અમદાવાદ સાઇબર ક્રાઇમે બે આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી લીધા, તેમના અકાઉન્ટમાંથી મળી ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુની રકમ
આરોપી સુમેરસિંહ મીણા અને આકાશ મીણાને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધા હતા.
RE-નૅશનલ એલિજિબિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરનાર બે આરોપી સુમેરસિંહ મીણા અને આકાશ મીણાને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધા હતા. RE-NEETના નામે કૌભાંડ આચરીને આરોપીઓએ ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીને છેતર્યા છે. આરોપીઓના અકાઉન્ટમાંથી ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી છે.
અમદાવાદના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ) શરદ સિંઘલે કહ્યું હતું કે ‘આરોપીઓ ટેલિગ્રામ અને અલગ-અલગ સોશ્યલ મીડિયા મારફત એવું પ્રોજેક્શન કરતા હતા કે તેમની પાસે RE-NEETનું પેપર છે. આવી પોસ્ટ, મેસેજ પ્રસારિત કરીને પરીક્ષા સંબંધી ખોટાં અને ભ્રામક પ્રલોભનો આપીને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષવાનો પ્રયાસ કરતા હતા અને રૂપિયા મેળવવામાં આવતા હતા. આ કેસમાં તપાસ હાથ ધરીને રાજસ્થાનના જયપુરમાંથી સુમેરસિંહ મીણા અને રાજસ્થાનના કોટામાંથી આકાશ મીણાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીઓ ૮ ટેલિગ્રામ ચૅનલ ચલાવી કૌભાંડ આચરતા હતા. અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ લોકોને છેતર્યા છે અને તેમના અકાઉન્ટમાંથી ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છે. તપાસમાં એવુ પણ જાણવા મળ્યું છે કે આ આરોપીઓએ અલગ-અલગ ૪૪ વેબસાઇટ બનાવી છે જેનો ઉપયોગ ગેમિંગ, બેટિંગ અને સટ્ટા તથા સાઇબર ફ્રૉડની પ્રવૃત્તિમાં થાય છે.’
