અકસ્માતગ્રસ્ત વિમાનનો વિડિયો લેનારો આ ૧૮ વર્ષનો આર્યન અસારી એક વર્ષે પણ એ ડરામણાં દૃશ્યો ભૂલી શક્યો નથી
અકસ્માતગ્રસ્ત વિમાનનો વિડિયો લેનારો ૧૮ વર્ષનો આર્યન અસારી
અમદાવાદના પ્લેન-ક્રૅશને ગઈ કાલે એક વર્ષ પૂરું થયું હતું. આ અકસ્માતમાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કરુણાંતિકા સાથે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ૧૮ વર્ષના યુવક આર્યન અસારીની જિંદગી પણ કાયમ માટે બદલાઈ ગઈ છે. આર્યન એ જ ટીનેજર છે જેણે અકસ્માત સમયે પોતાના મોબાઇલથી વિમાનની આખરી પળોનો વિડિયો આકસ્મિક રીતે કૅપ્ચર કર્યો હતો. એને કારણે તે સોશ્યલ મીડિયામાં અને પોતાના ગામમાં ‘ઍરોપ્લેન બૉય’ તરીકે જાણીતો બન્યો છે. જોકે આ લોકપ્રિયતા પાછળ ઊંડો માનસિક આઘાત છુપાયેલો છે.
ગયા વર્ષે ૨૦૨૫ની ૧૨ જૂને આર્યન તેના નિવૃત્ત આર્મી જવાન પિતા મગન અસારીને મળવા અમદાવાદના મેઘાણીનગર આવ્યો હતો. તેણે પહેલી વાર આટલી નજીકથી હવામાં નીચું ઊડી રહેલું વિમાન જોઈને ઉત્સાહમાં આવીને ગામના મિત્રોને બતાવવા વિડિયો-રેકૉર્ડિંગ શરૂ કર્યું; પરંતુ જોતજોતાંમાં બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર પ્લેન નીચે આવ્યું હતું અને આંખના પલકારામાં આગના વિશાળ ગોળામાં ફેરવાઈ ગયું હતું.
ADVERTISEMENT
આ ભયાનક અનુભવે આર્યનના મન પર એટલી ઊંડી છાપ છોડી છે કે તેણે હવે સ્માર્ટફોનથી પ્લેનના વિડિયો ઉતારવાનું જ બંધ કરી દીધું છે. તેની અંદર એક વિચિત્ર ડર ઘર કરી ગયો છે કે ‘જો હું કોઈ પ્લેનનો વિડિયો ઉતારીશ તો એ પણ ક્રૅશ થઈ જશે.’ હાલમાં જ બારમા ધોરણની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં પ્રવેશ મેળવી ચૂકેલો આર્યન ભવિષ્યમાં વિદેશ જવા તો ઇચ્છે છે, પરંતુ પ્લેનમાં બેસવાની તેની હિંમત ચાલતી નથી. લગ્નો કે જાહેર પ્રસંગોમાં લોકો તેને ઓળખીને ‘ઍરોપ્લેન બૉય’ કહીને બોલાવે છે ત્યારે તે શરમાળ સ્મિત આપે છે, પણ અંદરથી તે આજે પણ એ દૃશ્યથી ધ્રૂજી ઊઠે છે.
