શહેરની વચ્ચોવચ હોવા છતાં કુદરતી સૌંદર્યથી છલકાતું અને સેંકડો અલભ્ય પ્રજાતિઓનાં પક્ષીઓના કલરવથી ગાજતું આ તળાવ મુંબઈનું ઓછું જાણીતું છતાં અમૂલ્ય ઘરેણું છે
લોખંડવાલા લેકની આ તસવીર જોઈને કોઈ કહી શકે કે આ તળાવ મુંબઈની અંદર શહેરની વચ્ચોવચ હોઈ શકે?
અંધેરીનો લોખંડવાલા કૉમ્પ્લેક્સ મુંબઈની ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય જગ્યા છે. શૉપિંગ હબથી લઈને સેલિબ્રિટીઓનો જમાવડો અહીં હોય છે. આ જ વિસ્તારની પાછળ આવેલા બૅક રોડ પર થોડા ચાલો એટલે લોખંડવાલા લેક રોડ આવે અને જેવા એમાં થોડા આગળ ચાલો એટલે મૅન્ગ્રોવ્ઝ દેખાવાનું શરૂ થઈ જાય. મુંબઈમાં રહેતા મોટા ભાગના લોકો માટે લોખંડવાલા લેક નવું નજરાણું છે. ૧૯૮૦ના વર્ષની આસપાસ નિર્માણ થયેલું આ મીઠા પાણીનું તળાવ અનેક ખાસિયતો અને આકર્ષણ ધરાવે છે એટલું જ નહીં, હમણાં છેલ્લા થોડા સમયથી આ તળાવ કેટલાંક કારણસર છાપાંઓની હેડલાઇન પણ બની રહ્યું છે ત્યારે મુંબઈના આ યુનિક સ્થળ એવા લોખંડવાલા લેક વિશે થોડી ડિટેઇલમાં માહિતી મેળવીએ.



