્યાત કલાકારોએ ભાગ લીધો હતો. સંગીતના રંગારંગ કાર્યક્રમ સ​હિત લોકનૃત્ય અને બીજા અનેક કાર્યક્રમોની આ સમારોહમાં રજૂઆત થઈ અને સરકારના


પ્રતિનિધિ તરીકે વડા પ્રધાન પુષ્પ કમલ દ્વારા કહેવામાં આવ્યું કે નેપાલની સરકાર ‘પોખરા’ને નવા ટૂરિઝમ કૅપિટલ તરીકે વિકસાવશે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને હિમાલયની સૌથી ઊંચી ચોટી એવા એવરેસ્ટને સર કરવા ઇચ્છતા પર્વતારોહકોના બેઝ-કૅમ્પ સુધી જે સ્થળેથી પહોંચી શકાય છે એ પોખરા હવે નેપાલના નવા ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકેના વાઘા પહેરશે.


બન્યો, બગડ્યો અને બન્યો

એ તો આપણે બધા જાણીએ છીએ કે નેપાલ ભારતની સાથે-સાથે પોતાની આંતરરાષ્ટ્રીય સીમાઓ ચીન સાથે પણ વહેંચે છે. વળી ભારત અને ચીન બન્ને નેપાલ માટે વર્ષોથી એવાં પાડોશી રહ્યાં છે જે નેપાલને અનેક રીતે મદદ પણ કરતાં રહે છે. આથી જ નેપાલ સરકારે જ્યારે પોખરાના વિકાસ માટે ત્યાં કમર્શિયલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે ચીન એની મદદ માટે તરત તૈયાર થઈ ગયું. સ્વાભાવિક છે દોસ્તીના સંબંધ હોવાને કારણે નેપાલને એમાં કોઈ વાંધો પણ નહોતો. ચીને કહ્યું કે પોખરામાં ઍરપોર્ટનું કન્સ્ટ્રક્શન તેઓ કરી આપશે અને નેપાલ એ મદદ માટે રાજી થઈ ગયું. હવે બે દેશો વચ્ચે થયેલા આ કરાર અનુસાર ચીને પોખરામાં બે વર્ષ પહેલાં જ એટલે કે ૨૦૨૨ના જાન્યુઆરી સુધીમાં તો પોખરા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ બનાવીને તૈયાર પણ કરી નાખ્યું. એટલું જ નહીં, નેપાલની સરકારે પણ એક ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ માટે બીજું જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પણ તૈયાર કરવા માંડ્યું. હવાઈ પટ્ટીઓથી લઈને લાઉન્જ અને પાર્કિંગથી લઈને બાકીનાં બધાં જ બાંધકામો પણ આ સમય સુધીમાં પૂર્ણ થઈ ચૂક્યાં હતાં.

પરંતુ ચીન જેવા દેશને આપણે ભારતીયો જેટલા ઓળખીએ છીએ એટલું ક્યાં બીજો કોઈ દેશ ઓળખે જ છે. નેપાલને પણ ચીન સાથેના સંબંધોમાં થોડો તકરારનો માહોલ ઊભો થયો. વાત કંઈક એવી બની કે નેપાલ અને ચીન બન્ને દેશોની સરકારે સહિયારા પ્રયાસ દ્વારા ‘બેલ્ટ ઍન્ડ રોડ’ પ્રોજેક્ટ્સ તરીકે નેપાલમાં કેટલાક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ કરવાના કરારો કર્યા હતા. હવે જ્યારે પોખરાનું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ બનીને તૈયાર થઈ ગયું ત્યારે ચીને કહ્યું કે નેપાલની સરકાર આ પ્રોજેક્ટને તેમના બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટની પહેલ અંતર્ગત ગણી લે. હવે ચીનની આ ઍરપોર્ટ માટેની મનસા હતી કે એ રેગ્યુલર કમર્શિયલ ફ્લાઇટ્સ માટે એનો ઉપયોગ કરે અને નેપાલને એ મંજૂર નહોતું, કારણ કે શ્રીલંકામાં આ રીતે ચાઇનાની દાખલગીરીને કારણે થયેલી હાલતનું ઉદાહરણ નજર સામે હતું. આ વિખવાદ થોડો લાંબો ચાલ્યો અને પરિણામ એ આવ્યું કે ઍરપોર્ટ બનીને તૈયાર હોવા છતાં એનું ઑપરેશન શરૂ થયું નહોતું.

