૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર દરમ્યાન થશે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન : કરમસદથી કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની પદયાત્રા
ફાઇલ તસવીર
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સરદાર પટેલે ૫૬૨થી વધુ રજવાડાંઓનું ભારતમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તેમના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી ગુજરાતના યુવાનો સહિત નાગરિકોને પરિચિત કરાવવાના તથા તેમના આદર્શો જન-જન સુધી પહોંચાડવાના હેતુથી સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ૧થી ૧૦ નવેમ્બર દરમ્યાન જિલ્લા સ્તરની પદયાત્રા યોજાશે અને ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સ્તરની પદયાત્રામાં દરરોજ આઠથી ૧૦ કિલોમીટર સુધીની ૩ દિવસની પદયાત્રા યોજાશે. એનું નેતૃત્વ રાજ્યના પ્રધાનો, સંસદસભ્ય અને વિધાનસભ્યો કરશે. આ માત્ર પદયાત્રા નહીં પરંતુ જનજાગરણનો મહાયજ્ઞ હશે. આ પદયાત્રાઓ લોકોનાં દિલોને જોડવાનું કામ કરશે.
ADVERTISEMENT
રાષ્ટ્રીય યાત્રા કરમસદથી કેવડિયા
રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી શરૂ કરીને એકતાના પ્રતીક સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની યોજાશે. આ રાષ્ટ્રીય પદયાત્રામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, ખેલાડીઓ, કલાકારો, મહાનુભાવો સહિત વિશિષ્ટ વ્યક્તિઓને જોડાવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ યાત્રામાં યંગ લીડર્સ પ્રોગ્રામમાંથી પસંદ થયેલા ૧૫૦ યુવા લીડર્સ અને દેશના દરેક જિલ્લામાંથી પસંદ થયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે.
ગુજરાતના દરેક જિલ્લામાં પદયાત્રા યોજાશે. એમાં સ્કૂલો–કૉલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો અને નાગરિકો જોડાશે. પદયાત્રા દરમ્યાન એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરવામાં આવશે.

