બાપુનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થયા બાદ આવ્યો હશે કરુણ અંજામ
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના એક મકાનમાંથી મંગળવારે રાતે પતિ-પત્નીની લાશ મળી આવી હતી. પત્નીની લાશ રસોડામાં પડી હતી તો પતિનો મૃતદેહ રૂમમાં લટકી રહ્યો હતો. આ ઘટનામાં સંભવિત રીતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થયા બાદ કરુણ અંજામ આવ્યો હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસ-અધિકારી આર. ડી. ઓઝાએ મીડિયાને આ કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં મંગળવારે રાતે મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં ૪ વર્ષથી મૂળ બનાસકાંઠાના દાંતીવાડાના ભીમરાચલના વતની અને અહીં ભાડે રહેતા મેહુલ ઠાકોર અને તેનાં પત્ની નીતા તેમ જ નાનો ભાઈ રાહુલ રહેતાં હતાં. મંગળવારે રાતે રાહુલ ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો એટલે પાછળ જઈને જોયું તો પાછળનો દરવાજો પણ બંધ હતો. એટલે બારીમાંથી ઘરમાં જોતાં તેને ભાઈના પગ લટકતા જોવા મળ્યા હતા. તેણે તરત જ તેના મામાના દીકરાને બોલાવ્યા હતા. તે લોકોએ ભેગા થઈને દરવાજો તોડ્યો હતો. અંદર જઈને જોયું તો ભાઈએ સાડીથી ગળે ફાંસો ખાધો હતો અને રસોડામાં જોયું તો ભાભીની લાશ પડી હતી. તીક્ષ્ણ હથિયાર વડે તેમનું મોત નીપજાવ્યું હતું.’
ADVERTISEMENT
આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં પતિના શરીર પર ઈજાનાં નિશાન જોવા મળતાં એવી શક્યતા જોવાઈ રહી છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઈ હશે અને પતિએ પત્નીની હત્યા કરી હશે અને ત્યાર બાદ પતિએ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હશે.


