મુંબઈમાં જાહેર સ્થળોએ ગેરકાયદે બૅનરો લગાવવા બદલ વ્યક્તિઓ અને સંગઠનો સામે પગલાં લેવામાં આવ્યાં છે
પરવાનગી વિના લગાવવામાં આવેલાં બૅનરો BMCએ ઉતારી લીધાં હતાં
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શહેરમાં ગેરકાયદે લાગેલાં બૅનરો પર કડક કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમ્યાન BMCએ ૪૧ બૅનરો દૂર કર્યાં હતાં અને અનેક ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યા હતા. મુંબઈમાં જાહેર સ્થળોએ ગેરકાયદે બૅનરો લગાવવા બદલ વ્યક્તિઓ અને સંગઠનો સામે પગલાં લેવામાં આવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘પરવાનગી વિના ઇલેક્ટ્રિસિટીના થાંભલાઓ પર અને રસ્તાના કિનારે ઘણાં બૅનરો ગેરકાયદે રીતે લગાવવામાં આવ્યાં હતાં. BMCના લાઇસન્સિંગ વિભાગે ગામદેવી, મલબાર હિલ અને ડૉ. ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં અજાણી વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા છે. આ કાર્યવાહી ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ કરવામાં આવી હતી.’
ADVERTISEMENT
પેડર રોડ, પંડિતા રમાબાઈ રોડ, ભુલાભાઈ દેસાઈ રોડ, વાલકેશ્વર, મલબાર હિલ, મૌલાના શૌકત અલી રોડ સહિત અનેક વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. BMCએ નાગરિકોને ટોલ-ફ્રી હેલ્પલાઇન-નંબર ૧૯૧૬ અથવા BMCની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સની જાણ કરવા વિનંતી કરી છે.