નવી ગળચટ્ટી લૉલીપૉપ દેખાડી

આખરે ચાઇનાએ ફરી એક નવો દાવ ખેલ્યો અને નેપાલ સાથે ‘નેપાલ-ચીન ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડશિપ પાર્ક’ના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો. એ માટે ચીન દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ નેપાલને બની શકે એટલી બધી જ સહાય કરશે અને નેપાલને મેગા ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન કન્ટ્રી બનવામાં મદદ કરશે જેને કારણે રોજગારીની અનેક તકો ઊભી થશે. આ પાર્ક ઉત્તર બંગાળની સરહદના લગભગ ૪૦૦૦ એકર જમીનના ટુકડાથી શરૂ કરીને છેક પૂર્વ નેપાલ સુધી વિસ્તરશે અને પૂર્વ નેપાલમાં ૬૬૦૦ એકરની જમીન સુધી વિસ્તારવામાં આવનારા આ પ્રોજેક્ટ્સમાં અનેક ઉદ્યોગોની સ્થાપના થશે. ૩૨૭ મેગાવૉટના હાઇડ્રો એનર્જી પ્રોજેક્ટ્સ જેવા બીજા અનેક પ્રોજેક્ટ્સ આ ઇન્ડસ્ટ્રિયલ ફ્રેન્ડશિપમાં સાંકળી લેવામાં આવશે. આવતા મહિનાની ૨૯ અને ૩૦ એપ્રિલે નેપાલના કાઠમાંડુમાં યોજાનારી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આ વિશેની ઔપચારિક જાહેરાત કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. ખેર, આ બધાનું પરિણામ એ આવ્યું કે પોખરા એક અલભ્ય પ્રવાસન સ્થળ તરીકે નેપાલના નકશામાં નવી ઓળખ મેળવવા જઈ રહ્યું છે.

પોખરા કઈ રીતે ખાસ?

આ શહેર એની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. ફેવા તળાવના કિનારે આવેલું પોખરા ભવ્ય અન્નપૂર્ણા પર્વતમાળાની અદ્ભુત પૃષ્ઠભૂમિ પર વસેલું છે. બરફથી ઢંકાયેલાં ઉત્તુંગ શિખરો ફેવા તળાવના જળમાં પોતાનું પ્રતિબિંબ પાડી રહ્યાં હોય એ જોવાનો એક અનેરો અનુભવ પ્રવાસીઓને આ શહેર આપે છે. આવા સુંદર તળાવના શાંત જળમાં નૌકાવિહાર કરવા માગતા પ્રવાસીઓથી લઈને સાહસની શોધ કરનારા મુલાકાતીઓ સુધીના બધા પ્રવાસીઓ માટે પોખરા એક પ્રિય મનોરંજનનું સ્થળ બની શકે એવું છે. અન્નપૂર્ણા સર્કિટ અને જોમસોમ ટ્રેક જેવા લોકપ્રિય ટ્રેકિંગ-રૂટ માટે પોખરા પ્રવેશદ્વાર ગણાય છે.

એક દૃષ્ટિએ જોવા જઈએ તો પોખરા અનેક વિવિધતાઓને સમાવીને જીવી રહેલું એક એવું સ્થળ છે જ્યાં દરેક પ્રવાસી માટે જિંદગીને ઊજવવાનો કોઈક ને કોઈક બેનમૂન વિકલ્પ છે. ફેવા તળાવના કિનારે-કિનારે વિસ્તરી રહેલી સ્ટ્રીટ્સ જ્યાં શૉપિંગથી લઈને નાઇટ-લાઇફ પણ મળે તો સાંકડી ગલીઓને ઓળંગીને થોડા આગળ વધો તો એવરેસ્ટના બેઝ-કૅમ્પ સુધી જવાનો રસ્તો પણ જડી જાય. ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને પોતાનામાં સંગોપીને જીવી રહેલા આ શહેરમાં વિંધ્યવાસિની મંદિર પણ છે અને વર્લ્ડ પીસ પગોડા ટેમ્પલ પણ સમૃદ્ધ વારસાની ઝલક આપે છે. પર્વતની એક ટોચે મહાદેવદાદાના વિશાળ શિવલિંગની પ્રતિમા બનાવવામાં આવી છે તો વળી બીજી તરફ બીજી ચોટીની દીવાલ પર ક્યાંક એવી હોટેલ અને રેસ્ટોરાં પણ બનાવવામાં આવી છે જ્યાંથી અપ્રતિમ વૅલી વ્યુ હોય.

