Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > આ ડૉક્ટર કપલને છે ફરવાનો ભારે શોખ

આ ડૉક્ટર કપલને છે ફરવાનો ભારે શોખ

Published : 22 May, 2025 03:08 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

બન્નેએ એકલાં અને ફૅમિલી સાથે દેશ-વિદેશની અનેક યાત્રા કરી છે. તેમણે આટલાં વર્ષોમાં પ્રવાસના જે અનુભવો મેળવ્યા છે એ આપણી સાથે શૅર કરે છે

વિયેટનામનો ગ્લાસ બ્રિજ.

વિયેટનામનો ગ્લાસ બ્રિજ.


બોરીવલીમાં રહેતાં ડૉ. યોગેશ ગાંધી અને ડૉ. પારુલ શાહ  સિનિયર સિટિઝન કપલ છે. બન્ને જનરલ ફિઝિશ્યન છે અને પોતાનાં અલગ-અલગ ક્લિનિક પણ ચલાવે છે એટલે કામમાં વ્યસ્ત રહે છે, પણ એમ છતાં હરવા-ફરવાની વાત આવે ત્યારે સમય કાઢી જ લે છે. બન્નેએ એકલાં અને ફૅમિલી સાથે દેશ-વિદેશની અનેક યાત્રા કરી છે. તેમણે આટલાં વર્ષોમાં પ્રવાસના જે અનુભવો મેળવ્યા છે એ આપણી સાથે શૅર કરે છે


‘મને પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને એને માણવાનો શોખ તો પહેલેથી હતો. એમાં પણ હું પ્રવાસ સંબંધિત પુસ્તકો અને છાપાના લેખો વાંચતો ત્યારે મને ટ્રાવેલ કરવાની તીવ્ર ઇચ્છા થતી. હું તો છાપામાં આવતા લેખોનું કટિંગ એક બુકમાં ચોંટાડીને રાખતો. ભારતનાં રાજ્યોના હિસાબે મેં અલગ-અલગ બુક પણ બનાવી રાખેલી એટલે ભવિષ્યમાં ફરવાનું થાય ત્યારે એ બુકમાં ચોંટાડેલા લેખો જોઈ શકાય. એ પછી ભણીગણીને મેં જેવી કારકિર્દી બનાવી લીધી, પરણી ગયો એ પછીથી દેશમાં ફરવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ૪૦ વર્ષમાં હું પત્ની સાથે લગભગ આખું ભારત ફર્યો છું. વિદેશના પણ નેપાલ, ભુતાન, વિયેટનામ, અઝરબૈજાન, ફ્રાન્સ, સ્કૉટલૅન્ડ જેવા અનેક દેશો ફર્યો છું.’




ભુતાનના થિમ્ફુમાં.

આ શબ્દો છે બોરીવલીમાં રહેતા ૭૦ વર્ષના ડૉ. યોગેશ ગાંધીના. ડૉ. યોગેશ અને તેમનાં પત્ની ડૉ. પારુલ બન્ને જનરલ ફિઝિશ્યન છે અને પોતાનું ક્લિનિક ચલાવે છે. પતિ-પત્ની બન્નેને હરવાફરવાનો શોખ છે એટલે વર્ષમાં એકાદ-બે વાર તો તેઓ દેશ-વિદેશની ટ્રિપ કરે જ છે. ઘણી વાર બન્ને એકલાં જાય અને ઘણી વાર તેમનાં દીકરા અને વહુ સાથે જાય. ડૉ. યોગેશ અને ડૉ. પારુલનો દીકરો પ્રિયાંશુ અને તેનાં પત્ની અદિતિ બન્ને ડેન્ટિસ્ટ છે એટલે એક રીતે જોવા જઈએ તો યોગેશભાઈનો આખો પરિવાર ડૉક્ટર છે અને બધાને જ હરવાફરવાનો શોખ છે.


