સરકારે એક દિવસનો પગાર કાપી લેવાની ધમકી આપી હોવા છતાં શિક્ષકોએ હડતાળ પાડી, સ્કૂલો બંધ રહી
એઇડેડ સ્કૂલોના શિક્ષકોનો રાજ્ય સરકારની પૉલિસી સામે આક્રોશ
વીસથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલોને શિક્ષકોની ફાળવણી ન કરવાની રાજ્ય સરકારની સંચ માન્યતા તરીકે ઓળખાતી પૉલિસીના વિરોધમાં અને અન્ય માગણીઓ સાથે ગઈ કાલે રાજ્યની હજારો ગવર્નમેન્ટ-એઇડેડ સ્કૂલોનાં ૧૫ શિક્ષક યુનિયનો સાથે જોડાયેલા શિક્ષકોએ હડતાળ પાડી હતી અને રસ્તા પર ઊતર્યા હતા. સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે તેમને જો હડતાળ પાડશો તો એક દિવસનો પગાર કાપી લેવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપવા છતાં શિક્ષકોએ હડતાળ પાડી હતી. આ બાબતે શિક્ષકોનાં સંગઠનોએ ડેપ્યુટી મૅનેજર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને મળીને તેમને નિવેદન પણ આપ્યું હતું. જોકે મુંબઈ કરતાં મુંબઈની બહાર એની વધુ અસર જોવા મળી હતી.
શિક્ષક ભારતી સંગઠનના કાર્યાધ્યક્ષ સુભાષ સાવિત્રી કિસન મોરેએ કહ્યું હતું કે ‘શિક્ષણની ગુણવત્તા સુધારવા અને એઇડેડ સ્કૂલોને બચાવવા કરાયેલા આ આંદોલનની દખલ રાજ્ય સરકાર નહીં લે તો પછી અમારે ૮ નવેમ્બરથી શરૂ થતા વિધાનસભાના વિન્ટર સેશનમાં એની રજૂઆત કરવી પડશે. સરકારની આ વિવાદાસ્પદ પૉલિસીને કારણે ૨૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સ્કૂલો બંધ થઈ જશે અને અનેક શિક્ષકો નોકરી ગુમાવશે.’


