ઍરપોર્ટ અને રેલવે-સ્ટેશન કેટલાં દૂર? સૌથી નજીકનું ઍરપોર્ટ, જયપુર ૩૩૫ કિલોમીટર, સૌથી નજીકનું રેલવે-સ્ટેશન, ઝાલાવાડ ૩ કિલોમીટર
ચંદ્રભાગા નદી
પશુઓ અને ખાસ કરીને ઊંટો માટે પ્રસિદ્ધ પુષ્કર મેળા જેવો જ એક મેળો કાર્તિકી પૂર્ણિમાએ યોજાય છે ઝાલાવાડમાં. અધ્યાત્મ, સંસ્કૃતિ અને વેપારના ત્રિવેણી સંગમ સમાન આ મેળાને લીધે ચંદ્રભાગા નદીનો કિનારો ત્રણ દિવસ માટે બની જાય છે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર, વેપારીઓનું પ્લૅટફૉર્મ અને પશુપ્રેમીઓનું ગમતું ડેસ્ટિનેશન
રાજસ્થાન એની શાહી પરંપરાઓ અને કિલ્લાઓ માટે પ્રખ્યાત છે અને એ અનેક વિશ્વપ્રસિદ્ધ મેળાઓનું પણ આયોજન કરે છે. અજમેરનો પુષ્કર મેળો તો જગવિખ્યાત છે જ, એ પછી ઝાલાવાડનો ચંદ્રભાગા મેળો પણ એક મોટા પશુમેળા તરીકે જાણીતો છે અને રાજસ્થાનના સૌથી લોકપ્રિય પરંપરાગત મેળાઓમાંનો એક ગણાય છે.
ઝાલાવાડ જિલ્લામાં ચંદ્રભાગા નદીના કિનારે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ચંદ્રભાગા મેળો યોજાય છે. આ મેળો રાજ્યના સૌથી પવિત્ર અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે જેમાં દેશભરમાંથી હજારો મુલાકાતીઓ, યાત્રાળુઓ અને વેપારીઓ આવે છે. ઝાલાવાડથી લગભગ છ કિલોમીટર દૂર ઝાલરાપાટનમાં યોજાતો આ મેળો એની પ્રાચીન પરંપરાઓ અને રિવાજોને કારણે પ્રવાસીઓને આકર્ષે છે. આ વર્ષે ચંદ્રભાગા મેળો ૪થી ૬ નવેમ્બર દરમિયાન યોજાવાનો છે.
ચંદ્રભાગા નદીના કિનારે યોજાતા આ ઉત્સવને અહીંના લોકો ખૂબ જ પવિત્ર માને છે. આ મેળા દરમિયાન દૂર-દૂરથી યાત્રાળુઓ ચંદ્રભાગા નદીમાં ડૂબકી લગાવવા માટે ભેગા થાય છે. કાર્તિક પૂર્ણિમાના પ્રસંગે તો અહીં ઊભા રહેવા માટે પૂરતી જગ્યા પણ નથી હોતી. માન્યતા એવી છે કે નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિ શુદ્ધ થાય છે અને તેનાં પાપો ધોવાઈ જાય છે.
ADVERTISEMENT
રાજસ્થાની સાંસ્કૃતિક કાર્યક્રમોથી ખીલી ઊઠે છે મેળો.
દીવાઓથી શોભે છે નદીકાંઠો
રાજ્યનો પર્યટન વિભાગ મેળાનું આકર્ષણ વધારવા માટે મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. મેળાના પહેલા ત્રણ દિવસ દરમિયાન, પરંપરાગત દીવા પ્રગટાવવાના સમારોહ, ભવ્ય શોભાયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ તેમ જ સાંસ્કૃતિક સાંજનું આયોજન કરવામાં આવે છે, જે રાજસ્થાનની સમૃદ્ધ લોકકલા અને પરંપરાઓને દર્શાવે છે. નદીકિનારે હજારો દીવા એકસાથે પ્રગટેલા જોવાનો લહાવો અનેરો હોય છે. મેળામાં એક ભવ્ય શોભાયાત્રા પણ નીકળે છે. સ્થાનિક લોકકલાકારોએ રાજસ્થાની સંગીત અને નૃત્ય (જેમ કે ઘૂમર) પર્ફોર્મ કરે છે.
