ઘાટકોપરના ટ્યુશન-ટીચર કૌશલ ગડાની અકળ આત્મહત્યાથી કચ્છી જૈન સમાજ સ્તબ્ધ, ડિપ્રેશનમાં આ પગલું ભર્યું એ વાત તેના મિત્રો માની નથી શકતા
કૌશલ ગડા
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે ૪૧ વર્ષના કૌશલ ગડાએ આઠમા માળના પૅસેજની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. કૌશલની આત્મહત્યાથી પંતનગરના શંકર સદનમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કૌશલ ઘાટકોપરમાં પ્રાઇવેટ ટ્યુશન કરતો હતો અને માટુંગાની શિશુવન સ્કૂલમાં ભૂતકાળમાં ક્લાસ લેતો હતો. પંતનગર પોલીસની તપાસમાં હજી સુધી તેની આત્મહત્યાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી, પરંતુ તેના ફ્રેન્ડ-સર્કલમાંથી મળેલી માહિતી પ્રમાણે કૌશલ છેલ્લા ૬ મહિનાથી ડિપ્રેશનમાં હતો.
મૂળ કચ્છના નવાવાસ-દુર્ગાપુરનો ગડા પરિવાર કૌશલની આત્મહત્યાથી આઘાતમાં મુકાઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે ગડા પરિવાર પહેલાં લોઅર પરેલના ડિલાઇલ રોડ પર રહેતો હતો. કૌશલના પપ્પા વીરેન્દ્રભાઈ કપડાંનો બિઝનેસ કરતા હતા. વીરેન્દ્રભાઈને ત્રણ દીકરા હતા. તેમનું ફૅમિલી કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં પ્રખ્યાત છે. પરિવારમાં ખૂબ સંપ હતો, પરંતુ ૩ વર્ષ પહેલાં જગ્યાની ખેંચને લીધે કૌશલ પત્ની ઉર્વી અને દીકરી આરવી સાથે પંતનગરમાં રહેવા આવ્યો હતો. તેના મળતાવડા અને હસમુખા સ્વભાવને લીધે કૌશલ સોસાયટીમાં સૌના દિલમાં વસેલો હતો.
ADVERTISEMENT
આ બાબતે માહિતી આપતાં શંકર સદનના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપારે અમારી સોસાયટીનો વૉચમૅન સોસાયટીના પાછળના પરિસરમાં પેશાબ માટે ગયો ત્યારે તેણે કૌશલની લોહીથી લથબથ ડેડ-બૉડી જોઈ હતી. તેણે તરત જ સોસાયટીના ચૅરમૅન અને સેક્રેટરીને એની જાણ કરી હતી. ત્યાર પછી પંતનગર પોલીસે આવીને તેના પરિવારજનોને જાણ કરીને કૌશલની ડેડ-બૉડી રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા હતા.’
કૌશલના મિત્રો માટે કૌશલની આત્મહત્યા શૉકિંગ ન્યુઝ છે એમ જણાવતાં તેના એક મિત્રએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘અમને મિત્રોને જીવન કેમ જીવવું અને ક્યારેય નાસીપાસ થવું નહીં એવી હંમેશાં સલાહ આપનાર કૌશલ આત્મહત્યાનું પગલું ભરે એ માન્યામાં આવતું નથી. તે પહેલાં બોરીવલીમાં અને હમણાં ઘાટકોપરમાં ટ્યુશન લેતો હતો અને સાથે ઇન્શ્યૉરન્સનું કામ પણ કરતો હતો. તે વેલ-ટુ-ડૂ અને વેલ-સેટલ્ડ હતો. તેને કોઈ ટેન્શન હતું એવું અમે સાંભળ્યું નથી. જૉઇન્ટ ફૅમિલીમાં તે રહ્યો હતો.’
ગઈ કાલની બપોરની માહિતી આપતાં તેના મિત્રએ કહ્યું હતું કે ‘કૌશલને તેની દીકરી પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેનું ધ્યાન રાખી શકે એટલા માટે તે ઘરમાં જ પ્રાઇવેટ ટ્યુશન લેતો હતો. તે પ્રોફેસર હતો અને તેની પત્ની ચેમ્બુરની સ્કૂલમાં ટીચર હતી. બનાવના થોડા સમય પહેલાં જ તેની પત્નીએ તેને ફોન કરીને દીકરીને સ્કૂલમાંથી તેડવા જવા કહ્યું હતું, પણ કૌશલે બીમારીનું બહાનું કાઢીને જવાનો ઇનકાર કરી દીધો હતો અને પત્નીને દીકરીને તેડી આવવા કહ્યું હતું. ત્યાર પછી તે પૅસેજમાં જ આંટા મારતો હતો. તેની કામવાળી બાઈએ તેને ઘરમાં આવીને દીકરી આવે ત્યાં સુધી આરામ કરવા કહ્યું હતું, પણ તે થોડી વાર ઘરમાં જઈને પાછો પૅસેજમાં આંટા મારવા લાગ્યો હતો અને પળભરમાં જ આઠમા માળના પૅસેજની બારીમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.’
અમને તેની પાસેથી કે ઘરમાંથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી એમ જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને સોસાયટીમાંથી સમાચાર મળતાં અમે તરત ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પૂછપરછ કરતાં અમને જાણવા મળ્યું હતું કે કૌશલે સ્ટેરકેસની ખુલ્લી બારીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી, પરંતુ તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે કૌશલ એકદમ હોશિયાર અને બાહોશ માણસ હતો, પણ છેલ્લા ૬ મહિનાથી તે ડિપ્રેશનમાં હતો. અમે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.’
