લાંબી તિરાડ પડી જતાં બ્રિજ લાંબો સમય બંધ રહે એવી શક્યતા : સતત ધમધમતો બ્રિજ સૂમસામ થઈ ગયો : પોલીસ-કમિશનર અને કૉર્પોરેશનના અધિકારીઓએ બ્રિજની કરી સમીક્ષા : સતત વાહનોથી ધમધમતા સુભાષ બ્રિજને તાકીદના ધોરણે બંધ કરાતાં ગંભીરા બ્રિજ જેવી ઘટના ટળી
બ્રિજ પર મોટી તિરાડ પડી છે ત્યાં જઈને અમદાવાદના પોલીસ-કમિશનર જી. એસ. મલિક તેમ જ અન્ય પોલીસ અને કૉર્પોરેશનના અધિકારીઓએ સમીક્ષા કરી હતી
૨૪ કલાક સતત ધમધમતા અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાની ઘટના ટૉક ઑફ ધ ટાઉન બની હતી. રોજ અસંખ્ય વાહનચાલકો અને રાહદારીઓ આ બ્રિજ પરથી પસાર થાય છે એ બ્રિજ પર તિરાડ પડતાં એને તાકીદના ધોરણે બંધ કરાતાં ગંભીરા બ્રિજ જેવી ઘટના ટળી છે. ગઈ કાલે સત્તાવાળાઓએ આ બ્રિજની મુલાકાત લીધી હતી અને કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય એ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્ત્વના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં સલામતીનાં કારણોસર ગુરુવારે સાંજે આ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી રોજ અંદાજે એક લાખ જેટલાં વાહનો પસાર થાય છે. પશ્ચિમ અમદાવાદમાંથી ઍરપોર્ટ, કાળુપુર રેલવે સ્ટેશન તેમ જ કોટ વિસ્તાર સહિત પૂર્વ વિસ્તારમાં જવા માટે સુભાષ બ્રિજ મહત્ત્વની કડીસમાન છે. જોકે તિરાડ પડ્યાની જાણ થતાં જ સત્તાવાળાઓએ બ્રિજને તાકીદે બંધ કરી દેતાં સંભવિત કોઈ મોટી ઘટના ટળી છે. શહેરના પોલીસ-કમિશનર જી. એસ. મલિક તેમ જ અન્ય પોલીસ-અધિકારીઓ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ બ્રિજ પર જઈને તિરાડનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે બોટમાં બેસીને બ્રિજની નીચેથી પણ તપાસ કરી હતી. સુભાષ બ્રિજ નીચે રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ સલામતીના કારણે બંધ કરાયો છે. બ્રિજમાં વચ્ચેનો ભાગ થોડો
ADVERTISEMENT
બેસી જતાં તેમ જ તિરાડ પડી ગઈ હોવાથી હાલ તો આ બ્રિજ લાંબો સમય સુધી બંધ રહે એવું જણાઈ રહ્યું છે. આ બ્રિજ બંધ થતાં અસંખ્ય વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે અને અન્ય વૈકલ્પિક રૂટ તેમ જ બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે.
સુરતમાં બ્રિજના પિલ્લરમાં દેખાયા સળિયા
અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડતાં એ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ગઈ કાલે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર બ્રિજના એક પિલ્લરમાં તિરાડ જોવા મળી હતી અને પિલ્લરમાં સળિયા બહાર દેખાયા હતા. બ્રિજના પિલ્લરમાં સળિયા દેખાતાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.