ઘોડાની કિંમત ૫૦,૦૦૦થી ૨૦ લાખ સુધી
ચંદ્રભાગા મેળામાં ભારતીય અને વિદેશી જાતિના ઘોડા વેચાણ અને ખરીદી માટે લાવવામાં આવે છે. ઘોડાની કિંમત ૫૦,૦૦૦થી ૨૦ લાખ રૂપિયા સુધી રહેતી હોય છે. લગ્ન માટે પણ ઘોડા પૂરા પાડવામાં આવે છે. ઘોડાના વેપારીઓ અહીં કાઠિયાવાડી જાતિના ઘોડા ખરીદે છે અને લગ્નોમાં નિકાસી અને બિંદુરી માટે એમને સપ્લાય કરીને નફો કમાય છે. એવું માનવામાં આવે છે કે અહીં આવતા ઘોડાપ્રેમીઓ માટે પૈસાનું કોઈ મહત્ત્વ નથી, જો તેમને તેમની પસંદગીનો ઘોડો મળે તો તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે.
સ્થાનિક વેપારીઓ કહે છે કે ‘ચંદ્રભાગા મેળામાં ઘોડાઓનો મોટા પાયે વેપાર થાય છે. જોકે કેટલાક લોકો અહીં ફક્ત સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જ ઘોડા લાવે છે. દૂર-દૂરથી ઘોડામાલિકો તેમના ઘોડા અહીં લાવે છે અને તેઓ એમને ખાસ કરીને સ્પર્ધાઓ માટે તૈયાર કરે છે. ઘણા લોકો એવા પણ છે જે ફક્ત શોખ માટે ઘોડા ઉછેરે છે, સુંદર દેખાવા અને તેઓ જ્યાં પણ જાય ત્યાં જીતવા માટે એમના પર ખૂબ ખર્ચ કરે છે.’
અધ્યાત્મ અવસર સાથે વેપારી મેળાવડો
ચંદ્રભાગા મેળો આધ્યાત્મિક આયોજન સાથે એક મોટો વેપારી અને સાંસ્કૃતિક મેળાવડો પણ છે. અહીં મોટો પશુમેળો પણ ભરાય છે જ્યાં વિવિધ પ્રદેશોમાંથી વેપારીઓ તેમની ગાયો, ભેંસો, બળદ, ઊંટ અને ઘોડા વેચાણ માટે લાવે છે. આ રાજસ્થાનના ગ્રામીણ અર્થતંત્રનો એક મહત્ત્વનો હિસ્સો છે. મેળાનો આ અવસર ધાર્મિક શ્રદ્ધા, પરંપરા અને વેપારને એકસાથે લાવીને રાજસ્થાનની અનોખી સંસ્કૃતિની ઝલક આપે છે. આ મેળાનો વિદેશી મહેમાનો પણ ભરપૂર આનંદ માણતા હોય છે અને આ સમય દરમિયાન ટૂરિઝમ પણ વધતું હોય છે.
આ ઉત્સવમાં પશુમેળાનું આયોજન જિલ્લા પ્રશાસન અને પશુપાલન વિભાગ દ્વારા થાય છે જેમાં દૂર-દૂરથી લોકો પશુ ખરીદવા આવે છે. પુષ્કરની જેમ આ મેળામાં પણ પ્રાણીઓનો સારો ભાવ મળે છે, જેના કારણે લોકો આ મેળાને ખરીદ-વેચાણ માટે પસંદ કરે છે. ઊંટ અને ઘોડા ઉપરાંત ગાય, બળદ અને અન્ય પ્રાણીઓ પણ અહીં વેચાય છે.

શું ખાસ છે આ વર્ષના આયોજનમાં?
