છેલ્લે એનો ભાવ ૨૪ કલાકના સમયગાળામાં ૬.૨૪ ટકાની વૃદ્ધિ સાથે ૧,૧૭,૭૭૫ ડૉલર ચાલી રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મોટી-મોટી કંપનીઓ અને રોકાણકારોએ કરેલી ખરીદી વચ્ચે બિટકૉઇનની માગણીમાં ઉછાળો આવ્યો હોવાથી આ જાણીતી ક્રિપ્ટોકરન્સીનો ભાવ શુક્રવારે સાંજ સુધીમાં ૧.૧૮ લાખ ડૉલરની વિક્રમી સપાટીએ જઈ આવ્યો હતો. છેલ્લે એનો ભાવ ૨૪ કલાકના સમયગાળામાં ૬.૨૪ ટકાની વૃદ્ધિ સાથે ૧,૧૭,૭૭૫ ડૉલર ચાલી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મુખ્ય કૉઇનના ભાવમાં મોટી વૃદ્ધિ થઈ છે. બિટકૉઇનનો ભાવ સાત દિવસમાં ૮.૯૦ ટકા વધ્યો છે. ઇથેરિયમ ૨૪ કલાકમાં ૭.૬૮ ટકા અને ૭ દિવસમાં ૧૮.૩૮ ટકા વધીને ૨૯૯૬ ડૉલર ચાલી રહ્યો છે. આ કૉઇન પણ શુક્રવારે ૩૦૦૦ ડૉલરની મહત્ત્વપૂર્ણ સપાટી વટાવી આવ્યો છે. XRP ૭ દિવસમાં ૨૪.૩૫ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૨.૭૫ ડૉલર અને ડોઝકૉઇન ૨૨.૮૩ ટકા વધારા સાથે ૦.૨૦ ડૉલર પહોંચી ગયો છે. સમગ્ર માર્કેટનું કૅપિટલાઇઝેશન ૬.૨૯ ટકા વધીને ૩.૬૮ ટ્રિલ્યન ડૉલર થયું છે.
વેબ3 ક્ષેત્રની કંપની 3.0 વર્સના 3.0 ટીવી પરથી પ્રસારિત કૉઇન મૉનિટર કાર્યક્રમમાં જણાવાયું છે કે કંપનીઓ અને બીજા રોકાણકારોએ સતત ખરીદી કરી હોવાથી બિટકૉઇનમાં નવી સપાટી જોવા મળી છે. વળી છેલ્લા એક મહિનામાં બિટકૉઇન એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)માં ૫.૨ અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે. કંપનીઓ મોટા પ્રમાણમાં બિટકૉઇન ખરીદી રહી છે. એક અંદાજ મુજબ વર્તમાન વર્ષના એપ્રિલથી જૂન સુધીના ગાળામાં કંપનીઓએ ૧,૬૦,૦૦૦ બિટકૉઇનની ખરીદી કરી છે. માઇનિંગ દ્વારા બજારમાં આવનારા લગભગ તમામ બિટકૉઇન ખરીદાયા હોવાનું આ આંકડા પરથી જોઈ શકાય છે. ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે બિટકૉઇન આ વર્ષના અંત સુધીમાં બે લાખ ડૉલરનો આંક આંબી જશે.

