વિક્રોલી ફ્લાયઓવર ઊતરતી વખતે બન્યો હતો બનાવઃ મિત્રની મદદ ન કરનારની ધરપકડ, કન્ટેનરનો ડ્રાઇવર ફરાર
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં હાઇવે પર રવિવારે વહેલી સવારે ચિંચબંદરમાં રહેતા ૪૬ વર્ષના દિનેશ અંજારાનું રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. આ મામલે પંતનગર પોલીસે ગઈ કાલે દિનેશના મિત્ર વિવેક જાધવ અને કન્ટેનરના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ મિત્રતાના નામે કલંક છે. સેન્ટ જ્યૉર્જ હોસ્પિટલના વૉર્ડબૉય દિનેશનો અકસ્માત થયા બાદ તેને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે વિવેક ત્યાંથી સ્કૂટર લઈને નાસી ગયો હતો. જોકે પછીથી પોલીસે વિવેકની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે બન્ને મિત્ર સ્કૂટર પર રત્નાગિરિ જવા નીકળ્યા હતા, પરંતુ વિક્રોલી નજીક પ્લાન કૅન્સલ થતાં તેઓ પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.
દિનેશની પત્ની શું કહે છે?
દિનેશની પત્ની લક્ષ્મીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે સાડાઅગિયાર વાગ્યે દિનેશ વિવેકને મળવા જાઉં છું કહીને સ્કૂટર લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ રવિવારે સવારે પોલીસે મને દિનેશનો ઍક્સિડન્ટ થયો હોવાની જાણ કરી એટલે હું તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલ પહોંચી ત્યારે મને જાણ થઈ કે દિનેશ તેના મિત્ર વિવેક સાથે સ્કૂટર પર ઘરે પાછો આવતો હતો ત્યારે વિવેક સ્કૂટર ચલાવી રહ્યો હતો. વિક્રોલી ફ્લાય ઓવર ઊતરતી વખતે સ્કૂટર પર પાછળ બેઠેલા દિનેશે સંતુલન ગુમાવ્યું હતું અને તે ચાલતા સ્કૂટર પરથી રસ્તા પર પટકાયો હતો. એ વખતે પાછળથી આવી રહેલા એક કન્ટેનરનું ટાયર તેના કમરના ભાગ પરથી ફરી વળતાં તે ગંભીર રીતે જખમી થયો હતો. એ પછી તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત બાદ ગંભીર રીતે જખમી દિનેશને સારવારની સખત જરૂર હતી, પરંતુ સાથે રહેલા મિત્ર વિવેકે તેને હૉસ્પિટલ પહોંચાડવાનો કે અમને જાણ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. લોહીલુહાણ હાલતમાં પડેલા દિનેશને ઘટનાસ્થળે તડપતો છોડીને દિનેશની બાઇક લઈને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની માહિતી કન્ટ્રોલ રૂમ દ્વારા મળતાં અમારી ટીમ દિનેશને રાજાવાડી હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં અમે વિવેકની ધરપકડ કરી છે. પૂરપરછમાં વિવેકે અમને કહ્યું કે રાતે દિનેશે સ્કૂટર પર રત્નાગિરિ જવાની જીદ કરી હતી એટલે અમે સ્કૂટર પર રત્નાગિરિ જવા નીકળ્યા હતા, એ દરમ્યાન વિક્રોલી નજીક પહોંચતાં અમારો પ્લાન કૅન્સલ થઈ ગયો અને અમે પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે ઍક્સિડન્ટ થયો હતો. જોકે આ કેસમાં વિવેક અને કન્ટેનરના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી છે. વિવેકની ધરપકડ થઈ છે પણ કન્ટેનરના ડ્રાઇવરની શોધખોળ ચાલી રહી છે.’