ફર્સ્ટ હનીમૂન ટ્રિપ

યોગશભાઈ અને પારુલબહેનનાં લગ્નને ૪૦ વર્ષ થઈ ગયાં છે. તેઓ લગ્ન પછીની તેમની પહેલી હનીમૂન ટ્રિપ વિશે વાત કરતાં કહે છે, ‘અમે મૈસૂર, ઊટી, કોડાઇકેનાલ, રામેશ્વરમ, પૉન્ડિચેરી, કન્યાકુમારી, મહાબલીપુરમ વગેરે જગ્યાએ ફરેલાં. મને કોડાઇકેનાલ બહુ ગમેલું. ત્યાંનું સ્ટાર શેપનું કોડાઇ લેક ખૂબ ગમ્યું. આસપાસનું આહલાદક વાર્તાવરણ અને એમાંય જીવનસાથી સાથે ફરવાની જે મજા છે એ અલગ છે. પૉન્ડિચેરી પણ અમને ગમેલું. ત્યાંના સમુદ્રકિનારાઓ અકદમ શાંત અને નયનરમ્ય હતા. ઑરોબિન્દો આશ્રમ પણ જોયેલો, જેની મુલાકાત લેવા ભારતીયો કરતાં વધુ વિદેશીઓ આવે છે. કન્યાકુમારીમાં જ્યાં બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રનો સંગમ થાય એ જોવા જેવો છે. દરિયાનાં પાણીના ત્રણ અલગ-અલગ રંગ જોવા મળે. વિવેકાનંદ રૉક મેમોરિયલનું જે ભવ્ય સ્મારક છે એ પણ જોઈને અભિભૂત થઈ જવાય એવું છે. ત્યાં પહોંચવા માટે બોટમાં બેસીને જવું પડે. મહાબલીપુરમના સમુદ્રકિનારે આવેલાં તટ મંદિરોની દ્ર​વિડિયન શૈલીની વાસ્તુકલા પણ ખૂબ જ ધ્યાનાકર્ષક છે.’

લદ્દાખની નુબ્રા વૅલી.

દીકરા સાથે ટ્રિપ કરી

ઘણાં દંપતી બાળકના જન્મ પછી હરવાફરવામાં થોડો બ્રેક લઈ લેતાં હોય છે. જોકે યોગેશભાઈ અને પારુલબહેને એવું કર્યું નહીં. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું અને મારાં પત્ની અમે બન્ને ડૉક્ટર છીએ એટલે બાળકને કોઈ તકલીફ થાય તો કઈ રીતે મૅનેજ કરવાનું એ અમને ખબર હતી. એટલે બાળક થયા પછી અમે ટ્રિપ પર જવાનું બંધ ન કર્યું, ઊલટાનું બાળકને અમારી સાથે બધી જગ્યાએ ફરાવવાનું અને નવા અનુભવો આપવાનું શરૂ કર્યું. અમારો દીકરો છ મહિનાનો થયો ત્યારે તેને લઈને અમે પહેલી ટ્રિપ ખંડાલા કરી હતી. એ બે વર્ષનો થયો ત્યારે તેને લઈને મધ્ય પ્રદેશમાં આવેલા પચમઢી હિલ-સ્ટેશનમાં ફરવા ગયેલાં. એ સમયે પ્રવાસીઓમાં આ જગ્યા એટલી પ્રસિદ્ધ નહોતી પણ ત્યાંની જે કુદરતી સુંદરતા છે એ જોયા પછી મેં મારા ઘણા મિત્રોને આ સ્થળની મુલાકાત લેવાની ભલામણ કરેલી. દીકરો મોટો થતો ગયો એમ ફરવા જવાની મજા માણતો થતો ગયો. મારો દીકરો પાંચ વર્ષનો થયો ત્યારની આ વાત છે. એ સમયે અમે શિમલા-મનાલીની ટૂર પર ગયા હતા. વચ્ચે પંચકૂલામાં આવેલા ઐતિહાસિક ​પિંજોર ગાર્ડનમાં ફરવા માટે ગયેલાં. અહીં પીંજરાંમાં વાંદરાઓ હતા. વાંદરાને પેરુ ખવડાવવા માટે મારો દીકરો ગયો ત્યાં વાંદરાએ તેની આંગળી ખેંચી લીધી. આંગળીમાં તેને ફ્રૅક્ચર આવી ગયું. અમે તેને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી, પણ આખી ટૂરમાં તેની આંગળી લટકતી જ હતી. ટૂર ખતમ થઈ પછી મુંબઈ આવીને સર્જરીથી તેની આંગળી જોડવી પડી હતી.’

હિમાચલ પ્રદેશના હિક્કિમમાં આવેલી વર્લ્ડની હાઇએસ્ટ 
પોસ્ટ-ઑફિસ.

ઓડિશા અન્ડરરેટેડ છે

આ દંપતી ભારતનાં લગભગ બધાં જ રાજ્ય ફર્યું છે, પણ તેમને ઓડિશા રાજ્ય ખૂબ ગમેલું. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ઓડિશામાં પ્રમાણમાં એટલા લોકો જતા નથી, પણ ત્યાં પણ ઘણી વસ્તુઓ જોવા જેવી છે. ઓડિશામાં આવેલા ચિલકા લેકમાં અમે ફેરી કરેલી ત્યારે પહેલી વાર ડૉલ્ફિન જોયેલી. હીરાકુંડ ડૅમ જોયેલો, જે દેશનો સૌથી લાંબો માટીનો ડૅમ છે. અહીં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરનું પણ જે નકશીકામ છે એ જોવા જેવું છે. ખાવા-પીવાનું પણ ત્યાં અમને બહુ ગમ્યું. જગન્નાથ મંદિરનાં દર્શન કરેલાં. ઓડિશામાં પુરી બીચ પણ ખૂબ સરસ છે. ઓડિશામાં ઐતિહાસિક મંદિરો અને નિસર્ગ બન્નેનો લહાવો મળે. અહીંનું ફૂડ પણ અમને ગમેલું. એ લોકોની દહીં-બૈંગન ડિશ હતી જેમાં લાંબાં રીંગણાં હોય એના પર દહીંનો વઘાર કરેલો હોય. એના નાના-નાના ગરમ રસગુલ્લા પણ સ્વાદમાં ટેસ્ટી હોય. ત્યાંના નારિયેળપાણીની પણ એક અલગ મીઠાશ હોય છે. એક વારમાં અમે એકસાથે બે-ત્રણ નારિયેળ પી જતાં. ઓડિશાના લોકો સ્વભાવમાં સરળ અને મહેનતુ હોય છે.’

સ્કૉટલૅન્ડ.

નૉર્થ ઈસ્ટની બ્યુટી

આ ડૉક્ટર દંપતી ભારતનાં નૉર્થ ઈસ્ટનાં રાજ્યોમાં પણ ફર્યું છે જે એના કુદરતી સૌંદર્ય માટે વખણાય છે. અહીં ફરવાનો તેમનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘મેઘાલયમાં વૃક્ષોનાં મૂળિયાંને ગૂંથીને એમાંથી બનાવેલા લિવિંગ રૂટ બ્રિજ જોવાની અલગ મજા છે. એશિયાનું સૌથી સ્વચ્છ ગામ મૉલિનૉન્ગ પણ અહીં આવેલું જ્યાં તમે જોશો તો તમને રસ્તા પર કચરાનો એક દાણો પણ નહીં મળે. અહીંની દાવકી નદીમાં બોટિંગ કરવાની પણ એક અલગ મજા છે, જેનું પાણી એટલું સ્વચ્છ છે કે તમે પાણીમાં બોટનો પડછાયો જોઈ શકો. આસામના કાઝીરંગા નૅશનલ પાર્કમાં ગેંડા જોવાની ખૂબ મજા આવી. ત્યાં અમે લગભગ ૪૦-૫૦ જેટલા ગેંડા જોયા હશે. એવી જ રીતે અરુણાચલ પ્રદેશમાં એક લેક છે. એ પણ ખૂબ જ સુંદર છે. એનું નામ અગાઉ તો કંઈક અલગ હતું, પણ ‘કોયલા’ ફિલ્મના શૂટિંગ પછીથી માધુરી દીક્ષિતના નામ પરથી એનું નામ માધુરી લેક પડી ગયું.’

ટાઇગર જોવાની ઇચ્છા પૂરી થઈ

યોગેશભાઈને જંગલ સફારીનો પણ ખૂબ શોખ છે. એ દરમિયાનનો એક અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘મેં દેશમાં અનેક જંગલ સફારીઓ કરી છે, પણ એક વાતનું દુઃખ રહ્યું કે મને વાઘ જોવાનો મોકો બહુ મોડો મળ્યો. ત્રણ વર્ષ પહેલાં મેં રણથંભોર નૅશનલ પાર્કમાં સફારી કરેલી. કોઈએ મને કહ્યું હતું કે ત્યાં તમને ચોક્કસ વાઘ જોવા મળશે. અમે ત્યાં બે સફારી લીધેલી, એક સવારની અને બીજી સાંજની. સવારની સફારીમાં તો વાઘ જોવાની ઇચ્છા પૂરી ન થઈ. સાંજની સફારીમાં પણ બે-અઢી કલાક અમે રખડ્યા તો પણ વાઘ દેખાયો નહીં. મને લાગ્યું કે આ સફારીમાં પણ વાઘ જોવાની મારી ઇચ્છા અધૂરી રહી જશે. જોકે સફારીનો સમય પૂરો થવાનો હતો ત્યાં જ અમારી જીપના ડ્રાઇવરને એક જગ્યાએ વાઘ હોવાનાં એંધાણ મળ્યાં. તે અમારી જીપને ત્યાં હંકારીને લઈ ગયો. અમે જોયું કે એક વિશાળ વાઘ વૃક્ષની નીચે લાંબો થઈને સૂઈ રહ્યો હતો. વાઘને જોયા પછી ખૂબ ખુશીની લાગણી થયેલી.’

હિમાલય પ્રત્યે આકર્ષણ

ડૉ. યોગેશ ગાંધીને હિમાલય પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મેં કાકા કાલેલકરનું ‘હિમાલયનો પ્રવાસ’ નામનું પુસ્તક વાંચેલું. એ પુસ્તક વાંચીને મને હિમાલય જોવાની તીવ્ર ઇચ્છા થયેલી. લેહથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધીનો હિમાલય મેં જોયેલો છે. કાકા કાલેલકરે તો પદયાત્રા કરીને હિમાલયને નજીકથી માણ્યો છે. તીર્થો, મઠો, પહાડો, સરોવરો, તારલાઓ વિશે રોચક વાતો લખી છે. એ તો સંત માણસ હતા એટલે તેમણે જે દૃષ્ટિએ હિમાલયને માણ્યો એ આપણે ન માણી શકીએ. જોકે તેમ છતાં શાંત અને રમણીય દૂધ જેવો પર્વત જોવો ગમે, માણવો ગમે અને એના સાંનિધ્યમાં રહેવું ગમે. સૂર્યનાં કિરણો અને ચાંદની રાતમાં એનું સૌદર્ય જોવું ગમે. એટલે એને બધી રીતે જોવો ગમે. મને નર્મદા પ્રત્યે પણ ખાસ લગાવ છે. અમૃતલાલ વેગડના નર્મદાપ્રવાસના લેખોની મેં આખી સિરીઝ વાંચી છે. નર્મદાપરિક્રમા કરવાની ઇચ્છા છે ખરી. મારે હજી નર્મદાનું જે ઉદ્ગમસ્થાન છે એ અમરકંટકની મુલાકાત લેવાની પણ બાકી છે. હવે જ્યારે મેળ બેસશે ત્યારે ત્યાં જવાશે.’

મુશ્કેલીમાં મુકાયા

પ્રવાસ દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય એ‍વા અનુભવો પણ આ દંપતીને થયા છે. એ વિશે વાત કરતાં યોગેશભાઈ કહે છે, ‘અમે લેહ ટૂર પર હતાં. ટૂરનો અમારો છેલ્લો દિવસ હતો. આખી રાત વરસાદ ધોધમાર વરસ્યો, વીજળીનો ગડગડાટ સંભળાય. સવાર પડી ત્યારે ખબર પડી કે વાદળ ફાટ્યું છે. લેહની હાલત અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. મોબાઇલ ટાવર તૂટી પડેલા. ઍરપોર્ટના રનવે પર પણ કાદવ-કીચડ થઈ જતાં ફ્લાઇટ સર્વિસ બંધ થઈ ગઈ હતી. એ સમયે તો એવું લાગેલું કે ખબર નહીં અહીં કેટલા દિવસ ફસાયેલા રહીશું. બીજી બાજુ ઘરવાળા ચિંતામાં મુકાઈ ગયા. એ લોકો કૉન્ટૅક્ટ કરવાનો પ્રયત્ન કરે, પણ થાય નહીં. જોકે સદ્નસીબે બીજા દિવસે પરિસ્થિતિ નૉર્મલ થઈ ગઈ. યુદ્ધના ધોરણે પ્રશાસને કામ હાથમાં ધરીને સ્થિતિને થાળે પાડી. બીજા દિવસે જેવી ફ્લાઇટ ચાલુ થઈ એટલે અમે ટિકિટ બુક કરાવીને ઘરે આવવા માટે રવાના થઈ ગયા. બીજો એક અનુભવ સ્પીતી વૅલીની ટૂરમાં થયેલો. અમે કારમાં ચંડીગઢથી નારકંડા જઈ રહ્યા હતા. વચ્ચે રસ્તામાં લૅન્ડસ્લાઇડ થઈ હોવાથી આગળનો રસ્તો બંધ થઈ ગયેલો એટલે અમારા ડ્રાઇવરે કોઈ નાના ગામમાં થઈને કાર ચલાવી. એમાં રસ્તો ઘાટવાળો, ચડાણવાળો અને એવો સાંકડો કે સામેથી કોઈ વાહન આવે તો કાર રોકવી પડે. પંદર કિલોમીટરનો એ રોડ કાપવો અઘરો થઈ પડેલો. ઉપરથી રાત થવા આવેલી છતાં ડેસ્ટિનેશન પર પહોંચ્યા નહોતા. એ અમારા માટે એક થ્રિલિંગ એક્સ્પીરિયન્સ હતો.’

ચલણી નોટોથી પ્રેરિત ટ્રિપ્સ

યોગેશભાઈનું એવું છે કે કોઈ સ્થળ વિશે તેમણે સાંભળી લીધું હોય કે ચિત્ર જોઈ લીધું હોય અને એમાં રસ પડ્યો હોય તો એને જોવા માટે પણ તેઓ ત્યાં પહોંચી જાય. એના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આપણી જે નવી ચલણી નોટો છે એમાં પચાસની નોટ પાછળ હમ્પીનું ચિત્ર છે. કર્ણાટકમાં આવેલી આ વર્લ્ડ હેરિટેજ સાઇટ મેં જોઈ નહોતી. એવી જ રીતે ૧૦૦ની નોટ પાછળ પાટણની ઐતિહાસિક રાણી કી વાવ છે અને ૨૦ રૂપિયાની નોટ પાછળ ઇલોરાની ગુફાઓ છે, જે મેં જોઈ નહોતી. ચલણી નોટ પાછળ ચિત્ર જોઈને એના વિશે વધુ જાણવાની અને જોવાની ઇચ્છા થઈ. એટલે એ જોવા માટે હું ખાસ ત્યાં ગયો હતો. હું દિવાળીમાં પણ ફરવા જાઉં છું, કારણ કે મને એ જાણવાની ઉત્સુકતા હતી કે દેશનાં વિવિધ શહેરોમાં કઈ રીતે એની ઉજવણી થાય છે, કેવી મીઠાઈઓ-ફરસાણ ખવાય છે. હું જબલપુર, ચંડીગઢ, જોધપુર વગેરેમાં દિવાળી સમયે ફર્યો છું. મને ચોમાસાની ઋતુમાં ઝરણાં જોવાં પણ ખૂબ ગમે. એટલે મેં દૂધસાગર ધોધ, રિવર્સ ધોધ, ધુઆંધાર ધોધ જોવા માટે ખાસ ટ્રિપ કરી છે.’

વિદેશમાં ફરવાનો અનુભવ


યોગેશભાઈએ વિદેશપ્રવાસની શરૂઆત પંચાવન વર્ષની ઉંમર પછી કરી હતી. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારી પાસે પાસપોર્ટ તો વર્ષોથી હતો પણ વિદેશ જવાનું શક્ય બની રહ્યું નહોતું. મારા માથે જવાબદારીઓ પણ ઘણી હતી. મારું પોતાનું ક્લિનિક, ઘર, કાર બધું જ લોન લઈને વસાવેલું હતું. દીકરો મોટો થયો એટલે તેનો ભણવાનો ખર્ચો, તેનું કિલનિક સેટ કરવાનું એ બધું હતું. એટલે જ્યારે બધી જવાબદારીઓ પતી ગઈ એ પછી મેં ફૅ​મિલી સાથે વિદેશપ્રવાસ કરવાનું શરૂ કર્યું.’  વિદેશમાં ફરવાના અનુભવ વિશે વાત કરતાં યોગેશભાઈ કહે છે, ‘મારો પહેલો વિદેશપ્રવાસ નેપાલનો હતો. પોખરાની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણ વચ્ચે અહીં આવેલાં અનેક તળાવોમાં બોટિંગ કરવાની એક અલગ મજા છે. અહીં આવેલા ચિતવન નૅશનલ પાર્કમાં મેં પહેલી વાર એક શિંગડાવાળા ગેંડા જોયેલા. ભુતાન પણ મને બહુ ગમેલું. અહીં પણ પ્રાકૃતિક સુંદરતા ઘણી છે. અહીંના લોકો મહેમાનગતિ ખૂબ સારી રીતે કરી જાણે છે. તેમનામાં શિસ્ત પણ ઘણી હોય છે. અહીં ટાઇગર નેસ્ટ નામની એક મોનેસ્ટરી છે જ્યાં ટ્રેકિંગ કરીને જવું પડે. એ પણ એક જૂની અને સારી જોવા જેવી જગ્યા છે. ભુતાનમાં હા વૅલી છે એનાં કુદરતી દૃશ્યો મંત્રમુગ્ધ કરી દે એવાં છે. વિયેટનામમાં પણ અમારો સારો અનુભવ રહ્યો છે. એ લોકો ભારતીયોને ખૂબ આદર આપે. અહીં પહાડો પર પહોંચવા માટેની એવી સગવડ છે એટલે કે રોપવે, કેબલ કાર હોય કે તમારે ટ્રેકિંગ ન કરવું પડે. બધી જગ્યાએ ચોખ્ખાઈ પણ એટલી જ છે. અહીં હા લૉન્ગ બે નામની એક સુંદર ખાડી છે જે એના અનોખા હજારો ચૂનાના પથ્થરોની ચટ્ટાનો માટે ઓળખાય છે. હા લૉન્ગ બેમાં ફરવા માટે ક્રૂઝમાં સફર કરવાની હોય છે. એમાં વચ્ચે-વચ્ચે તમને કેવ્ઝ જોવા લઈ જાય, કાયાકિંગ કરાવે. નેધરલૅન્ડ્સના ટ્યુલિપ ગાર્ડનમાં એકસાથે હજારો રંગબેરંગી ફ્લાવર્સ જોવાની પણ એક અલગ મજા છે જ્યાં ‘સિલસિલા’ ફિલ્મનું શૂટિંગ પણ થયેલું છે. આ ગાર્ડન એટલું સુંદર અને મોટું છે કે ફરવા માટે ત્રણ-ચાર કલાક પણ ઓછા પડે. સ્કૉટલૅન્ડ અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. ઊંચી પહાડીઓ, હરેલાંભરેલાં મેદાન, આકર્ષક સરોવરોનાં મનોહર દૃશ્યો જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય. એવી જ રીતે એક શહેર તરીકે લંડન પણ બહુ સારું છે. અહીંનાં લંડન આઇ, મૅડમ ટુસૉ મ્યુઝિયમ, લંડન બ્રિજ જોવાં ગમે.’

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2025 03:08 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK