પિન્ક સૉલ્ટ, રૉક સૉલ્ટ વગેરેના રવાડે ચડ્યા હો તો તમે ખોટા માર્ગે છો
આયોડીનયુક્ત સફેદ મીઠું જ બેસ્ટ છે
સફેદ મીઠું હેલ્ધી નથી એમ માનીને એનું પ્રમાણ ઘટાડવાને બદલે તમે એને પિન્ક સૉલ્ટ કે સિંધવ કે રૉક સૉલ્ટ સાથે રિપ્લેસ કરવા માગો છો તો આ નિર્ણય ખોટો છે. મીઠું કોઈ પણ વાપરો, ખાસ ફરક નથી. મહત્ત્વનું એ છે કે એમાં આયોડીન હોવું જોઈએ. સફેદ સિવાયના તમામ વૈકલ્પિક નમકમાં આયોડીન નથી હોતું
એક કિલો સફેદ મીઠું ૨૮ રૂપિયાનું આવે અને એક કિલો હિમાલયન પિન્ક સૉલ્ટ ૧૨૮ રૂપિયાનું. એમાં પણ જો ઑર્ગેનિક હોય તો એનાથી પણ મોંઘું આવે. શું એનો અર્થ થાય કે એ ખૂબ સારી ક્વૉલિટીનું હોય?
ADVERTISEMENT
આપણી ભારતીય પરંપરામાં તો ઉપવાસમાં સિંધવ મીઠું જ ખવાય. ઉપવાસમાં જો સિંધવ ખવાતું હોય તો એનો અર્થ એ કે એ મીઠું જ વધુ સારું હોય. તો-તો દરરોજ એ જ મીઠું ખાવું જોઈએને?
દાદી કહેતાં હતાં કે પહેલાંના સમયમાં તો તે મીઠાના ગાંગડા જ ઘરે લાવતાં અને એને ઘરે જાતે પીસીને મીઠું ખાતા. આપણા વડવાઓ પાસે ખાનપાનની જે સમજ હતી એ એકદમ સાચી સમજ હતી. તો શું આપણે પણ પૅકેટનું મીઠું ખાવાને બદલે મીઠાના ગાંગડા જ લઈ આવીએ?
મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે એટલે મીઠાની જગ્યાએ સંચળ વાપરીએ તો કેવું? માર્કેટમાં ઓછું ખારું મીઠું પણ મળવા લાગ્યું છે, એ શું વધુ હેલ્ધી ગણાય?
પિન્ક સૉલ્ટ
મીઠાને લઈને ઘણી જુદી-જુદી માન્યતા લોકો ધરાવે છે. હેલ્ધી રહેવું હોય તો ત્રણ વસ્તુનો જે ત્યાગ કહેવામાં આવ્યો છે એમાં મીઠું સર્વોપરી છે. લોકો મીઠું છોડી તો શકતા નથી એટલે એને રિપ્લેસ કરવાનું વિચારે છે. આ રીતે તેમને લાગે છે કે તેમણે ઘણું સારું કામ કર્યું. મીઠાના ઘણા પ્રકાર છે. સફેદ મીઠું (આયોડીનયુક્ત અથવા આયોડીન વગરનું), પિન્ક સૉલ્ટ, રૉક સૉલ્ટ, ઓછા સોડિયમવાળું સૉલ્ટ, સિંધવ, સંચળ વગેરે. આ તો થોડા જાણીતા પ્રકાર છે. ઓછા જાણીતા પ્રકારો પણ હોય જ છે. જો તમે પણ સફેદ મીઠાને અનહેલ્ધી અને બીજા મીઠાના પ્રકારને હેલ્ધી માનતા હો તો આ લેખ તમારા માટે છે. ડૉક્ટર્સનું એવું માનવું છે કે સફેદ આયોડીનયુક્ત મીઠું સદંતર બંધ કરીને તમે એની જગ્યાએ બીજું મીઠું વાપરો એ બિલકુલ યોગ્ય નિર્ણય નથી. આવું કેમ એ આજે સમજવાનો પ્રયાસ કરીએ.
રૉક સૉલ્ટ
આયોડીનની ઊણપ
ભારતમાં પહેલાં જે સફેદ મીઠું ખવાતું હતું એ આયોડીનવાળું નહોતું, પરંતુ આયોડીનની ઊણપને કારણે ગૉઇટર જેવા રોગોનું પ્રમાણ વધ્યું હતું એ વાત જણાવતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એ સમયે ધ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા બજારમાં વેચાતું મીઠું ફરજિયાત આયોડીનયુક્ત જ હોવું જોઈએ એ નિયમ લાવી જેને લીધે ભારતભરમાં ગૉઇટરના કેસ ઘટ્યા. એમ કહીએ કે લગભગ નાબૂદ થઈ ગયા. જે લોકો આયોડીનયુક્ત મીઠું સદંતર બંધ કરી દે છે તેમને આ રોગ થવાની શક્યતા છે એટલે સફેદ મીઠું હાનિકારક છે એમ સમજીને તમે એ લેવાનું સદંતર બંધ કરી દેશો તો આયોડીનની ઊણપનો શિકાર બનશો એ ધ્યાનમાં રાખો. ખાસ કરીને એક ગભર્વતી સ્ત્રીએ તો આયોડીનયુક્ત મીઠું જ ખાવું જોઈએ નહીંતર તેના ગર્ભસ્થ બાળકની હેલ્થ પર અસર થઈ શકે છે. એની ઊણપને કારણે માનસિક પ્રૉબ્લેમ્સ આવી શકે છે કારણ કે આયોડીન ગર્ભસ્થ શિશુના માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે.’
સિંધવ સૉલ્ટ
થાઇરૉઇડ સાથે સંબંધ
આયોડીનની અસર થાઇરૉઇડ પર પણ થાય છે કારણ કે થાઇરૉઇડ હૉર્મોનના નિર્માણ માટે આયોડીનની જરૂર પડે છે. આ વાત સ્પષ્ટ કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘થાઇરૉઇડ એક મુખ્ય હૉર્મોન છે. એના પર અસર થાય એટલે વ્યક્તિની ઓવરઑલ હૉર્મોનલ હેલ્થ પર અસર થાય છે. થાઇરૉઇડ તમારી ચયાપચયની પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમ પર અસર કરે છે. એ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે અત્યંત જરૂરી હૉર્મોન છે. એને કારણે વજન વધે છે અને એ આડકતરી રીતે ઇન્સ્યુલિન હૉર્મોન પર પણ અસર કરે છે. આમ એક વખત થાઇરૉઇડનું લેવલ ઘટે તો સમસ્યા લંબાય. એટલે અચાનક જ મીઠું સાવ બંધ કરી દેવાની કે એને રિપ્લેસ કરવાની ભૂલ ન કરવી. જે વ્યક્તિને આયોડીનની ઊણપ થઈ તેને ગૉઇટર, હાઇપોથાઇરૉડિઝમ, પાચનની સમસ્યા, ઇમ્યુનિટી ઓછી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાઇપોથાઇરૉડિઝમ મોટા ભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.’
પ્રોસેસ્ડ મીઠું
કુદરતી રીતે મળતા મીઠામાં આયોડીન હોતું જ નથી. એને ફૅક્ટરીમાં લઈ જઈ, પ્રોસેસ કરીને એમાં આયોડીન ઉમેરવામાં આવે છે. એ સ્પષ્ટતા કરતાં ડૉ સુશીલ શાહ કહે છે, ‘મીઠાના ગાંગડાને સાફ કરીને, એમાંથી અશુદ્ધિઓ દૂર કરીને, એને બ્લીચિંગ પ્રોસેસ દ્વારા સફેદ બનાવીને, એમાં આયોડીન ભેળવીને વેચવામાં આવે છે. તેથી કોઈને એમ લાગે કે એ કુદરતી તો નથી. પણ જે વસ્તુ કુદરતી રીતે આપણને મળતી ન હોય એને કોઈ ને કોઈ રીતે શરીરમાં પૂરી માત્રામાં પહોંચાડવી પણ જરૂરી જ છે. બજારમાં મળતું પૅકેટનું સફેદ મીઠું ૧૦૦ ટકા નૅચરલ નથી પરંતુ એ જરૂરી છે. તમે એ સફેદ મીઠું ન ખાઈને બીજું કોઈ મીઠું ખાતા હો તો એક વાર ચકાસી તો લેવું જ કે એમાં આયોડીન છે કે નહીં.’
મિનરલ્સ છે, પણ નહીંવત્
બીજા પ્રકારનાં જે સૉલ્ટ છે એની જાહેરખબર તમે જોઈ હોય તો એમાં કહેવામાં આવે છે કે એમાં મિનરલ્સ છે. મૅગ્નેશિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ જેવાં મિનરલ્સ આ મીઠામાં મળી રહેશે. આ મિનરલ્સની લાલચમાં આ સૉલ્ટ ખાવાની જરૂર નથી એ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘એક તો મીઠું ખૂબ જ ઓછા પ્રમાણમાં ખવાતું હોય છે. ખૂબ ખાઓ તો એ કોઈ પણ પ્રકારનું મીઠું હોય, નુકસાન તો કરે જ. આખા દિવસનું ૧૦ ગ્રામ મીઠું પણ તમે ખાતા હો તો એમાંથી જેટલા પ્રમાણમાં મિનરલ્સ મળે એના ઘણા વધુ પ્રમાણમાં ફળોમાંથી એ મળી રહે છે. એટલે મિનરલ્સ માટે મીઠું ખાવાની જરૂર જ નથી. તમે દરરોજ જે નિયત માત્રામાં મીઠું ખાશો એમાંથી એકદમ નગણ્ય માત્રામાં મિનરલ્સ મળશે. એટલે હેલ્ધી કે ફાયદેમંદ ઑપ્શન સમજીને મીઠું બદલાવવાની જરૂર નથી.’
આ ઉપરાંત જો જોવા જઈએ તો દરેક પ્રકારના મીઠામાં સોડિયમનું પ્રમાણ સરખું જ હોય છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ. જુદા-જુદા પ્રકારમાં પણ ૯૭-૯૯ ટકા સોડિયમ ક્લોરાઇડ હોય જ છે. એનો અર્થ એ કે જો તમે સોડિયમ ઓછું કરવા માટે મીઠું બદલવાના હો તો કઈ ખાસ લાભ નહીં થાય. એ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘બ્લડપ્રેશર વધુ હોય અને એના માટે મીઠું નડતું હોય તો એને બદલવાનું નથી, એનો ઇન્ટેક ઓછો કરવાનો છે એટલે કે મીઠાની ખોરાકમાં માત્રા ઘટાડવાની છે. કઈ રીતે ઇન્ટેક ઘટાડી શકાય એ સમજવાનું છે. ઘરનું ખાવાનું બંધ કરવાની જરૂર નથી, પ્રોસેસ્ડ ફૂડ બંધ કરો. ફરસાણ ખાવાનું બંધ કરો. પાપડ ખાવાનુ બંધ કરો. જમવામાં ઉપરથી મીઠું ખાવાનું બંધ કરો. આવા નાના-નાના બદલાવ લાવશો તો મોટાં પરિણામો મળશે.’
ઓછું ખારું?
પિન્ક સૉલ્ટ કે સંચળ હેલ્ધી છે એમ કહીને લોકો વાપરે છે, પરંતુ એની સાથે સંકળાયેલા પ્રૉબ્લેમ વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘એ ઓછું ખારું હોય છે જેને કારણે લોકો એનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે જે ઊલટું વધુ નુકસાનકારક છે. મીઠું ગમે તે હોય, એનો ઉપયોગ પ્રમાણસર જ કરવો જોઈએ. એની માત્રા વધારવાથી સોડિયમનું પ્રમાણ શરીરમાં વધી જાય અને એ નુકસાન કરે. સોડિયમનું પ્રમાણ જાળવવું પણ એટલું જ જરૂરી છે. ન એ વધવું જોઈએ કે ન ઘટવું જોઈએ.’
બીજું મીઠું ખાવું કે નહીં?
પણ ઘણા લોકોને બીજા મીઠાનો સ્વાદ ભાવતો હોય છે. વ્રત હોય ત્યારે સિંધવ જ ખાવું જરૂરી છે. તો ત્યારે શું કરવું એ બાબતે સ્પષ્ટતા કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘બીજું મીઠું ન ખાઓ એવો કોઈ નિયમ નથી; પણ આયોડીનયુક્ત મીઠું સાવ બંધ ન કરવું, ખાતા રહેવું. એવું હોય તો વાનગીઓ પ્રમાણે બદલાવ લાવી શકાય. ટેસ્ટ પ્રમાણે મીઠું બદલાવી શકો છો. બાકી મીઠું બધું એક જ છે એટલે ખાસ ફાયદો થવાનો નથી. આયોડીન નહીં લો તો નુકસાન થશે એટલે એ સદંતર બંધ ન કરવું.’
ભારતમાં લાવેલો બદલાવ
૧૯૫૦માં આયોડીનયુક્ત મીઠું ભારતમાં આવ્યું. ૧૯૬૨માં નૅશનલ ગૉઇટર કન્ટ્રોલ પ્રોગ્રામ શરૂ થયો જેમાં હિમાલય અને નૉર્થ ઈસ્ટ પ્રદેશમાં રહેતા લોકોને આ રોગથી બચાવવાની ઝુંબેશ શરૂ થઈ. ૧૯૮૪માં સરકાર દરેક ખાદ્ય મીઠાને આયોડીનયુક્ત બનાવવાની પૉલિસી લાવી જે સંપૂર્ણ રીતે ૧૯૯૨ સુધીમાં અમલમાં આવી. ૨૦૧૧માં ધ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ દ્વારા આયોડીન વગરના મીઠાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એ છતાં આયોડીન વગરનું મીઠું મળે જ છે.