આ વર્ષના ચંદ્રભાગા મેળાની શરૂઆત ૪ નવેમ્બરે બપોરે ૩.૩૦ વાગ્યે પરંપરાગત શોભાયાત્રાથી થશે. સાંજે ચંદ્રભાગા નદીકાંઠે મહાઆરતી અને સામૂહિક દીપદાન અને એ પછી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મેળા ઉત્સવના ત્રણેય દિવસે સાંજે લોકકલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે.
પાંચ નવેમ્બરે ઝાલાવાડમાં એક રૅલી યોજાશે અને મેળાના સ્થળે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે. આ સ્પર્ધાઓમાં પશુઓ માટેની સ્પર્ધા હશે, એ ઉપરાંત વિશિષ્ટ મૂછો માટે, વિશિષ્ટ સાફા માટે, રંગોળી અને મેંદી માટેની સ્પર્ધાઓ પણ યોજાશે. આ જ દિવસે સ્વસ્થ શિશુ પ્રતિયોગિતા પણ યોજાશે.
૬ નવેમ્બરે મેળાના છેલ્લા દિવસે રસ્સીખેંચ, મ્યુઝિકલ ચૅર, રૂમાલ ઝપ્પટા સહિતની વિવિધ ખેલકૂદ સ્પર્ધાઓનું આયોજન થશે. પશુઓ માટેની વિશિષ્ટ પ્રતિયોગિતાઓ પણ યોજાશે. કિચન ક્વીન કૉમ્પિટિશન પણ આ જ દિવસે થશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંતિમ દિવસે રાજસ્થાની ફોક ફ્યુઝન મ્યુઝિક રજૂ કરવામાં આવશે.
ફેમસ છે ઍનિમલ બ્યુટી પાર્લર
ઊંટ અને ઘોડા બજાર ઉપરાંત ચંદ્રભાગા મેળામાં બીજી એક વિશેષ બજાર પણ ભરાય છે જે લોકોમાં ‘ઍનિમલ બ્યુટી પાર્લર’ તરીકે ઓળખાય છે. આ દુકાનોમાં ઊંટ અને ઘોડાઓને સજાવવા માટેની જાતભાતની બ્યુટી પ્રોડક્ટ્સ વેચાય છે. આ બજારમાં ગાય અને બળદને સજાવવા માટે પણ સામગ્રી મળી રહે છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના પશુપાલકો અહીં ખાસ આવે છે અને તેમનાં પ્રાણીઓના સાજશણગાર માટેની સામગ્રી લઈ જાય છે. મેળામાં દુકાનદારો સારોએવો નફો કમાય છે.
ત્રણ દિવસ મેળાની દેખરેખ જિલ્લા પ્રશાસન રાખે છે, એ પછી મેળાની દેખરેખનું કામ ઝાલાવાડ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સોંપવામાં આવે છે જ્યાં મનોરંજન માટેની વિવિધ સુવિધાઓ અને જુદી-જુદી સામગ્રી વેચતી દુકાનો શરૂ થાય છે જે એક મહિનાથી વધુ સમય સુધી ચાલે છે.

પરંપરાગત દીવા પ્રગટાવવાનો ઉત્સવ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
ઘોડાઓ માટેની સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર
આ મેળામાં પશુઓ માટેની ખાસ સ્પર્ધાઓ યોજાય છે જેમાં ઘોડાઓ માટેની સ્પર્ધા પર લોકોનું સૌથી વધારે આકર્ષણ હોય છે. આ સ્પર્ધામાં કેટલાક ઘોડાઓ જ ભાગ લે છે. શ્રેષ્ઠ ઘોડાનું મૂલ્યાંકન વિવિધ માપદંડોના આધારે કરવામાં આવે છે જેમાં એમની ઉંમર, વજન અને જાતિનો સમાવેશ થાય છે. ઘોડાની ગતિ પણ ચકાસવામાં આવે છે. આ બધાં પરિબળોના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે.