જો ધાર્મિક પ્રવાસીઓ, લીઝર ટ્રિપ કરવા માગતા સહેલાણીઓ અને કુદરતી સંપદા વચ્ચે જીવ્યાનો અહેસાસ મેળવવા માગતા પ્રવાસીઓ માટે આટલું બધું હોય તો સાહસ શોધનારાઓ માટે શું? એનો જવાબ પણ પોખરા પાસે છે. પૅરાગ્લાઇડિંગ! વિચાર કરો કે કોઈક પંખીની જેમ તમને પૅરાગ્લાઇડિંગ કરાવી હિમાલયનાં શિખરોની આસપાસ ઊડવાનો મોકો આપે તો? માનો કે તમે એટલા સાહસવીર નથી અને બીજા વિકલ્પ તરીકે તમને કોઈ એમ કહે કે હેલિકૉપ્ટરમાં બેસાડીને તમને હિમાલયની કંદરાઓમાં ઊડવાનો મોકો મળે તો? આ બધું જ પોખરા પાસે છે. ઝિપ-લાઇનિંગ અને ઑફ-રોડ બાઇકિંગ જેવા બીજા રોમાંચક વિકલ્પો તો હજી આપણે ચકાસ્યા જ નથી.

મહાદેવના ભક્તો માટે અતિ દુર્લભ ગણાતાં રુદ્રાક્ષનાં વૃક્ષો સુધી પહોંચવા માટે પણ પોખરા

પ્રવેશદ્વાર છે એમ કહીએ તો ખોટું નથી. આ બધાં જ પરિબળો સાથે નેપાલના સત્તાવાળાઓએ આ જાહેરાત કરવા પહેલાં પોખરા માટે કેટલાક અત્યંત કડક અને ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા હતા. એમાં પ્રવાસીઓની સેફ્ટીથી લઈને પ્રાકૃતિક સંપદા અને કુદરતી સૌંદર્યને કોઈ ખલેલ ન પહોંચે, વળી વાતાવરણ અને પ્રદૂષણની પણ કાળજી લેવાય એવા બધા જ માપદંડો પૂર્ણ કર્યા બાદ આખરે પોખરાને નેપાલની પ્રવાસન રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ટૂરિઝમનો ફાયદો કઈ રીતે?

નેપાલ આમ ભલે એક નાનો દેશ હોય, પરંતુ ભૌગોલિક દૃષ્ટિએ એનું ઘણું મોટું મહત્ત્વ છે. એનું પહેલું કારણ તો એ કે એ ભારત અને ચીન જેવા શક્તિશાળી દેશોનો પાડોશી છે અને મજાની વાત એ કે આ બન્ને દેશો સાથે એને ખૂબ સારા સંબંધો છે. વળી પહાડી દેશ આથી કુદરતી ધનસંપદાના આશીર્વાદ સાથે જીવતો દેશ તો ખરો જ. એમાં પણ નેપાલને મોટામાં મોટો ફાયદો એ છે કે એ હિમાલયની તળેટીમાં વસ્યો છે. આથી વિશ્વભરના પર્વતારોહકો નેપાલ તરફ આકર્ષાયા વિના રહેતા નથી. ટ્રેકિંગથી લઈને ઑફ-રોડ ડ્રાઇવિંગ સુધી અને કુદરતી સૌંદર્યપ્રિય સફરથી લઈને ધાર્મિક પ્રવાસ સુધીના તમામ પ્રકારના ટૂરિઝમ માટે જે કંઈ જરૂરી હોય એ બધું જ નેપાલ પાસે છે.

તમે નહીં માનો પણ નેપાલની કુલ આવકમાં પ્રવાસન દ્વારા થતી આવકનો હિસ્સો ખૂબ મોટો છે. ૨૦૨૦માં કોરોનાને કારણે ઘટી ગયેલા પ્રવાસનમાં ૨૦૨૧ થોડો સુધારો થયો ખરો, પણ ૨૦૨૨માં તો એમાં અધધધ ૧૯૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નેપાલની કુલ આવકમાં ૩૨૬૨ લાખ અમેરિકન ડૉલર જેટલી આવક તો માત્ર ટૂરિઝમને કારણે હતી. એક ધારણા અનુસાર પોખરાને પ્રવાસન હેતુ વિકસાવ્યા બાદ નેપાલની આ પ્રવાસન સેક્ટરથી થતી આવકમાં લગભગ ૧૦૦૦ લાખ ડૉલરનો વધારો થશે એમ કહેવાઈ રહ્યું છે. હાલ નેપાલની કુલ GDPમાં ૮ ટકા કરતાંય વધુ ફાળો ટૂરિઝમનો છે અને પોખરાને ટૂરિઝમ કૅપિટલ બનાવ્યા બાદ આ કૉ​ન્ટ્રિબ્યુશન ૧થી ૧.૫ ટકો વધશે એવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2024 07:45 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK